– ભગવાન થાવરાણી

ગાલિબના જાદૂમાંથી બહાર આવીને મારી પસંદગીના કેટલાક અન્ય શાયરો અને એમના શેરોની વાત કરીએ. જેમ કે ‘ બિસ્મિલ ‘ સઈદી.
એમના મને અત્યંત ગમતા આજના શેર બાબતે મને વર્ષો સુધી ખબર નહોતી કે આ શેર એમનો છે. રાજસ્થાનના ટોંક શહેરના આ શાયરના મહત્વનો અંદાજ એ વાત પરથી લગાવી લો કે એક વિદ્યાર્થીએ એમની કવિતાઓ પર રિસર્ચ કરીને પી.એચ.ડી. ની ઉપાધિ હાંસલ કરી છે ! એમના કૃતિત્વનો નમૂનો જૂઓ :
ખુશ્બૂ કો ફૈલને કા બહુત શૌક હૈ મગર
મુમકિન નહીં હવાઓં સે રિશ્તા કિયે બગૈર ..
પણ મને અત્યંત ગમતો એમનો આ શેર એટલો સરળ છે કે સીધો ભીતર ઊતરી જાય :
હમને કાંટોં કો ભી નરમી સે છુઆ હૈ લેકિન
લોગ બેદર્દ હૈં ફૂલોં કો મસલ દેતે હૈં ..
જ્યાં એક બાજુ ગાલિબ અને ઈકબાલ જેવા શાયરોના શેર, એમાના અઘરા શબ્દોના અર્થ જાણ્યા પછી પણ સમજવા મુશ્કેલ પડે ત્યાં આ બિલકુલ સીધી, પારદર્શક વાત !
કવિ અને કવિ-દિલ માણસની સંવેદનાઓ અતિ નાજુક હોય. એને તોળાય નહીં અને તોળો તો સોની-ત્રાજવાની જરુર પડે. એ લોકો દુષ્ટ સાથે પણ નાજુકાઈથી વર્તે, એની લુચ્ચાઈ જાણ્યા છતાં ! બીજા શબ્દોમાં, એ લોકો કાંટાઓને પણ પૂરી સલૂકાઈ અને ઇજ્જતથી સ્પર્શે છે, ક્યાંક ઈજા ન પહોંચી જાય એ સભાનતા સાથે. તો વળી બીજા લોકો ? કહો કે મોટા ભાગના દુનિયાદાર લોકો ? અચ્છા-અચ્છા સભ્ય લોકો પણ ફૂલો ( અર્થાત્ ફૂલોસમ લોકો ) સાથે એવો વ્યવહાર કરે છે કે કાંટા પણ શરમાઈ જાય !
હદ એ છે કે આવું વર્તન લગભગ સર્વ- સ્વીકાર્ય છે કારણ કે ‘ એવું ન કરીએ તો કોણ દાદ દે ‘ ?
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ !!સરસ.. ગુજરાતી માં તો આપને વાંચવાની ઔર મજા આવે…. ભલા હો… આપકા.
આભાર ઊર્મિલાબહેન !
ખુબ જ સરસ થાવરાણી સાહેબ.
આભાર પ્રીતિબહેન !