દત્તારામ – હમ આપકી મહેફિલમેં ભૂલે સે ચલે આયે

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર_ – જન્મ ૧૯૨૯ – અવસાન ૮ જૂન, ૨૦૦૭- ની હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે સૌથી મોટી ઓળખાણ તેમના તબલં કે ઢોલક પરના આગવા ‘દત્તુના ઠેકા’ માટે રહી. ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં હિદી ફિલ્મ સંગીતને ‘સુવર્ણ કાળ’ તરીકેની ઓળખ આપવામાં જે વાદ્યવાદકોનો સિંહફાળો રહ્યો છે તેવા એન દત્તા, જયદેવ, ગુલામ મોહમ્મદ, જી એસ કોહલી જેવા સ્વતંત્ર સંગીતકાર થયા છતાં પણ અપેક્ષિત સફળતા ન વરી એવી સહાયક સંગીતકારોની ક્લબમાં તેમનું સ્થાન પણ ઈતિહાસના પાને કોતરાઈ ગયું છે. બાળપણથી જ ઢોલક વાદક તરીકે તાલીમ પામેલ દત્તારામ, ઢોલક અને તબલા પરની નિપુણતા માટે તો જાણીતા હતા, પણ તેમની મહેનત અને શંકર (જયકિશન)ના તેમના માટેના લગાવને પરિણામે તેઓ એ સંગીત બેલડીનાં તાલ વાદ્ય વિભાગને સંભાળતા થયા. તેમાંથી તેઓ તેમના સહાયક સંગીતકાર પણ બન્યા અને ૧૯૫૭માં સ્વતંત્ર સંગીતકાર પણ બન્યા. તેઓને અન્ય સંગીતકારો પણ ઢોલક કે તબલાં માટે ખાસ બોલાવતા – જેમકે સારી સારી રાત તેરી યાદ સતાયે (કલ્યાણજી આણંદજી – અજી બસ સુક્રિયા (૧૯૫૮)); આજા રે પરદેશી, ઘડી ઘડી મેરા દિલ ધડકે અને સુહાના સફર યે મૌસમ હસીં(બધાં સલીલ ચૌધરી માટે મધુમતી (૧૯૫૮).

મોહમ્મદ રફી (જમણે) સાથે રીહર્સલ કરતા દત્તારામ (ડાબે)

જોકે, આપણી આ લેખમાળાનો ઉદ્દેશ્ય દત્તારામનાં સ્વતંત્ર સંગીતકાર તરીકેનાં કામને યાદ કરવાનો છે. આ સંદર્ભે આપણે જૂન ૨૦૧૮માં તેમણે સંગીતબધ્ધ કરેલી ૧૯૫૭થી ૧૯૫૯ સુધીની અને જૂન ૨૦૧૯માં ૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષોની ફિલ્મોનાં ઓછાં સાંભળવાં મળતાં ગીતોને યાદ કર્યાં હતાં. આજે ૧૯૬૨ અને ૧૯૬૩માં રજૂ થયેલી તેમની બે ફિલ્મોનાં બધાં ગીતોને ફરીથી સાંભળીશું. એ ગીતોમાં ઓછાં જાણીતાં ગીતો પણ છે અને ઠીક ઠીક જાણીતાં ગીતો પણ છે, ગીતોમાં ભાવ, ગીતની બાંધણી, પાર્શ્વ ગાયકો જેવાં જૂદાં જૂદાં પાસાંઓમાં દત્તારામની સંગીતપ્રતિભાને ન્યાય મળે એટલું વૈવિધ્ય પણ છે.

નીલી આંખેં (૧૯૬૨)

અજિત અને શકીલાની મુખ્ય ભૂમિકાવળી ફિલ્મ ‘નીલી આંખેં’ એક ‘રહસ્ય’ ફિલ્મ હતી. ડબલ રોલમાં અજિતની ભૂમિકા કારણે પ્રેક્ષકોએ ધારી લીધી હોય તેવી ઘટનાઓ સાથે આગળ વધતી વાર્તા, ઠીકઠાક અભિનય, બીનકલ્પનાશીલ દિગ્દર્શન જેવાં પાસાંઓના કોઠા પાર કરીને પ્રેક્ષક સિનેમા હૉલની બહર નીકળે ત્યારે તેને ફિલ્મમાંથી દત્તારામનાં ગીતો યાદ કરવા સિવાય બીજું કશું ઘર સુધી લઈ જવામં રસ ન રહ્યો હોય. આવી ફિલ્મોનેને કારણે અમુક અપવાદો સિવાય, સંગીતકારની મહેનત કે કળા પણ ગીતની આવરદા બહુ લંબાવી નથી શક્તી. તેમાંય સંગીતકાર પણ હજુ અસ્તિત્વ માટેના સંઘર્ષના તબક્કામાં હોય તો તેની કારકીર્દીને પારાવાર નુકસાન પણ થતું હોય છે, જાણે ફિલ્મને સફળતાનો ઊંબરો પાર કરાવવાની જવાબદારી એકલા સંગીતકારની જ કેમ ન હોય !

પંછી અબ તુ હૈ જાલ મેં – સુમન કલ્યાણપુર – ગીતકાર: ગુલશન બાવરા

હેલન પર ફિલ્માવાયેલું આ ગીત ક્લ્બમાં નૃત્યના પ્રકારોમાં આવતાં ગીતોની પ્રથામાં બન્યું છે. ગીતનો તાલ અને વાદ્ય સંગીત મુડ જમાવવાની કોશીશ કરે છે, પરંતુ ગીત પોતે જામતું નથી.

નઝરકા ઝુક જાના મોહબ્બત કી નિશાની હૈ – સુમન કલ્યાણપુર – ગીતકાર: ગુલશન બાવરા

આ ગીત પણ એક પાર્તી ગીતના પ્રકારનું જ છે. ગીતની લયની ઝડપ પણ ગીતનાં માધુર્યને ઝાંખપ નથૉ લગાવી શક્તી. ગીતમાં પ્રયોજાયેલ કાઉન્ટર મેલૉડીની વાદ્યસજ્જામાં દત્તારામે પિયાનો એક્ર્ડીયનન સુરની સાથે સિતારન ટુકડાને પણ આબાદ રીતે વણી લીધેલ છે. અંતરાનાં વાદ્યસંગીતમાં પણ એ જ પ્રયોગ બેવડાય છે.

દેખીયે ન ઈસ તરહા ઝુમ કે – ગીતા દત્ત – ગીતકાર: ગુલશન બાવરા

હેલન પરનાં આ બીજાં એક ક્લ્બ નૂત્ય ગીતમાં દત્તા રામે સાહજિક માદકતાનો ભાવ રજૂ કરવા માટે ગીતા દત્તના નશીલા સ્વરનો અસરકારક પ્રયોગ કર્યો છે. કોરસ સ્વરોનો વાદ્ય સંગીતની સાથે એકરાગ કરવામાં પણ દત્તારામની સર્જકતાનો સ્પર્શ અનુભવાય છે.

તેરી નઝરોને ઐસા કાટા – મોહમમ્દ રફી – ગીતકાર: ગુલશન બાવરા

જોહ્ની વૉકરને ફાળે આવતું ગીત તેમની અભિનય શૈલી સાથે સુસંગત હોવું જોઈએ અને તે સાથે દર્શકને સિનેમા હૉલની બહાર ‘હવા ખાવા’ જવા ન પ્રેરે તેવું પણ હોવું જોઇએ એવી બધી કસોટીઓમાં દત્તારામ પાર ઉતરે છે.

અય મેરી જાન-એ- વફા મૈને દેખા હૈ યે ક્યા ઝુલ્ફ ચહેરે પે ગીરી ચાંદ બદલી મેં છૂપા – મુકેશ – ગીતકાર: ગુલશન બાવરા

ગીતના મુખડાના પ્રારંભના બોલને પરદા પર (ભર બપોરે!) ચાંદનાં વાદળોમાં છ્પાઈ જવાનાં પૂર્વદૃશ્ય દ્વારા રજૂ કરવામા આવે છે. વાદ્યસંગીત તેને વાયોલિનસમુહવાદન સાથે સાથ આપે છે. વાદળોમાંથી સપાટી પર પડતાં ટીપાઓને ગીટારના ટુકડાઓથી સ્વરસજ્જિત કરવામાં આવેલ છે. ધીમે ધીમે કેમેરા હોડીમાં બેસીને માછલી પકડવાનો ખેલ કરતી શકીલા પરથી થઈને માલની ફેરફેર કરતાં માછીમારોના સમુહ દ્વારા ગુંજારવ થતી લોકધુન તરફ ખસે છે. તે પછી મુકેશના સુરને અનુરૂપ સ્વરરચનામાં ગીત શરૂ થાય છે. અંતરાનાં સંગીતમાં પણ માછીમારોની લોકધુનનો ગુંજારવ પ્રધાન સ્થાને છે.

યે નશીલી હવા છા રહા હૈ નશા – મન્ના ડે, સુમન કલ્યાણપુર – ગીતકાર: ગુલશન બાવરા

આ યુગલ ગીત ફિલ્મ સંગીતના ચાહકોને બહુ ગમ્યું , બહુ સમય સુધી યાદ પણ કરાતું રહ્યું, પછી ભલેને તેના સર્જક દત્તારામ છે તે યાદ ન પણ હોય ! ગીતનો ઉપાડ વાયોલિન સમુહની સાથે સાથે વણી લેવાયેલ તંતુ વાદ્યોના પૂર્વાલાપ થી થાય છે. મુખડાના બોલમાં ‘યે’ ‘નશીલી’ ‘હવા’ને મન્ના ડે પાસે કરાવાયેલા બહુ અનોખા તત્કાલ ઉતારચડાવમાં દત્તારામના તાલ વાદ્યોના ‘ઠેકા’ જોવો જ ચમકારો છે. તે જ રીતે અંતરાના બોલનો ઉપાડ પણ જે રીતે બન્ને ગાયકો પાસે કરાવવામાં આવ્યો છે તે ગીતના મુડને વધારે ઘૂંટે છે. ગીતના અંતમાં ક્યાંતો વાદ્યસમુહ કે ક્યાંતો, અહીં કરવામાં આવ્યું છે તેમ, ગાયન ધીમે ધીમે મંદ પડતું જાય એ પ્રકારના પ્રયોગ શંકર જયકિશનનાં ગીતોમાં મહદ અંશે જોવા મળે. તે સાથે પરદા પરનું દૃશ્ય લોંગ શોટમાં જતું હોય. દત્તારામે પોતાના એ અનુભવને અહીં ગીતના અંતમાં વણી લીધેલ છે. તે સાથે પર્દા પરનું દૃશ્ય સીલ્વેટ ફોટોગ્રાફીમાં ઝીલાય છે.

જબ સે તુમ્હેં દેખા હૈ (૧૯૬૩)

યુવક યુવતી પ્રેમમાં પડે, તેમાં વિલન દ્વારા અવાર નવાર અવર્દોધો આવતા રહે, થોડાં આનંદનાં, એકાદ બે કરૂણ ભાવનં ગીતો પ્રસંગ અનુસાર વણી લેવાયાં હોય એવી ફોર્મ્યુલા પરથી બનેલ ફિલ્મો મોટા ભાગે ટિકિટબારી પર બહુ બુરી રીતે પીટાતી નહીં. મુખ્ય ભૂમિકામાં પ્રદીપ કુમાર અને ખુબ જ જીવંત અભિનય માટે જાણીતાં ગીતા બાલી છે. દત્તારામનાં સંગીએ સિનેમા હૉલમાં ટિકિટ ખર્ચીને ગયેલાં દર્શકોને જરૂર નિરાશ નહીં કર્યાં હોય. .

તુમ્હેં ઈશ્ક દે કે ખુદાને સિતમગર બનાયા – લતા મંગેશકર, મોહમ્મદ રફી, આશા ભોસલે, મન્ના ડે – ગીતકાર આનંદ બક્ષી

ઈબાદત માટે દુઆ માંગવાના એક ગેય પ્રકાર, કવ્વાલી,ને હિંદી ફિલ્મોમાં આઈટેમ ગીત તરીકે ચલણી બનાવવામાં મુઘલ-એ-આઝમ (૧૯૫૯) કે બરસાતકી રાત (૧૯૬૦ )જેવી ફિલ્મોમાં પ્રયોજાયેલા આ પ્રકારનાં ગીતોની અદ્‍ભૂત સફ્ળતાનો બહુ મોટો ફાળો છે. ‘જબસે તુમ્હે દેખા હૈ’માં પણ આ ગીત પ્રકારને કામે લગાડાયો છે. સ્ત્રી અને પુરુષ એ બન્ને પક્ષો વચ્ચે હરીફાઈ, તબલાંની થાપ અને હાર્મોનિયમના ટહુકાઓ, તાલીઓનો લયબધ્ધ સંગાથ, મુસ્લીમ માહોલ પેદા કરતો પહેરવેશ વગેરે જેવાં ‘આવશ્યક પરિબાળો’ની હાજરી અહીં પણ છે.

આટલું ઓછું લાગ્યું હશે તે કવાલીને શરૂ કરવા માટે પર્દા પર ઓમપ્રકાશ અને ભગવાનને ઉતારવામાં આવ્યા. તેમને પણ નવાઈ લાગ્તી હોય તેમ દેખાડાયું છે તેમ કુમકુમ અને શ્યામાનાં કેમીયો વડે તેમાં નૃત્ય પણ ઉમેરાયું. આટલા મસાલા પણ ઓછા પડતા હશે એટલે શમ્મી કપૂર અને શશી કપૂરની સેવાઓ પણ લેવાઈ.

આટઆટલા મસાલાઓ સાથેની વાનગીને દત્તારામે એકદમ સ્વાદિષ્ટ અંદાજમાં પકાવીને રજૂ કરી છે.

યે દિન દિન દિન હૈ ખુશી કે, આજા રે આજા સાથી મેરી ઝિંદગી કે – મન્ના ડે, સુમન કલ્યાણપુર – ગીતકાર: શૈલેન્દ્ર

દત્તારામને મન્ના ડે અને સુમન કલ્યાણપુરનાં યુગલ ગીતોની સારી ફાવટ આવી ગઈ છે. મન્ના ડેનો સાથીને પોકાર કરો આલાપ અને તેના જવાબની રાહ જોતો હોય એવો તંતુવાદ્યોના સ્મુહનો હળવો સાથ અને પછી અપેક્ષા પુરી થતાં વધી જતા ધબકાર જેવો ઝડપથી જોડાતો તાલવાદ્યો અને વાંસળીનો સંગાથ ગીતના પૂર્વાલાપથી જ મૂડની જમાવટ કરે છે. આ જ આલાપનો અંતરાના સંગીતમાં પણ પ્રયોગ કરવાની દત્તારામની ફોર્મ્યુલા પણ અહીં સફળતાથી અજમાવાઈ છે. ગીતના અંતનો આરંભ સુમન કલ્યાણપુરના ધીમા જતા સ્વરમાં કરાયો છે.

આડવાત – પહેલા અંતરામાં વાંસળીના સુરને પર્દા પર જીવંત કરતો નાનો છોકરો ગીતા બાલી અને શમ્મી કપૂરનો પુત્ર આદિત્ય છે.

મોહમ્મદ શાહ રંગીલે…ગાવત આજ પ્રેમ રોગ – મન્ના ડે – ગીતકાર: શૈલેન્દ્ર

આ ગીતની ડિજિટલ નકલ ઇન્ટરનેટ પર નથી જોવા મળી.

ચાંદ તલે ઝુમ ઝુમ થિરક રહી ઘૂંઘરવાલીયાં – સુમન કલ્યાણપુર, સુબીર સેન – ગીતકાર: શૈલેન્દ્ર

લોક નૂત્યના ઢાળમાં રચાયેલાં આ સમુહ નૂત્ય ગીતને દત્તારામની તાલની સમજ અને મેલોડીની સૂઝ સુપેરે કર્ણપ્રિય રચના બનાવે છે. કોરસમાં થતા તાળીઓની થાપમાં દત્તુ ઠેકાની છાપ કળાય છે. અહીં સુબીર સેનનો કરાયેલા પ્રયોગ જેવ અન્ય પ્રયોગોને કારણે દત્તારામ પર શંકર જયકિશનની અસરથી બહાર ન નીકળી શક્યાનું આળ ચડતું રહ્યું.

શંકર જયકિશને આ પહેલાં કઠપુતલી, ૧૯૫૭ (મંઝિલ વહી હૈ પ્યારકી), છોટીબહેન, ૧૯૫૯ (મૈં રંગીલા પ્યાર કા રાહી), આસ કા પંછી, ૧૯૬૧ (દિલ મેરા એક આસ કા પંછી), રૂપ કી રાની ચોરોં કા રાજા, ૧૯૬૨ (આજા રે આજા આજા પ્રેમ દુવારે) અને પછીથી અપને હુએ પરાયે, ૧૯૬૪ (ગગન કે ચંદા ન પુછ હમ સે ) જેવાં વૈવિધ્યસભર ગીતોમાં સુબીર સેનના સ્વરનો સફળ પ્રયોગ કર્યો છે.

અરે રે દિલ ખો ગયા ઢૂંઢું કહાં અય દિલરૂબા – મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકાર: શૈલેન્દ્ર

કોમેડીઅનને ફાળવવાં પડતં ગીતની ‘મસાલા ‘ ફોર્મ્યુલાને દત્તારામે પાશ્ચાત્ય અને આપણાં તાલ વાદ્યોના વારાફરતી પ્રયોગ કરતા તાલમાં સજાવી લીધી છે.

https://www.youtube.com/watch?v=rgPdCXVLhdE

હમ આપકી મહેફિલમેં ભૂલે સે ચલે આયે… હો માફ ખતા અપની ગર્દિશ સે હૈ બહેકાયે – મોહમ્મદ રફી

કોઈ પ્રસંગની ઉજવણી હોય ત્યારે, અચાનક જ ફર્માઈશ થાય ત્યારે એક (મોટા ભાગે પુરુષ) પ્રેમી બીજાંને, જમાવીને, ફરિયાદો કરે અને બધાં મહેમાનો એ ગીતને માણતાં બેસી રહે એ પ્રકાર પણ હિંદી ફિલ્મોમ્માં બહુ પ્રચલિત પ્કાર હતો. જોકે, દર્શક/ શ્રોતા તરીકે આપણને પણ મોટા ભાગે એ ગીતો સંભળવાં ગમ્યાં છે. જે ફિલ્મમાં આ ગીત મુકાય તેના સંગીતકારે અન્ય ગીતોની હરીફાઈમા પાછળ ન પડી જવાય એ બાબતે સરખી જહેમત ઉઠાવવી પડતી હશે ! દત્તારામ આ કસોટીમાં પણ બહુ સારી રીતે પાર ઉતરે છે.

આજે આપણી પાસે દત્તારામને કારકીર્દી હવે પછીના વર્ષોમાં કેવા વળાંકોમાંથી પસાર થઈ તેની પાર્શ્વદૃષ્ટિની જાણનો લાભ છે તેથી જણાય છે કે ગીતના મુખડાના પ્રારંભના બોલ, ‘હમ આપકી મહેફિલ મેં ભૂલે સે ચલે આયે’ ટોચની કક્ષાના સંગીતકારોની મહેફિલમાં દત્તારામનાં બેસવા અંગે કેટલા સચોટ નીવડવાના હતા……

દત્તારામની કારકીર્દી હવે કયા કયા વળાંકોવાળી શેરીઓમાંથી પસાર થવાની છે તેનાં સાક્ષી બનવા માટે આપણે હવે પછીના અંકની રાહ જોવી પડશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *