ફિર દેખો યારોં : પુનરપિ દુર્ઘટના, પુનરપિ સમિતિ, પુનરપિ અહેવાલ ફાઈલે શયનમ

બીરેન કોઠારી

આખરે એ અહેવાલ પણ આવી ગયો. વિશાખાપટણમમાં ગયે મહિને થયેલા સ્ટાયરીન વાયુના ચુવાકને પરિણામે થયેલા ગંભીર અકસ્માત અને તેનાં પરિબળો વિશે આ કટારમાં વિગતે વાત કરવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ અકસ્માતની તપાસાર્થે નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.સેશાયન રેડ્ડીના વડપણ હેઠળ એક તપાસ સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિએ મે મહિનાની 28મીએ પોતાનો અહેવાલ સુપરત કરી દીધો છે. આ અહેવાલમાં પ્લાન્ટના મેનેજિંગ ડિરેક્ટર, સેફ્ટી ઑફિસર, સુરક્ષા વિભાગ, તેમજ પ્રોડક્શન વિભાગને તેમજ સમયાંતરે નીરિક્ષણ કામગીરી કરતા આંધ્ર પ્રદેશના ‘ડિપાર્ટમેન્‍ટ ઑફ ઈન્‍ડસ્ટ્રીઝ, ફેક્ટરીઝ એન્‍‍ડ બૉઈલર્સ’ને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સાથે સાથે આવા જોખમી રસાયણ ધરાવતી ફેક્ટરીની આસપાસ રહેણાક વિસ્તાર વિકસાવવા બદલ વિશાખાપટણમ શહેરી વિકાસ સત્તામંડળ (વુડા)ને કસૂરવાર ઠેરવવામાં આવ્યું છે.

અહેવાલમાં આ રીતે સ્પષ્ટપણે નામોલ્લેખ જોઈને રાજીપો થાય એમ છે કે દોષી કોણ છે એ બાબતે ઉખાણા કરવામાં નથી આવ્યાં. એ રીતે સરકારના સંબંધિત વિભાગોની કામગીરીની અસલિયત તે ખુલ્લી પાડે છે. જેમ કે, જે તે વિભાગના સરકારી અધિકારી દ્વારા નિયત અંતરાલે કરવામાં આવતી તપાસ અને કાગળ પર ‘સબ સલામત’ હોવાનો ખેલ ઉઘાડેછોગ ચાલે છે, પણ આવી દુર્ઘટનામાં તે પરિણમે ત્યારે તે કેવળ ભ્રષ્ટાચારનો મુદ્દો નથી બની રહેતો. આવા વિસ્તારમાં રહેણાક વિકસાવવાની મંજૂરી આપનાર ‘વુડા’ને શું ખબર ન હોય કે અહીં રસાયણની આવી ફેક્ટરી છે? એથી અગત્યનો સવાલ એ છે કે આ અહેવાલ થકી હવે એની જાણ થઈ તો પછી શું? રહેણાક વિસ્તાર કે ફેક્ટરી-બેમાંથી કોઈ અહીંથી હટવાના છે?

અત્યાર સુધી થતું આવ્યું છે એમ, અકસ્માત, એ પછી રચાતી તપાસસમિતિ, અને સમિતિ દ્વારા રજૂ કરાતો તપાસનો અહેવાલ અખબારના સમાચારથી વિશેષ કંઈ મહત્ત્વ ધરાવતા નથી. સમિતિ ગમે એવી ઉચ્ચ કક્ષાને હોય, તેનો અહેવાલ ભલે ને એકદમ તલસ્પર્શી હોય, છેવટે એ રોગનાં લક્ષણો સૂચવતું નિદાન છે. આ અહેવાલ પર અમલ કરવો ફરજિયાત નથી. આ કારણે ભલભલી સમિતિઓના અહેવાલો આખરે ફાઈલોમાં ધૂળ ખાતા રહી જાય છે.

આ કિસ્સામાં સમિતિના તારણ મુજબ આશરે આઠસો ટન સ્ટાયરીન વાયુ ચૂવાક થઈને વાતાવરણમાં ભળી ગયો હતો, જે ટાંકીના કુલ જથ્થાના 40 ટકા કરતાં વધુ હતો. વિવિધ રસાયણો માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંગઠનો દ્વારા ખુલ્લી હવામાં તેની મહત્તમ માત્રા કેટલી હોઈ શકે એ અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. એ માપદંડ અનુસાર આ જથ્થો પાંચસો ગણો વધુ હતો. તત્કાળ અસર થવા ઉપરાંત તે લાંબે ગાળે કેન્સર માટે પણ નિમિત્ત બની શકે છે. આથી આસપાસના રહીશોના સ્વાસ્થ્ય પર લાંબા ગાળા સુધી દેખરેખ રાખવાની ભલામણ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

અહેવાલમાં અનેક એવા મુદ્દાઓ નોંધવામાં આવ્યા છે કે જે દર્શાવે છે કે આ દુર્ઘટના રીતસર બેદરકારી અને સુરક્ષા નિયમોની અવગણનાનું જ પરિણામ છે. જરૂરી સુરક્ષાનાં ઉપકરણો અને પગલાંની રીતસર ઉપેક્ષા કરવામાં આવી છે. આ વાયુ જે ટાંકીમાં સંઘરવામાં આવ્યો હતો તેમાં જરૂરી તકનીકી જોગવાઈઓ નહોતી, સાથે સાથે આવી દુર્ઘટના ટાણે ચેતવણીસૂચક સાઈરન વગાડવાની જોગવાઈ છે એ કામ પણ કરવામાં ન આવ્યું. આવી દેખીતી બેદરકારીને આ અહેવાલમાં ઉલ્લેખવામાં આવી છે.

હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલનું શું કરવામાં આવે છે. આ અહેવાલમાં કરાયેલી રજૂઆતો અને ભલામણોનો યોગ્ય અમલ કરવા તરફ કશાં પગલાં ભરવામાં આવે છે કે પછી અભરાઈ પરના ઢગલામાં ધૂળ ખાવા માટે વધુ એક ફાઈલનો વધારો થાય છે! અત્યાર સુધી રચતી રહેલી અનેક સમિતિઓના અનેકાનેક અહેવાલો આ રીતે ધૂળ ખાતા રહ્યા છે. રાજકીય લાભ મળતો હોય એવા કારણ સિવાય આ ફાઈલો પરની ધૂળ કદી ખંખેરવામાં આવતી નથી.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રીએ તત્કાળ જાહેર કરેલા મૃતકોના વળતર પછી આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવાની જવાબદારી કંપની કે સંબંધિત સત્તાવાળા નિભાવે એવી આશા રાખવા માટે એક પણ કારણ જણાતું નથી. વિકાસ પાછળની આ દોટ એટલી આંધળી અને દિશાહીન છે કે તેમાં ભોગ સતત એક જ વર્ગનો લેવાતો રહે છે, અને ફળ પણ સતત એક જ વર્ગને, એટલે કે સત્તાધારી વર્ગને જ મળતાં રહે છે.

આ કટારમાં છેલ્લા એક માસમાં ત્રીજી વખત આ દુર્ઘટના બાબતે લખવામાં આવ્યું છે. તેનો મુખ્ય આશય એ જ છે કે આ દુર્ઘટના આંધ્ર પ્રદેશમાં બની એ યોગાનુયોગ છે. ગુજરાત સહિત અન્ય કોઈ પણ રાજ્યમાં તે બની હોત તો પણ તેની ગંભીરતા અને શાસક તંત્રનો અભિગમ આનાથી જુદો ન હોત. વિકાસ થયાનો દાવો જેટલો મોટો, એટલી આવી દુર્ઘટના બનવાનું જોખમ અને શક્યતા વધુ એ નાગરિક તરીકે આપણે સમજી લેવાની જરૂર છે. રાજ્ય સરકારોને પોતાના નાગરિકોની કેટલી ફિકર છે એ તાજેતરના કોવિડ કટોકટી કાળમાં તેમણે સ્થળાંતરિત શ્રમિકોના મુદ્દાને હાથમાં લઈને જે ખાનાખરાબી સર્જી એની પરથી સમજી લેવા જેવું છે.

વિશાખાપટણમના આખા કિસ્સામાં જોઈએ તો કાનૂનભંગ એ મૂળ અને એક માત્ર મુદ્દો નથી. વિચારવાનું એ છે કે કાનૂનની ધરાર અવગણના અને ઉપેક્ષા કરવાની હિંમત ક્યારે પેદા થાય? કાગળ પર તમામ કાનૂનો બનેલા છે, કાગળ પર તેનું પાલન થતું રહે છે, ક્યારેક આવી દુર્ઘટના બને ત્યારે થોડા લોકો જાન ગુમાવે છે એટલું જ, એ પછી અકસ્માતનાં કારણો અને જવાબદારોને શોધવાની કવાયત પણ કાગળ પર થાય છે. જીવલેણ દુર્ઘટના બને ત્યારે આ કવાયત થકી પેદા થતા કાગળનો જથ્થો વધુ હોય છે એટલું જ !


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૪-૬-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


તા.ક.
હજૂ આ એક અકસ્માતની ચર્ચાઓનાં વમળ શમવાનો સમય પાકે તે પહેલાં  ફરી એક ગમખ્વાર અકસ્ન્માત થયો. આ વખતે એ અકસ્માત નાં એક રસાયણ કારખાનામાં થયો છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.