ચેલેન્જ.edu : શું સ્વનિર્ભર સંસ્થાઓ અનિવાર્ય અનિષ્ટ છે?

રણછોડ શાહ

સમાજનો વિકાસ કરવો હોય તો જ્ઞાન, ડહાપણની સાથે સાથે આર્થિક બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડે. વર્ષોથી આપણા સમાજમાં બિનસરકારી સંસ્થાઓ (NGO)સમાજના ઉત્થાન અને વિકાસ માટે કાર્યશીલ છે. જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત વિદ્યાપીઠ, નવજીવન પ્રકાશન તથા તેના જેવી ઘણી સંસ્થાઓ છે. આમાંની કેટલીક સરકાર દ્વારા સંપૂર્ણ અનુદાનિત છે, તો કેટલીક અંશતઃ અનુદાનિત છે. આ પરિસ્થિતિ સ્વાસ્થ્ય અને શિક્ષણમાં અનેક વર્ષોથી ચાલી આવે છે.

ધીમે ધીમે સામાજિક કાર્યકરો ઓછા થતા ગયા. સંસ્થાઓનું બહુ મોટા પ્રમાણમાં સરકારીકરણ થઈ ગયું. સંસ્થાઓના કર્મચારીઓની ફરજ, જવાબદારી અને આવક સરકારી કર્મચારીઓ જેવા થઈ ગયા. નોકરી અંગેની શરતોમાં સલામતી અગ્રસ્થાને રહી. સંસ્થાને પણ સરકાર તરફથી નિશ્ચિત અથવા ટકાવારીના ધોરણે ગ્રાન્ટ મળતી થઈ. સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકો પણ મળતી ગ્રાન્ટનો વહીવટ કરવા માટે જ નિમાયા હોય તેવું બન્યું. તેઓમાં કંઈક કરવાની ભાવનાનો અભાવ દૃષ્ટિગોચર થવા લાગ્યો. ધીમે ધીમે કાર્યકરો આ સેવાકીય પ્રવૃત્તિ છે તેમ ભૂલી ‘ચલાવવા માટે સંસ્થાનું સંચાલન કરતા થયા. ક્રમશઃ આ સંસ્થાઓ સંપૂર્ણપણે સરકારી બની ગઈ.

વસ્તીના વધારા તથા સંસ્થાઓની સંખ્યા વધતા સરકાર આર્થિક બોજ ઉપાડવા માટે અસમર્થ બનવા લાગી. ખર્ચની રકમ એટલી મોટી થવા માંડી કે સરકાર તે ખર્ચને પહોંચી જ ન શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. સરકારે સમાજનો વિકાસ કરવો હોય તો કંઈક તો વિચારવું જ પડે. પોતે નાણાં આપી શકે તેમ નથી અને લોકોની માંગ વધતાં તેમણે કોઈક રસ્તો શોધવો પડે. આ સ્વાભાવિક પણ હતું. આવક કરતાં જાવક વધે તેવી પરિસ્થિતિ કોઈપણ સરકાર, સંસ્થા કે વ્યકિતને માટે બહુ લાંબા સમય માટે ચાલી શકે નહીં. તેથી સરકારે ‘સ્વનિર્ભર સંસ્થા’નો વિકલ્પ ન છૂટકે સ્વીકારવો જ રહ્યો અને સરકારે તે સ્વીકાર્યો પણ ખરો.

આપણો સમાજ કે અન્ય સમાજ નવીન પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હંમેશા વિરોધ કરે જ. મફતમાં મળતી વસ્તુને માટે પૈસા ચૂકવવાનું કોને ગમે ? મેનેજમેન્ટનો પાયાનો સિધ્ધાંત છે કે કર્મચારીઓને એકવાર આપેલ સવલતો ધીમે ધીમે તેમનો હક્ક બની જાય છે. કર્મચારીઓ પોતાને પ્રાપ્ત થતી રાહતો સરકાર ઈચ્છે ત્યારે પાછી ખેંચી શકે તે બાબતે સહમત હોતા નથી. તેઓના મનમાં દૃઢ થઈ જાય છે, ‘આ તો મારો અધિકાર છે.’ આ સંજોગોમાં સ્વનિર્ભર સંસ્થાઓનો વિરોધ થાય તે સ્વાભાવિક છે.

બીજી અગત્યની વાત હતી ગુણવત્તાની. સંસ્થાઓનું સરકારીકરણ થતાં સંસ્થાઓમાં ધીરે ધીરે ગુણવત્તા નબળી પડી રહી હતી. ‘સૌનું કામ તે કોઈનું નહીં’ એ ન્યાયે સૌ જવાબદારીમાંથી છટકબારીઓ શોધતા હતા. ગુણવત્તા સુધરતી નહોતી ત્યારે કર્મચારીઓ અનેક બહાનાં બનાવતા હતા. પરંતુ પોતે પણ તેને માટે જવાબદાર છે તેમ સ્વીકારતા જ નહોતા. ‘બાઈ બાઈ ચાળણી…’ જેવી દશા થતી ગઈ. સંઘો માત્ર માંગણીઓ માટે હોય તેમ અનુભવાતું હતું. ‘સંઘ શકિત કલયુગે’નું સૂત્ર માત્ર હક્કો માટે જ હોય તેવું બનવા માંડયું. શકિત તો સર્વના ઉત્થાન માટે વપરાવવી જોઈએ ને ! શકિત વપરાતી હતી જરૂર, પરંતુ તે

‘સર્વ’ માટે નહીં ‘સ્વ’ માટે વપરાતી! ધો.૧૦ અને ધો.૧રની જાહેર પરીક્ષાઓનો સમય તો સરકારનું નાક દાબવાનો ઉત્તમ સમય છે એમ ૧પ વર્ષ અગાઉ માનવામાં આવતું ! પહેલી માર્ચથી જ આ પરીક્ષાના બહિષ્કારની વાતો સમૂહ માધ્યમોમાં ગાજતી ! સ્વતંત્રતા સ્વચ્છદતામાં પરિણમી હતી.

શિક્ષકો અને પ્રાધ્યાપકો વેકેશન અને ફુરસદના સમયનો ઉપયોગ વિશેષ તૈયારી કરવામાં વાપરવાને બદલે શેમાં વાપરતા ? ફાટેલી–તૂટેલી નોટબુકમાંથી અધ્યાપન કાર્ય કરાવતા અધ્યાપકો ઓછા હતા ? આમાં કયાંક અપવાદ જરૂર હતા. પરંતુ તેઓ વિશાળ લઘુમતિ (Huge Minority) માં હતા. બહુમતી શું કરતી અને કરે છે તેનાથી સમાજ કયાં અજાણ છે?

કોલેજમાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓ સ્કૂટર પર આવતા અને મોબાઈલ ફોન વાપરતા થયા. આ પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળે છે. કન્યા કેળવણી મફત થઈ અને બહેનો ગાડી લઈને કોલેજમાં આવે ! તેવું ચિત્ર જોવા મળે, પછી સરકાર શું કરે ? કયાંક સૂકા ભેગું લીલું ય બળી જતું જોવા મળે છે.

આ તમામ પરિસ્થિતિ લાવે છે ‘સ્વનિર્ભર સંસ્થા’. તમામ સ્વનિર્ભર સંસ્થાઓ ‘હાટડીઓ’ હોવાનું સ્વીકારી લઈને આપણે ચર્ચાનો દોર શરૂ કરીએ છીએ. જાણે અનુદાનિત સંસ્થાઓ તો ‘દેવના દીધેલ’ હોય અને સ્વનિર્ભર ‘દાનવો’ હોય તેવો આપણો અભિગમ રહ્યો છે !

જો શોષણની જ વાત કરતા હોઈએ તો ‘તગડો’ પગાર લીધા બાદ અને નોકરીની સંપૂર્ણ સલામતી પછી પણ વર્ગખંડમાં પ્રવેશતા શિક્ષક કે અધ્યાપક વિદ્યાર્થીઓને યોગ્ય અને પૂરતું ન ભણાવે તો તે વિદ્યાર્થીઓનું શોષણ કરતા નથી ? પરીક્ષાના કાર્યમાં પ્રામાણિકતા ન રાખનાર પરિક્ષક અપ્રમાણિક ન ગણાય? પરીક્ષણ કે પરીક્ષામાં નિરીક્ષણ કાર્ય જવાબદારીપૂર્વક ન કરે તે વ્યકિત શોષણખોર નથી? ૭૦ના દાયકામાં જયારે ખાનગી ટ્રસ્ટો શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરતા ત્યારે વેકેશનમાં પગાર થતો નહીં તેનો અનુભવ કયાં ઓછો હતો ? ત્યારે પણ કેટલાક સંચાલકો કર્મચારીઓની આર્થિક સવલત જળવાઈ રહે તે બાબતે સંપૂર્ણ કાળજી રાખતા. છતાં કર્મચારીની કામગીરીની ગુણવત્તામાં ફરક પડયો ખરો ? દરેક યુગમાં કોઈકે કોઈકનું શોષણ કર્યું જ છે. એક શિક્ષક કે અધ્યાપક ૪૦–પ૦ કે ૧૦૦ વિદ્યાર્થીઓને ન ભણાવે અથવા ખોટું ભણાવે તો વિદ્યાર્થીઓનું શોષણ થયું ગણાય કે નહીં ? અઢળક રજાઓ બાદ પણ પરીક્ષણ કાર્ય માટે હક્ક રજાઓની માગણી કેટલી યોગ્ય છે ? વળી પરીક્ષણ કાર્ય માટે સંસ્થામાંથી ચાલુ પગારે રજા તો મળે જ છે, તે ઉપરાંત આર્થિક વળતર પણ મળે ! આ શોષણ નથી ?

સ્વનિર્ભર સંસ્થા ચલાવતા તમામ માત્ર આર્થિક ઉપાર્જન માટે જ સંસ્થાઓનું સંચાલન કરે છે તેવું નથી. આજે જીવનના તમામ વ્યવહારોમાં પરિવર્તન આવ્યું છે ત્યારે કેટલીક દૂષિત વ્યકિતઓનો આ ક્ષેત્રે પણ પગપેસારો થયો હોય તે સ્વાભાવિક છે. કેટલીક સ્વનિર્ભર સંસ્થાઓમાં ગુણવત્તાસભર કાર્ય થઈ રહ્યું છે કારણ કે ત્યાં ડર છે કે જો સંસ્થા સારી નહીં હોય તો વિદ્યાર્થીઓ તેને પસંદ કરશે નહીં. અહીંયા સંચાલક તથા તેની સાથે સંકળાયેલ સૌએ જાગૃતિ બતાવવી ફરજિયાત છે, તે તેમના હિતમાં પણ છે. તેને ગ્રાહકની કાળજી રાખવી પડશે. જે જરૂરી છે તે પૂરું પાડવું પડશે. માત્ર ભૌતિક સંપત્તિ જોઈને આજનો વાલી કે વિદ્યાર્થી સંસ્થા પસંદ કરશે નહીં. સંચાલકે ગુણવત્તાસભર, નિષ્ઠાવાન અને પૂરતી લાયકાતવાળો સ્ટાફ રાખવો પડશે. સારા કર્મચારીને આજીજી કરીને પોતાની સંસ્થામાં રાખવા પડશે. કારણ તેને સમાજમાં આબરૂભેર ટકી રહેવાનું છે. અહીંયા કર્મચારીએ નિયમિત અને વ્યવસ્થિત કાર્ય કરવા તત્પર રહેવું પડશે. આ બધું જે અનુદાનિત સંસ્થાઓમાં નથી ત્યાંના કર્મચારીઓ તેને બિનજરૂરી કાર્ય ગણી ટીકા કરશે તે સ્વાભાવિક છે. પરંતુ આવતીકાલ ‘સ્વનિર્ભર સંસ્થાઓની જ રહેશે કારણ કે ત્યાં ગ્રાહકને લાભ છે, આ વાત જેને ન સમજાય તેની માત્ર દયા જ ખાવી રહી.

સ્વનિર્ભર સંસ્થાઓમાં જયાં ક્ષતિઓ હોય તે પૂર્ણ કરવાની જવાબદારી સંચાલકની છે જ. તેની અપૂર્ણતાઓ ચલાવી લેવી જોઈએ નહીં. કાયદેસર કાર્યવાહી કરી જરૂર પડે તેની માન્યતા રદ કરી શકાય. પરંતુ તેથી તમામ સ્વનિર્ભર સંસ્થાઓ અયોગ્ય છે તેવું સામાન્યીકરણ કરી શકાય નહીં.

આવતી કાલે ઘણા મોટા પ્રમાણમાં ઉદ્યોગપતિઓ શિક્ષણમાં પોતાનું મૂડીરોકાણ કરવાના છે. આ લોકો ઉત્તમ માનવબળ માંગશે. તેઓ કર્મચારી જે માંગે તે પગાર આપવા તૈયાર હશે. તેઓ ગુણવત્તા, કાર્ય પધ્ધતિ વિશે કયાંય બાંધછોડ કરવા તૈયાર હશે નહીં. તેઓ મહેનતુ, પ્રામાણિક, હોશિયાર અને મહત્વાકાંક્ષી ઉમેદવારોને જ પસંદ કરશે. તેમને તાલીમ આપશે અને તેમની પાસેથી ધારેલું પરિણામ પ્રાપ્ત કરાવીને ઝંપશે.


આ સંજોગોમાં યુવાન શિક્ષણશાસ્ત્રીઓ માટે અત્યંત ઊજળી તકો છે. Sky is the limit for them. તમારી હોશિયારી બતાવો અને ધાર્યું મેળવો તેવા સંજોગો ક્ષિતિજ ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

આ સંજોગોમાં શિક્ષણ સંસ્થાઓમાં પણ આર્થિક લાભ અને સ્ટેટસ (Status) કોઈ પણ કોર્પોરેટ કંપનીના મહત્વના હોદ્દેદાર કરતાં સહેજ પણ ઓછું હશે નહીં. પરંતુ તેટલી લાયકાત કેળવી હશે તો જ તે લાભ પ્રાપ્ત થશે.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે અને પ્રતીકાત્મક છે)

Author: Web Gurjari

2 thoughts on “ચેલેન્જ.edu : શું સ્વનિર્ભર સંસ્થાઓ અનિવાર્ય અનિષ્ટ છે?

 1. ઈતિહાસ સાક્ષી છે કે જે જે ક્ષેત્રોમાં જાહેર અને ખાનગી એકમો એક સાથે કાર્યરત હતાં તેમાં જાહેર એકમોને કામગીરી મહદ અંશે નબળી રહેલી જોવા મળતી. પરંતુ સેવાઓ અને કામગીરીનાં ધોરણોની સરખામણી તેમની સાથે થાય એટલે ખાનગી એકમોની ઘણી બધી નબળાઈઓ પણ ઢંકાઈ રહેતી.
  તે ઉપરાંત બન્ને પ્રકારનાં એકમો સાથ સાથે હોય એટલે જાહેર એકમોને રક્ષણ આપવા માટે સરકારની નીતિઓનો જે ઝોક હોય તેનો ફાયદો ખાનગી એકમો સ્વાભાવિકપણે ફાયદાકરાક રીતે કરે.
  બજાર વ્યવસ્થામાં કોઈ પણ કાર્યક્ષેત્રની અને તેમાં રહેલાં એકમોની ગુણવત્તા સુધરવા માટે માંગ ને પુરવઠાની સ્થિતિ તેમજ હરીફાઈ એ બન્ને બહુ આવશ્યક પરિબળો છે.
  માંગ અને પુરવાઠાનું પરિબળ તો શિક્ષણ ક્ષેત્રે ઈજનેરી, વિનયન, વાણીજ્ય જેવા વિભાગોમાં સક્રિય છે અને તેનં પરિણામો હવે જોવા પણ મળે છે.
  હરીફાઈની બાબતે ખાનગી એકમો (સ્વનિર્ભર સંસ્થાઓ) ની અંદર અંદરની હરિફાઈ અને તેમની સ્રકારી સિક્ષણ સંસ્થાઓ સાથેની હરિફાઈ એમ બે સ્તરે વિચારવાનું રહે. તેમાં જ્યાં સુધી સરકારી સિક્ષણ સંસ્થાઓની સર્વાંગી ગુણવત્ત ન સુધરે ત્યાં સુધી સ્વનિર્ભર સંસ્થાઓની ઘણી કચાશો પોષાતી રહી શકે છે.

 2. આ પ્રશ્ન ખુબ વ્યાપક છે છતાં એવું કહી શકાય કે ખાનગી ક્ષેત્ર આવવાથી શિક્ષણ નું વ્યાપારીકરણ થવાની શક્યતાઓ વધી જાય છે. સરકારી ક્ષેત્રે ગુણવત્તા માર ખાય અને ખાનગી ક્ષેત્રે વ્યાપારીકરણ થાય તો પસંદ શું કરવું ? સરકારી ક્ષેત્રે ગુણવત્તા ઓછી થાય જ એવું નથી. હાલ જેઓ ૭૦ વર્ષ ની આજુ બાજુ અને ઉપર હશે તેઓ બધા સરકારી શાળાઓ માં ભણ્યા હશે અને તેઓ ની પેઢી એટલી ખરાબ તો નથી જ ! તો તે વખતે ધોરણો કેમ સારા હશે . એમ કહી શકાય કે સમાજ ના દરેક ક્ષેત્રો માં મુલ્યો નું ધોવાણ થયું છે (એવું શા માટે થયું એ અલગ વિષય છે) તેની અસર શિક્ષણ પણ થઇ છે, ભલે તે સરકારી કે ખાનગી ક્ષેત્ર હોય. જયારે બધા મુલ્યો નો આગ્રહ રાખશે ત્યારે જ પરિસ્થિતિ સુધારશે તેવું લાગે છે
  રણછોડ ભાઈ ને પાયા નો પ્રશ્ન ઉઠાવવા બદલ અભિનંદન !

Leave a Reply

Your email address will not be published.