ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૪

ચિરાગ પટેલ

उ. ५.५.८ (९३४) इन्द्रं तँ शुम्भ पुरुहन्मन्नवसे यस्य द्विता विधर्त्तरि। हस्तेन वज्रः प्रति धायि दर्शतो महाँ देवो न सूर्यः॥ (पुरुहन्मा आङ्गिरस)

હે સાધક! સ્વરક્ષણ માટે દેવરાજ ઈન્દ્રની ઉપાસના કરો, જેના સંરક્ષણમાં રક્ષા અને વિનાશની બેવડી શક્તિ છે. એ દર્શનીય ઇન્દ્ર સૂર્ય સમાન તેજસ્વી વજ્રને હાથમાં ધારણ કરે છે.

આ શ્લોકમાં ઇન્દ્રને રક્ષા અને વિનાશનો કારક ઋષિ ગણે છે. વળી, ઇન્દ્ર વજ્રને ધારણ કરે છે જે સૂર્યસમાન તેજસ્વી છે. ઇન્દ્રને મેઘના રૂપક તરીકે ગણીએ તો વજ્ર એ ગરજતી વીજળી છે. વળી, મેઘથી થતી વર્ષા મનુષ્યોની રક્ષા કરે છે, અને અતિવૃષ્ટિ થાય તો વિનાશ પણ વેરે છે. જો ઇન્દ્રને મનના રૂપક તરીકે ગણીએ તો મનના તરંગો વિદ્યુતમય વજ્ર છે. મન રક્ષા પણ કરે છે અને વિનાશ પણ નોતરે છે.

उ. ५.६.७ (९४१) धीभिर्मृजन्ति वाजिनं वने क्रीडन्तमत्यविम्। अभि त्रिपृष्ठं मतयः समस्वरन्॥ (अग्नि चाक्षुष)

જળમાં મિશ્રિત શક્તિશાળી સોમ, સ્તુતિગાન કરતા ઋત્વિજો દ્વારા શુદ્ધિકરણ યંત્રોથી શુદ્ધ કરવામાં આવે છે. ત્રણ પાત્રોમાં વિદ્યમાન એ દિવ્યસોમની જ્ઞાની વંદના કરે છે.

આ શ્લોકમાં ફરી શુદ્ધિકરણ યંત્રનો ઉલ્લેખ છે. ઘણે ઠેકાણે એ યંત્ર ઊનમાંથી બનેલું હોવાનું જણાવાયું છે. અહીં દિવ્ય સોમનો ઉલ્લેખ છે જેને જ્ઞાનીજનો વંદન કરે છે. વળી, એ ત્રણ પાત્રમાં રહેલો છે. એનો સંદર્ભ શું હોઈ શકે? સોમ વનસ્પતિ છે, જેનો રસ કાઢી ઋષિઓ યજ્ઞમાં અર્પણ કરતા અને પોતે પણ એનું સેવન કરતા. ઘણાં શ્લોકોમાં અંતરિક્ષમાં રહેલ સોમનો પણ ઉલ્લેખ છે. આ સોમ સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. આ પછીના શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે, ત્રીજું પાત્ર સમગ્ર જીવજગત હોઈ શકે એવું લાગે છે. એટલે અંતરિક્ષ, વનસ્પતિ અને જીવસૃષ્ટિરૂપી પાત્રોમાં સોમ રહેલો છે. અંતરિક્ષ અને બધાં જીવમાં વ્યાપ્ત સોમ એ પ્રાણ ગણી શકીએ.

उ. ५.६.९ (९४३) सोमः पवते जनिता मतीनां जनिता दिवो जनिता पृथिव्याः। जनिताग्नेर्जनिता सूर्यस्य जनितेन्द्रस्य जनितोत विष्णोः॥ (प्रतर्दन दैवोदासि)

જે દિવ્ય સોમ દ્યુલોક, પૃથ્વી, અગ્નિ, સૂર્ય, ઇન્દ્ર, વિષ્ણુ અને સ્તુતિઓનો જનક છે તે સંસ્કારિત કરવામાં આવે છે.

અહીં ઋષિ સોમને વસુઓ તરીકે ખ્યાત દેવગણ કે પ્રાકૃતિક તત્વોનો જનક ગણે છે. અહીં સોમને પ્રાણ તરીકે અથવા ઉપનિષદમાં આપેલી સમજૂતી પ્રમાણે બ્રહ્મ ગણી શકીએ. આ શ્લોકમાં વિષ્ણુનો ઉલ્લેખ છે. કોઈ પ્રાકૃતિક તત્વના રૂપક તરીકે વિષ્ણુનો ક્યાંય સંદર્ભ નથી. એટલે, વિષ્ણુનો ઉલ્લેખ ધ્યાન આપવા લાયક છે.

उ. ५.६.१० (९४४) ब्रह्मा देवानां पदवीः कवीनामृषिर्विप्राणां महिषो मृगाणाम्। श्येनो गृध्राणाँ स्वधितिर्वनानाँ सोमः पवित्रमत्येति रेभन्॥ (प्रतर्दन दैवोदासि)

દેવોમાં સર્જકતા, કવિઓમાં શબ્દવિન્યાસ, વિપ્રોમાં ઋષિત્વ, પશુઓમાં બળ, પક્ષીઓમાં શીઘ્રગમન, હિંસકોમાં વિધ્વંસકતા એવા વિભિન્ન રૂપથી વ્યાપ્ત દિવ્ય સોમ સંસ્કારિત થતાં ધ્વનિ સાથે કળશમાં સ્થિર થઇ રહે છે.

અહીં ઋષિ આ પહેલાના શ્લોકોનો વિસ્તાર કરીને સર્વત્ર વ્યાપ્ત તત્વ તરીકે સોમને વર્ણવે છે. પ્રાકૃતિક મૂળભૂત તત્વ કે જે સર્વ પ્રવૃત્તિઓનો જનક છે એ જ સોમના પ્રતિક તરીકે સોમ વનસ્પતિ છે. અહીં દેવોમાં બ્રહ્મા એવો અર્થ પણ આપણે કરી શકીએ.

उ. ५.७.९ (९५४) इन्द्रस्तुराषाण्मित्रो न जघान वृत्रं यतिर्न। बिभेद वलं भृगुर्न ससाहे शत्रून्मदे सोमस्य॥ (अग्नि पावक बार्हस्पत्य/सहस पुत्र गृहपति-यविष्ठ)

શત્રુને શીઘ્ર જીતનાર ઇન્દ્ર! સૂર્યની જેમ વૃત્રને, સંયમથી બળને અને સોમની શક્તિથી સંપન્ન ભૃગુની જેમ અમારા શત્રુઓનો નાશ કરો.

આ શ્લોકમાં ઋષિ વૃત્ર અર્થાત મેઘના સંહારક તરીકે સૂર્યને વર્ણવે છે. વળી, વ્યક્તિમાં રહેલા બળને સંયમથી જીતવા વિષે પણ જણાવે છે. ભૃગુ ઋષિનો ઉલ્લેખ ધ્યાન ખેંચે છે. જ્યોતિષાચાર્ય તરીકે ભૃગુ ઋષિની સંહિતા જાણીતી છે. વળી, ભૃગુ ઋષિ ત્રિમૂર્તિમાં શ્રેષ્ઠ દેવને ચકાસવા જાય છે એવો પુરાણમાં ઉલ્લેખ છે. દક્ષ પ્રજાપતિના જમાઈ તરીકે ભૃગુ ઋષિ શિવની અનુપસ્થિતિમાં મહાયજ્ઞનો સંચાલિત કરવા માટે પણ જાણીતા છે. અહીં ભૃગુ ઋષિની શક્તિના સ્ત્રોત તરીકે સોમને જણાવ્યો છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com


Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.