સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય

પૂર્વી મોદી મલકાણ

આમ તો પેશાવરને બાય બાય કહેવાનો આજ સમય હતો, પણ નૂમાનભાઇ અને ઉસ્માનભાઈ સતત પાક-અફઘાન બોર્ડર અને ખૈબર પાસની વાત કરતાં રહ્યાં જે પેશાવરથી બહુ જ નજીક હતું. પણ આ બાબતમાં મારી એકલીની ઈચ્છા ચાલે તેમ ન હતી તેથી અંતે બધાં સાથે ચર્ચા કર્યા પછી અને ઇસ્લામાબાદમાં રહેલ મી.મલકાણ સાથે વાત કર્યા પછી અમે એક રાત ઉસ્માનભાઈને ઘેર જ રોકાઈ જવાનું નક્કી કર્યું. આમ તો લાલચ બૂરી બલા છે, પણ ક્યારેક આવી લાલચની બલા સારી કે કશોક નવો અનુભવ દઈ જાય.

એ રાતે અમે મોડે સુધી ઉસ્માનભાઈના પરિવાર સાથે વાત કરતાં રહ્યાં. મોડે મોડેથી સુવા માટે અમે અંદરના ભાગમાં ગયાં ત્યારે મને એમના ઘરની ડિઝાઇન જોઈ પાકીઝા, ઉમરાવ જાન વગેરે જેવી જૂની ફિલ્મોની અને તેમાં રહેલ મુસ્લિમ પરિવારની યાદ આવી ગઈ. આ ફિલ્મોમાં જેમ જનાનીઓ માટે અલગ અને પુરુષોની જગ્યાને અલગ કરવા વાંસની ચટ્ટાઇનો ઉપયોગ કરવામાં આવેલો તેમ અહી પણ હતું. અમુક ખંડોને બાદ કરતાં મોટા ભાગે મોટા રૂમો વચ્ચે ચટ્ટાઈને કર્ટન તરીકે લગાવેલ હતી. આ જ ખંડોમાં અમારે સુવાની જગ્યા પણ હતી. જેમાં એક તરફ અમે અને બીજી તરફ પુરુષોને સુવાની જગ્યા હતી. મારે માટે આ વ્યવસ્થા થોડી અજીબ હતી પણ હવે પાકિસ્તાનની ભૂમિ પર રહેલી એક હવેલીનાં આરામગૃહમાં આરામ કરવા માટે બહુ જ જૂજ સમય રહ્યો હતો તેથી જૂની એ ફિલ્મોના અતીતમાં જઈ આ અલગ વ્યવસ્થાને ય એન્જોય કરી લીધી.

જો’કે સુવા પડ્યા પછીયે નીંદર તો આંખોનું ઘર છોડીને ભાગી જ ગયેલી અને તેની જગ્યાએ અત્યાર સુધી ઇતિહાસમાં વાંચેલ ખૈબર ઘાટે લઈ લીધેલ. સાથે સાથે ૨૦૧૧ નો એ વાઘા બોર્ડરનો ય સમય અને તે સમયમાં રહેલ એ બોર્ડર સોલ્જરોએ લઈ લીધેલી જેઓનો રૂત્બો, ડિસિપ્લિન, હિંમત, ડ્રેસ વારંવાર મને ફરી ને ફરી એવી જ કોઈક જાણીતી અને અજાણી એવી સીમા પર વારંવાર ખેંચીને લઈ જઈ રહ્યાં હતાં.

બીજે દિવસે ઉસ્માનભાઈને ઘેર કાહવા અને ગરમ ગરમ સુહદા (પેશાવરી વેજ નાસ્તો) ને માન આપી અમે અમારી ટૂરની ફરી શરૂઆત કરી. પેશાવરમાં પ્રવેશતાં કે પેશાવરને છોડતાં જે સામે મળે છે તે છે બાલા હિસ્સાર ફોર્ટ. આ ફોર્ટને અમે ગઇકાલે જ મળીને આવેલ તેથી આજે ફરી મળવાનો કોઈ અર્થ ન હતો, તેથી ગાડીમાંથી જ ફોર્ટને બાય બાય કરી અમે હાઇવે રોડ પકડી લીધો.


(પેશાવરમાંથી બહાર નીકળતાં )

પાક-અફઘાન વચ્ચેનો રોડ મુલાયમ તો નહીં પણ ઠીકઠાક હતો. આ રોડનું કદાચ રેગ્યુલર જનતા માટે કોઈ મહત્ત્વ નહીં હોય, પણ જે ઇતિહાસને સૂંઘવા નીકળી છે એવી મારે માટે ખૂબ મહત્ત્વ હતું. આ માર્ગના ઇતિહાસને આપણે બાંગ્લાદેશના સોનાર ગામથી શરૂ કરેલો અને હવે પાકિસ્તાનના અંત તરફ આગળ વધી રહ્યો હતો, આ રોડ માટે અગાઉ કહેલાં શેરશાહ સુરી રોડ, ગ્રાન્ટ ટ્રંક રોડ, NH 5 વગેરે નામો ધીમે ધીમે પાછળ છૂટી રહ્યાં હતાં…ને પાકિસ્તાનની સીમાને અંતે રહેલ તેનું નવું નામ જલ્દી જલ્દી ધારણ કરવાની ઉતાવળમાં એ આગળ આગળ દોડ્યો જતો હતો ને…..ને એની સાથે અમે ય દોડી રહ્યાં હતાં.

હાઇવે ઉપરથી દોડતાં

NH 5 આગળ વધતાં અમે જોયું કે હિન્દુ કુશની પહાડીઓ તરફ જવા માટેનો અને બોર્ડર પર જવા માટેના બે રસ્તાઓ અલગ અલગ દિશાઓમાં જઇ રહ્યા હતાં. અમે એ રસ્તાઓ જોઈ વિચાર કરવા લાગ્યાં કે કઈ તરફ જવું? પણ અમને વિચાર કરતાં જોઈ અમારા ડ્રાઈવર યુનુસભાઈ કહે; અગર મેરી માનૌ તો બોર્ડર લાઇન પે ચલતે હૈ. બોર્ડર કે બાદ અગર વક્ત મિલા તો હમ હિંદુકુશ કી ઔર ભી હો લેંગે. વૈસે ભી હિન્દુકુશ કી પહાડીઓ સે બોર્ડર લાઇન જ્યાદા જિંદા હોગી. યુનુસભાઈની વાત અમને સાચી લાગી તેથી અમે બોર્ડરને રસ્તે નીકળી પડ્યાં.

ખૈબર ઘાટ કે ખૈબર પાસ:- આજે પાસને નામે ઓળખાતી આ જગ્યા પુરાતત્ત્વવાદીઓ માટે આ એક મહત્તમ સ્થળ છે. આ સ્થળમાં હિન્દુસ્તાનને સર કરવા માટે અનેક યુધ્ધો થયાં હતાં તો વિશ્વમાં લાંબા સમય સુધી સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક લશ્કરી સ્થાન પૈકીનું ય આ સ્થળ હતું. ઈ.સ. પૂર્વે ૩૨૬ માં ભારતને સર કરવાના પ્રયાસમાં એલેકઝાંન્ડર ધી ગ્રેટ અહીંથી પસાર થયેલો. એલેકઝાંન્ડર પછી છેક ૨૦૦૦ વર્ષ પછી બાબર આવ્યો જેણે ખરા અર્થમાં હિંદુસ્તાનને સર કરી મુગલ સામ્રાજ્યના મૂળીયા નાખ્યાં. આમ એલેકઝાંન્ડર ધી ગ્રેટ થી લઈ શેરશાહ સૂરી, મહેમુદ ગઝની, મોહમ્મદ ઘોરી, તિમૂર, બાબર સુધીના અનેક સમ્રાટો આ માગેથી પસાર થયાં હોઈ આ ઘાટનું નામ “ખૈબર પાસ” કરી નાખવામાં આવ્યું. જો’કે લોકલ પ્રજા ખૈબર પાસને બદલે “ખૈબર ફાટા’ શબ્દનો વધારે ઉપયોગ કરે છે. આ સ્થળનો બીજો ઇતિહાસ કુશાણ સામ્રાજ્ય સાથે જોડાયેલો છે. કુશાણ સામ્રાજ્ય દરમ્યાન આ ઘાટ -પાસનો સૌથી ઉચ્ચત્તમ માર્ગ ભારત અને ચીન વચ્ચેનો એક સ્થળાંતર માર્ગ બન્યો જે આજે “સિલ્ક રોડ” તરીકે જાણીતો છે.

સિલ્ક રોડ રેલ્વે લાઇન અને ખૈબર પાસ ગેઈટ દૂરથી લીધેલો ફોટો :-ફોટો-અફાનજી

ખૈબર પાસમાં જાણેલા ઇતિહાસ મુજબ આ જગ્યા પર કુશાણ સામ્રાજ્યની મોટી માર્કેટ હતી. આ માર્કેટમાં બહુ સાંસ્કૃતિક પ્રજા કાર્ય કરતી હતી જેને કારણે આ સ્થળનો તે સમય ખૂબ સમૃધ્ધ ગણાતો હતો. આ પાસનો ત્રીજો ઇતિહાસ શીખો તરફ લઈ જાય છે. ૧૮૩૭ માં મહારાજા રણજીતસિંહના નેતૃત્ત્વ નીચે શીખોએ આ પાસ પર વિજય મેળવી લીધો હતો અને જ્યાં સુધી અફઘાન શાસક અકબરખાનથી તેઓ હાર્યા નહીં ત્યાં સુધી આ પાસનું શાસન શીખો પાસે જ રહ્યું. આ પાસ પર રહેલ ગેટની ઇમારત એ ૧૯૬૪ માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અયુબખાનજીના સમયમાં બનાવવામાં આવી હતી. આજે આ ખૈબર પાસનું મહત્ત્વ બે રીતે છે. પ્રથમ એ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના પર્વતોમાં આ પાસ બ્રિજ સમાન છે, જે મધ્ય અને દક્ષિણ એશિયાને જોડે છે અને બીજુ એ કે આ પાસ પાક બોર્ડરની નજીક હોઈ તેનું રાજકીય રીતે ખૂબ મહત્ત્વ છે. આજે ખૈબર પાસમાં અફઘાન બોર્ડર પર પહોંચતાં પહેલાંની પાકિસ્તાન બોર્ડરની અહીં પ્રથમ એજન્સી આવેલી છે.

ખૈબર પાસ

ખૈબર પાસ રેલ્વે લાઇન:- અંગ્રેજોએ પોતાની સત્તાની જાળ ભારતથી અફઘાનિસ્તાન સુધી ફેલાવેલી. આ લાંબા સમયના વસવાટ દરમ્યાન અંગ્રેજોએ વ્યૂહાત્મક દૃષ્ટિએ અફઘાનિસ્તાનમાં પણ સુધાર લાવવાની કોશિશ કરી. આ સુધારના એક ભાગ રૂપે રેલ્વે લાઇન પણ હતી. આ રેલ્વે લાઇન પેશાવર પાસેના ખૈબર પાસથી શરૂ થઈ લંડી કોતલ થઈ અફઘાનિસ્તાનના જલાલાબાદ સુધી જતી હતી. લગભગ ૫૦ કી.મી દૂરીને તય કરનારી આ લાઇન અંગ્રેજોએ પહાડો કાપીને બનાવેલી. અમે જ્યારે બોર્ડર ઉપર જવા દોડી રહ્યાં હતાં ત્યારે માર્ગમાં આવતી આ રેલ્વેલાઇન, ટનલો, બ્રિજ વગેરે જોવાનો ઘણો આનંદ આવ્યો. તેમ છતાં યે ઘણી જગ્યામાં તૂટેલી રેલ્વે લાઇન, તૂટેલા બ્રિજ અને ટનલો જોઈ ખ્યાલ આવ્યો કે કદાચ આ લાઇનનું મેન્ટનન્સ થતું નહીં હોય. પણ આગળ જતાં જ્યારે આ પરિસ્થિતીનો ચિતાર વાંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે રેલ્વે લાઇનની આ પરિસ્થિતિ માટે બે-ત્રણ કારણો જવાબદાર છે.

ખૈબર પાસ ગેટ એવો છે જ્યાંથી પસાર થનાર પ્રત્યેક વાહને પોતાનું નામ અને વ્હીકલ નંબર દર્જ કરાવવો પડે છે.

અમે પણ જ્યારે આ પ્રક્રિયા પૂરી કરવા હોલ્ટ લીધો ત્યારે ત્યાં રહેલાં બોર્ડ પરથી આ સ્થળ વિષેની ઘણી માહિતીઓ જાણવા મળી. આ માહિતી મુજબ ૧૯૦૫ માં પેશાવરથી ખૈબર પાસ અને લેંડી કોતલ જવા માટે મીટર ગેજ રેલ્વે ટ્રેક બનાવવાનું કામ શરૂ કરાયેલું. ૧૯૦૭ સુધી લગભગ ૩૨ કી.મી નું કામ થયેલું. ૧૯૦૭ પછી બ્રિટન અને રશિયાની વચ્ચે અસ્થિરતા આવી ગઈ. જેથી કરીને રશિયા બ્રિટનને અટકાવી તેના કાર્યને રૂંધવા લાગ્યું. ૧૯૦૯ માં રશિયાથી થાકી જઈ બ્રિટને આ રેલ્વે લાઇન ઉખેડી તેનો ઉપયોગ બીજે કરવાં માંડ્યો. અંતે ૧૯૧૨ માં રશિયાની દખલગિરિ બંધ થઈ તે પછી અંગ્રેજોએ ફરી આ મૂળ લાઇન પર કામ કરવાનું શરૂ કર્યું. આ સમયે તેમણે પહાડી વિસ્તારમાં કામ કરવાં ઈંગ્લેન્ડથી “વિકટર બેઇલી” નામના એન્જિનિયરથી બોલાવ્યો અને તેની દેખરેખ નીચે લંડી કોતલ સુધીનું કામ ૧૩ વર્ષે પૂરું કર્યું. એટ્લે કે જે કાર્ય ૧૯૦૫ થી શરૂ થયેલું તે કાર્ય ૧૯૨૫માં પૂરું થયું. ( આમ પૂરા ૨૦ વર્ષ થયાં.)

અંગ્રેજોએ ખૈબર ઘાટથી “અબુરખાની ડુરંડ” ( બ્રિટિશ ઈન્ડિયાના સમયમાં પાક બોર્ડરનો ભાગ ) સુધી રેલ્વેલાઇન નાખવાનું ચાલું કરેલું. પણ પહાડી વિસ્તારના કેવળ પ૦ કી.મીના અંતરની લાઇન નાખવામાં અંગ્રેજોને ૨૦ વર્ષ થયાં. આ ૨૦ વર્ષના અંતે અંગ્રેજો જ્યારે લંડી કોતલ પહોંચ્યાં પછી તેમને લાગ્યું કે આ રેલ્વે લાઇનનો રૂટ અબુરખાની ડુરંડ થી યે આગળ અફઘાનિસ્તાન સુધી ખેંચવાની જરૂર છે તેથી તેમણે ૧૯૨૫ પછી અફઘાનિસ્તાનની પહાડીઓમાં કાર્ય કરવાનું શરૂ કર્યું જે ૧૯૪૭ સુધી ચાલ્યું. આ કામ દરમ્યાન અંગ્રેજોએ ( ખૈબર પાસથી જલાલાબાદ સુધી ) રેલ્વે માટે ૩૪ ટનલ, ૯૨ બ્રિજ બનાવેલ. વિભાજન પછી આ રે.લાનો ઉપયોગ થોડા સમય માટે થયો. ૧૯૭૦ પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ અંગ્રેજોની બનાવેલી તમામ ઇમારતોને અને તેમણે બનાવેલ પ્રત્યેક સુવિધાને તોડવાનું શરૂ કર્યું. તેઓનું માનવું હતું કે આ વિદેશી પ્રજાની બનાવેલી એકપણ વસ્તુઓ આપણે ત્યાં ન હોવી જોઈએ. આ કારણે તેમણે જે તોડફોડ કરી તેમાં આ રે.લા ને ઘણું જ નુકશાન કર્યું. ૯૦ ના દસકામાં પાકિસ્તાન સરકારે અંગત રસ લઈ આ રે.લા ને સરખી તો કરાવી પણ તે પહેલાની જેટલી સરખી થઈ ન શકી. ઉપરાંત જે થોડી ઘણી બચી હતી કે સરખી થઈ હતી તે લાઇન કુદરતી આફતોની વચ્ચે ઘેરાઈ ગઈ. અંતે ૨૦૦૬-૭ માં આ રેલ્વેલાઇન હંમેશાને માટે બંધ કરી દેવામાં આવી. અગાઉ જ્યારે આ રેલ્વે લાઇન હતી ત્યારે આ લાઇનની આજુબાજુ ઘણી નવી જિંદગીઓ શ્વાસ લેતી હતી, પણ પાકી બધુ ઉજ્જડ બની ગયું. હાલમાં યે આ જિંદગીના અવશેષો અહીં દેખાય છે પણ જાન તો નથી જ. હા, પેશાવરથી ખેબર પાસ સુધી જવા માટે એક “સફારી ટ્રેન” નામનું સ્ટીમ એન્જિન ચોક્કસ ચાલે છે. જેમાં સફર કરવી એ આપણી દાર્જિલિંગની ટોય ટ્રેનની જેમ એક લ્હાવો ગણાય છે, જે આ રૂટના ભવ્ય અતીત તરફ લઈ જાય છે પણ ટ્રેન દ્વારા એ અતીત તરફ જવાનો અમારી પાસે સમય ન હતો.

રેલ્વે લાઇનની દુર્દશા

પેશાવરથી અમે નીકળ્યાં ત્યારે ઐતિહાસિક ખૈબર ઘાટી જોવાની ખૂબ ઉત્સુકતા હતી અને હવે ખૈબર ઘાટીમાં રહેલ ગેઇટમાંથી એન્ટર થઈ અમે લાંબો એવો ખૈબર ઘાટ પાસ કરવાના હતાં. આ ઘાટ અમને ઉપર ઉપર અને ઉપર તરફ લઈ જવાનો હતો. આ માર્ગની સીમારેખાથી છેક પરિસીમા સુધી અમને ઘણાં પઠારો, ફોર્ટ, બેરેકો, આર્મી જીવન અને માલ સામાન લઈને આવતાં જતાં ટ્રક્સ જોવા મળવાનાં હતાં. આ માર્ગ ઉપર આવતી જતી થતી ક્રિયાઓમાં અમે પણ ભાગ રૂપ હતાં જેઓ હવે કંઈક અલગ પ્રકારની જ નવી જ સંસ્કૃતિને જોવાના હતાં. પણ આ પરિસીમા પર પહોંચીએ તે પહેલાં અમારે અમારા નામ અને વ્હીકલ નંબર ખૈબર ગેઈટ પર દર્જ કરાવવાના હતાં તે દર્જ કરાવ્યાં અને અમારી ટૂરની ફરી શરૂઆત કરી. હજુ અમારી વેન થોડા જ ફર્લાંગો આગળ ગઈ હશે કે, ત્યાં જ પેશાવરથી ઉસ્માનભાઈનો ફોન આવ્યો કે; અભી અભી ન્યૂઝ મીલી હૈ કી ઇસ જગહ કો સીલ કર દી હૈ ક્યુંકી વહાં સે ઐસે લોંગો કો પકડા હૈ જીસસે ખતરા હો શકતા થા ઇસી લિયે આગે કા ટૂર ભી આપ કેન્સલ કરો, મત જાઓ આગે આપ સબ બસ મહેફૂસ રહો વહી ફિલહાલ કે લિયે કાફી હૈ. ઉસ્માનભાઈના આ સમાચાર પછી અમારા હાથ-પગ સાથે અમારો ઉત્સાહ ય ઠંડો પડી ગયો અને અમે ફરી વિચાર કરવા લાગ્યાં કે આગળ જવું કે ના જવું? કારણ કે આ જગ્યા કેવળ આતંકવાદીઓ માટે નહીં બલ્કે બોમ્બિંગ માટે ય કુખ્યાત હતો અને અમે એવી જગ્યાએ જઈ રહ્યાં હતાં જ્યાં જોખમ જ જોખમ હતું તેથી અંતે વિચાર કર્યો કે, ખૈબર ઘાટ જે એક સમયે હિંદુસ્તાનનું દ્વાર ગણાતું હતું તે રોડ તો જોઈ જ લીધો છે તો ઇસ્લામાબાદ તરફ પાછા ફરીએ તે જ સારું રહેશે આમેય અમે જ્યાં સુધી પહોંચેલા ત્યાં સુધી તો આજે મોટાભાગનાં ભારતીયોને પહોંચવા યે નથી મળતું તો એ પ્રમાણે તો હું ઘણી જ લકી હતી કારણ કે એક સમયમાં હિંદુસ્તાનનાં પ્રવેશવાનાં બંને માર્ગ ( પેશાવર અને ખૈબર પાસ ) ને હું જોઈ ચૂકી હતી. ઉપરાંત આ ય કાંઇ મારી છેલ્લી પાકિસ્તાનની ટ્રીપ તો નથી જ હજીયે ત્રીજીવાર આવવાનું બાકી છે ને હું આવીશ પાછી અત્યારે તો “સર સલામત તો પગડિયા હજાર અને જીવતો નર ભદ્રા ને પામે” તેવી સ્થિતિ છે તો તેને જ એન્જોય કરીએ એમ વિચારી અમે અમારી વેનને ફરી ઇસ્લામાબાદની દિશામાં ફેરવી લીધી.


© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ  | purvimalkan@yahoo.com

Author: Web Gurjari

1 thought on “સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય

  1. Wow, તમારી હિંમત છે હોં બેન, તમારી એ વાત સાચી લાગી કે સર સલામત તો પગડીયા હજાર. છક્કા છૂટી ગયા વાંચીને, ને નવાઈ લાગી કે ઠેઠ ક્યાં સુધી તમે ગયા.

Leave a Reply

Your email address will not be published.