સમયચક્ર : રંગ, રસાયણ અને ઔષધ – હળદર

આપણે ખોરાકમાં રોજ બરોજ જેનો ઉપયોગ કરતા હોઈએ એવી કેટલીય સામાન્ય ચીજો છે જેના વિશેની સામાન્ય માહિતિ પણ આપણી પાસે હોતી નથી. એમાની એક ચીજ છે હળદર. મોટાભાગના લોકો હળદરને ગાંઠ સ્વરુપે કે હવે પાવડર સ્વરૂપે જ જોયેલી હોય છે. જોકે તેનું એક કારણ એ પણ છે કે હળદરની ખેતી દરેક ઠેકાણે થતી નથી. બહુ ઓછા લોકોએ હળદરના છોડ જોયા હોય છે. જે હળદર ખાવામાં વપરાય છે તે મૂળની પેદાશ છે જે સીધી અથવા ભૂકા સ્વરૂપે મળે છે. હળદરનો આકાર અને રંગ એવો છે કે તે પ્રથમ દષ્ટિએ વનસ્પતિની એક પેદાશ લાગે નહીં. હળદરની મોટી વિશેષતા એ છે કે તે સરળતાથી મળતી ઔષધી છે. વળી તેની કોઈ જ આડઅસર થતી નથી. હળદર ખાવામાં ઉમરનો બાધ પણ નડતો નથી.

માવજી મહેશ્વરી

હળતરથી પરિચિત ન હોય તેવો માણસ ભાગ્યે જ મળે. ઘર ઘર વપરાતી હળદર રોજની રસોઈને તો સ્વાદિષ્ટ બનાવે જ છે. સાથે સાથે તે અનેક રીતે શારીરનું સ્વાસ્થય જાળવવા માટે પણ ઉપયોગી છે. ઘરગથ્થુ ઈલાજ માટે હળદર હાથવગી વસ્તુ ગણાય છે. ભારતમાં પ્રાચીનકાળથી ખોરાક તેમજ દવા તરીકે હળદર વપરાતી આવી છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ કે શાકમાં થાય છે. પીળા રંગની આ વનસ્પતિની ઉપજ દાળ કે શાકને નવો રંગ આપે છે. સાથે સાથે તે અન્ય મસાલા અને તેલની આડ અસર ઘટાડે છે. આજની પેઢીને કે મહાનગરમાં રહેતા લોકોને કેટલીક ચીજો પ્રક્રિયા થયા બાદ તેમના હાથમાં આવતી હોવાથી તેના વિશે વધારે માહિતી કે જાણકારી હોતી નથી. હળદર એમાંની એક ચીજ. કારણ કે આજે મોટાભાગના ઘરોમાં પીસેલાં તૈયાર મસાલા વાપરવાનું ચલણ હોવાથી કેટલાક લોકોએ તો હળદરની ગાંઠોને જોઈ જ હોતી નથી. ઉપરાંત હળદરની સુકાઈ ગયેલી ગાંઠો પીળા પથ્થર જેવી દેખાતી હોવાથી કેટલાક લોકોને એ પણ ખબર નથી હોતી કે હળદર વનસ્પતિ તરીકે કયા સ્વરુપે હોય છે. ઉપરાંત હળદર દેશમાં સર્વત્ર વવાતી નથી, તે ચોક્કસ વિસ્તારોમાં જ થાય છે એટલે દરેક ઠેકાણે તેના છોડ જોવા મળતા નથી. પરિણામે હળદરની ખેતી અને તેના છોડની માહિતી બહુ જ ઓછા લોકો પાસે હોય છે.

હળદર મૂળ આદૂના કૂળની વનસ્પતી છે. જેનું વાનસ્પતિક નામ જીંજરએસે છે. અંગ્રેજીમાં તેને ટર્મેરીક કહે છે. હળદરનો ચારથી પાંચથી ફૂટનો દેખાવડો છોડ થાય છે. જેના મૂળ ઉપર થતી ગાંઠોમાંથી હળદર મળે છે. ઔષધ ગ્રંથોમાં હળદર માટે હરિદ્રા, કુરકુમા લૌંગા, વરવર્ણિની, ગૌરી, ક્રિમિઘ્ના, યોશીતપ્રિયા, કટ્ટવિલાસની, હરદલ, કુમકુમ જેવા નામો અપાયા છે. આયુર્વેદે હળદરને એક મહત્વપૂર્ણ ઔષધિનો દરજ્જો આપ્યો છે. ભારતમાં હળદરનો પાક વધારે પ્રમાણમાં બંગાળ, બિહાર, માહારાષ્ટ્ર, તામિલનાડુ, દહેરાદૂન વિસ્તારોમાં લેવાય છે. ગુજરાતમાં સુરત અને ખેડા જિલામાં હળદરનો પાક થોડા પ્રમાણમાં લેવાય છે. કોઈ સમયે ગુજરાતના મહેસાણા જિલાના વિસનગરની આજુબાજુ હળદરનો પાક લેવાતો હતો. હાલે એ વિસ્તારમાં હળદર વવાતી નથી. હળદરને રેતાળ જમીન વધારે માફક આવે છે તેમજ તેને ઉછેરવા માટે ખૂબ પાણીની જરુર પડે છે. હળદરનો છોડ ચારેક ફૂટ ઊંચો થાય છે. તે સુંગંધી હોય છે. હળદરના પાન કેળના પાન જેવા પહોળા અને ચીકણાં હોય છે. હળદરના પાન ઉપર સફેદ દાગ હોય છે. હળદર વાસ્તવમાં એક પ્રકારનું કંદ છે. એટલે કે હળદરનો પાવડર હળદરના છોડના મૂળને સુકવીને પીસીને બનાવવામાં આવે છે. હળદરના મૂળ સોના જેવા તેજસ્વી પીળા રંગનો હોય છે.

હળદર મુખ્યત્વે બે જાતની થાય છે. સખત હળદર અને પોચી હળદર. સખત હળદરનો ઉપયોગ રંગ બનાવવા માટે, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં વપરાશ થાય છે. તે હળદરમાં સુગંધ હોતી નથી. પોચી હળદર ખાવામાં વપરાય છે. આ હળદરમાં ચોક્કસ પ્રકારંની સુગંધ હોય છે. હળદરની એક ત્રીજી જાત પણ છે. તેને આંબા હળદર કહે છે. આ જાતને જંગલી હળદર પણ કહેવાય છે. આ હળદર માત્ર દેશી ઈલાજ માટે વપરાય છે. જોકે આંબા હળદર લોહી વિકાર અને ચામડીની ખંજવાળ દૂર કરવા માટે અક્સીર ગણાય છે. શાક માર્કેટમાં હળદરની લીલી ગાંઠો પણ વેચાય છે. કચુંમ્બર સાથે તેમજ મીઠું આપીને થોડા દિવસો સુધી તેને ખાઈ શકાય છે. લીલી હળદર જેવી જ સફેદ હળદર પણ વેચાતી હોય છે. પણ તે જુદા પ્રકારની વંનસ્પતિ છે. જોકે તેનો સ્વાદ હળદર જેવો જ હોય છે. હળદરની ગાંઠોમાં એક તેલ પણ હોય છે જે સુકાય તે દરમિયાન ઊડી જાય છે.

હળદર એક મહત્વની અને સરળતાથી ઉપલબ્ધ દવા છે. હળદર જ માત્ર એક એવી ઔષધી છે જેની કોઈ આડ અસર થતી નથી. હળદરનો ઉપયોગ શીશુથી માંડીને વૃધ્ધો સુધી કોઈ પણ કરી શકે છે. એ અર્થમાં હળદર નિર્દોષ અને નિર્ભય વનસ્પતિ છે. હળદર ખાવાથી કોઈ જ નુકશાન થતું નથી. વળી તેને શરીરની પ્રકૃતિનો બાધ પણ નડતો નથી. વાત પીત અને કફ ત્રણેય પ્રકૃતિવાળા હળદરનો ઉપયોગ નિર્ભય રીતે કરી શકે છે. હળદર એક એવું રસાયણ છે જે ખોરાક અને હવામાનને કારણે શરીરમાં ઉભી થતી વિકૃતિને મટાડે છે. હળદરમાં લોહીને શુધ્ધ કરવાનો ગુણ છે. લોહી શુધ્ધ થવાથી શરીરની કાંતિ વધે છે. ચામડી તેજસ્વી બને છે. લગ્નોમાં વર કન્યાને પીઠી ચોળવાની વિધિનું કારણ હળદરનો ગુણ છે. હળદર શરીરમાં પેદા થતા વધુ પડતા કફ અને આમને પચાવી અને બાળી નાખે છે. ઉધરસનો રામબાણ ઈલાજ હળદર છે. એટલે જ ઉધરસ થાય ત્યારે હળદર વાળું ગરમ દૂધ આપવામાં આવે છે. કેટલાક લોકો રાતે સુતા પહેલા હળદર અને મરી નાખેલું દૂધ પીવે છે. આના કારણે રાતના વાતાવરણની ઠંડક કફ કરી શકતી નથી. હળદર અનેક રોગોને ઉભા થવા દેતી નથી. બધા ખોરાક દરેક જણ ને માફક આવતા નથી. હળદર શરીરની પ્રકૃતિ પ્રમાણે ખોરાકમાં રહેલા હાનીકારક તત્વોનો નાશ કરે છે. વળી તે પાક નાશક ( એન્ટી સેપ્ટીક ) પણ છે..મૂઢમાર કે ઘા ઉપર હળદર ચોપડવાથી તે પાકતા નથી. આમ હળદર ઘરગથ્થુ સસ્તી, સરળતાથી ઉપલબ્ધ ઔષધી છે.

હળદર માત્ર ઔષધી જ નથી. તે રસાયણ તરીક પણ ઉપયોગી છે. પીળો રંગ બનાવવા સખત હળદરનો ઉપયોગ થાય છે. કાપડ ઉદ્યોગમાં હળદર સાથે અન્ય રસાયણો મેળવી નવા રંગો બનાવવામાં આવે છે. ભારતીય સ્ત્રીઓ સેંથામાં જે કંકુ ભરે છે તે હળદરની જ એક બનાવટ છે. હળદર અને ચૂનાના મિશ્રણની રાસાયણિક ક્રિયાથી કંકુ બને છે. હાથમાંથી કંકુ ઝરવાનો ખેલ જાદુગરો કરતા હોય છે તેની પાછળ હળદરની જ કમાલ છે. હળદર સૌંદર્ય પ્રસાધનોમાં પણ વપરાય છે. ચહેરા પર લગાડવામાં આવતી ક્રીમની બનાવટોમાં કેટલાક ઉત્પાદકો હળદરનો ઉપયોગ કરે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.