લ્યો, આ ચીંધી આંગળી : નવાબી ભૂમિ પર એક લીલું રજવાડું -કેરીનો ડીઝની લેન્ડ !

રજનીકુમાર પંડ્યા

ગયા વર્ષે મે ૨૦૧૯માં જગમશહૂર ગીરના એવા જ જગમશહૂર કુરેશી ફાર્મની કેરીઓ અને જો એને ‘લીલું રજવાડું’ કહેવાતું હોય તો એ રજવાડાના 58 વર્ષના ‘નવાબ’ ગફારભાઇ કુરેશી વિષે અહીં જરા જુદા અંદાજમાં લેખ આપ્યો હતો. એને બીજે જ દિવસે ‘વેબગુર્જરી’ પર એ વાંચીને મૂળ તાલાલા ગીરનાં, પણ વર્ષોથી અમેરિકા વસતાં બહેન રેખા સિંઘલે તરત એનો મીઠો પ્રતિઘોષ મને આપ્યો. ઇ મેલમાં લખ્યું : ‘લેખ વાંચીને બે વાતનો ગર્વ થયો. એક તો આ ગફારભાઇ મારા વિદ્યાર્થી હતા અને બીજું કે મારા પિતા કરસનભાઇ આલાભાઇના અત્યારે તાલાલા ગામની મધ્યમાં આવેલા કેસરબાગમાં કેસર કેરીનું સૌ પ્રથમ વાવેતર થયેલું. એ સમયે અહીં વગડામાં સિંહો આંટા મારતા હતા અને માનવવસ્તી જૂજ હતી. ગફારભાઇએ તો અમારા પંથકનું જ નહિં દેશનું નામ આ ક્ષેત્રે ગાજતું કર્યું છે. કેસર કેરીના એ મધુર સ્વાદની યાદ સાથે ગફારભાઇને અભિનંદન અને આશીર્વાદ”.

(કુરેશી ફાર્મ’માં ગફારભાઈ)

પણ ઓણ સાલ કોરોનાએ કાળો કેર કેરી ઉપર વરતાવ્યો. લોકો જામફળની સિઝનમાં જામફળ કે જાંબુની સિઝનમાં જાંબુ નજરે પડે તો આરોગી લે છે. એની કાંઇ અગાઉથી રાહ જોતા હોતા નથી. પણ કેરીના સવાદીયા લોકો તો માર્ચના મધ્યથી જ કેરીની રાહ જોતા થઇ જાય છે કે ક્યારે માર્ચના અંતનો સિગ્નલ પડે અને ક્યારે પ્લેટફોર્મ પર કેરીઓ ભરેલા કલ્પિત વેગનો ઠલવાય ! વિચારતાં પણ મોંમાં પાણી છૂટે. પણ આ વખતે લોકડાઉને એવી ઇંતેજારીની ક્ષણોમાં જ બજારમાં એના પેસવાના ફાટક ઉપર તાળું મારી દીધું ! બસ, લૉકડાઉન ! ભગવાન જાણે કે આંબા પર ઝુલતી ગીર કે દક્ષીણ ગુજરાતની કેરીઓની શી વલે થઇ હશે ? ઉપરવાળો જો હાથ લાંબો કરીને લટકાવેલી આ કેરીઓ પાછી લઇ લેતો હોત તો સારું હતું. મોસમ આવ્યે એના ભોક્તા એવા આપણા સૌનો ઇંતેજાર કરતી કેરીઓને જોઇ જોઇને આપણો જીવ તો ના બળત !

પણ ના, ઉપરવાળો એમ લોભીયો નથી. આવતા વરસે આથીય દોઢી માત્રામાં કેરીઓ આપવાનો છે. એની મુદામ ખાતરી આ ગફાર કુરેશીને જોઇને થાય છે. એમણે આ ચાર એકર ભૂમિ પર કરેલા ચમત્કારે ભલભલા કૃષિવિજ્ઞાનીને અચંબામાં નાખી દીધા છે. 1985માં એમને રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંઘના હસ્તે દેશના વનસ્પતિવર્ધન અને આર્થિક વિકાસની કામગીરી બદલ વિશેષ એવૉર્ડ એનાયત થયો હતો. ભારત સરકારે એમને 2000ની સાલમાં અને એ પહેલાં ગુજરાત રાજ્યે એમને 1998માં સન્માનિત કર્યા. બી.બી.સી.ની ટીમ અને વિશ્વ બેંકની ટીમ પણ અહિંની મુલાકાત લઇ ગઇ છે. હમણાં જ ‘ટાઇમ્સ ઓફ ઇંડીયા’એ તાલાળા જઇને એમની મુલાકાત લઇને અને એમના વિષે 15 મી મે, 2020ના અંકમાં જે લખ્યું તેને સ્થળ પરનો આંખે દેખ્યો અહેવાલ ગણવો જોઇએ. પત્રકાર નિમેષ ખાખરીયા એમાં લખે છે તે જ બહુ નવતર છે.એનો સાર જુઓ :

‘પીટર એંડ્રુઝ, કાવસજી પટેલ, મલ્લિકા અર્જુન…જી, ના. આ બધા માણસોના નામ નથી. પણ આ કુરેશી ફાર્મમાં જોવા મળતી કેરીની બસો માંહ્યલી કિસમમાંથી કેટલીક કિસમોનાં નામ છે. ગફારભાઇ, એમનાં બેગમ જેબુનબેન, એમના પુત્રો આદિલ અને જાહેદ, ઉપરાંત બીજા ચાલીસ મદદગારો આ સવાસો વર્ષ જૂના કુરેશી બાગમાં બીજી અનેક વનસ્પતિઓ સાથે કેરીની આ બધી લુપ્ત થઇ રહેલી કિસમો(પ્રજાતિઓ)ને જાળવી લેવા અને ઉછેરવા રાત દિવસ તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. જેથી કરીને આવનારી પેઢીઓ સુધી તેનો સ્વાદ પહોંચે અને પછી ત્યાંથી આગળ પણ જાય.

બીજી એક રસિક વાત. નવાબી યુગમાં કેરીઓના પ્રકારોના નામ પણ કોઇ જુદા જુદા સંદર્ભથી પાડવામાં આવતા. જેમ કે : ‘દૂધ-પેંડો’, ‘બેગમ પસંદ’, ‘આમીર પસંદ’, ‘બાદશાહપસંદ’ અને ‘દિલપસંદ’ . એમ કહેવાય છે કે ‘દૂધ-પેંડો’ જાતની કેરીના સ્વાદમાં દૂધનો ટેસ્ટ આવતો, કારણ કે નવાબ સાહેબ એ આંબાને સિંચાતા પાણીમાં દૂધ પણ ભેળવવાનો હુકમ કરતા. ‘બેગમ પસંદ’ કેરીની તો ચીરીઓ ત્રણ ત્રણ દિવસ સુધી તાજી રહેતી. (એ વખતે ફ્રીજ ક્યાં હતાં ?) ‘આમીર પસંદ’ કેરીનો માવો બહુ મુલાયમ રહેતો. તો વળી ’બાદશાહપસંદ’નો રસ ચમચમતો કેસરી અને સ્વાદ માખણ જેવો રહેતો. તો ‘દિલપસંદ’ની તો વાત જ જુદી. એનું એકે એક ફળ મબલખ રસ આપતું. એ નવાબી કાળની કેરીની જાતો અહીં સલામત છે. આ બાગમાં એક સવાસો વર્ષ જૂનો આંબો છે, જે નવાબસાહેબના સાળા, વજીર સાલેહભાઇએ વાવેલો. એમનું નામ એટલા માટે લેવું પડે કે સૌથી પહેલાં કેસર કેરીની જાત તરફ એમનું ધ્યાન પડેલું. આવી બધી વિવિધતાને કારણે આ કુરેશી બાગ કેરીઓનો ડીઝનીલેન્ડ બની ગયો છે. આ ફાર્મના કુલ ૫૨૦૦ વૃક્ષોમાંથી ૫૦૦ ઉપરાંત તો એકલા આંબાની જ વિવિધ જાતોના છે. એમાં અમુક તો ૭૦ થી ૯૦ વર્ષ જૂના છે. જે દેશના વિવિધ રાજ્યોમાંથી અહીં લાવીને રોપવામાં આવ્યા છે. જેમ કે, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી જાત મલિહાબાદ અને ચૌંસા.

અમસ્તા પણ વરસે દહાડે પચ્ચીસ-ત્રીસ હજાર લોકો તો અહીં આવનારા ખરા જ. ગયે વરસે આવનારા અહીંથી રૂપિયા એકવીસ લાખની કેરીઓ ખરીદી ગયેલા, પણ એમાંથી ભાગ્યે જ કોઇ આ બધી જાતોનાં નામ જાણતું હોય એવું નીકળતું. પણ આ અહીં પગ દેનાર પ્રત્યેક મુલાકાતી અહીંથી આ સમજણ લઇને જ જાય છે. જે ખેડૂતો અહીં આવે છે તેઓ પોતે અહીંથી એની કલમો લઇને જાય છે. પાકો અંદાજ એવો છે કે આશરે દસ હજાર ખેડૂતો અહીંથી દસ લાખ આંબાઓ અત્યાર સુધીમાં લઇ ગયા છે. અને એ સૌ દરેક રીતે સમૃધ્ધ થયા છે. નજીકના જલોંદર ગામના દિનેશભાઇ ગંડેચા ૧૫ જાતની કેરીની વિવિધ જાતો ઉગાડે છે, પણ એ એના છોડ કે કલમો અહીંથી જ લઇને ગયા છે. મધ્યમાં પણ મધ્ય ગીર અને એમાં સોમનાથ જિલ્લાનું નાનું એવું ગામ તાલાલા, અને એની કાંખમાં નાનકડું છોકરું તેડ્યું હોય એવું ગામ રમળેચી. બસ, ત્યાં આ લીલું રજવાડું છે, એટલું ફેલાયેલું છે કે હવે એ ગામ પર લક્ષ જતું નથી. જાય તો ય નજર લસરીને સીધી એ સમગ્ર ગામને છાવરી અને આવરી લેતા આ લીલાછમ્મ એવા વિશાળ પટ પર જઇને પડે છે કે જે જોનારના આત્માને સ્વર્ગીય શીતળતાનો ભરપૂર અહેસાસ કરાવે. ચાર એકર જમીનના એ પટ ઉપર કોઇ માણસ નકરી-નકોર જમીનને જોવા ચાહે તો ભાગ્યે જ થોડા ચોરસ ફૂટ જેટલી જોવા પામે. એમ કહી શકાય કે માણસ પગ મૂકીને ચાલી શકે એટલી જમીન જ એના માલિક ગફારભાઇ કુરેશીએ કોરી છોડી છે.

ગફારભાઇ કુરેશીએ કૃષિવિજ્ઞાનનું કોઇ શિક્ષણ લીધું નથી, પણ કોઇ પણ વનસ્પતિ, પછી તે નાનકડો છોડ, વેલી કે વિરાટ વૃક્ષ હોય, ગફાર મહમ્મદ કુરેશી એના વિષેની ઝીણામાં ઝીણી જાણકારી હૈયે રાખે છે. એમને કોઇ પુસ્તકના પાનાઓમાં આથડવું પડતું નથી. એટલે તો એમની આ જગ્યા આજુબાજુના વિદ્યાર્થીઓ તો ઠીક, પણ ખેડૂતો માટે મહાવિદ્યાલય સમાન બની ગઇ છે. આ બાગની મુલાકાત લેવા આવનારા જિજ્ઞાસુઓને એ ખરેખર વિના મૂલ્યે પોતાના સમયનો ભોગ આપીને વનસ્પતિ અને બાગાયતની પ્રત્યક્ષ તાલીમ આપે છે, સજીવ ખેતીના ફાયદા, ખેતીનું પરંપરાગત અને આધુનિક જ્ઞાન,પર્યાવરણની જાળવણીની સમજ, જમીનના પ્રકારોની જાણકારી, કૃષિના સાધનોનું અને જળસંચયની વિવિધ પધ્ધતિઓનું જ્ઞાન આપી રહ્યા છે,

(ગફારભાઈ કુરેશી)

એમના પિતા મહમ્મદભાઇ કુરેશી જમીનના આ ટુકડા પર શાક-બકાલું વાવતા અને પરિવારનો નિર્વાહ કરતા. એમની પધ્ધતિ પરંપરાગત ખેતીની હતી, પણ એમાં એમના નાના દિકરા ગફારભાઇ નબળી આર્થિક સ્થિતીને કારણે એક મંદીરના બાંધકામમાં મજૂરીએ જતા હતા. ધીરે ધીરે એમને પિતાના આ માત્ર ગુજરાન ચલાવવા માટે કરાતા શાક-બકાલા વાવવાના કામમાં ભારે રસ પડી ગયો. પિતાના અવસાન પછી 1970 માં એમણે આ વાડીની જવાબદારી સંભાળી લીધી. આજે જ્યાં બાવનસોથીય વધુ વૃક્ષો લુંબેઝૂંબે છે. એકસો અઠ્ઠાવન જાતના ફળાઉ વૃક્ષો છે. એમાં દસ પ્રકારના લીંબુથી માંડીને અનેક જાતના મોસંબી, સંતરા, નારંગી, જામફળ, જમરૂખ, દાડમ, બોર, અનેક જાતના આંબળા, દ્રાક્ષ, સોપારી, જાંબુ, સીતાફળ, ખજૂર, ખારેક, અંજીર, ફાલસા, ચીકુ, કરમદા, બદામ, કાજુ, નાળીયેર, ગુંદા, બિલીપત્ર અને લખવા જતાં આખા લેખની જગ્યા રોકાઇ જાય તેટલાં વૃક્ષો છે. પણ ના, એટલી જગ્યા પણ ઓછી પડે તેવું છે. ફળાઉ વૃક્ષો ઉપરાંત રોડસાઇડ ફૂલ, ઝાડ અને મિશ્ર વેરાઇટી છોડમાં થોરથી શરુ કરીને ખાખરો, લાલ ચંદન, આસોપાલવ, વાંસ, ધતૂરો, ગુલમહોર, સોનચંપા જેવા જાણીતા ફૂલઝાડથી માંડીને કુલ ત્રણસો નેવું જેટલા વૃક્ષો પણ ગફારભાઇની અને તેમના પરિવારની માવજતથી લહેરાઇ રહ્યા છે. પાર વગરના ઔષધીય વૃક્ષો છે તો ગીરની હવે લુપ્ત થવાના આરે ઉભેલી સેંકડો વનસ્પતિઓ આ બાગમાં જળવાઇ રહી છે. વેલી, વેલા અને કંદમૂળની સો ઉપરાંત જાતો આ લીલા લહેરાતા રજવાડામાં જોવા જ નહિં, આંગણે વાવવી હોય તો કૂંપળ, છોડ, મૂળીયાં, કલમો કે બિયારણરૂપે વાવવા પણ મળે. બીજા રોપાઓ તો રખાયેલી નોંધ પ્રમાણે ત્રીસેક લાખ જેટલા !

(કૃષિવિજ્ઞાન અંગે વક્તવ્ય આપતા ગફારભાઈ)

આવા ચમત્કારો રાતોરાત થયા હોતા નથી. એને માટે પર્યાવરણ જાળવણી અને ચુસ્ત ઓર્ગનિક (સજીવ) ખેતીના નિયમો પાળવા પડે છે. રાસાયણીક ખાતર તો નહિં, પણ જંતુનાશક દવાઓ પણ નહીં. દેશી છાણીયું ખાતર કેરીની ગુણવત્તાને જાળવી રાખે છે. અને એને સામાન્ય કેરી કરતાં વધુ મિઠાશવાળી બનાવે છે. છાણીયું ખાતર એ અળસિયાનો ખોરાક છે અને તેની હગાર એ ઉત્તમ ખાતરનું કામ કરે છે. એવા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવાય છે.ગફારભાઇ અળસીયાને વિવિધ વનસ્પતિઓના પાનનો ખોરાક આપે છે તેને કારણે સામાન્ય અળસિયાં કરતા આવા અળસિયાં દ્વારા નિપજતું ખાતર વધુ કસવાળું બને છે. દેડકાંની હગાર પણ જમીનને ફળદ્રુપ બનાવે છે. દેડકાંના ઉછેર માટે એક અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. તે એ કે એક મોટા હોજમાં ત્રણસો જેટલાં દેડકાંને ઉછેરવામાં આવ્યાં છે. દરેક દેડકાનું વજન ઓછામાં ઓછું ત્રણસો ગ્રામથી માંડીને દોઢ કિલોગ્રામ જેટલું હોય છે. આ દેડકાં સાંજ પડ્યે હોજમાંથી બહાર નીકળીને પૂરા બાગમાં ખોરાકની શોધમાં નીકળી પડે છે.અને રાતના ભાગે વનસ્પતિને નુકશાન કરતી જીવાતો અને જંતુઓનો એ રીતે નાશ કરે છે.

કેરીના ફાલ, ગુણવત્તા અને વૈવિધ્યમાં તો કુરેશી બાગ બેમિસાલ છે, પણ એની બીજી એક અતિ મહત્વની પાંખ તે ઔષધીય ખેતીની પણ છે. હરડે-બહેડા-આમળાં-ગોખરુ-જેઠીમધ-પીપરીમૂળ જેવા જાણીતા ઓસડીયાંથી શરુ કરીને માત્ર ગીરના જંગલના ઉંડાણમાં જંગલી રીતે આપોઆપ ઉગતી અને આડેધડ વિકસતી યા વાનર કે બીજા પશુઓ દ્વારા નાશ પામતી એવી સેંકડો વનસ્પતિઓ તેમણે આ બાગમાં ઉછેરી છે. એના ઇંગ્લીશ શાસ્ત્રીય નામોની સૂચી પણ એમણે રાખી છે અને એમાંથી ડાયાબીટીસ કે આંખના કે સાંધાના અને બીજા અનેક રોગ માટેની દવાઓ બાગમાં જ બનાવે છે. મધ, એલોવેરા, ગોળ, ખાખરાના મૂળનો અર્ક જેવા વનપ્રાપ્ત દ્રવ્યો તેમના બાગમાં મળી શકે. બેશક, વ્યવસાયિક ધોરણે એ નથી.

પણ કશા પણ રસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વગર શુધ્ધ સજીવ ખેત-પધ્ધતિથી જો આ પર્યાવરણીય સિધ્ધિ પ્રાપ્ત કરી શકાઇ હોય તો એવો પ્રશ્ન મનમાં ઉગ્યા વગર રહે જ નહીં કે પૂરા રાષ્ટ્રમાં આ કેમ ના બની શકે ?

જરૂર બની શકે, કોઇ પ્રયોગવીર નીકળે તો ગફારભાઇ કુરેશી મદદ કરવા તૈયાર છે.

સંપર્ક- કુરેશી બાગ, મુકામ- રમળેચી, તાલુકો-તાલાલા (ગીર) જિ. જૂનાગઢ- 362150

ફોન- +9194264 65358 અને +9199790 24675 , અને લેન્ડ લાઇન: +912877-223209

ઇમેલ: info@qureshifarms@gmail.co , info@qureshifarmas.com

વેબસાઇટ: www.qureshifarms.weebly.com , www.qureshifarms.com


લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો. 9+915580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-+9179-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : નવાબી ભૂમિ પર એક લીલું રજવાડું -કેરીનો ડીઝની લેન્ડ !

 1. કેરી વિશે અને ગફરભાઈ નાં ફાર્મ વિશે આટલી વિસ્તાર થી માહિતી પહેલી વાર વાંચી.કેરીઓ નાં પ્રકાર તાલીમ ઉછેર બધું ગજબ છે.

  1. Vah..Vah..Saras mahiti..As always.
   આંગળી ચીંધવાનું આ પુણ્ય જેવું તેવું નથી.
   સલામ..આ આખી લેખમાળા માટે..આદરણીય રજનીભાઈને.

 2. ગફારભાઈ ને કોઈ સન્માન મળ્યું છે કે નહિ તે ખબર નથી પણ આવા રત્નો ને સરકારી સન્માન મળવું જ જોઈએ .
  આવી વ્યક્તિ નો પરિચય કરાવવા બદલ રજનીભાઈ નો આભાર

 3. મજા પડી ગઈ રજનીભાઈ, કેરીની કોઈપણ વાત વાંચવાનું ગમે જ અને એ પાછી રજનીકુમાર લખી હોય!
  (અલબત્ત પહેલો ક્રમ કેરીનો આ-સ્વાદ!)
  — રમણ સોની

Leave a Reply

Your email address will not be published.