લુત્ફ – એ – શેર : મણકો # ૨

ભગવાન થાવરાણી

ગાલિબ એવું વ્યક્તિત્વ છે જે બસો વર્ષ પહેલાં જેટલા પ્રસ્તૂત હતા એટલા જ આજે છે. આમ તો આ લેખમાળામાં કોઈ શાયરને પુનરાવર્તિત ન કરવા એવું નક્કી કર્યું છે પરંતુ ગાલિબ પોતે અપવાદ હતા એટલે એમના કિસ્સામાં અપવાદ રાખીએ. એમના કેટલાય શેરો-ગઝલો વાંચીને એવું સ્હેજેય નથી લાગતું કે આ રચનાઓ એવા ગાળામાં રચાઈ છે જ્યારે રાજા-મહારાજા-શહેનશાહો-નવાબો અને પછી અંગ્રેજ બહાદુરનો ડંકો વાગતો હતો. એ કદાચ એમના સમયથી બસ્સો વર્ષ પહેલાં જન્મી ગયા હતા ! એક તરફ એમના કેટલાય શેર છે જે હવે કહેવતો બની ચૂક્યા છે તો બીજી તરફ એ હકીકતને પણ ઇન્કારી શકાય નહીં કે એમના કેટલાય શેરોના શબ્દોથી તો આપણે વાકેફ છીએ, અર્થોથી નહીં. બીજાની તો ખબર નહીં, મારા પોતાના બારામાં આ સોળ આના સાચું છે.

મારા ગુજરાતી કવિતા સંગ્રહ  ‘તને તો ખબર છે’ ને મેં મારા એ મિત્રને અર્પણ કર્યો હતો જેમણે મારો પરિચય ગાલિબના આ શેર સાથે કરાવ્યો હતો :

ગો  હાથ  કો  ઝુંબિશ  નહીં આંખોં  મેં તો  દમ  હૈ
રહને  દો   અભી   સાગરો  –  મીના   મેરે  આગે ..

આ સ્વમાનની નવી, ગાલિબશાઈ ઊંચાઈ છે. ઉપરછલ્લું ચિત્ર એવું ઉપસે છે કે નાયક શરાબ પી રહ્યો છે. કદાચ કોઈક સાકી પણ છે જે શરાબ પીરસી રહી છે. એ એટલું પી ચૂક્યો છે કે હવે હાથોની ઝુંબિશ – હલનચલન ખતમ થવામાં છે. સાકીને પણ એવું લાગતું હશે કે આણે હવે પીવું અને મારે પીવડાવવું બંધ કરવું જોઈએ, પરંતુ આવું કશુંક થાય એ પહેલાં પીનાર ખુદ બોલી ઊઠે છે ( અને જે બોલે છે એના પરથી ફલિત થાય છે કે એ પૂરા હોશોહવાસમાં છે ! )  ‘ હાથ કે શરીર થંભી ગયું તો શું થયું, આંખોની રોશની અને ચમક હજુ બરકરાર છે. જ્યાં સુધી એ છે ત્યાં સુધી પીવાની પાત્રતા ધરાવું છું હું. ત્યાં સુધી સુરાહી અને જામ રહેવા દો મારી આગળ. ‘

જરા જૂદા પરિપ્રેક્ષ્યથી જોઈએ તો આ પીવાની વાત જ નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી જીવવાનો, જીવી લેવાનો મહિમા છે અહીં. જિંદગીની નવાજિશ છે આ.

એવા નિરાશાવાદીઓ પર વ્યંગ છે આ, જેઓ માને છે કે એક ચોક્કસ ઉમ્મર પછી ઇહલોક વિષે વિચારવાનું છોડી માણસે પરલોકના બારામાં વિચારવું જોઈએ.

આ શેરમાં છેલ્લા શ્વાસ સુધી જીવન જીવવાની, એનો લુત્ફ ઉઠાવવાની વાત છે અને આ વાતને અસદુલ્લાહ ખાં ગાલિબ જેવો દિલદાર ઈંસાન જ આવી ખુમારીથી કહી શકે


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

5 thoughts on “લુત્ફ – એ – શેર : મણકો # ૨

  1. મનભાવન રસદર્શન! અનન્વય અલંકારમાં કહી શકાય કે ગાલિબ તો ગાલિબ!

  2. ‘ હાથો ‘ ની જગ્યાએ ‘ હાથ ‘ જેવો, આમ સાવ નાનકડો પરંતુ અત્યંત અગત્યનો સુધારો વીજળીક વેગે કરી આપવા બદલ અશોકભાઈને સો-સો સલામ !

  3. વાહ ! સાહેબ… રસાસ્વાદ કરાવવાની આપની રસમ અદ્ભૂત છે. બાકી ગાલિબ તો ગાલિબ છે જ.

Leave a Reply

Your email address will not be published.