વાંચનમાંથી ટાંચણ : દિવ્યાંગ દિવ્યાની પ્રતિભા

સુરેશ જાની

clip_image002

સુજલે પતિ રવીન્દ્રને કહ્યું ,”ચોક્કસ દિવ્યા જોઈ શકતી નથી.” ડો. રવીન્દ્ર આ વાત માની ન શક્યા. સુજલ પણ ડોક્ટર જ હતી – એનેસ્થેટિસ્ટ. અને રવીન્દ્ર? – આંખનો જ સર્જન! મુંબઈ નજીક વસાઈમાં બન્નેની ધીકતી પ્રેક્ટિસ ચાલતી હતી. પણ એમને માથે આભ ટૂટી પડ્યું. દિવ્યા – માત્ર એક જ મહિનાની, પરાણે વ્હાલી લાગે એવી ઊગી રહેલી કળી અને જીવન ભરનો કારમો અંધાપો.

બીજા જ દિવસે ડો. રવીન્દ્રે જાતે દિવ્યાની આંખ તપાસી જોઈ. તેના જ્ઞાન મુજબ તેને ખાતરી થઈ ગઈ કે, આંખને મગજ સાથે જોડતા જ્ઞાનતંતુમાં જન્મજાત ખામીના કારણે દિવ્યા જિંદગીમાં કદી જોઈ નહીં શકે. ડો. રવીન્દ્ર દિવ્યાને મુંબઈના શ્રેષ્ઠ સર્જનો પાસે લઈ ગયા. પણ આશાનું કોઈ જ કિરણ દિવ્યાની અંધાર કોટડીને અજવાળી શકે તેમ ન હતું. અઠવાડિયા સુધી સુજલ અને રવીન્દ્ર માટે ઊંઘ હરામ થઈ ગઈ. શી રીતે દિવ્યાની આખી જિંદગી પસાર થશે? શી રીતે?

પણ આ આપત્તિ સામે ઝૂકે એવા એ દમ્પતિ ન હતાં. આ દુઃસહ્ય આઘાતને એમણે જીરવી લીધો અને નિર્ધાર કર્યો કે, દિવ્યાના વિકાસમાં સહેજ પણ પાછી પાની કરવાની નથી.

૨૦૦૨

વસાઈની સેન્ટ પિટર હાઈસ્કૂલમાંથી દિવ્યાએ ૮૭ % માર્ક સાથે એસ.એસ.સી.ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે અને અંધજનો માટેની રાષ્ટ્રીય સંસ્થાએ (NAB) તેનું બહુમાન કર્યું છે. શાળાના બધાં વર્ષોમાં દિવ્યા અવ્વલ નંબર જાળવતી આવી છે. કે.જી. માં દાખલ પણ નહોતી થઈ ત્યારથી સુજલ મોટી દીકરી અદિતિને ભણાવતી હોય ત્યારે દિવ્યા તેની લગોલગ બેસીને નવું નવું જાતે શીખી લેતી. આ કારણે એને સીધો પહેલા ધોરણમાં પ્રવેશ મળી ગયો હતો. ભલે કુદરતે એને દૃષ્ટિનું સૌભાગ્ય આપ્યું નથી, પણ તેને અંતરની ચબરાક આંખ આપી છે.

ભણતરની સાથે સાથે એને સંગીત માટે પણ ગજબની લગની છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી તે કંઠ્ય સંગીતની પાંચ પરીક્ષાઓ પણ પસાર કરી ચૂકી છે, અને હાર્મોનિયમ સરસ રીતે બજાવી શકે છે.

સુખી માબાપની સાથે દિવ્યા માથેરાન, મહાબળેશ્વર, કોડાઈકેનાલ અને સિંગાપુર પણ ફરી આવી છે. દરેક સ્થળના અવાજો અને સુગંધો પંદર વર્ષની આ કિશોરીના દિલો દિમાગમાં તરબતર છે. પૂણેમાં ડોકટર થવાની ખ્વાહેશ રાખી ભણતી બહેન અદિતિની જેમ દિવ્યાને પણ લોકોની સેવા કરવાના અભરખા છે. આ માટે તેણે ફિઝિયોથેરાપીની તાલીમ આપતી અંધ જન સંસ્થામાં પ્રવેશ મેળવી લીધો છે. બે વર્ષમાં તેને એનો ડિપ્લોમા મળી જવાનો છે.

૨૦૨૦

દિવ્યાની ગાયકી પણ મરાઠી ફિલ્મમાં ઝળકી ઊઠી છે. શરીરનાં અંગોનાં દાન બાબત સર્જાયેલી મરાઠી ફિલ્મ ‘વિકુન તાક’ ફિલ્મ માટે તેણે ‘ ચંદવા…’ શબ્દ વાળું એક સુમધુર ગીત ગાયું છે. એને જ પ્રતાપે દિવ્યાનો ડંકો મિડિયામાં ગાજતો થયો છે.

clip_image004

clip_image006

અલબત્ત તકલીફમાં હોય એવા લોકોની સુશ્રુસા કરવાનું તેનું સ્વપ્ન પણ સાકાર થયું જ છે. વસાઈમાં જ તેનું પોતાનું ફિઝિયોથેરાપી ક્લિનિક છે.

દિવ્યાની દિવ્ય દૃષ્ટિને સો સલામ


સંદર્ભ –

http://timesofindia.indiatimes.com/articleshow/21588201.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

https://www.outlookindia.com/newsscroll/visuallychallenged-singer-records-for-marathi-film/1707290


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: admin

1 thought on “વાંચનમાંથી ટાંચણ : દિવ્યાંગ દિવ્યાની પ્રતિભા

  1. દિવ્યાનો કંઠ મધુર છે તેમ ગળામાં હલક, ખનક, ખટક પણ એટલી જ છે જેને કારણે ગીત ઓપી ઉઠે છે.

Leave a Reply

Your email address will not be published.