‘આલ્લે લે’ કાવ્યસંગ્રહથી ખ્યાતિ પામેલા અને અનેકવિધ પરિતોષિક પામેલાં રક્ષાબહેન શુક્લ વેબગુર્જરી માટે નવાં નથી જ. અગાઉ પણ તેમની ત્રણ રચનાઓ અત્રે પ્રસિધ્ધ થયેલ છે. કવિતા વિષયક કાર્યક્રમો અને સંમેલનોમાં તેઓ મોખરાનું સ્થાન શોભાવે છે. અત્રે તેમની ત્રણ કવિતાઓ પ્રકાશિત કરવાની અનુમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ આભાર સહ, આનંદ વ્યક્ત કરે છે.
( દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com – વેબગુર્જરી સંપાદન સમિતિ , પદ્ય સાહિત્ય સમિતિ વતી.)
(૧)
આજનો સૂર્ય—
આજનો સૂર્ય છે આપણો.
રણ ભરીને ભલે ઉડતી,
થોક્થોકે બધી રજકણો.
જીવવાના બધા કારણો જીવવા લાગતા શ્વાસમાં નામ તારું,
બારણે બારણે, તોરણે તોરણે, ઝૂલતું જો હવે નામ મારું.
લે, નદીના વળાંકો અને આભને આંબવા, તાગવા પણ વિચારું,
તું જ જોજે પછી સાવ ખૂલી જશે બારણાં કૈંક ‘ને કો’ક બારું.
બાંહ આ સાવ ખૂલ્યા પછી, વાયરો વાય છે વિંઝણો.
આજનો સૂર્ય છે આપણો.
પ્હાડમાં, ખીણમાં, દૂર ત્યાં રાનમાં, તાન તું, તંત તારો જ આપું,
વૃક્ષ જો વારતા માંડતું ‘ને પછી નામ તારું ન લે તો પ્રલાપુ.
સ્હેજ બાજી ખૂલી ત્યાં મળ્યા સોગઠાં, લાવ ઓઢી તને આભ માપું,
જીવમાં જાપમાં, શ્વાસશ્વાસે હવે ખળભળે રોજ તારો જ ટાપુ.
સ્વપ્નમાં ચાંદની પાથરી,
કેફમાં ઝૂમતી પાંપણો.
આજનો સૂર્ય છે આપણો.
(૨)
સસલી
એક સસલીએ પાડી કાં ચીસ ?
એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી-કીસ.
એક સસલીએ પાડી કાં ચીસ ?
એને તો સપનાંમાં આવે પતંગિયા ‘ને ચોકલેટી વૃક્ષોનાં ગાડાં,
ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જોયા ઉઘાડા.
પીળી ‘ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યું આભ, ચડ્યા ડૂસકે સીમાડા,
મંદિરના, મસ્જિદના, દેવળના, દેરાંના સળગ્યા ના એકે રૂંવાડા ?
ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ !
એક સસલીએ પાડી કાં ચીસ ?
રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલઘુમ પથરાયો પાકો,
ડૉરેમોન, નોબીતા થથરીને કહેતા ‘આ પરીઓને પાલવથી ઢાંકો.’
‘દુષ્કર્મ’ વાંચીને ફાટી ગ્યા દરિયા એ જળમાં લ્યો કઈ પાથી ટાંકો !
પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઊતરી ગ્યો ફાંકો.
કાન, હવે ધારો અવતાર, અહીં રોજ જુઓ, પાંચાલી પૂરી પચીસ.
એક સસલીએ પાડી કાં ચીસ ?
(3)
ચાલ સખા
ચાલ સખા, હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.
ફોરમ ચિક્કાર પછી પીવડાવી શ્વાસોને મઘમઘના સુંવાળા સરનામાં ધરીએ.
અટ્ટણની ઓલીપા, પટ્ટણનાં પાદરમાં, બાંધીને મ્હેલ અમે મ્હાલ્યા,
અચરજના કૂવેથી પાણી લઇ લોક બધા અણસારા પકડીને ચાલ્યા.
લીમડાની ડાળ અમે લીંબોળી ભૂલીને લૂમઝૂમ કેસર થઇ ફાલ્યા,
તીખાતમ તડકાઓ તેવર બદલે તો જીવ શ્રાવણમા કેમ રહે ઝાલ્યા ?
લજ્જાને કૂંપળથી ચપટીક ઉઘરાવીને ઓચિંતું લીલુડાં પાને અવતરીએ.
ચાલ સખા, હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.
જળની તે આંખોમાં કાંઠાને અડવાનું બ્હાનુ ‘ને બ્હાનાંમા હું,
ટેરવેથી ટપકે ત્યાં લીલીછમ્મ ઘટના ‘ને ઘટનામાં ઉઘડતો તું.
લથબથ લાગણિયુંમાં ભીંજાતો જોઈ તને માનું હું વાદળ કે રૂ ?
હાથોમાં હાથ અને શ્વાસોમાં શ્વાસ પછી ઓગળતા થાકોડો છૂ.
વરસાદી ફોરાંની જેમ ચાલ, ધૂળભરી ધરતીમાં રેલાતી રંગોળી કરીએ.
ચાલ સખા, હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.
રક્ષા શુક્લ
સંપર્કસૂત્રો :
ઈ મેઈલ – shukla.rakshah@gmail.com
મોબાઈલ – 99792 44884
વાહ, બહુ સશક્ત કવિતાઓ છે. ત્રણેયમાં બીજી તો ચીસ જ છે.
દીપકભાઈ, આપને રચનાઓ ગમી..ખૂબ આભાર.
દેવિકાબેન, મારી રચનાઓને વેબગુર્જરીમાં સ્થાન આપવા બદલ આપણી ખૂબ આભારી છું. આપ સૌ કુશળ હશો..
વાહ વાહ રે વાહ… સરસ રચનાઓ માટે રક્ષાબેનને અભિનંદન…. અને અઢળક અઢળક શુભેચ્છાઓ…
webgurjari નો પણ આભાર…
અમિતભાઈ,
આપને કાવ્યો ગમ્યા એથી ખૂબ આનંદ…રાજીપો.