નિરંજન મહેતા
રંગ શબ્દ જુદા જુદા સંદર્ભમાં ફિલ્મીગીતોમાં વપરાયો છે. રંગને લઈને ઘણા ગીતો રચાયા છે પણ કેટલાકના વિડીઓને બદલે ફક્ત ઓડીઓ જ પ્રાપ્ત છે એટલે તેવા ગીતો આ લેખમાં નથી સમાવાયા.
આ દુનિયા વિવિધ પ્રકારના રંગોથી રંગાયેલી છે એવા ભાવાર્થવાળું ગીત છે ૧૯૩૮ની ફિલ્મ ‘ધરતીમાતા’માં.
दुनिया रंगरंगीली बाबा दुनिया रंगरंगीली
તે સમયે કલાકારો જ સ્વયં ગીત ગાતાં એટલે આ ગીતમાં કે. એલ. સાયગલ, ઉમાદેવી અને કે.સી.ડે પોતાના સ્વરમાં ગાતાં જોવા મળે છે. ગીતના શબ્દો પંડિત સુદર્શનના અને સંગીત પંકજ મલિકનું.
૧૯૬૦ની ફિલ્મ ‘બારૂદ’નાં આ નૂત્ય ગીતમાં જમના પાર ‘શામળા રંગ’ સાથેનાં મિલનનો આનંદ થરકે છે.
रंग रंगीला सांवरा मोहे मिल गयो जमना पार
મુખ્યત્વે કુમ કુમ પર ફિલ્માવાયેલાં લતા મંગેશક્ર અને સાથીના સ્વરમાં લહેરાતાં આ ગીતના બોલ હસરત જયપુરીના છે અને સંગીત છે ખય્યામનું.
૧૯૬૪ની ફિલ્મ ‘રાજકુમાર’માં એક દર્દભર્યું ગીત છે.
इस रंग बदलती दुनिया में
આ દર્દભર્યા ગીતના ગાયક છે રફીસાહેબ. ગીત શમ્મીકપૂર પર રચાયું છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૬૫ની ફિલ્મ ‘શહીદ’નું દેશભક્તિનું ગીત કેમ ભૂલાય?
मेरा रंग दे बसंती चोला
ફાંસીને માંચડે લઇ જવાતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ગીત હસતે મુખે ગાય છે. કલાકારો મનોજકુમાર, પ્રેમ ચોપરા અને અનંત મરાઠે. સ્વર મુકેશ, મહેન્દ્ર કપૂર અને રાજેન્દ્ર મહેતાનાં. ગીત અને સંગીત પ્રેમ ધવનના.
તો રંગ શબ્દ એક જુદા જ અર્થમાં વપરાયો છે ૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘ગાઈડ’માં.
तेरे मेरे सपने अब एक रंग है
વહીદા રહેમાનને ઉદ્દેશીને ગવાતા આ ગીતના કલાકાર છે દેવઆનંદ જેને સ્વર મળ્યો છે રફીસાહેબનો. શબ્દો શૈલેન્દ્રના અને સંગીત સચિન દેવ બર્મનનું.
૧૯૬૬ની ફિલ્મ ‘દુલ્હન એક રાત કી’નાં ગીતમાં ખુશી પ્રદર્શિત કરતી નૂતન ગાય છે
मैंने रंग ली आज चुनरिया सजना तोरे रंग में
લતાજીનો સ્વર અને શબ્દો રાજા મહેંદી અલી ખાનનાં. સંગીત મદનમોહનનું.
એક કલ્પનાશીલ ગીત છે ૧૯૭૧ની ફિલ્મ ‘આનંદ’નું.
मैंने तेरे लिए ही सात रंग के सपने चुने सपने सुरीले सपने
રાજેશ ખન્ના પર રચાયેલ આ ગીતના ગાયક છે મુકેશ. શબ્દો ગુલઝારના અને સંગીત સલીલ ચૌધરીનું.
૧૯૭૧ની જ અન્ય ફિલ્મ ‘આન મિલો સજના’માં ગીત છે
रंग रंग के फूल खिले है मोहे भाये कोई रंग ना
हो अब आन मिलो सजना
આશા પારેખ અને રાજેશ ખન્ના આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજી અને રફીસાહેબના.
૧૯૭૪ની ફિલ્મ ‘પ્રેમનગર’નાં રંગની લાલાશની ચૂડમાંથી છૂટવાની વેદના છે.
ये लाल रंग कब नुझे छोडेगा
કિશોર કુમારના કરૂણ સ્વરમાં ગુંજતું આ ગીત રાજેશ ખના પર ફિલ્માવાયેલ છે. તેને આનંદ બક્ષીએ લખ્યું છે અને એસ ડી બર્મને સંગીતબદ્ધ કરેલ છે.
હોળીનું ગીત હોય અને રંગનો ઉલ્લેખ ન હોય તે કેમ બને? વાત છે ૧૯૮૧ની ફિલ્મ ‘સીલસીલા’ના આ અત્યંત પ્રચલિત ગીતની જેના વગર હોળીનો તહેવાર ઉજવાતો નથી.
रंग बरसे भीगे चुनरवाली रंग बरसे
શબ્દો છે હરિવંશરાય બચ્ચનના અને સંગીત શીવહરીનું. કલાકાર અને ગાનાર બંને અમિતાભ બચ્ચન.
૧૯૮૧ની અન્ય ફિલ્મ ‘શોર’માં રંગને લગતી એક જુદી રજુઆત થઇ છે. ફૂટપાથ પર વરસાદમાં ભીંજાતા લોકોને પાણી જોઈ આ ગીત સ્ફુરે છે.
पानी रे पानी तेरा रंग कैसा
जिस में मिला दो लगे उस जैसा
ગીતના મુખ્ય કલાકારો છે જયા ભાદુરી અને મનોજકુમાર. ઇન્દ્રજીત તુલસીના શબ્દોને સંગીત સાંપડ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજી અને મુકેશના.
એક પ્રેમીની કલ્પના પણ કેવી હોય છે! ૧૯૮૯ની ફિલ્મ ‘ચાંદની’ના આ ગીત પરથી તે જણાઈ આવશે.
रंग भरे बादल पे, तेरे नैनो के काजल में
मैंने इस दिल पे लिख दिया तेरा नाम
રિશીકપૂર પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકાર છે જોલી મુકરજી. શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત શીવહરીનું.
આવું જ એક અન્ય ગીત છે ૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં.
मेरे रंग में रंगने वाली
परी हो या कोई परियो की रानी
શબ્દો અસદ ભોપાલીનાં અને સંગીત રામ લક્ષ્મણનું. સલમાનખાન પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે એસ. પી. બાલાસુબ્રમણ્યમે.
૧૯૯૯ની ફિલ્મ ‘તક્ષક’નું નૃત્યગીત પણ આ સંદર્ભમાં છે.
मुझे रंग दे, रंग दे, हा रंग दे,
हा रंग दे, आ आपनी प्रीत विच रंग दे
નૃત્યગીતની મુખ્ય કલાકાર છે તબુ. ગીતના શબ્દો છે મહેબૂબના અને સંગીત એ. આર. રહેમાનનું. સ્વર છે આશા ભોસલેનો.
આશા છે રસિકો પણ આ બધા ગીતો સાંભળી રંગે રંગાઈ જશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com