ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૪: લાભુ યુધેર

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*———–

અમારા સાતમા ધોરણનો વર્ગ ચાલી રહ્યો હતો અને અચાનક જ નિશાળના સેવક ચંપકલાલ વર્ગમાં ધસી આવ્યા. એમના હાથમાં એક પત્ર હતો, જેને વિદ્યાર્થી આલમ મુક્તિદાતા એવી ‘નોટીસ’ તરીકે ઓળખે છે. આ રીતે આકાર લેતી ઘટનાઓ અમારી આશા જગવી દેતી, કારણ કે કેટલીયે વાર ચંપકલાલ નોટીસના રૂપમાં જે તે દિવસ પૂરતી રજા માટેનો દિવ્ય સંદેશાધારી પત્ર લઈને આવ્યા હોય એવું બનતું રહેતું, આમ, ત્યારે પણ અમારા વર્ગમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું. છોકરાઓ અવાજે ‘રજ્જા, રજ્જા’ જેવા ઉદ્ગારો સહિત ચંપકલાલ તરફ આશાભરી નજરે મીટ માંડી રહ્યા હતા. સામાન્ય રીતે આવા સંજોગોમાં જે કોઈ ચંપકલાલ સાથે દ્રષ્ટોદ્રષ્ટ થાય, એની સામે એ ચોક્કસ મુદ્રામાં આંખો નચાવી, સ્મિત વેરતા. જો કે તે દિવસે અમારી સૌની અપેક્ષાથી વિપરીત, ચંપકલાલ કોઈની યે સાથે આંખ મેળવ્યા વિના જતા રહ્યા.

અમારા વિનુભાઈ સાહેબે ચશ્માં બરાબર ચડાવી, ગંભીર મુદ્રામાં નોટીસ ઉપર ફરીથી નજર નાખી. પછી ગંભીર અવાજે બોલ્યા, “હમણાં જ ઉપરથી આવેલા પરિપત્ર મુજબ આખા ભાવનગરની શાળાઓમાં શ્રમયજ્ઞનું આયોજન કરવાનું છે. આપણા હેડમાસ્તર સાહેબે એનો અમલ આજથી જ કરવાનું નક્કી કર્યું છે. એ માટે સ્વયંસેવકોની નોધણી કરવાની છે. બોલો, કોને નામ લખાવવું છે?” અમારામાંના કેટલાયે એવા હતા કે જેમને ‘પરિપત્ર, ‘શ્રમયજ્ઞ’ કે ‘સ્વયંસેવક’ જેવા શબ્દો કઈ ભાષામાં હોય એ પણ કદાચ ખબર નહોતી. એ બધા સાહેબની સામું ચકળવકળ ડોળે તાકી રહ્યા. સાહેબે ફોડ પાડતાં કહ્યું કે સ્વયંસેવકોએ રીસેસ પછી રમતગમતના મેદાનમાં જવાનું રહેશે. આટલું સાંભળતાં જ અમે બધાએ હાથ ઉંચો કરી દીધો. પણ હજી સાહેબની વાત અધૂરી હતી. આગળ વધતાં એમણે કહ્યું કે ત્યાં ઘાસ બહુ વધી ગયું છે એ વાઢી, મેદાનને સાફ કરી, સમથળ બનાવવાનું છે. આટલું કાને પડતાં ઉંચા થયેલા હાથ સાથે બધાનાં ડોકાં ય નીચે ઝૂકી ગયાં. આ બન્ને ચેષ્ટાઓ વિનુભાઈ સાહેબ માટે અપેક્ષિત જ હતી. અમારા વર્ગમાંથી પંદર છોકરાઓ મોકલવાના હતા અને એ પણ શક્ય ઉતાવળથી. આથી સાહેબે સ્વયંસેવકોની નોંધણી સ્વયંસેવી ધોરણે જ કરવાનું શરૂ કરી દીધું.

હુસૈન, ગુલામ, મહાવીર, બહાદુર, સૈફુદ્દીન, મુરલીધર, એક પછી એક નામ સાહેબ બોલતા ગયા અને નોંધતા ગયા. આ પાંચ છોકરાઓએ એવા હતા કે એમણે જે રોજીંદા ધોરણે વર્ગમાં કરતા હતા એ જ પ્રવૃત્તિ _ ઘાસ કાપવાની _ મેદાનમાં જઈને કરવાની હતી. આમ કહી શકાય કે એ બધા કૌશલ્યસિધ્ધ કલાકારો હતા અને આપોઆપ પસંદ થયા હતા. એ બધાને મેદાન તરફ આંગળી ચીંધીને સાહેબે “You all go to ground “ એવી સૂચના આપી. અગાઉ એમણે પૂર્વભૂમિકા બાંધી હતી એટલે એ બધા સમજ્યા કે મેદાન ઉપર જવાનું છે. બાકી તે સમયે અમારે અંગ્રેજી ભાષા ધોરણ આઠથી ભણવાની આવતી. સાહેબ જ્યારે કાંઈક ન સમજાય એવું બોલવા માંડે ત્યારે એ અંગ્રેજી હોય એવી ખબર અમને હતી. એમાં અમે બધા એક શબ્દપ્રયોગ બરાબર જાણી ગયા હતા, ‘Get out !’ જો કે અમે ‘ગેડાઉટ’ સમજતા અને બોલતા. અમને એ પણ ખબર હતી કે સાહેબના ‘ગેડાઉટ’ કીધા પછી બેસી રહેનારને વર્ગની બહાર જવાની પ્રેરણા એ જોરથી કાનપટ્ટી આમળીને આપતા. આથી એનું પાલન સૌ પૂરેપૂરી વફાદારીથી અને શક્ય ઉતાવળથી કરતા. ખેર, મૂળ વાત ઉપર આવી જાઉં. હજી તો વિનુભાઈ સાહેબે બીજા દસ છોકરાઓ ઉપાડવાના હતા. એ જરા બારીકીથી આગળ વધવા લાગ્યા. એ મનોજ ત્રિવેદીની સામે જોઈને બોલ્યા, “હાલ એઈઈઈઈઈઈ! You also there”. મનોજ અટકળે સપનું સમજી ગયો અને મેદાન ઉપર જવા માટેની તૈયારી કરવા માંડ્યો. આમ એક પછી એક છોકરાને સાહેબ પસંદ કરતા ગયા. હવે એ માત્ર ‘You there’ એટલું જ બોલતા હતા. એમની સૂચના મળતાં જ છોકરાઓ મેદાને જવા વર્ગને બહાર નીકળવા લાગ્યા. ‘You there’ એટલે ‘મેદાન સાફ કરવા જા’ એવો અર્થ સૌ બેસાડી લેતા હતા. જેમનો વારો નહોતો આવતો એવા અમુક છોકરાઓ તો કોઈ લાભદાયી યોજનાથી વંચિત રહી ગયા હોવાની લાગણી અનુભવવા લાગ્યા. એવામાં એક ખૂણામાંથી અવાજ આવ્યો, “એ સાયેબ! તે હું યુધેર નહીં?” એ હતો અમારો લાભુ. એનો અવાજ સાંભળીને સાહેબ બોલ્યા, “લે લાભુ! તું આવ્યો છો?” પછી એ હળવે ડગલે એની પાસે ગયા અને એના બેય કાન પકડી, ‘યુ ધેર’નો અર્થ સમજાવ્યો. એટલું જાણીને અમારામાંના અમુક છોકરાઓના અંગ્રેજીના જ્ઞાનમાં પચાસથી સાહિઠ ટકા જેટલો વધારો થઈ ગયો. પણ લાભુને એમાં કાંઈ ગતાગમ પડી હોય એવું લાગ્યું નહીં. જો કે એને તો મેદાનમાં જવા મળે એમાં રસ હતો. એટલે એણે સીધી વાત કરી. “ઈ બધું તો સાયેબ આવતે વર્ષે ભણશ્યું. અત્યારે મારે યુધેર થવાનું શ કે નઈ?” આમ તો એનો બાંધો, ક્ષમતા અને ખાસ તો જુસ્સો જોતાં વિનુભાઈ સાહેબે એને સૌથી પહેલો પસંદ કર્યો હોત, પણ તે દિવસે એ એમની નજરે નહોતો ચડ્યો. પછી તો એમણે ત્યારે ને ત્યારે લાભુને ‘યુધેર’ કરી દીધો.

આ લાભુ _ લાભુડીયો _ અમારી નિશાળમાં ભણવા માટે ભાવનગરની બાજુના સત્તરેક કિલોમીટર દૂરના એક ગામથી સાયકલ ઉપર આવતો હતો. મેદાની રમતોમાં અને એમાંયે ખાસ કરીને કબડ્ડીમાં તેમ જ ખો-ખોમાં એની ગજબની પેંતરાબાજી વડે એ ખાસ્સો જાણીતો હતો. એ બેય રમતોમાં પ્રતિસ્પર્ધીના હાથમાં ન આવવા માટે લાભુ ખુબ જ સ્ફૂર્તી બતાડતો. તે જમાનામાં ઉપલબ્ધ એવું ફટાકડાનું રોકેટ જામગરી ચાંપ્યા પછી કઈ દિશામાં જશે એ અનિશ્ચિત હોતું. બસ, એમ જ સામે દેખાતા લાભુને હાથવગો જોઈને કોઈ પ્રતિસ્પર્ધી એને પકડવા મથે, ત્યાં એ અચાનક જ પલટી મારીને બીજી જ દિશામાં છટકી જતો. એની આ ક્ષમતાથી પ્રેરાઈને એને ‘રોકેટ’નું બીરુદ મળ્યું હતું. જો કે ઉપર જણાવેલ ઘટનાના પરિણામરૂપે તે દિવસથી એ લાભુ ‘યુધેર’ તરીકે ઓળખાતો થઈ ગયો. વખત જતાં ‘રોકેટ’ વાળી વાત તો ભૂલાઈ જ ગઈ. સાતમા ધોરણ સુધી અમે એ.વી.સ્કૂલમાં હતા, આઠમામાં આવ્યા ત્યારે એ જ મકાનમાં સવારની પાળીમાં કાર્યરત એવી વિદ્યામંદીર હાઈસ્કૂલમાં દાખલ થયા. અમારામાંના ઘણાને આશ્ચર્ય થાય એવી ઘટના પહેલે જ દિવસે બની. હાઈસ્કૂલના ઘણા સાહેબો લાભુને ઓળખતા હતા અને એ પણ ‘યુધેર’ તરીકે! એ નિશાળમાં દર ત્રિમાસિક પરીક્ષા પછી દરેક વર્ગની બેઠક વ્યવસ્થા બદલાવવાનો ધારો હતો. એ માટે બાંકડીઓ ફેરવવાની જવાબદારી મહદઅંશે વિદ્યાર્થીઓ ઉપર રહેતી. એ.વી.સ્કૂલના અમારા વિનુભાઈ સાહેબે એ બાબતે લાભુની ક્ષમતા અને કુશળતા વિશે હાઈસ્કૂલના સાહેબોને વાકેફ કરી દીધા હતા. એટલે પછી તો એવું બનવા લાગ્યુઅં કે ત્યાં કોઈ પણ પ્રકારના શારીરિક શ્રમનું કામ હોય એટલે સેવક ગૌરીશંકરભાઈ અમારા વર્ગમાં આવી, “હાલ્ય એઈઈઈ….યુધેર!” એટલું જ બોલતા. લાભુ પાછળ ઉપડ્યો જ હોય.

લાભુ ઠેઠ દસમા ધોરણ સુધી મારી સાથે એક જ વર્ગમાં રહ્યો. અમે મેટ્રીક્માં આવ્યા અને એ તે સમયે ભાવનગરમાં નવી નવી શરૂ થયેલી હીરા ઘસવાની ઘંટીએ કામે લાગી ગયો. એમ પણ ભણવાનું એની પ્રાથમિકતામાં ખાસ્સું પાછળ હતું. દર શનિવારે થતી સામુહીક કસરત, મેદાની રમતો અને સાયકલની રેસ _ આ ત્રણેયમાં એ હોંશભેર ભાગ લેતો. વર્ગમાં ક્યારેય તોફાન કે ગેરશિસ્ત એને નામે ચડ્યાં હોય એવું બન્યું નહોતું. એ સામે ચાલીને કોઈ સાથે ઝઘડતો પણ નહીં. એનો શારીરિક બાંધો ખાસ્સો મજબૂત હતો, મને યાદ આવે છે કે ઉંચાઈ તેમ જ વજન બન્ને સરેરાશથી સહેજ વધારે પણ એના શરીર ઉપર ચરબીનું નામોનિશાન જોવા નહોતું મળતું. ભાવનગરી બોલીમાં જેને ‘રાભ્ભો’ કહેવાય એવો એ હતો. અમે કોઈ કોઈ વાર મૂંગી કબડ્ડી રમતા. સામાન્ય રમતમાં સામેના પટમાં જતા ખેલાડીએ પોતાની બાજુ પાછા આવતાં સુધી એકીશ્વાસે સતત ‘કબડ્ડી કબડ્ડી કબડ્ડી….’ એમ બોલતા રહેવું જરૂરી હોય છે. જ્યારે આ મૂંગી રમતમાં દાવ લેતો ખેલાડી કોઈ પણ રીતે અવાજ ન કરે ત્યાં સુધી એને હરીફોની સીમામાંથી પોતાની બાજુએ આવવાનો અધિકાર રહે. આ નિયમોને આધિન રમતમાં એક આ લાભુ અને બીજો જીતુભા આ બે છોકરાઓ કોઈ દિવસ હારતા નહીં. એક વાર હરીફ ટૂકડીના ખેલાડીઓએ લાભુને આડો પાડી દીધો. એમાંના બે પઠ્ઠાઓ એની ઉપર બેસી ગયા અને બીજા એને ગલીપચી કરવા લાગ્યા, જેથી એ મોઢું ખોલે. પણ, લાભુ જેનું નામ ! એ જરાય અવાજ કર્યા વગર જોર કરતો જ રહ્યો, કરતો જ રહ્યો અને છેવટે છટકીને પોતાના પટમાં આવી ગયો.

લાભુ આટલો ખડતલ હોવા છતાંયે કોઈ સાથે દાદાગીરીમાં ઉતર્યો હોય એવું મને યાદ નથી આવતું. હા, એક બાબતે એ સ્પષ્ટ હતો. કોઈ છોકરો નિશાળમાં ઘેરથી લાવેલી ચીજ લાવ્યો હોય તો લાભુની નજરમાંથી એ છટકી ન શકતો. રીસેસ પડે એટલે લાભુ “ભાઈબંધ, આપડો ભગ્ગો લાવ્ય!” કહીને એની સામે ઉભો રહી જતો. મારી જેવા મોટા ભાગનાઓ તો ફોફાં શીંગ કે પછી ઋતુ પ્રમાણે ઘરના બગીચામાં ઉગેલાં બદામ, લગભગ કાચાં એવાં લીંબુ કે પછી કેરીનાં મરવાં લઈને ગયા હોઈએ.. એમાંથી એ રૂચી પ્રમાણે લઈ લેતો. મારા વર્ગના અનિલ શાહ, દીપક શાહ અને રણજીત શાહ _ આ ત્રણ છોકરાઓ રોજે ય ગાંઠીયા, ચેવડો, સૂકી ભેળ જેવા બજારના નાસ્તા લાવતા. એ લોકો રીસેસમાં એમના ડબા ખોલે ત્યારે ધૂમકેતુની વાર્તા ‘ભીખુ’માં એક ભૂખ્યો છોકરો કંદોઈની દુકાનમાં પડેલી મીઠાઈ સામે જુએ છે, એમ હું અને અન્ય વંચિતો એમને જોઈ રહેતા. પણ લાભુ તો સીધો જ જઈને એમાંના કોઈ એક આગળ જઈને “ હાલ્ય એઈઈઈઈઈ.. વાણિયા! ભગ્ગો લાવજે હો!” બોલતો ઉભો રહી જતો અને એની માંગણી તરત જ પૂરી પણ થઈ જતી. એનું રહસ્ય અમને એક વાર લાભુએ જ જણાવ્યું. એ ત્રણેય છોકરાઓના ઘરમાં ડૂંગળી ખાવાનો નિષેધ હતો. એટલે કોઈ પણ રીતે નિશાળમાં એનો વહિવટ કરી લેતા. એ ત્રણ પૈકીના અનિલના મામા લાભુના બાપુજીના મિત્ર હતા. એટલે લાભુ આ ધર્મને ભ્રષ્ટ કરનારા આચરણને ઈચ્છે ત્યારે ફોડી નાખવા સમર્થ હતો. અને એ સ્ફોટક માહીતિને ઢાંકી રાખવા માટે એ દાપું વસૂલી લેતો હતો. આમ તો અમે બે પાક્કા ભાઈબંધો નહોતા, પણ ભેગા થઈને રમતા પણ ખરા. કોઈ કોઈ વાર એકબીજાને ઉપયોગમાં પણ આવતા રહેતા. એની સાથેના અમુક અનુભવો યાદ રહી ગયા છે, જે પૈકીનો એક વહેંચું છું.

—————*—————-*——————-*——————-*——————*———–

ભાવનગરમાં ફિલ્મ ‘સંગમ’ પ્રદર્શિત થઈ, એ કોઈ ઐતિહાસિક ઘટનાથી કમ નહોતું. મોટાં શહેરોમાં તો લાંબા અરસાથી એ ફિલ્મ ચાલી રહી હતી અને ધૂમ મચાવી રહી હતી. અઠવાડીયા અગાઉથી એનો પ્રચાર શરૂ થઈ ગયો. ત્યારના રિવાજ પ્રમાણે ફિલ્મોના પ્રચાર માટે ઘોડાગાડી ભાડે કરવામાં આવતી. એમાં જે તે ફિલ્મનાં ગીતોની રેકોર્ડ્સ, ગ્રામોફોન તેમ જ એમ્પ્લીફાયર રખાતાં અને બહારની બાજુએ માઈકનું ભૂંગળું ગોઠવવામાં આવતું. અંદર બેઠેલો માણસ એ રેકોર્ડ્સ વારાફરતી વગાડતો જાય અને વચ્ચે વચ્ચે “તો ભાઈઓ ઔર બહેનોં, — ટોકીઝ કે રૂપેરી પર્દે પે દેખના ના ભૂલીયે, —– કી શાનદાર ફિલ્મ” જેવા ‘ડાયલોક’ અમીન સાયાણીના અંદાજમાં બોલતો રહે. વળી એની સાથે ફિલ્મના પ્રચાર માટે ખાસ છપાયેલાં કાગળનાં પતાકડાં વહેંચતો જાય. અમે એને ચોપાનીયાં કહેતા. અને એ મેળવવા માટે ઘોડાગાડી પાછળ દોડતા. એ ઉમરે મારા મિત્રોમાંના કેટલાક એવાં ચોપાનીયાંના સંઘરાખોરો હતા. એ માટે એવા છોકરાઓ ઓલા પ્રચારકની સાથે ભાઈબંધી કેળવવાના પ્રયત્નો કરતા રહેતા. મને એવા પ્રચારકો કોઈ વ્યક્તિવિશેષથી કમ ન લાગતા. એમાં નો કોઈ ક્યારેક બજારમાં દેખાઈ જાય તો ‘ઓહો ! આને ય શાક લેવા નીકળવું પડતું હશે?’ એવા ભાવ સહિત હું એને જોઈ રહેતો. એ પૈકીનો એક અમારે ઘેર કામ કરવા આવતાં એ બહેનનો દીકરો હતો એ ખબર પડી ત્યારે એ બહેનને કશુંયે કામ ચીંધતાં પુષ્કળ સંકોચ થવા લાગેલો. ખેર, ‘સંગમ’ની તો દેશ-દુનિયામાં અગાઉથી થયેલી પારાવાર પ્રસિધ્ધિ અને ફિલ્મની જબરદસ્ત સફળતા પછી પણ ભાવનગરના દીપક ટૉકીઝના માલિકોએ એની જાહેરાત કરવામાં કોઈ જ કસર ન છોડી. એનાં ચોપાનીયાં ખાસ ગ્લેઝ પેપર ઉપર છપાવ્યાં અને એમાં પાછો રાજ કપૂરનો રંગીન ફોટો હતો! અમારી પરિભાષા મુજબ આ રેશમી ચોપાનીયાં કહેવાતાં અને ભાવનગરમાં ભાગ્યે જ જોવા મળતાં. આટલું ઓછું હોય એમ ચોપાનીયા ભેગી એ ફિલ્મનાં ગીતો છાપેલી નાનકડી ચોપડી પણ વહેંચાતી. આવી ખબર પડતાં જ એ ચોપાનીયાં માટે રોજે રોજ પડાપડી થવા લાગી.

એક વાર હું નિશાળે પહોંચવા આવ્યો અને મેં ધીમી ગતિએ ચાલતી ‘સંગમ’ની ઘોડાગાડી જોઈ. ચોપાનીયું મેળવવાના લોભે હું નિશાળ તરફ વળવાને બદલે એ ઘોડાગાડીની દિશામાં જવા માંડ્યો. પણ હજી હું એની નજીક પહોંચું એ પહેલાં ગાડી ઝડપથી દોડવા માંડી. હું પણ દોડવાનું શરૂ કરું ત્યાં સાયકલ ઉપર નિશાળે આવી રહેલો લાભુ મને જોઈ ગયો. “એ ઈ.ઈ..ઈ..ઈ.. પીયૂસીયા! તે ન્યાં આમ ક્યાં જા સ?” કહેતો એ મારી પાસે આવી ઉભો. મેં એને મારે ઝડપથી દોડી, ચોપાનીયું લેવું હતું એમ શક્ય ટૂંકાણમાં સમજાવ્યું અને આગળ દોડ્યો. એ સમયે લાભુએ મારી વ્હારે ધાવાની તૈયારી બતાડી. એણે કહ્યું કે એની આગળ મારું ધ્યેય સિધ્ધ કરવાનાં બે સાધનો હતાં. એક તો સાયકલ, જેની ઉપર એ મને લઈ જવાનો હતો અને બીજું, એ ઘોડાગાડીમાં એના ઓળખીતા સજ્જન ચોપાનીયાં વહેંચવા બેઠા હતા. લાભુએ મને પાછળ બેસાડી, ઝડપથી સાયકલ ભગાવી અને ગાડીની લગોલગ કરી દીધી. એણે સાયકલ ચલાવતાં ચલાવતાં જ ઓળખાણ કાઢવી શરૂ કરી દીધી. “ કાં, અશોકભાઈ! હાકલા, ને? આ વાંહે બેઠો શ ઈ મારો પક્કો ભાઈબંદ સે. ઈને ઓલ્યાં રેશમી સોપાનીયાં દેવાં પડશ્યે હોં!” આવા મતલબનું એ ઘણું બોલ્યે જાત, પણ અંદર બેઠેલા અશોકભાઈએ એને રૂપમ ટૉકીઝ પાસે આવેલી એક ચાની હાટડીએ પોતે મળશે એમ કહ્યું અને ગાડી આગળ વધી ગઈ. અમે પહોંચ્યા ત્યારે એ જગ્યાએ અશોકભાઈ અને ગાડીવાન ચા પી રહ્યા હતા. લાભુએ ચોપાનીયાની યાદ અપાવતાં એમણે સામે આવેલી ‘પ્રેમ ન્યુસ એજન્સી’માં એનો થપ્પો પડ્યો હોવાની માહીતિ આપી. પોતે ચા પી લે એટલે ત્યાંથી ચોપાનીયાં તેમ જ ગીતોની ચોપડી લઈ, એમાંથી મને આપશે એવો સધિયારો બંધાવ્યો.

એ સમયે મને ભાન થયું કે અમારી નિશાળનો સમય તો ક્યારનો થઈ ગયો હતો ! ઘડીયાળ તો હાથવગી નહોતી પણ લગભગ સાડા સાત ઉપર વાગ્યા હોવાની શક્યતા હતી. મેં લાભુનું ધ્યાન આ બાબતે દોરતાં એણે અશોકભાઈને ઉતાવળ કરવા કહ્યું. એમણે સાદો ઉપાય સૂચવ્યો. અમને કહ્યું કે અમે જ ‘પ્રેમ’ ઉપર જઈ, ત્યાંથી ચોપાનીયાં લઈ લઈએ. અમે રોડની સામેની બાજુએ જવા લાગ્યા એવામાં અશોકભાઈએ જોરથી એક સીટી વગાડી, જે ‘પ્રેમ’ ઉપર બેઠેલા સજ્જન માટે અમારે માટે યોગ્ય કરવાનો સંકેત હતો. એ ભાઈએ સામે એવી જ સીટી વગાડી, પોતે યોગ્ય કરશે એનો સંકેત આપી દીધો. એમણે લાભુને અને મને બેયને બે બે રેશમી ચોપાનીયાં અને બે બે નંગ ગીતોની ચોપડીઓ આપી. ન્યાલ થઈ ગયાની લાગણી સાથે હું એ બધું વ્યવસ્થિત રીતે મારા દફતરમાં મૂકું, એવામાં પાછળથી મારી બોચી ઉપર એક રાઠોડી પંજો પડ્યો! વળીને જોયું તો મારા નિરંજનકાકા હતા. એ શાક લેવા નીકળેલા અને ત્યાંથી પાછા વળતા હતા ત્યાં એમની નજરે હું ચડી ગયો. મારાં તો મોતિયાં મરી ગયાં ! એમની નજર સામે જ હું ઘરેથી નિશાળે જવા નીકળ્યો હતો અને એની કલાકેક પછી નિશાળથી દૂર, ઘોઘા દરવાજા વિસ્તારમાં આથડતો હતો! માત્ર “હાલો, બેસી જાઓ.”. કહીને મને આગળ બેસાડીને એમણે સાયકલ હાંકી મૂકી. પાછળ જ લાભુ પણ આવવા લાગ્યો. એણે આદર્શ મિત્રને છાજે એમ દોષનો ટોપલો પોતાની માથે ઓઢવાનો પ્રયાસ કર્યો. “ મારે ઈવડી ઈ પરેમ ન્યુજ વાળી દુકાને જવું તું, પણ મેં ઈ ભાળી નો’તી. એટલે પીયૂસને હારે લીધો. ઈ અમારા કલાસનો હૌથી ડાયો ને હુશીયાર સોકરો સે, હોં! તમીં મારવો હોય તો મને મારી લ્યો, એને કાંઈ નો કે’તા. બધો વાંક મારો જ સે.” એવા મતલબનું એ બોલ્યે રાખ્યો. એ દરમિયાન કાકા કશું જ બોલ્યા વિના સાયકલ ચલાવતા રહ્યા. મેં ત્યારે રમેશ પારેખનું નામ પણ નહોતું સાંભળ્યું તો ય મારી પાંપણોમાં તે દિવસે રાતે ભરાનાર ગૃહઅદાલત ખડી થઈ ગઈ હતી. એવામાં ક્રેસન્ટ વિસ્તાર આવ્યો, જ્યાં મારી નિશાળ હતી. કાકાએ અચાનક સાયકલ ઉભી રાખી અને મને હેઠે ઉતાર્યો. આ જોઈને પાછળ આવી રહેલો લાભુ પણ ત્યાં આવી ને ઉભો રહી ગયો. એને લાગ્યું કે હવે કાકા મારી જાહેરમાં ધોલાઈ કરશે. એ ઝડપથી પાસે આવ્યો અને કાકાને ફરીથી કહેવા લાગ્યો, “તમારે મારવો હોય ને, તો મને મારી લ્યો, મારો જ વાંક સે. આવડો આ તો બચાડો મને પરેમ દેખાડવા હારે આવ્યો ‘તો, હાસું કઉં શ.” કાકાએ એની સામે નજર પણ નાખ્યા વગર મને કડક સ્વરે પૂછ્યું, “કાં, કુંવર ! આ નિશાળમાં જવું છ કે પછી ચોપાનીયાં લેવા ઘોડાગાડીઓ પાછળ જ ધોડવું છ, જીંદગી આખ્ખી?” એમની ચકોર નજરે અમારી આખ્ખી બાજી આવી ગઈ હતી. હવે એમણે કરડી નજરે લાભુ સામે જોઈ, પૂછ્યું, “કાં, હવે કહે, હાસું બોલ શ, તું?” આટલું કાને પડતાં લાભુ જે ભાગ્યો, એ જોતાં જ મને એનો પ્રાથમિક શાળાવાળો ઈલકાબ, ‘રોકેટ’ યાદ આવી ગયો.

અગાઉ કહ્યું એમ અમે મેટ્રીકમાં આવ્યા અને એ ભણવાનું છોડી ને હીરા ઘસવાના વ્યવસાયમાં જોડાઈ ગયો. ત્યાર પછી ઠેઠ સને 1999માં મારે ભાલ પ્રદેશના એક નાના ગામમાં લગ્નપ્રસંગે જવાનું થયું ત્યાં મળી ગયો. અમે બેય તરત જ પરસ્પરને ઓળખી ગયા. એ સુરતમાં હીરાનો બહુ મોટો વ્યવસાયી થઈ ગયો હતો. મિત્રો દ્વારા જાણ્યું કે એ છાશવારે પરદેશના આંટા મારતો હતો. હકીકતે આ લગ્નમાં એના મોટાભાઈ અને બાપુજી આવવાના હતા, પણ છેલ્લી ઘડીએ એ બેયને માફક ન આવતાં લાભુ આવ્યો હતો. મને કહે, “મારા બાપાએ મને કહી દીધું, ‘લાભુ, યુ ધેર!’ એટલે આવ્યો. બાકી મારે મુંબઈ જવાનું હતું. પણ ઓલ્યા ‘રોકેટ’ની જેમ આડો ફાટ્યો, ને આયાં વીયો આવ્યો!”

એને હું તો યાદ હતો જ, ભેગાભેગી પોતાની બે અલગઅલગ ખીજ પણ યાદ હતી. આવો હતો અમારો લાભુ ‘યુધેર’ !


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

1 thought on “ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૪: લાભુ યુધેર

  1. મઝા પડી ગઈ યુધેર ચોપનિયા વાળા ની બા ને કામ સોંપતા જીવ નો હાલતો ટોપ

Leave a Reply

Your email address will not be published.