સાયન્સ ફેર – બોન ફોન્સ : સંગીત પીરસશે, બહેરાશથી બચાવશે!

જ્વલંત નાયક

કલાકો લાંબી ટ્રેઈનની મુસાફરી હોય, તો સમય પસાર કરવા માટેનો આપણો ફેવરીટ ટાઈમપાસ હોય છે કાનમાં ઈયરપ્લગ ખોસીને સંગીત સાંભળવાનો! હવે તો આઈપેડ, પોર્ટેબલ એમપી૩ પ્લેયર અને સ્માર્ટ ફોન્સના જમાનામાં લોકો, ખાસ કરીને યુવાનો, ભરચક ટ્રાફિકમાં ગાડી ચલાવતી વખતે કે પછી જીમ્નેશીયમમાં વર્કઆઉટ કરતી વખતે પણ કાનમાં ઈયરપ્લગ ખોસીને સંગીત માણતા જોવા મળે છે. પરંતુ આ રીતે કલાકો સુધી ઈયરપ્લગ (કે ઈયરબડ) કાનમાં ખોસી રાખવા સામે વૈજ્ઞાનિકો હંમેશથી ચેતવણી આપતા આવ્યા છે. પણ દુનિયાભરના ટીનએજર્સને માટે તો આ પ્રકારના ગેજેટ્સ જાણે ‘જીવન જરૂરી’ બની ગયા છે. અહેવાલો મુજબ અમેરિકા જેવાં વિકસિત રાષ્ટ્રોમાં, દર પાંચે એક તરુણ આ પ્રકારના ગેજેટ્સના નિરંકુશ ઉપયોગને લીધે અંશત: બહેરાશનો શિકાર છે!

તો આખરે કરવું શું? આઈપેડ, પોર્ટેબલ એમપી૩ પ્લેયર અને સ્માર્ટ ફોન્સમાંથી સંગીત સાંભળવાનું બંધ કરી દેવાનું? ના જી ! જ્યારથી સંગીત અને ધ્વનિ-પ્રસારણના ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક એમ્પ્લીફાયરનો ઉપયોગ થવા માંડ્યો ત્યારથી મનુષ્યની શ્રવણ શક્તિ પર પડનારી વિપરીત અસરો અંગે વિજ્ઞાનીઓ ચિંતિત હતાં. આથી શ્રવણશક્તિને નુકસાન થતું અટકે, અને તેમ છતાં ધ્વનિ સારી રીતે સાંભળી શકાય એ માટે સમયાંતરે શોધખોળો થતી જ રહી. પરંતુ ઇસ ૨૦૦૦ પછી વપરાશમાં આવેલું ‘બોન ફોન’ તરીકે ઓળખાતું ગેજેટ ખરેખર લા-જવાબ છે ! કેમકે હવે સંગીત સાંભળવા માટે કાનનો સીધેસીધો ઉપયોગ કર્યા વિના પણ ચાલે છે! કાનને બદલે ખોપરીના હાડકા દ્વારા સંગીત સાંભળી શકાય છે. જો કાન વપરાવાના જ ન હોય તો પછી શ્રવણશક્તિને નુકસાન કેવું?! વળી જે લોકો કાનના શરૂઆતના સ્તરોમાં કોઈક ખામી ઉદભવવાને કારણે બહેરાશથી પીડાતા હોય, તેઓ પણ સંગીતની મજા માણી શકશે. જગપ્રસિદ્ધ સંગીતકાર બિથોવન કાને બહેરા હોવા છતાં પણ આવી જ ‘ટ્રિક’ વાપરીને સંગીત સાંભળતા હતાંને! આપણે સહુ આજે પણ બિથોવનની ધૂનો સાંભળીએ છીએ, જેમનો કાર્યકાળ ૧૮-૧૯મી સદીનો ગણાય છે. બિથોવનને કાને બહેરાશ હતી. આવા સંજોગોમાં સંગીતની અફલાતુન તરજો બનાવવાની તો દુર પણ સાંભળવાની પણ તકલીફ ઉભી થાય. એવું કહેવાય છે કે જીનીયસ બિથોવને પોતાની બહેરાશ માટે એક ઉપાય શોધી કાઢ્યો. તેમણે પોતાના પિયાનો સાથે એક ધાતુનો સળીયો જોડ્યો અને તેના બીજા છેડાને પોતાના મસ્તક સાથે બાંધી રાખ્યો. આથી પિયાનો વગાડવાથી ઉત્પન્ન થયેલાં ધ્વનિ તરંગોને તે મસ્તિષ્ક સુધી પહોંચાડવામાં સફળ થયો.

કાનને બદલે હાડકા દ્વારા સંગીત કઈ રીતે સાંભળી શકાય એ સમજવા માટે પહેલા જોઈએ કે કોઈ પણ ધ્વનિ આપણા કાનમાં કઈ રીતે પ્રવેશે છે! સામાન્ય રીતે ધ્વનિ હવાના માધ્યમથી તરંગ સ્વરૂપે પ્રસરે છે. આપણા કાનની રચના બહુસ્તરીય હોય છે. ધ્વનિ તરંગો ચેતાતંત્રની મદદથી મગજ સુધી પહોંચે એ પહેલાં તેમણે કાનની આંતરિક રચનાના આ વિવિધ સ્તરો પાર કરવા પડે છે. પરંતુ ધ્વનિના તરંગો મગજ સુધી પહોંચે એ માટે આ એક જ ‘રસ્તો’ નથી. મનુષ્યની ખોપરીમાં કાનની ઉપરની તરફ આવેલા ‘મેસ્ટોઈડ બોન્સ’ (mastoid bones) નામના ખોપરીના હાડકાં પણ ધ્વનિ પ્રસારણમાં ઉપયોગી થાય એમ છે. જ્યારે ધ્વનિના તરંગોને કારણે આ હાડકા ધ્રુજારી અનુભવે છે અને તે દ્વારા ધ્વનિ કાનના સૌથી અંદરના સ્તર ( cochlea) સુધી પહોંચે છે. આમ કાનના બહારના સ્તરોને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા સિવાય, ધ્વનિના તરંગો સીધા કાનના સૌથી અંતરિયાળ સ્તર સુધી પહોંચી જાય છે. પરિણામે કાનના બહારી સ્તરો સુરક્ષિત રહે છે. આ રીતે ધ્વનિ તરંગોને મગજ સુધી પહોંચાડતી ટેકનોલોજી ‘બોન કંડક્શન’ તરીકે ઓળખવામાં આવે છે. બોન કંડક્શનના સિધ્ધાંત પર કાર્ય કરતાં ગેજેટ્સ ‘બોન ફોન’ તરીકે ઓળખાય છે.

જો કે એક સામાન્ય ફરિયાદ એવી છે કે બોન ફોન્સ દ્વારા મેળવાતો અવાજ પૂરતી તીવ્રતા વાળો નથી હોતો. પરિણામે વોલ્યુમ ‘લાઉડ’ રાખવું પડે છે અને અવાજ અસ્પષ્ટ હોય છે. ઉપરાંત ૩ડી સાઉન્ડ(જે સાઉન્ડ સેપરેશન તરીકે પણ ઓળખાય છે, જેમાં અલગ અલગ અવાજો અલગ અલગ દિશામાંથી આવતા હોય એવો આભાસ ઉભો થાય છે) માટે પણ બોન ફોન્સ બહુ ઉપયોગી નહિ નીવડે એવું કેટલાંક નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ એટલું તો ચોક્કસપણે સ્વીકારવું પડે, કે બોન ફોન્સથી શ્રાવણ શક્તિને નુકસાન થતું અટકાવી શકાય છે. રહી વાત ગુણવત્તાની, તો શોધખોળો સતત ચાલુ જ રહેવાની છે. નજીકના ભવિષ્યમાં કંઈક એવું જરૂર મળી આવશે, જે બોન ફોન્સને ગુણવત્તાસભર અને લોકપ્રિય બનાવશે. પણ ત્યાં સુધી આપણી શ્રવણશક્તિને જાળવી રાખવા માટે ઈયરપ્લગનો વપરાશ નિયંત્રિત રાખવો જ સલાહભરેલું છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.