ગઝલાવલોકન ૩૦ – રસ્તો

સુરેશ જાની

કાખઘોડીથી સરકતો હોય છે,
હાંફતો ચિક્કાર રસ્તો હોય છે.

ભીડનું ભેલાણ આઘું રાખવા,
પગરવોને એય કસતો હોય છે.

સાંજ પડતાં ટૂંટિયું વાળી પછી,
દર્દથી એ પણ કણસતો હોય છે.

શૂન્યતા એનેય ગભરાવે સતત,
હમસફરને એ તરસતો હોય છે.

આખરી મંઝિલ સુધી પહોંચાડવા,
એ પ્રયત્નો ખૂબ કરતો હોય છે.

મૂક સેવા, આશ બદલાની નહીં,
સ્થિરતા એનો શિરસ્તો હોય છે.

માર્ગભૂલ્યા માનવો માટે કદી,
એ પ્રગટ ગેબી ફરિશ્તો હોય છે.

ચામડી ‘ચાતક’ ભલે આસ્ફાલ્ટની,
લાગણીથી એ ધબકતો હોય છે.

                                                      – દક્ષેશ કોન્ટ્રાક્ટર ( ચાતક)

માણસની સંવેદનાનાં તો ઘણાં કાવ્યો લખાયાં છે. પણ આ કાવ્યમાં રસ્તાને કવિએ સજીવ બનાવી દીધો છે; એની સંવેદનાને અભિવ્યક્ત કરી છે. સામાન્ય રીતે કવિઓ જીવનને રસ્તા સાથે સરખાવતા હોય છે. અહીં એનાથી સાવ અલગ જ વાત કવિ લઈ આવ્યા છે. દક્ષેશ ભાઈ ‘ ચાતક’ નવોદિત કવિ અને નેટ મિત્ર છે. એમની આ કલપના એક નવા જ વિચારને જન્મ આપી ગયો.

આપણું જીવન – એ આપણો રસ્તો. કેટકેટલું એના વિશે લખાયું છે? લખાય જ. કારણ કે, માનવ જીવનનાં અગણિત પરિમાણો હોય છે. એનું માત્ર લિસ્ટ જ બનાવવામાં આવે તો પણ એક નાનકડી પુસ્તિકા બની જાય! જીવનનો રસ્તો આપણી અંદર રહેલા જીવંત તત્વની કસોટી હોય છે. એ આપણા મૂળ હોવાપણાને કસે છે, કદાચ એને પણ લાગણી છે! જાણે કે, એ જીવન- રસ્તો એક વ્યક્તિ છે! આ કલ્પના સાવ તરોતાજા લાગી. અદભૂત વિચાર વિચારતા કરી દે તેવો વિચાર.

બીજી વાત – આ ‘રસ્તા’ની કલ્પના કરનાર દક્ષેશ ભાઈ વિશે –

clip_image001

· જન્મ વલસાડમાં, વતન સુરત પણ શિક્ષણ વલ્લભ વિદ્યાનગર અને અમદાવાદમાં

· ૧૯૯૦ થી વડોદરા સ્થાયી અને છેલ્લા દસેક વરસથી લોસ એન્જલસમાં.

· દેશ બદલાવા છતાં માતૃભાષા સાથેનો નાતો તૂટ્યો નથી

· યોગ અને અધ્યાત્મમાં વિશેષ રુચિ છે

· સ્વર્ગારોહણની વેબ સાઈટ (www.swargarohan.org) તેમનું પ્રિય સર્જન છે.

· તેમની અને તેમનાં ભાભી મીતિક્ષા બહેનની વેબ સાઈટ http://www.mitixa.com/

આ જ સંદર્ભમાં એમની બીજી એક મજાની રચના…

પંથને કાયમ ચરણની ખોજ હોવી જોઈએ,
મંઝિલો પણ રાહબર હો, તો જ હોવી જોઈએ.

જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે,
કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ.

રોજ ઊગી આથમે એ સૂર્યને કહેજો જરા,
ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ.

કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.

એક-બે સપનાં ઝઝૂમે કેટલું ‘ચાતક’ અહીં,
જીવવા માટે જરૂરી, ફોજ હોવી જોઈએ.

અને સમાપનમાં આ ચિત્ર સંદેશ

clip_image002


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “ગઝલાવલોકન ૩૦ – રસ્તો

Leave a Reply

Your email address will not be published.