સમયચક્ર : સંતાનોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ કરેલો ખર્ચ કદી એળે જતો નથી

આજકાલ રોકાણ, મૂડી, નફો, ખોટ જેવા ખાસ શબ્દો, જે ખાસ માણસો અને ચોક્કસ ક્ષેત્રમાં વપરાતા હતા, હવે તે ઘર ઘરમાં પહોંચી ગયા છે. ક્યારેક એવું પણ લાગે કે દિવસ ઉગવા અને આથમવા વચ્ચેના કલાકોમાં મોટાભાગના માણસોની, મોટાભાગની પ્રતિક્રિયાઓ અને વ્યવહારોમાં આર્થિક પાસું કેન્દ્ર સ્થાને હોય છે. એમ લાગે જાણે બજાર માણસના દિમાગમાં ઘૂસી ગયું છે. માણસ એવું વિચારવા લાગ્યો છે કે કયું કામ કરવાથી મને શું મળશે ? મને કેટલો ફાયદો થશે ? જોકે એવું હોવું જોઈએ કે નહીં તે જુદો વિષય છે.

માવજી મહેશ્વરી

વર્તમાન સમયમાં સૌને સ્પર્શતો અને ચર્ચાતો વિષય હોય તો તે છે મોંઘવારી. દરેક માણસ કહે છે કે મોંઘવારી બેફામ છે. દરેક માણસ મોંઘવારીથી ત્રસ્ત હોવાની વાત કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે મોંઘવારી કરોડો કમાતા માણસને પણ નડે છે અને રોજનું કમાવી ખાનરાને પણ નડે છે. બેય જણ મોંઘવારીની વાત સમાન ભાવે કરે છે. મોંઘવારીથી બચવાનો કોઈ ઉપાય નથી. પરિણામે દરેક વ્યક્તિ આવક વધારવાના પ્રયત્નો કરે છે. સામાન્ય રીતે આવક સરળતાથી વધતી નથી. નાણા રાતોરાત ભેગાં થતાં નથી. એ માટે અનેક જાતના કાળાધોળા કરવા પડે. જે દરેક માણસ માટે શક્ય નથી, તેમજ દરેક માણસની એવી વૃતિ પણ હોતી નથી. એટલે જીવનમાં અનેક બાંધછોડ કરવા સિવાય બીજો ઉપાય ન હોય ત્યારે શું કરવું ?

ભારતનો પરંપરાગત ધંધો ખેતી, પશુપાલન, કસબ અથવા મજૂરી છે. તે પૈકી ખેતીનું વર્તમાન ચિત્ર અતિ ધૂંધળું છે. પશુપાલન અને ખેતી બધાં માટે શક્ય પણ નથી. કસબને મશીનો ખાઈ જઈ રહી છે અથવા ખાઈ જશે. બાકી રહી મજૂરી ! જે કોઈને કરવી નથી. આધુનિક ભારતમાં વેપાર એક એવું ક્ષેત્ર છે જેમા થોડાં ઉજળાં સંજોગો છે. પણ વેપાર ચોક્કસ કુનેહ અને શિસ્ત માગે છે. એ પણ દરેક પાસે નથી હોતું. પરિણામે સરેરાશ માણસની નજર ભવિષ્ય તરફ જાય છે. ભવિષ્યમાં મારી પાસે આવું આવું હશે. આટલું આટલું હશે. એવું વિચારી રહેલો સરેરાશ ભારતીય જીવનની ગાડી ખેંચ્યે જાય છે. અને જ્યારે જીવનના ઢળતો પડાવ આવે છે ત્યારે તેને થોડી નિરાશા જાગે છે, કે જો મેં આવું આવું કર્યું હોત તો આજે હું સુખી હોત ! જોકે આ સુખી હોવાની કલ્પના જેટલી રોચક છે વાસ્તવ એટલી હોતી નથી. છતાં એવું નથી કે કોઈ રસ્તો જ નથી. ભારતીય પ્રજા બચતમાં માનનારી પ્રજા છે. પાછલી પેઢીને આપી જવુ, પાછલી પેઢી માટે ભેગું કરવું એ ભારતીય પ્રજાના લોહીમાં છે. એ અર્થમાં ભારતની પ્રજા એટલે કે આપણે સૌ જેટલું આપણા ખુદ માટે જીવીએ છીએ તેના કરતાં વધારે આપણી પાછળની પેઢી માટે જીવીએ છીએ. અલ્પ માત્રામાં એવાં મા-બાપ હશે જે પોતાનાં સંતાનોનોની ચિંતા જ ન કરતા હોય. તેમ છતાં એ પણ સત્ય છે કે સંતાનોને પ્રભુની ઈચ્છા અને કૃપા સમજનારો વર્ગ પણ ખાસ્સો મોટો છે. એ વર્ગ પણ એવું ઈચ્છે તો છે જ કે, તેમના સંતાનો પોતાના કરતાં વધારે સંપન્ન અને સુખી હોય. આજના સમયમાં માર્ગદર્શનની કોઈ કમી નથી. પરંતુ તેને સમજવાની કે સ્વીકારવાની ઈચ્છા શક્તિ નથી હોતી. પરિણામે સરેરાશ ભારતીય મા-બાપને પોતાના સંતાનને શું આપવું જોઈએ તેની છેક સુધી ખબર પડતી નથી. જ્યારે સમજાય છે ત્યારે મોડું થઈ ગયું હોય છે.

માણસ જીવન દરમિયાન દોડધામ કરે, અનેક કાળા ધોળા કરે, થોડું ઘણું ભેગું પણ કરે. અને આખરે બધું પાછલી પેઢીને આપીને ચાલ્યો જાય. સંતાનને વારસામાં ધનના ઢગલા આપી જવાની ઈચ્છા દરેક માણસને હોય તે સ્વાભાવિક છે. પણ દરેક તેમ કરી શકતા નથી. તો કરવું શું ? કરવાનું માત્ર એટલું જ છે કે જો સંતાનોને જ બધું આપી જવાનું હોય તો ભેગું કરવાની શી જરુર છે ? સંતાનોને જ એવા સક્ષમ બનાવીએ કે તેઓ ખુદ પોતાના પગ ઉપર ઉભા રહી શકે. તેઓને પોતાના મા-બાપના ધનની કોઈ જરુર જ ન રહે. કોઈ એવું પણ કહે કે એ શક્ય છે ખરું ? તો એવા લોકોએ જ બરાબર સમજવાની જરુર છે કે હા શક્ય છે. સો ટકા શક્ય છે. પણ એ માટે જુદી જાતના રોકાણ કરવાની જરુર રહે છે. આજે જાત જાતના રોકાણોની સાચી કે ક્યારેક અધકચરી અને લલચામણી જાહેરાતો જોવા મળે છે. જોકે એવી જાહેરાતો કુશળ માણસને રોકાણનું વળતર પણ આપે છે. પણ જેના પાસે રોકાણ કરવા જેટલી રોકડ નથી તેણે નિરાશ થવાની જરુર નથી. સંતાનો જ સૌથી મોટી મૂડી છે. એની પાછળ રોકાણ કરો. થોડા નાણાં, થોડી ધીરજ અને થોડો જીવનશૈલીમાં બદલાવ. આ ત્રણ ચીજો પાછલી પેઢીનું જીવન બદલી શકે છે.

આજે જાત જાતના નાણાકીય રોકાણો વિશે ચર્ચાઓ થયા કરે છે પણ સંતાનો પાછળ કરવા જેવા શૈક્ષણિક રોકાણોની ચર્ચાઓ પ્રમાણમાં ઓછી થતી જોવા મળે છે. ભારતમાં એવોય વર્ગ છે અને જેની આબાદી ખાસ્સી એવી છે જેમાં સંતાનો માટે શૈક્ષણિક ખર્ચ કરવાની વૃતિ પણ ઓછી જોવા મળે છે. ભારતમાં એવોય વર્ગ છે જે ધાર્મિક બાબતો અને સામાજિક પ્રસંગોમાં ગજા બહારનો ખર્ચ કરતા જરાય અચકાતો નથી પણ સંતાનના શૈક્ષણિક ખર્ચની વાત આવે છે ત્યારે પોતાની આર્થિક સ્થિતિની ચિંતા કરે છે. વાસ્તવમાં સરેરાશ ભારતીય પોતાના ઘરના બજેટમાં સંતાનોના શૈક્ષણિક ખર્ચને આમેજ કરતો જ નથી. લોકો ધંધાના રોકાણો માટે વિચારે છે પણ સંતાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શૈક્ષણિક રોકાણ વિશે ભાગ્યે જ વિચારે છે. લોકો રોજિંદા જીવનમાં અંગત મોજ શોખ પાછળ ખર્ચ કરતી વખતે વિચાર કરતા નથી પણ બાળકને સારી સ્કૂલમાં દાખલ કરાવતી વખતે ફીનો વિચાર જરુર કરે છે. આવનારા સમયમાં આ ટેવો મોઘી પડી શકે છે. કારણ કે પ્રતિભાવાન બાળકો પાછળ યોગ્ય સમયે ન થયેલા શૈક્ષણિક રોકાણને પરિણામે તેનું જીવન રગશિયાં ગાડાં જેવું બની શકે છે. સમાજમાં એવોય મોટો વર્ગ છે જેની શિક્ષણ વ્યવ્યથા હજુ સરકારના ભરોસે ચાલે છે. એમા કશું ખોટું પણ નથી. કારણ કે શિક્ષણ તો સરકારની ફરજમાં આવે છે. તેમ છતાં ખાનગી શાળાઓને મંજુરી આપનાર પણ સરકાર જ છે, જ્યાં સમાજના સમૃધ્ધ વર્ગના સંતાનો અભ્યાસ કરે છે. આ સ્થિતિ સ્વીકારી લેવાય તોય વિચિત્ર તો છે જ.

એવું નથી કે આજના સમયમાં નાણાં વગર અટકી પડાય છે. આજે માણસ એટલું તો કમાવી જ લે છે કે જો તે થોડી કરકસર કરે તો પોતાના સંતાનોને સારું શિક્ષણ અપાવી શકે. રહી વાત ઉચ્ચ અભ્યાસની. તો ઉચ્ચ અભ્યાસ માટે બેન્ક લોન આપવા તૈયાર છે. જરુર છે દષ્ટિની. હવેનો સમય પ્રતિભાનો સમય છે. જેનામાં પ્રતિભા હશે તે આગળ નીકળી જશે. પ્રતિભાને કોઈ રોકી નહીં શકે. પણ પ્રતિભા ફક્ત અને ફક્ત શિક્ષણ વડે જ પાંગરે છે અને નિખરે છે. આમ તો શિક્ષણ જ માનવજાતના વિકાસની પહેલી શરત છે. એ વાત સ્વીકારી લેવાની જરુર છે કે સારું શિક્ષણ મફતમાં નહીં જ મળે. એ માટે ખર્ચ કરવો જ પડશે. ચાણક્ય કહી ગયા છે કે “ સંતાનોના શિક્ષણ પાછળ કરેલો ખર્ચ કદી એળે જતો નથી.”


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.