પ્રસ્તાવના
‘ ઉર્દૂ શેરો-શાયરીનો ઇતિહાસ ખાસ્સો પુરાણો છે અને એનું ફલક પણ ખૂબ વિસ્તૃત છે. અમીર ખુસરોથી શરુ કરી મીર, ગાલિબ, ઝૌક, દાગ અને ઇકબાલ, ફૈઝ, જોશ, જિગર, ફિરાકથી માંડીને ફરાઝ, પરવીન, હસરત, હફીઝ, બશીર, નાસિર, કતીલ, શકીલ, મજરુહ અને જાવેદ, ગુલઝાર જેવા હજારો દીપકો અને આગિયાઓએ આ મહેફિલને રોશન કરી છે.
કિશોર વયથી આ બધાની રચનાઓ નિયમિત વાંચતો આવ્યો છું છતાં હજી અત્યારે પણ એમ લાગે છે કે એ દરિયામાં માત્ર પગ જ ઝબોળ્યાં છે પણ એ અલ્પ આચમનની પણ કેવી મજા! ગાલિબ, ઈકબાલ અને ફૈઝની કેટલીક રચનાઓ તો દાયકાઓ પહેલાં વાંચીને એનું શબ્દ-સૌંદર્ય માણેલું અને એના અર્થ-ગાંભીર્ય લગી છેક હવે પહોંચાયું અને ત્યાં પહોંચીને બાગ-બાગ થઈ ગયો.
આયોજન એ છે કે અલગ-અલગ શાયરોના મારી અંગત પસંદગીના એક શેરનું આસ્વાદન સરળ ગુજરાતીમાં પ્રત્યેક મણકામાં કરાવવું અને એ પણ સાવ સંક્ષેપમાં. કોરોના-કાળ અને આનુસાંગિક નવરાશ હોવા છતાં લાંબો નિબંધ કોને ગમે છે ? ટૂંક નોંધ જ બેહતર. જે શેરોનો લુત્ફ ઉઠાવીશું એ બધાજ, હવે પીળી પડવા આવેલી મારી ‘ પ્રાચીન ‘ ડાયરીઓમાં કેદ છે. સુયોગ્ય ભાવકો સુધી પહોંચી કદાચ મોક્ષ પામશે. કેટલાક શેર એવા પણ જેના શાયરોનો ત્યારેય પત્તો નહોતો, અત્યારે ય નથી.
હા, આ લેખમાળા હાલ મારા અંગત મિત્ર-વર્તુળોમાં હિંદી-ઉર્દૂ ભાષામાં અને દેવનાગરી લિપિમાં છેલ્લા બે’ક મહિનાથી દૈનિક પ્રવૃત્તિ તરીકે ચાલુ છે. અહીં એનો ગુજરાતી તરજુમો પેશ કરવાનો પ્રયાસ છે.
અપેક્ષા છે, આમો-ખાસ સર્વેને આ ગુલદસ્તો ઓછો-વત્તો સુગંધિત કરશે.
– ભગવાન થાવરાણી
= ૧ =

શુભારંભ માટે ગાલિબથી વધુ ઉપયુક્ત તો કોણ હોય ! એમના કેટલાય શેર દિલની નજીક છે અને મહદંશે દિમાગમાં ઉતરે છે પણ ખરા. એ જેટલા શાયર તરીકે મહાન હતા એટલી જ ભાતીગળ એમની અંગત જિંદગી પણ હતી. એક તરફ એ સ્વમાનના ઉચ્ચતમ શિખરે બિરાજતા તો વળી બીજી તરફ, જેમને ચાહતા એમની આગળ સાવ વિનીત અને દયામણાં પણ બની જતા ! એમનો આ શેર જુઓ :
મેહરબાં હો કે બુલા લો મુજે ચાહો જિસ વક્ત
મૈં ગયા વક્ત નહીં હું કે ફિર આ ભી ન સકું ..
ગાલિબ એ હસ્તી છે જે શાહો-શહેનશાહો આગળ પણ કદી ઝૂક્યા નહી. એમની સ્વમાનની વ્યાખ્યાઓ એકમેવ છે. પરંતુ પ્રિયજન આગળ ? પ્રેમમાં સ્વમાન ન હોય. ટકી પણ ન શકે. ત્યાં ગર્વને બાળીને ભસ્મ કરવો પડે. ઓગાળીને નિ:શેષ કરવો પડે. ત્યાં આપ રજકણ છો અને પ્રિયજન સૂર્ય !
અહીં પણ મિર્ઝા સાહેબ પોતાના પ્રિયજનને પુરા આદર અને ભક્તિભાવથી કહે છે કે તું બોલાવે અને હું ન આવું એવું કદી થયું છે ન તો થશે. હું વીતેલો સમય ઓછો છું કે ગયો તે ગયો ! બીજી રીતે જોઈએ તો મજા એ છે કે અહીં બિચારાપણામાં પણ એક પ્રકારનો વટ છે. ગાલિબ સ્વયંને સમયની સરખામણીમાં વધુ વફાદાર ગણાવે છે ! સમય બેવફા છે, જઈને પાછો ફરતો નથી. હું એના જેવો નથી, બા-વફા છું. બોલાવી જો કોઈ દિવસ ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
સંપાદકીય પાદ નોંધ
જુન, ૨૦૨૦થી ‘લુત્ફ-એ-શેર’ શ્રેણી દર શનિવારે પ્રકાશિત કરીશું.
સંપાદક મંડળ, વેબ ગુર્જરી
વાહ !સર ! ખૂબ સરસ ખૂબ મજા આવશે …એટલા માટે જ નહીં કે ગુજરાતી મા ઉર્દૂ ની ખુશ્બુ અનુભવવા નું સૌભાગ્ય સાંપડશે , પરન્તુ એટલા માટે પણ કે આ જ શ્રેણી ને હિન્દી માં પણ આસ્વાદવાનુ સૌભાગ્ય પણ આ નાચિઝ ને પ્રાપ્ત થયું છે . હિન્દી માં પણ આનંદ આવ્યો હતો અને ગુજરાતી માં પણ આનંદ આવશે જ શ્રધ્ધા છે કેમકે બન્ને ભાષા માં આપની હથોતી છે ..
આભાર !
ખૂબ ખૂબ આભાર ઊર્મિલાબહેન !
કુલ 101 હપ્તા હોવાથી આ શ્રેણી લાંબી ચાલશે. સાથે રહેજો.
વાહ !સર ! ખૂબ સરસ ખૂબ મજા આવશે …એટલા માટે જ નહીં કે ગુજરાતી મા ઉર્દૂ ની ખુશ્બુ અનુભવવા નું સૌભાગ્ય સાંપડશે , પરન્તુ એટલા માટે પણ કે આ જ શ્રેણી ને હિન્દી માં પણ આસ્વાદવાનુ સૌભાગ્ય પણ આ નાચિઝ ને પ્રાપ્ત થયું છે . હિન્દી માં પણ આનંદ આવ્યો હતો અને ગુજરાતી માં પણ આનંદ આવશે જ શ્રધ્ધા છે કેમકે બન્ને ભાષા માં આપનું પ્રાવિણ્ય સર્વ વિદિત છે ..
આભાર !
વેલકમ. હમ એક ડાલ કે પંછી.
ધન્યવાદ સર !