ફિર દેખો યારોં : સુરક્ષાનિયમ: કોઈ અકસ્માત થયો ને તમે યાદ આવ્યા

બીરેન કોઠારી

ઉદ્યોગજગતમાં પ્રચલિત શબ્દસમૂહ ‘સ્ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (એસ.ઓ.પી.) એટલે કે નિર્ધારીત કાર્યપદ્ધતિ હવે ઘણાં ક્ષેત્રોમાં પ્રચલિત બની રહ્યો છે. એ દર્શાવે છે કે પ્રત્યેક કામ માટે એક કાર્યપદ્ધતિ નિર્ધારીત કરવામાં આવેલી હોય છે. આ કાર્યપદ્ધતિને અનુસરવાથી અકસ્માતની કે પ્રદૂષણની સંભાવના ઘટાડી શકાય છે. અતિ ઉચ્ચ તાપમાન કે દબાણે વિવિધ પ્રક્રિયાઓ થતી હોય, વિવિધ જોખમી રસાયણોનું વહન થતું હોય એવા વિશાળ ઉદ્યોગોમાં ‘એસ.ઓ.પી.’ને ચુસ્તપણે અનુસરવામાં આવે એવો આગ્રહ રાખવામાં આવે છે.

વિશાખાપટણમની ‘એલ.જી.પોલિમર્સ’ કંપનીમાં તાજેતરમાં થયેલ અકસ્માત સમયે પણ આ પદ્ધતિ અમલી હશે. આમ છતાં, કંપનીની ટાંકીમાંથી સ્ટાયરીન વાયુની ચૂવાક મોટા પ્રમાણમાં થઈ અને અધિકૃત આંકડા મુજબ બાર લોકોએ જાન ખોયા તેમ જ ત્રણસોને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. અનેક પશુપક્ષીઓ મરણને શરણ થયાં. લૉકડાઉનને કારણે આ આંકડો ઓછો હોય એમ માનીએ તો પણ આવો જીવલેણ વાયુ ચૂવાક થઈને પ્રસરે એ બાબતને કોઈ પણ રીતે નજરઅંદાજ કરી શકાય નહીં. હવે આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે ભૂલાયેલો ભૂતકાળ બની ગયેલી ભોપાલ ગેસ દુર્ઘટનાને યાદ કરવામાં આવે છે. 1984ના ડિસેમ્બરમાં ભોપાલસ્થિત યુનિયન કાર્બાઈડ કંપનીના પ્લાન્‍ટમાંથી મિથાઈલ આઈસોસાઈનેટ નામનો વાયુ પ્રસર્યો હતો, જેણે આખા ભોપાલ શહેરને તબાહ કરી દીધું હતું. મૃત્યુનો અધિકૃત આંકડો 3,800ની આસપાસ અને બિનઅધિકૃત આંકડો પંદર હજાર મનાતો હતો. આ દુર્ઘટના પછી તંત્ર સફાળું જાગ્યું હોય એમ અચાનક દરેક ઉદ્યોગોમાં, ખાસ કરીને રાસાયણિક ઉદ્યોગોમાં સલામતિની જોગવાઈની ચકાસણી થવા લાગી હતી. પણ સફાળું જાગી ઉઠતા તંત્રની ખાસિયત એ હોય છે કે લાંબા ગાળાના કોઈ અસરકારક પગલાંને બદલે તે એટલી જ ઝડપથી પોઢી જાય છે.

નવા નિયમો અને જોગવાઈઓ કાગળ પર બનતી રહે છે, કાગળ પર તેનો અમલ થતો રહે છે અને કાગળ પર ‘સબ સલામત’ ચાલતું રહે છે. નિયમો અને જોગવાઈઓનો વાસ્તવિક અમલ ખર્ચાળ અને સમય માંગી લેતું કામ છે. તેને બદલે ઓછા ખર્ચાળ અને ‘વ્યાવહારિક’ ઉપાય અમલ કરનાર અને કરાવનાર બન્નેને સહેલા પડે છે. માનો કે કોઈ દુર્ઘટના થઈ તોય શું? રાબેતા મુજબ, કસૂરવારોને નહીં છોડવાનું છાપાળવું નિવેદન આપી દેવાનું, મૃતકોના પરિવારને વળતર આપવાની ઘોષણા કરી દેવાની, ચાર-પાંચ સભ્યોની તપાસસમિતિ નીમી દેવાની અને વરસો પછી એ સમિતિનો અહેવાલ આવે તેના કાગળનું ભૂંગળું વાળીને એમાં શીંગચણા ખાવાના. ભોપાલ જેવડા વિશાળ વ્યાપની દુર્ઘટનાના જો આ હાલ હોય તો દસ-બાર લોકોના જીવ ગયા હોય એવી નાનકડી દુર્ઘટનાની શી વિસાત?

સોએક ગ્રામવાસીઓ એકઠા મળીને ચાર મૃતકોના શબ સાથે ‘એલ.જી.પોલિમર્સ’ પર પહોંચ્યા અને ફેક્ટરીના સંકુલને ગામ પાસેથી ખસેડવાની ઉગ્ર માગણી કરી. પોલિસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. કોમી રમખાણ હોય કે કોવિડ-19ની પરિસ્થિતિ યા વિરોધ પ્રદર્શન, પોલિસ પાસે લાઠીચાર્જ સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ હોય છે. આ કિસ્સામાં પણ મુખ્યપ્રધાને મૃતકના પરિવારને વળતર અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની ઘોષણા કરી. અહીં પણ ઉચ્ચ કક્ષાની સમિતિ ન નીમાય તો જ નવાઈ! નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કંપનીને પચાસ કરોડની આરંભિક રકમ નુકસાન પેટે ભરવાની તાકીદ કરવામાં આવી છે.

વિશાખાપટણમની દુર્ઘટનાના દિવસે જ છત્તીસગઢના રાયપુરની પેપર મીલમાં વાયુની ચૂવાક થઈ અને સાત કામદારો અસરગ્રસ્ત થયા. પછીના દિવસે નૈવેલી લિગ્નાઈટ કોર્પોરેશનના થર્મલ પાવર પ્લાન્‍ટમાં બૉઈલર ફાટતાં બે કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ બન્ને અકસ્માતમાં કોઈ મૃત્યુ થયું હોવાનું હજી સુધી જણાયું નથી. આથી ત્યાં અકસ્માત અંગે કયા સ્તરની તપાસ થાય છે એ સવાલ છે. ઘણાખરાં કારખાનાંમાં જોખમી કાર્યો સામાન્ય રીતે હંગામી કામદારો કરતા હોય છે. તેમની જવાબદારી કંપનીની નહીં, કંત્રાટીની હોય છે. અકસ્માતને લઈને વિકલાંગતા કે મૃત્યુના કિસ્સામાં કંપની આસાનીથી પોતાના હાથ બહાર રાખી શકે છે. કંત્રાટી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે એવા કિસ્સા હશે ખરા, પણ છેવટે તેણે કામદાર કરતાં વધુ કંપનીના અધિકારીઓને ‘સાચવવાના’ હોય છે.

હવે લૉકડાઉનના નામે ઘણા રાજ્યોએ શ્રમિકો માટેના કાયદામાં હંગામી ધોરણે ફેરફાર કર્યા છે, જેને ‘સુધારા’ તરીકે ઓળખાવાયા છે. શ્રમિકોના હિતની રાજ્ય સરકારોને કેટલી ફિકર છે એ લૉકડાઉનના આ ગાળામાં ઉઘાડું રહસ્ય બની રહ્યું છે. હવે આ સુધારા દ્વારા શ્રમિકો શ્રમજીવી નહીં, માત્ર ગુલામ બનીને રહી જાય તો નવાઈ નહીં. અર્થતંત્ર અને ઉદ્યોગોના વિશાળ તંત્રમાં શ્રમિકો જાણે કે કેવળ નિર્જીવ પૂરજા હોય એ રીતે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આ હંગામી ફેરફાર ખરેખર હંગામી છે કે પછી ધીમે રહીને કાયમી બની રહે છે એ તો સમય જ કહેશે. આવી બાબતોમાં કોઈ પણ સરકારની નિયત ભાગ્યે જ ભરોસાપાત્ર હોય છે. એવી સ્થિતિમાં ‘એસ.ઓ.પી.’ શું અને અકસ્માતનું જોખમ શું? ઉચ્ચ કક્ષાની સમિતિ નીમવી, વળતર જાહેર કરવું, કસૂરવાર સામે પગલાં લેવાંની ઘોષણા કરવી કે પછી જે તે ઉદ્યોગને દંડ ફટકારી દેવાની ચેષ્ટા વધુ સરળ છે. ભોપાલ દુર્ઘટના જેવી મહાભયાનક કારુણીનું ખાસ કશું નક્કર પરિણામ ન આવતું હોય, તેના અપરાધીઓને દુર્ઘટના બન્યાના વરસો પછી સાવ ચૂંટી ખણ્યા જેવી મામૂલી સજા ફરમાવીને મામલો પૂરો થઈ જતો હોય તો એ જ માપદંડ અનુસાર બીજા અકસ્માતોથી થતી જાનહાનિ નિવારવા શા પગલાં લેવાશે એ અનુમાન કરવું અઘરું નથી.

ઉદ્યોગો આપણા દુશ્મન નથી. તેની જરૂર અવશ્ય છે. પણ તેમાં ઉત્પાદનથી લઈને કારખાનું કયા વિસ્તારમાં હોવું જોઈએ એ માટેના નિયમો છે. માનવવસ્તીથી તે અમુક અંતરે હોવા જોઈએ, તેમાં સલામતિ માટેની જોગવાઈઓ હોવી જોઈએ વગેરે. પણ તેનો આરંભ થવાનો હોય ત્યારથી જ આ નિયમોમાં ‘તોડ’મરોડ શરૂ થઈ જાય છે. જનતાનો વિરોધ, લોકસુનવણી અને અંતે સૌની સુરક્ષાની બાંહેધરી અપાવાનાં નાટકો વગર તખ્તે ભજવાય છે. આથી આવો અકસ્માત થાય ત્યારે કેવળ કારખાનેદારને દોષિત ઠેરવવાની વાત સડેલા ઝાડનાં ડાળખાં કાપવા જેવી છે. મૂળનો સડો એમનો એમ રહે છે. આ પણ જાણે કે ‘એસ.ઓ.પી.’ જ બની રહી છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૫-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – અહીં રજૂ કરેલી સાંકેતિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચિયતાના અબાધિત છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.