વલદાની વાસરિકા : (૮૧) દેખીતા દીવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની!

વલીભાઈ મુસા

શાણપણ અને દીવાનગી એ માનવમનની એવી ગૂંચવાડાભરી સ્થિતિઓ છે કે જેમને ચુસ્ત રીતે એકબીજાથી અલગ પાડી શકાય નહિ. એકંદરે એમ માનવું પડે કે કોઈપણ પુરુષ કે સ્ત્રી એવી રીતે વર્તન કરે કે જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય, તો તેને આપણે શાણી વ્યક્તિ તરીકે ગણી લેતા હોઈએ છીએ. અહીં એક રસપ્રદ મુદ્દો ઊભો થાય છે કે સામાજિક રીતે સ્વીકાર્ય એવી વર્તણૂકોને કોણ નક્કી કરશે! દુનિયામાં આપણે ઘણાબધા સમુદાયો કે સમાજો જોઈએ છીએ અને એવા દરેક સમુદાય કે સમાજ માટે સ્વીકાર્ય વર્તણૂકોનાં પોતાનાં આગવાં ધોરણો હોય છે. બીજો એક વધુ પ્રશ્ન આપણા જવાબની રાહ જોતો આપણી સામે ઊભો છે કે શાણપણને કોણ ઓળખી બતાવશે. જેમ શાણા માણસો દીવાનગીને નક્કી કરી લેતા હોય છે, તેમ જ શું દીવાનાઓ જ શાણાઓને ઓળખી બતાવશે કે શાણપણની વ્યાખ્યા નક્કી કરી આપશે? અને જો તેમ બને તો શું આપણે એ દીવાનાઓનાં મંતવ્યો ઉપર વિશ્વાસ મૂકી શકીશું ખરા? દેખીતી રીતે જ ના! મનોવૈજ્ઞાનિકોએ શાણપણને એવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે શાણપણ એ એવું દૃઢ મનોબળ છે કે જેના વડે વ્યક્તિ પરિસ્થિતિઓ અંગેના ઉત્તમ નિર્ણયો લેવા ઉપરાંત લોકોના ભરોસાપાત્ર અભિપ્રાયોને પણ સમજી શકે અને તદનુસાર પોતે પોતાનો પ્રતિભાવ પણ આપે. એ જ પ્રમાણે, તે લોકોએ દીવાનગીને પણ એવી જ રીતે સમજાવી છે કે દીવાનગી એ બીજું કંઈ નહિ પણ વ્યક્તિનાં કાર્યોમાં દેખાતી તેમની નરી મૂર્ખાઈઓની અને તેમની મૂર્ખાઈભરી હરકતોની પરાકાષ્ઠા માત્ર જ હોય.

મારા આજના લેખમાં પ્રથમ નજરે દીવાના જેવા દેખાતા એક માણસની સત્ય અને રસપ્રદ વાત રજૂ કરવાનો મારો પ્રયત્ન છે. તે માત્ર એવો દીવાનો દેખાતો જ ન હતો, પણ તેની વર્તણૂકો, તેની વાતો, તેની જીવનપદ્ધતિ અને ઘણાંબધાં તેનાં લક્ષણો સાવ અકુદરતી હતાં. તે એવી રીતે દલીલો આપતો કે તેના શબ્દો આપણને તત્ત્વજ્ઞાનથી ભરપુર લાગે. તેની વાતો હંમેશાં ટૂંકી અને છતાંય એવી ઠોસ રહેતી કે તે ગહન અર્થમાં જે કહેવા માગતો હોય તે કહીને જ રહે. તેની રહનસહન કે જેમાં ખાસ કરીને તેનો પહેરવેશ અને તેની ભોજન લેવાની રીતનો સમાવેશ કરીએ તો તે આપણને સાવ અવ્યવસ્થિત, ગંદી અને મનમાં ઘૃણા ઉત્પન્ન કરાવે તેવી લાગે.

તેનું નામ ઈદ્રિસ હતું. તે રાજસ્થાની મુસ્લીમ હતો અને અમારા ગામમાં વર્ષો સુધી રહ્યો હતો. તેણે મારા એક મિત્રના ખેતરમાં ગોવાળિયા તરીકે કામ કર્યું હતું. તેના ત્યાં કેટલીક ભેંસો અને એક ઘોડો પણ હતો. સવારે ભેંસો દોવાઈ જાય કે તરત જ ઈદ્રિસ તેમને વગડે ચારવા માટે લઈ જતો અને છેક સાંજે પાછો ફરતો. મારા મિત્રે તેને ઘોડા ઉપર બેસવાની છૂટ આપી હતી, પણ તે કદીયે ઘોડે બેઠો નહિ. તેને પ્રાણીઓ પ્રત્યે અપાર મમતા હતી અને તેથી જ તો તેણે ઘોડાને ન કદીય ચાબુક માર્યો હતો કે કદીય ભેંસોને લાકડી વડે ફટકારી હતી. તે હંમેશાં ખુલ્લા પગે જ રઝળતો, ફક્ત ઉનાળાના દિવસો પૂરતો જ તે પોતાનાં પગનાં તળિયે કંતાનનાં ચીંથરાં વીંટાળતો. તેણે જ્યારે મારા મિત્રના ત્યાં સર્વ પ્રથમ નોકરી સ્વીકારી, ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે તે કેટલો પગાર લેશે; પણ બધાંના આશ્ચર્ય વચ્ચે તેણે જવાબ વાળ્યો હતો કે કશું જ નહિ સિવાય કે જૂના ધાબળા સાથે માત્ર સૂવા માટે જમીન, ખાવા માટે સાદો ખોરાક અને પહેરવા માટે ફાટેલાં અથવા થીગડાં મારેલાં કપડાં. વળી તેણે આગળ ઉમેર્યું હતું કે જો પગાર તરીકે તેઓ જો કંઈ રોકડા આપવા માગતા હોય, તો તે હાથોહાથ સ્વીકારશે નહિ; પણ પોતાના વતનમાંના કુટુંબને પોસ્ટલ મનીઓર્ડર દ્વારા સીધા મોકલી શકે છે. મારા મિત્રના આશ્ચર્ય વચ્ચે તેણે મરોડદાર હિંદી અક્ષરોમાં પેડ ઉપર પોતાનું સરનામું લખી આપ્યું હતું.

એક દિવસે તેણે ઘરમાં વિચિત્ર દરખાસ્ત મૂકી કે તે થાળી કે વાડકામાં ખાશે નહિ; અને તેટલું જ નહિ, પણ હાથથી કે ચમચીથી પણ ખાશે નહિ. તેણે પોતાનો ઈરાદો જાહેર કર્યો કે હવેથી તે જાનવરોની જેમ પોતાનું ખાવાનું કે પીવાનું સીધું જ પોતાના મોંઢાથી લેશે. વળી તેણે આગ્રહભરી વિનંતિ કરી કે તેને ખાવાનું શણના કોથળા ઉપર પીરસવામાં આવે અને તે કૂતરાની જેમ જ ખાશે! મારા મિત્રે સ્પષ્ટ શબ્દોમાં એમ કરવાની ના પાડી, કેમ કે તે વાત આરોગ્યની રીતે યોગ્ય ન હતી. પરંતુ, તેણે તો પોતાના મક્કમ ઈરાદા સાથે કહી જ દીધું કે પોતે ભૂખે મરી જશે, પણ પોતાના વિચાર સાથે કોઈ જ સમાધાન નહિ કરે! તેણે બે દિવસ સુધી ખાવાનું તો ન ખાધું, પણ કૂતરાની જેમ ઘૂંટણિયે પડીને તથા બંને હથેળીઓ જમીન ઉપર ટેકવીને થાળીમાંથી માત્ર પાણી જ પીધે રાખ્યું! છેવટે, મારા મિત્રની પત્નીને તેના તરંગી વિચારો આગળ નમતું જોખવું પડ્યું અને તેણીએ તેને અનુમતિ આપી દીધી કે તેણે જેમ કરવું હોય તેમ તે કરી શકે છે. મારા મિત્રે તેને પૂછ્યું કે ‘તું આમ કેમ કરવા માગે છે?’ તેણે જવાબ આપ્યો હતો, ‘આપણે માણસો કૂતરા કરતાંય બદતર છીએ. એક પાળેલું કૂતરું તેના માલિકને વફાદાર હોય છે. વળી આવું કૂતરું કદાચ પાળેલું ન હોય અને શેરીમાં રખડતું હોય તો પણ અજાણ્યા માણસોને કે ચોરને જોઈને તે ભસે છે અને માણસના ઉપકારનો બદલો ચૂકવે છે.’ તેણે આગળ વધુ ખુલાસો કરતાં કહ્યું, ‘માણસ જ એક એવો છે કે જે તેના માલિક (અલ્લાહ) તરફથી ભરણપોષણ મેળવતો હોવા છતાં તેના પરત્વેની પોતાની વફાદારી બતાવતો નથી.’ મારા મિત્રે તેને ગાળો ભાંડીને મૂર્ખ ઠેરવ્યો, પણ વળતા પ્રત્યાઘાતમાં તેણે સાવ સાદું અને વિચિત્ર સ્મિત માત્ર જ કર્યું. આખરે થાકીને જ્યારે તેમણે પોતે જે કરવા માગતો હોય તે કરી શકે છે એમ તેને કહ્યું, ત્યારે તો તે ખુશ ખુશ થઈ ગયો હતો.

હવે વચગાળે હું માત્ર બે જ વ્યક્તિઓને યાદ કરવાનું પસંદ કરીશ, એમ છતાંય કે ઇતિહાસે તો એવી ઘણીએ વ્યક્તિઓ નોંધી હશે! એ એવી વ્યક્તિઓ કે જે બાહ્ય રીતે તો દેખાય દીવાની, પણ વાસ્તવમાં હોય શાણી! આ બે વ્યક્તિઓ આંતરિક રીતે પ્રખર બુદ્ધિશાળી અને હાજરજવાબી પણ હતી. આ બંને પૈકી એક છે બિરબલ, કે જે મોગલ બાદશાહ અકબરનાં નવ દરબારી રત્નો પૈકીનું એક રત્ન હતો; અને બીજો છે બહલૂલ દાના (દીવાનો!) કે જે હજારેક વર્ષ પહેલાં મધ્ય એશિયામાં થઈ ગયેલો સુખી ઘરનો અને વિદ્વાન માણસ હતો. બહલૂલ એનું નામ, પણ એ દાના (શાણા) એવા વિશેષણ સાથે ઓળખાતો હતો અને તેની બાહ્ય હરકતો દીવાના જેવી હોઈ તેને એ સમયે લોકો બહલૂલ દીવાના તરીકે પણ ઓળખતા. આ બંને વિભૂતીઓ તેમના ચહેરે અને રીતભાતે ભલે ગમે તેવી દેખાતી હોય, પણ આંતરિક રીતે ખૂબ જ પ્રતિભાશાળી હતી. તેઓ રાજાઓ સુદ્ધાં ગમે તે માણસની મર્યાદાઓ કે ક્ષતિઓ અન્વયે તેમનો ઊધડો લઈ શકતી. અકબર અને બિરબલ વચ્ચેના અસંખ્ય પ્રસંગો અને સંવાદો ઇતિહાસનાં પાને નોંધાયા છે અને એ જ રીતે બહલૂલ અને તેના સમયના ખલીફા હારૂન-અલ-રશીદ વચ્ચેના બુદ્ધિયુકત સંવાદોની આપલેની વિગતો પણ જગજાહેર છે. અહીં સ્થળસંકોચના કારણે હું વિગતે ઊંડો ઊતરી શકતો નથી, પણ મારા વાચકોને એટલી ખાત્રી તો જરૂર આપું છું કે મારો મિજાજ મને સાથ આપશે તો ભવિષ્યે બહલૂલ દાના વિષે તો ખાસ અલગ લેખ લખીશ. હવે, હું મારા મૂળ વિષયે પાછો ફરતાં નીચે આ લેખના નાયક એવા ઈદ્રિસના કેટલાક રસપ્રદ પ્રસંગો અને વિચારોને રજૂ કરીશ.

હું મારા મિત્ર મહંમદભાઈ પાસેથી ઈદ્રિસ વિષેની કેટલીક માહિતીઓ મેળવી શક્યો છું. વચ્ચે કહી દઉં કે અહીં ખાતે ઈદ્રિસે ફક્ત મહંમદભાઈના ત્યાં જ કામ કર્યું હતું. તેમણે ખેતી આટોપી લેવાના કારણે જ્યારે પોતાનાં તમામ ઢોરઢાંખર વેચી દીધાં, ત્યારે ઈદ્રિસ સીધો જ પોતાના વતનના ગામે જતો રહ્યો હતો. એ વખતે ગામમાં ઘણા લોકોએ તેને કામે રાખવા માટે પોતાની તત્પરતા બતાવી હતી, પણ ઈદ્રિસ જાણે કે બાઈબલનું કોઈ વાક્ય બોલતો હોય તેમ તેણે બધાયને પોતાનો રોકડો જવાબ પરખાવી દીધો હતો કે ‘ઈદ્રિસ આ કાણોદર ગામમાં બે માલિકો (શેઠિયાઓ)ની સેવા કરી શકે નહિ!’ (બાઈબલનું વાક્ય છે “No man can serve two masters.” અહીં ‘Master’ શબ્દ ઈશ્વરના અર્થમાં છે.) મહંમદભાઈ અને ઈદ્રિસ વચ્ચે કોઈ અજ્ઞાત ઋણાનુબંધ કે અન્ય ગમે તે કારણ હોય, ઈશ્વર (અલ્લાહ) જાણે, પણ તેણે મહંમદભાઈના ત્યાં એક કુટુંબના સભ્યની જેમ પંદરેક વર્ષ સેવા બજાવી હતી. ઈદ્રિસ પોતે સારી રીતે જાણતો હતો કે મહંમદભાઈ અને તેમના કુટુંબના સભ્યો માત્ર જ તેના સ્વભાવ અને મિજાજને સહન કરી શકે! તેનું સ્પષ્ટ માનવું હતું કે બીજાઓ માટે એ સાવ અશક્ય હતું કે તેઓ તેને તેમના કુટુંબના સભ્ય તરીકેનો દરજ્જો આપે! તેના વિષે એવું પણ લાગતું હતું કે તેણે કોઈ પ્રાથમિક કે ધાર્મિક શિક્ષણ મેળવેલું હોય, કેમ કે અન્યો સાથેની તેની વાતચીતમાંથી આ બાબત ફલિત થતી હતી.

મારા લેખને ઈદ્રિસના સામાન્ય જ્ઞાન, દૂરંદેશીપણા, બુધ્ધિમત્તા અને શાણપણને પ્રદર્શિત કરતા એક માત્ર ઉદાહરણ પછી સમેટી લઈશ. અમે બધા મિત્રોએ એક વખતે મહંમદભાઈના ખેતરે મિજબાનીનું આયોજન કર્યું હતું. તક મળતાં જ, હું મારા મિત્રોનો સહવાસ છોડીને સીધો જ ઈદ્રિસ પાસે પહોંચી ગયો હતો કે જે નદીકિનારે ખુલ્લા મેદાનમાં ઢોર ચારી રહ્યો હતો. મેં તેનો પંદરેક મિનિટ સુધીનો ઇન્ટરવ્યુ લીધો હતો. અમારી વાતચીત દરમિયાન સૌથી પહેલાં તો મેં તેને એ પૂછ્યું હતું કે તેના વતનનું ગામ પાડોશી દેશ પાકિસ્તાનને અડીને આવેલા રાજસ્થાનના સરહદી જિલ્લામાં આવેલું હોઈ લોકોને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે કેમ? તેણે મારા પ્રશ્નનો સાવ ટૂંકો જ જવાબ વાળ્યો હતો કે એ તો અમે પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવા ટેવાઈ ગએલા છીએ. પણ અચાનક કોઈ જાતના મારા પ્રશ્ન કે વાતના સંદર્ભ વગર જ તેણે બોલવાનું શરૂ કરી દીધું,”મારી પાસે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનો ઉપાય છે. આપણી સરકારે અમેરિકા જેવી રાજ્યોની શાસનપ્રથાને અપનાવીને ભારતને USI (United States of India) તરીકેની ઓળખ આપવી જોઈએ. આપણા પાડોશી દેશો કે જે પ્રાચીન ભારતના ભાગરૂપ હતા તેઓ આપણા USI સાથે જોડાઈ શકે છે, જો તેમને આપણું બિનસાંપ્રદાયિક બંધારણ માન્ય હોય તો! વળી આમ જો થઈ જાય તો તે પછી ફરી આપણા દેશનું નામ બદલીને USSA (United States of South Asia) રાખી શકાય.”

અહીં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે કાશ્મીર મુદ્દે ઈદ્રિસે સૂચવેલો માર્ગ યોગ્ય છે કે કેમ તેની વિચારણા કરવામાં આવે, પણ તેને સાંભળીને મને એ આશ્ચર્ય થયું હતું જાણે કે તે રાજનીતિશાસ્ત્રનો કોઈ વિદ્વાન માણસ ન હોય!

આશા રાખું છું કે મારા વાચકો એવી માનસિકતા કેળવવાનો પ્રયત્ન કરે કે કોઈ પણ વ્યક્તિમાં તેના અવગુણોના બદલે તેના ગુણોને સમજવાની કોશિશ કરવામાં આવે, પછી ભલે ને તે વ્યક્તિ શાણી હોય કે દીવાની!

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com  મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ  William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.