મોજ કર મનવા – મહાત્મા ગાંધીનો હાસ્યરસ : એક સેમ્પલ ટેસ્ટ

કિશોરચંદ્ર ઠાકર

“જો મારામાં રમૂજવૃતિ ન હોત તો મેં આપઘાત કર્યો હોત” એવું વાક્ય ગાંધીજીના નામે ચડેલું છે. પરંતુ ગાંધીજીએ કહ્યું એટલે સાચુ જ માની લેવું જરૂરી નથી. વળી એમણે પોતે જ કહેલું છે કે મને માપવા માટે સત્યનો ગજ કદી ટૂંકો ન થશો. આથી સત્યના ગજને તોલમાપના નિયમ મુજબ જ રાખીને ગાંધીજીનાં ઉપરોક્ત વાક્યની ખરાઇ કરવાં “સત્યના પ્રયોગો અથવા આત્મકથા” નામના એક સેમ્પલની કસોટી કરીએ.

જ્યોતીન્દ્ર દવે કે બીજા જાણીતા હાસ્યલેખકો પાસેથી રાખે છે તેવી ખડખડાટ હસવાની અપેક્ષા સુજ્ઞ વાચકો ગાંધીજી પાસે ન રાખે એ સ્વાભાવિક છે. પરંતુ ‘આત્મકથા’માં ઠેકઠેકાણે આવતી હળવી રમૂજથી આપણને તેમના કથનનો ભાર લાગતો નથી. એમ પણ જણાય છે કે આ રમૂજોના વિકલ્પે બીજી અન્ય કોઇ રીતે ગાંધીજી આટલા લાઘવથી પોતાની વાત કરી શક્યા ના હોત. ગાંધીજીનો હેતું રમૂજ ઉત્પન્ન કરવાનો નહિ હોવા છતાં તેમની વાત સચોટ રીતે સમજાવવા રમૂજ પોતાની ફરજ નિભાવવાં જાતે જ હાજર થઈ જાય છે. અહીં આત્મકથામાંથી કેટલાક રમૂજ ઉપજાવતાં કથનો મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંદર્ભ વિના એ રમૂજ વાચકોને નહિ સમજાય એમ લાગતાં, સૌ પ્રથમ જે તે રમૂજ ઉપજાવતું વિધાન મૂક્યા બાદ તેનો સંદર્ભ આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

(1) શરૂ કરીએ ‘આત્મકથા’ના પહેલા જ પ્રકરણ ‘જન્મ’ થી,

“મને નિશાળે મૂક્યો તે કાળે હું મહેતાજીને માત્ર ગાળ દેતા જ શીખેલો એટલું જ યાદ છે અને બીજું કશું યાદ નથી.”

પોરબંદરની પ્રાથમિક શાળામાં મૂકાયા ત્યારનાં સ્મરણમાં ગાંધીજીએ લખેલું આ વાક્ય આપણને આપણી પોતાની પ્રાથમિક શાળામાં લઈ જાય છે. આવું જ કાંઈ શ્રી રઘુવીર ચૌધરીની નવલકથા ‘એકલવ્ય’માં કરવામાં આવી છે, જેમાં તેમનું દુ:શાસન નામનું પાત્ર કહે છે ‘એકલવ્યને ગાળ બોલતા નથી આવડતી કારણ કે તે પ્રાથમિક શાળામાં ભણ્યો જ નથી!” આમ પ્રાથમિક શાળામાં ગાળ શીખીને તેનો પ્રયોગ કરવાની પ્રથા જમાના જૂની હોય એમ લાગે છે. પોતાની યાદશક્તિને કાચા પાપડ સાથે સરખાવવાનું ઔચિત્ય જણાવવા એ વખતે નિશાળમાં બોલાતી અને એક માત્ર યાદ રહી ગયેલી કડી(પંક્તિ) કહે છે કે,

“એકડે એક, પાપડ શેક ;

પાપડ કચ્ચો. — મારો ‌‌‌‌‌‌‌‌——“

રમૂજ અહીં અટકતી નથી. તેઓ આગળ લખે છે કે “ઉપરોક્ત પંક્તિમાં પહેલી ખાલી જગ્યામાં માસ્તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી માગતો! અને બીજી ખાલી જગ્યામાં છોડેલી ગાળ ભરવાની આવશયકતા ન હોય!” અહીં રમૂજ તો છે જ ઉપરાંત આપણે જાણી શકીએ છીએ કે દરેક પેઢીની જેમ ગાંધીજીના સમયમાં પણ કોઈને કોઈ શિક્ષકને ઉતારી પાડતું ઉપનામ આપ્યા વિના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાનો અભ્યાસ અધૂરી કેળવણીની નિશાની જેવો જ લાગતો હશે!

(2) ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી કયા પ્રમુખને નહિ મળી હોય?

‘આપણો સૌનો ભાષણ કરવાનો ઉત્સાહ દર્શાવવા માટે ‘શરમાળપણું ‌-મારી ઢાલ” એ પ્રકરણમાં ગાંધીજીએ કરેલાં ઉપરોક્ત વિધાનને કોઈ સંદર્ભની જરૂર લાગતી નથી. ગાંધીજીએ રમૂજમાં કહેલી વાતથી આપણામાંના જેણે પણ સભાનું સંચાલન કર્યું હશે તેમને અચાનક ટપકી પડતા વક્તાઓ તરફથી મળેલા ત્રાસ પણ યાદ આવી જાય છે. અત્રે એ ઉલ્લેખ જરૂરી છે કે ગાંધીજીને જાહેરમાં બોલવામાં પડતી મૂંઝવણે તેમને શબ્દોની કરકસર કરતા શીખવ્યું હતું.

(3) “એક પહેલવાન નાસ્તિકવાદીએ પાદરીની ઉલટતપાસ શરૂ કરી”

ઉપરનું વાક્ય તેમણે આત્મકથાના ‘ધાર્મિક પરિચયો’ નામના પ્રકરણમાં લખેલું છે. એક નાસ્તિકવાદીની ઈશ્વરનાં અસ્તિત્વ સામે સ્થૂળ દલીલો અને ચેષ્ટા જોઇને તેની શારીરિક નહિ પરંતુ માનસિક સ્થૂળતા દર્શાવાવા ગાંધીજીએ તેને માટે ‘પહેલવાન’ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રસંગ એવો છે કે બ્રેડલે નામના એ વખતના એક જાણીતા નાસ્તિકની એ અંતિમ યાત્રા હતી. કેટલાક પાદરીઓની સાથે ગાંધીજી પોતે પણ તેમાં જોડાયા હતા. એ સમયે પેલા પહેલવાન નાસ્તિક અને એક પાદરીનો સંવાદ વાંચતા, ગાંધીજીએ યોજેલો ‘પહેલવાન’ શબ્દ માત્ર રમૂજી જ નહિ પરંતુ અર્થસભર પણ છે. હવે એ સંવાદ જોઈએ. ગાંધીજી લખે છે કે,

“બેર્ડલેની અંતિમ યાત્રામાંથી પરત ફરતા અમે બધા એક જગ્યાએ ટ્રેનની રાહ જોતા ઊભા હતા ત્યાં ટોળામાં એક પહેલવાન નાસ્તિકવાદીએ એક પાદરીની ઉલટતપાસ શરૂ કરી:

‘કેમ સાહેબ ,તમે કહો છો ના કે ઈશ્વર છે?’

પેલા ભલા માણસે ધીમે સાદે જવાબ આપ્યો ‘હા, હું કહું છું ખરો,’

પેલો હસ્યો ને જાણે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: ‘વારું, પૃથ્વીનો પરિધ 28,000 માઇલ છે એ તો કબૂલ કરો છો ને?’

‘અવશ્ય’

‘ત્યારે કહો જોઇએ ઈશ્વરનું કદ કેવડું હશે ને તે ક્યાં હશે?’

‘આપણે સમજીએ તો આપણાં બન્નેનાં હૃદયમાં તે વાસ કરે છે.’

‘બાળકોને ફોસલાવો બાળકોને.’ કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું! “

આ પ્રકારની દલીલો પોતે ભલે સ્થૂળ હોય પરંતુ ગાંધીજીના એ વર્ણનમાં તો આપણને સૂક્ષ્મ હાસ્ય જ દેખાય છે.

(4) ‘શેક્સપિયરના ચહેરાનો અભ્યાસ કર્યો. પણ લંડનની સડક પર ચાલતા શેક્સપિયરોને ઓળખવાની શક્તિ ન આવી.’

“મારી મૂંઝવણ’ નામના પ્રકરણમાં ગાંધીજી લખે છે કે પોતે બેરિસ્ટર તો થયા પરંતુ બેરિસ્ટરી આવડી નહિ. કોઇની સલાહથી તેઓ કોઈ ફેડરિક પિટર નામના એક સજ્જનને મળ્યા. મિસ્ટર પિટરને લાગ્યું કે બેરિસ્ટરીમાં જરૂરી એવું સામાન્ય જ્ઞાન ગાંધીજી પાસે નથી. આથી તેમણે પુસ્તકો વાંચવાની સલાહ આપી ઉપરાંત પોતે માનતા કે બેરિસ્ટરને ચહેરા ઉપરથી માણસને ઓળખતા આવડવું જોઈએ, તેથી સામુદ્રિક શાસ્ત્રનું કોઈ પુસ્તક વાંચવા ભલામણ કરી. ગાંધીજી લખે છે કે “મેં આવું એક પુસ્તક વાંચ્યું અને શેક્સપિયરના ચહેરાનો અભ્યાસ કર્યો. પરંતુ લંડનના રસ્તાઓ પર ચાલતા શેકસ્પિયરોને ઓળખવાની શક્તિ ન આવી તો ન જ આવી.” અહીં કહેવાની જરૂર નથી કે ગાંધીજીએ લંડનના પોતાના સંભવિત અસીલોને શેક્સપિયરો કહ્યા!

(5) “આ બ્રાહમણ નહાય ખરો પણ ધુએ નહિ.”

આત્મકથાનાં ‘સંસાર પ્રવેશ’ નામાના પ્રકરણની આ વાત છે. મુંબઈના પોતાના ઘરે રસોઇ કરવા માટે ગાંધીજીએ જે મહારાજ (રસોઇયો) રાખેલો તેની ઓળખાણ ઉપરના વાક્યમાં આપીને આપણી સમક્ષ મેલાં દાટ વસ્ત્રો પહેરેલા બ્રાહમણ રસોઇયાનું દર્શન કરાવી દીધું. મહારાજને રસોઈ આવડતી નહિ. આથી ગાંધીજીએ તેને રસોઈ શીખવી અને પછી અર્ધું ગાંધીજી રાંધે અને અર્ધું રસોઇઓ રાંધે એમ બન્યું . અહીં ગાંધીજીએ એ મહારાજ સાથે કરેલો સંવાદમાં મહારાજની તળપદી ભાષા આપણને તારક મેહતાના ત્રંબક તાવડાને યાદ કરાવી દે છે.

“કેમ રવિશંકર,(મહારાજનું નામ રવિશંકર હતું) તમને રસોઇ તો ન આવડે પણ સંધ્યા વગેરેનું શું?

“શું ભાઇ શોબ. સંધ્યો તર્પણ શોંતીડું, કોદાળી ખટકરમ. અમે તો એવા ભોમણ તો. તમારા જેવા નભાવે તો નભીએ નીકર શેતી તો છે જ.”

(6) “શતરંજની રમત કોઇ દહાડો સ્ટીમરથી નીચે ઉતરી જ નહિ.”

ગાંધીજી પહેલી વખત દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા ત્યારે સ્ટીમરના કપ્તાનની સાથે તેમને થયેલી દોસ્તીની વાત તેમણે ‘આત્મકથા’ ના ‘નાતાલ પહોંચ્યો’ એ પ્રકરણમાં કરી છે.

ગાંધીજી કહે છે કે “મેં કદી શતરંજની રમત જોઇ જ ના હતી અને કપ્તાનને શતરંજ રમવાનો શોખ હતો. પણ તે હજુ નવો નિશાળિયો હતો. તેને પોતાના કરતા ઠોઠ રમનારાનો ખપ હતો. તેથી તેણે મને રમવા નોતર્યો. હું તેને ઠીક મુરીદ મળ્યો. હું તો હાર્યા જ કરતો હતો, તેમ તેમ કપ્તાનને શીખવવાનું શૂર ચડતું ગયું. મને શતરંજની રમત ગમી. પણ તે કદી સ્ટીમરથી નીચે ન ઉતરી.” આ ફકરાનું છેલ્લું વાક્ય રમૂજના શિરમોર જેવું લાગે છે પણ અહીં વાક્યે વાક્યે રમૂજ દર્શન તો આપે જ છે.

(7) “ઈશ્વર અલોપ થઈ ગયો”

ગાંધીજી જ્યારે બીજી વખત દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે દરિયામાં આવેલા તોફાનની વાત તેમણે “તોફાનના ભણકારા” નામના પ્રકરણમાં કરી છે. ગાંધીજી અહીં લખે છે કે “તોફાનનું દૃશ્ય ભવ્ય હતું દુ:ખમાં સૌ એક થઈ ગયા. હિંદુ મુસલમાન બધા સાથે મળીને ઈશ્વરને યાદ કરવા લાગ્યા. કેટલાકે માનતાઓ માની. પરંતુ ચોવીસ કલાક પછી વાદળો વિખરાયા અને કપ્તાને તોફાન ગયાની વાત કરી.” તોફાન ગયાના સમાચાર જાણતા જ મુસાફરોના માનસમાં આવેલા પરિવર્તનને ગાંધીજીએ “ઈશ્વર અલોપ થઈ ગયો “ એવા એક જ વાક્યમાં કહી દીધું. આગળ તેઓ કહે છે કે “ મોતનો ડર ગયો તેની સાથે જ ગાનતાન શરૂ થયા નિમાજ અને ભજન ભૂલાયા” આપણા મોટાભાગના લોકોની ઈશ્વરપ્રીતિ કાંઇક આવી જ હોય છે.

(8) “પાણી પીધા પછી ઘર પૂછ્યા જેવું કર્યું”

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને પાંસળીનો સખત દુખાવો થતા દિવસો સુધી પથારીમાં પડ્યા રહેવું પડ્યું હતું. આ વાત તેમણે ‘દર્દને સારું શું કર્યું?’ એ પ્રકરણમાં કરી છે. દાકતરનો ખૂબ જ આગ્રહ છતાં તેમણે પોતાની પ્રતિજ્ઞાને કારણે દૂધ અને દૂધની બાનાવટ લેવાનો તો ઇ‌ન્કાર જ કર્યો. કોઇએ એમને ‘માલ્ટેડ મિલ્ક’, એમ કહીને આપ્યું કે ‘તેમાં દૂધ છે જ નહિ’. ગાંધીજીએ તે પીધું. પરંતુ ત્યાર પછી બોટલ પર નજર પડતાં વંચાયું કે તેમાં દૂધ તો હતું જ. ગાંધીજી જેવી જાગૃત વ્યક્તિએ તો પહેલેથી જ બોટલ પરનું લખાણ જોઈ લેવું જોઇતું હતું. પરંતુ તેમણે એ જોયા વિના જ માલ્ટેડ મિલ્ક પી લીધું. અહીં તેમણે પોતાનો દોષ જાણીતી કહેવત “પાણી પીધા પછી ઘર પૂછવું “ મારફત હળવાશથી કબૂલી લીધો.

ગાંધીજીએ આત્મકથાનાં પ્રકરણો દર અઠવાડિયે નિયમિત રીતે નવજીવનમાં લખેલાં. આથી એક પ્રકારનું સાતત્ય તો હતું જ. એમ છતાં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછીનાં પ્રકરણોમાં તેમની રમૂજનો પ્રવાહ ક્ષીણ થતો જતો લાગે છે. છતાં હાસ્યનું એ ઝરણું ક્યારેય લુપ્ત થયું ન હતું. આત્મકથાના “મરણ પથારીએ” નામનાં પૂંછડિયા પ્રકરણમાં પણ તે દેખા દે છે. દેશમાં તેમને એક લાંબી બિમારી આવ્યાની વાત આપણે સૌ જાણીએ છીએ. તેમની સેવામાં ઘણા દાક્તરો આવી ગયા, જેમાંના એક દાકતરી ભણેલા પણ ડિગ્રી વિનાના દાકતરને તેમણે ‘દ્વારકાની છાપ વિનાના દાકતર’ કહીને રમૂજ કરી છે.

વાચકમિત્રો સમજી શકશે કે ‘આત્મકથા’ની વાચનયાત્રામાં મને જેટલી પણ રસ્તામાં મળી અને જેમને હું ઓળખી શક્યો તેટલી બધી જ રમૂજો જણાવવા પ્રયાસ કર્યો છે. પરંતુ હાસ્યનું શાસ્ત્ર જાણનારાઓ જો ઝીણવટથી ‘સત્યના પ્રયોગો’ વાંચશે તો બીજી અનેક તેમને મળવા સંભવ છે અથવા તો મેં વર્ણવેલમાંથી કેટલીકને તેઓ રમૂજ તરીકે ન પણ પ્રમાણે. આમ મારી મર્યાદાને ‘આત્મકથાની’ રમૂજોની મર્યાદા ન સમજવી. માટે જ ગાંધીજીની ક્ષમાયાચના સાથે કહીને વિરમું કે ‘મને માપવા માટે હાસ્યનો ગજ જરા પણ લાંબો કે ટૂંકો ન થશો’.


( આ લેખ લખવા માટે – સત્યના પ્રયોગો અથવા આત્મકથા , લેખક મોહનદાસ કરમચંદ ગાંધી , પ્રકાશક નવજીવન, છઠ્ઠી આવૃતિ જૂન 1940, કુલ પે‌ઇજ 685, કિંમત એક રૂપિયો –પુસ્તકનો ઉપયોગ કર્યો છે.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

2 thoughts on “મોજ કર મનવા – મહાત્મા ગાંધીનો હાસ્યરસ : એક સેમ્પલ ટેસ્ટ

Leave a Reply to બીરેન કોઠારી Cancel reply

Your email address will not be published.