ફિર દેખો યારોં : નકારાત્મક સમાચારોથી દૂર રહેવાની વૃત્તિએ આપણને બુદ્ધ અપાવ્યા?

– બીરેન કોઠારી

બૅટરીના બે ધ્રુવ હોય છે. ધન અને ઋણ, જેને અંગ્રેજીમાં ‘પોઝીટીવ’ અને ‘નેગેટીવ’ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણું વિશ્વ, તેમાં બનતી ઘટનાઓ, તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને બીજી અનેક બાબતો કંઈ બૅટરી નથી કે તેમાં માત્ર બે જ ધ્રુવ હોય! આ બે ધ્રુવની વચ્ચે આખો રંગપટલ હોય છે. ‘પોઝીટીવ થિન્‍કીંગ’ એટલે કે હકારાત્મક વિચારસરણી શીખવતી આખી શાખા હવે તો વિકસી છે. ઘણા વાક્‍ચતુરો આ કૌશલ્ય થકી આજીવિકા રળી રહ્યા છે. આ પ્રકારનાં પુસ્તકોનું પણ આગવું બજાર ઉભું થયું છે. અહીં સુધી ઠીક છે, કેમ કે, આખરે આ બધું શ્રોતા કે વાચકોની ઈચ્છા પર અવલંબિત હોય છે. પણ કેટલાંક પ્રસારમાધ્યમોને આ રોગ લાગુ પડી રહ્યો છે એ ચિંતાજનક છે. પ્રસારમાધ્યમો તેમ જ તેની સાથે સંકળાયેલા લોકોનો ધર્મ સમાચાર રજૂ કરવાનો છે. સમાચાર આખરે સમાચાર હોય છે, પણ હવે તેને ‘પોઝીટીવ’ કે ‘નેગેટીવ’નો ઢોળ ચડાવવાનો સગવડિયો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિકો પણ વિવિધ મુદ્દાઓને આ બે જ ખાનામાં વિભાજીત કરતા જોવા મળી રહ્યા છે. જો કે, ‘હકારાત્મકતા’નો વર્તમાન સંદર્ભમાં મતલબ થાય છે શાસકતરફી લખાણ. શાસકની કે શાસનપદ્ધતિની ટીકા થતી હોય એવા સમાચારને અને એવી ટીકા કરનારને સહેલાઈથી ‘નકારાત્મક’ ગણી લેવામાં આવે છે. એક રીતે જોઈએ તો હકારાત્મકતાના ઓઠા હેઠળ પરિસ્થિતિની વાસ્તવિકતા, ગેરવહીવટ કે ગેરવ્યવસ્થા સામે આંખ આડા કાન કરવાની એ વૃત્તિ છે.

સરખામણી જરા વિચિત્ર લાગે, પણ વ્યંગ્યપૂર્વક કહી શકાય કે રાજકુમાર સિદ્ધાર્થના પિતાજી, કપિલવસ્તુ નગરના રાજા શુદ્ધોદન નકારાત્મક સમાચારોથી દૂર રહેવાની પ્રણાલિના આદિપ્રણેતા હતા. પોતાના કુંવરની નજરે વૃદ્ધાવસ્થા, બિમારી કે મૃત્યુ જેવી ‘નેગેટીવ’ બાબતો ન પડે એની પૂરતી તકેદારી તેમણે રાખી હતી. અલબત્ત, તેમણે રાજકુમારને આ બધાથી અળગો રાખેલો. જે દિવસે રાજકુમાર સિદ્ધાર્થની નજરે આ વાસ્તવિકતાઓ પડે છે ત્યારથી તે તીવ્ર મનોમંથન અનુભવે છે, પત્ની અને પુત્રને મૂકીને મહાભિનિષ્ક્રમણ કરે છે, અને સત્યની ખોજનો માર્ગ પસંદ કરીને બુદ્ધ બને છે. બુદ્ધ એટલે બોધ મેળવનાર જ્ઞાની.

મહામારી દરમિયાન આગળ વધેલા લૉકડાઉનના ત્રીજા તબક્કા સુધી પહોંચતાં એ બાબત સ્પષ્ટપણે સમજાય છે કે આપણા સત્તાધીશો મહારાજા શુદ્ધોદનની માનસિકતામાં છે. તેઓ આપણને પસંદગીપૂર્વકનું ‘બુદ્ધત્ત્વ’ પ્રાપ્ત કરાવવા ઈચ્છે છે. ફરક હોય તો એટલો કે શુદ્ધોદનનો આશય દુષ્ટ નહોતો.

સંતાડવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર તેનું આકલન કરવામાં, જરૂરી પગલાં લેવામાં, સમસ્યાનો સામનો કરવામાં અને એ રીતે તેના ઊકેલ તરફ આગળ વધવામાં મદદરૂપ બની રહે છે. એટલે કે વાસ્તવિકતાને સંતાડવાનો પ્રયત્ન, ચાહે કોઈ પણ ઓઠા હેઠળ કેમ ન હોય, એ તેની સામે આંખમીચામણાં કરવાની વૃત્તિ છે. ‘હકારાત્મકતા’ના ઓઠા હેઠળ એની પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે એ તો અપરાધ કહી શકાય. જો કે, એ નૈતિક અપરાધ છે, કાનૂની નહીં. અને નૈતિકતાની અપેક્ષા હંમેશા સામાવાળા પાસે રાખવામાં આવે છે.

વારેવારે એ બાબત સામે આવી રહી છે કે હાલના આ કપરા સમયમાં રાજકારણીઓ અને અમલદારો કે સત્તાતંત્ર વચ્ચે સંકલનનો અભાવ છે. એ દૂર કરવાની દિશામાં ભાગ્યે જ કોઈ પગલાં લેવાતાં જોવા મળ્યાં છે. નિર્ણયો અને ઘોષણાઓની અવિચારી ફેરબદલી અરાજકતા સર્જે છે, જેનો સીધો ભોગ બનવાનું લોકોના ભાગે આવે છે. પરિસ્થિતિનો કોઈ નક્કર ઉપાય વિચારવાને બદલે રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા પુરવાર કરવાની હોડમાં હોય એમ લાગે છે. કેટલાંક પ્રસારમાધ્યમો પણ કહેવાતા ‘નકારાત્મક’ સમાચારોથી અંતર રાખીને માત્ર ‘માનવતા મહેંકી ઉઠી હોય’ એવી જ કથાઓને પ્રાધાન્ય આપે છે. આવા વાતાવરણમાં ‘પ્રબુદ્ધ’ નાગરિકો શું કામ બાકી રહી જાય? સરકારના કાર્યની આલોચનાને આવા નાગરિકો ‘નકારાત્મકતા’ ગણાવે છે. પોતે સરકારના આદેશને માન આપીને સહકાર આપી રહ્યા છે એમ અન્યો પણ આપે એમ તેઓ વારંવાર જણાવે છે. કોઈ માર્ગદર્શિકા કે જરૂરી સુવિધાના અભાવે, પોતાને વતન જવા નીકળી પડતા વિસ્થાપિત મજૂરોને આવા લોકો ભાંડે છે, કેમ કે, પોતે મોકળાશવાળા આવાસમાં, નાણાંકીય ફિકર વિના સુનિશ્ચિત થઈને બેઠા છે. ઘેર બેસી રહેવું એ તેમના માટે મજબૂરી નહીં, વૈભવ છે.

કોવિડ-19ની મહામારીનો વ્યાપ એટલો વિશાળ છે કે તેની સામે ગમે એવાં પગલાં વામણાં પડે. પણ ‘બધું બરાબર છે’, ‘બધું કાબૂમાં છે’, એવી ‘હકારાત્મકતા’ ઘાતક બની રહેનારી છે. આપણાં સરકારી દવાખાનાંની વાસ્તવિકતા અને તેમની કાર્યપદ્ધતિથી ભારત દેશના લોકો ભાગ્યે જ બેખબર હશે. આવાં દવાખાનાંઓમાં અગ્ર હરોળમાં કામ કરનારા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે થાળીનાદ, તાળી, દીપપ્રકાશ કે આકાશી પુષ્પવર્ષા જેવાં ઠાલાં પ્રોત્સાહન કે બિનઉત્પાદક હકારાત્મકતાને બદલે નક્કર સાધનસુવિધાની જરૂર છે કે જેને કારણે તે પોતાનું મનોબળ દૃઢ રાખીને સક્ષમતાથી કામ કરી શકે. આવાં ગતકડાં જે વર્ગને માટે યોજવાનું કહેવામાં આવે છે તેમને ખરેખર પ્રોત્સાહન મળે છે કે કેમ એ તો કોને ખબર, પણ નાગરિકોને લૉકડાઉનની એકવિધતાભરી જિંદગીમાં મનોરંજન અવશ્ય મળે છે. આવી વિપરીત પરિસ્થિતિમાંય પોતાની લોકપ્રિયતા ઘટી નથી તેની ચકાસણી કરવાનો રાજકીય અગ્રણીઓને મોકો પણ મળી રહે છે.

પ્રસારમાધ્યમો ‘હકારાત્મક’ સમાચાર ભલે પોતાના મતલબથી છાપે, નાગરિકોએ એ યાદ રાખવાનું છે કે આપણું વિશ્વ, દેશ, રાજ્ય કે નગર યા ગામ એ બૅટરી નથી કે તેમાં પોઝીટીવ અને નેગેટીવ એમ માત્ર બે જ ધ્રુવ હોય! આપણે શુદ્ધોદનની પંગતમાં નથી બેસવાનું, પણ ‘બુદ્ધ’ બનવા તરફ ગતિ કરવાની છે, અને એ પણ કોઈના દોરવાયા નહીં, બલ્કે સ્વ‘બુદ્ધિ’એ!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૫-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – અહીં રજૂ કરેલી સાંકેતિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચિયતાના અબાધિત છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.