સંસ્કૃતિની શોધમાં : ૩૩ : કુહ એ હિન્દુ

પૂર્વી મોદી મલકાણ

ઉસ્માનભાઈને ઘેર અમે તેમના અબ્બાજાન નૂમાન ભાઈને મળ્યાં જેઓ હકીમ હતા. ઉસ્માનભાઈને ઘેર પહોંચ્યાં પછી મારી જોડી નૂમાનભાઈ સાથે જામી ગઈ. તેઓ ઘણાં જ વિદ્વાન વ્યક્તિ હતા. તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ઉસ્માનભાઈનો પરિવાર એક સમયે હિન્દુ હતો અને તેઓ હિન્દુકુશના માઉન્ટન પાસેના ગામડામાં રહેતાં હતાં. જ્યારે આ પ્રાંતમાં હિન્દુઓને મારવાનું કામ ચાલું હતું ત્યારે તેઓએ ધર્મપરિવર્તન કર્યું.

{ઉસ્માનભાઈની હવેલી અને ગલી}

ઉસ્માનભાઈના ઘરમાં પશ્તુ કે ઉર્દુ ભાષા નહીં પણ હિન્દકો ભાષા બોલાતી હતી.

હિન્દકો ભાષા:-

الف اول ہے عالم ہست سی او
ہاتف آپ پکاریا بسمہ اللہ
فیر قلم نوں حکم نوشت ہویا

હિન્દકો ભાષાનું ભાષાંતર:-

Alif-Awal hai Alam e hast si o
Hatif aap pukara Bismillah

Translation:

He is the foremost from the world of existence
Voice of the unseen exclaimed Bismillah

હિન્દુ શબ્દને મળતાં આ શબ્દથી મને આશ્ચર્ય થયું. નૂમાનભાઈને પૂછતાં તેમણે કહ્યું કે; આ હિન્દકો શબ્દ કેવી રીતે બન્યો તેની ઘણી માન્યતા પ્રચલિત છે પણ બે માન્યતાને અમે માનીએ છીએ પણ હું આપને એ ભાષા વિષે બતાવું તે પૂર્વે હિંદુકુશ વિષે બતાવું.

હિંદુકુશની પહાડીનો ઇતિહાસ:-

યુગો અગાઉ આ હિંદુકુશની પહાડીઓનું મૂળ નામ “પરિયાત્ર પર્વત” હતું. આ સ્થળેથી સિકંદરની સેના નીકળેલી તેણે આ પરિયાત્ર પર્વતને પોતાની ભાષામાં “ઈન્દીકોષ” ને નામે ઓળખવું શરૂ કર્યું. સમયાંતરે આ ઈન્દીકોષ શબ્દનું અપભ્રંશ થઈ હિન્દીકોષ, હિન્દુકોષ, હિન્દુ કોહ (કોષ અને કોહ એટ્લે પર્વત) થયું. ત્યાર પછી હિન્દુ કુહ અને કુશ શબ્દ અસ્તિત્ત્વમાં આવ્યાં. આ કુહ શબ્દ ઇબ્ન બતૂતાએ આપેલો જે ૧૩૩૩ માં ત્યાં આવેલો. (કુહ -એ હિન્દુ – કુહનો અર્થ બગડેલું) જ્યારે કુશ શબ્દનો અર્થ સૂકી લાકડી થાય. પણ કુશ શબ્દ આ વિસ્તાર માટે યોગ્ય હતો કે નહીં તે વિષે આજેય પખ્તૂન્વા આર્કિયોલોજિકલ સાઇટ તરફથી વિવાદ ચાલે છે. પખ્તૂન્વા આર્કિયોલોજિકલ સાઇટનું કહેવું છે કે કુશ એ કુહનું જ અપભ્રંશ છે. હકીકતમાં કુહ જ હતું. આ સ્થળ ઉપર ગ્રીકો પછી તુર્કી અને અરબ લોકોએ કબ્જો કર્યો. આ લોકો આવીને અહીંના હિન્દુઓને ગુલામ તરીકે પકડી જતાં તેથી કુહ શબ્દ આવ્યો. જેણે હિન્દુઓના જીવનને બગાડ્યું તેવો અર્થ કરાતો હતો હતો, અંતે આ સ્થળ કુશ તરીકે ઓળખાતો થયો કારણ કે અહીં વસતી હિન્દુ પ્રજા વારંવાર થતાં હુમલાઓને કારણે રસકસ વગરની સૂકી થઈ ગઈ. આમ હિન્દુકુશ નામનો ઉદય થયો. સમય બદલાતો રહ્યો, પણ બચેલા હિન્દુઓ આ સ્થળેથી ક્યાંય ન ગયાં તેઓએ પોતાનું રહેઠાણ આ હિંદુકુશની પહાડીઓમાં જ રાખ્યું. જ્યારે મધ્ય એશિયાથી ઈરાનીઓ તેમના ધર્મગુરુ અષો જરથુષ્ટ્ર સાથે આ સ્થળે આવ્યા ત્યારે તેમણે આ સ્થળને “આર્યાનુમ્ર વ્રીજો” તરીકે ઓળખ્યું. ધર્મગુરુ અષો જરથુષ્ટ્ર તો પાછા ચાલ્યાં ગયા પણ આ નામ ચાલું રહ્યું. પોતાનાં ગુરુ આ સ્થળે આવ્યાં હોવાથી વર્ષો સુધી આ સ્થળમાં ઈરાનીઓનું આવાગમન થતું રહ્યું. આ ઈરાનીઓમાં એક જુથ એવું પણ આવ્યું જે હિંદુસ્તાન જવા ઇચ્છતું હતું. આ લોકો અહીં આવી અહીં રહેલા હિન્દુઓ પાસેથી તે સમયની હિન્દુભાષા શીખ્યાં. જેથી કરીને તેઓ હિંદુસ્તાનમાં સરળતાથી પ્રવેશ કરી શકે. પણ થયું એવું કે તેઓ હિંદુસ્તાન પહોંચવાના ઇરાદાને બદલીને આજ પહાડીઓમાં રહી ગયાં. આ લોકોની બોલી હિન્દુઓની એ બોલી સાથે એવી રીતે ભળી ગઈ જેથી કરીને એક નવી ભાષાનો ઉદભવ થયો તે બની હિન્દકો ભાષા.

બીજી માન્યતા એ છે કે સિંધુ ઘાટીના પહાડોમાં હિન્દી, પંજાબી અને ઉર્દુ એમ ત્રણ ભાષાના મિશ્રણવાળી “ઇંડીકો” બોલી બોલવામાં આવતી હતી. તુર્કીઓએ આવીને આ ઇંડીકોનું “હિન્દીકો” કર્યું, પણ સમયાંતરે આ શબ્દ અપભ્રંશ થતાં “હિન્દકો” શબ્દનું અસ્તિત્ત્વ બન્યું.

હિન્દુકુશની પહાડીઓમાં થયેલા ફેરફારથી હિન્દકો ભાષાનો ઉદ્ભવ થયો અને આ સરહદી પ્રાંતમાં જે લોકો આ ભાષા બોલતાં હતાં તેઓ હિન્દકો જાતિના લોકો તરીકે ઓળખાયાં. ઉસ્માનભાઇનો પરિવાર આવો જ હતો જેમના પૂર્વજો એક સમયે હિન્દુ હતાં પણ આજે તેઓ ઘરમાં હિન્દુ અને ઈસ્લામિક બંને ધર્મ પાળે છે, પણ તેમની જબાન હિન્દકો છે. ઉસ્માનભાઈને ઘેર જતાં જતાં કારમાં મે પૂછ્યું કે તેઓ હિન્દુધર્મમાં કોને માને છે? તો તેઓએ જવાબમાં કહ્યું કે આ અંગે મારા અબ્બા આપને કહેશે. ઉસ્માનભાઈને ઘેર અમે કાકા-દાદા-આતા સહિતનાં ૧૦ લોકોના બહોળા પરિવાર હતો પણ અમે પહોંચ્યાં ત્યારે તેમને ત્યાં ૧૦ થી વધારે લોકો હતાં. આટલાં બધાં લોકોને જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું. આ સંબંધીઓ માટે પૂછતાં જાણવા મળ્યું કે પેશાવર સુધી ભાગ્યે જ કોઈ ભારતીય વ્યક્તિ આવે તેમાં યે એક સ્ત્રી…એક ભારતીય સ્ત્રી અમારું પેશાવર જોવા, સમજવા અને તેનો ઇતિહાસ જાણવા આવે તો તે કોઈક ખાસ જ હોય.

(ઉસ્માનભાઈને ઘેર મહેમાનગતિ)

મારા ગળામાં કંઠી જોતાં જ નૂમાનભાઈએ મને પૂછી લીધું કે; શું તમે કૃષ્ણભક્ત છો? મારી હા જાણી તેઓ મને કહે કે; મારા અબ્બાજાનના વાલીદાદના વાલીદાદ જેસલમેર રાજસ્થાનના કોઈક હરીરાજજી મહારાજને માનતા હતા, ને મારા વાલીદાદ પણ તેમને બહુ ભણતા હતા. (માનતા હતા) આજે ય અમારે ત્યાં એમનો ફોટો છે અને વર્ષમાં એકવાર અમે તેમની ઈબાદત કરીએ છીએ. નૂમાનભાઈની વાતથી મને ઘણું જ આશ્ચર્ય થયું.

ઉસ્માનભાઈના પિતા નૂમાનભાઈ હકિમ હોય તેમની પાસેથી મને માહૂ વિષે ઘણી માહિતી મળી. માહૂ…..અગાઉ આપને જણાવેલ કે માહૂને યૂનાની કે આયુર્વેદિક દવા તરીકે ઓળખી શકાય. સરળભાષામાં માહૂને આપણે સોમાવલ્લી કે સોમની લાકડી તરીકે ઓળખી શકીએ. નૂમાનભાઈ પાસેથી અમે જાણ્યું કે પેશાવરમાં પણ એક સમયે સોમરસ પીવાતો હતો જે પોપીસીડ્સ (ખસખસ), દાડમ અને ખજૂરમાંથી બનતો હતો. જ્યારે ભારતીય સોમરસ એ કેવળ વનસ્પતિજન્ય હતો. અમે જે માહૂની લાકડીઓ ખરીદી હતી તે ભારતીય હતી. સામાન્ય સૂકી ડાળખીઓ જેવી દેખાતી આ લાકડીઓને ગરમ પાણીમાં ઉકાળતા પાણીમાં આછો મરૂન રંગ આવી જાય છે. (લગભગ કોકમના રંગ જેવું) આ મહેમાનગતિ દરમ્યાન હું ઉસ્માન ભાઈના કેટલાક એવા સંબંધીઓને મળી જેઓ એ જ વખતે ઉમરા કરીને આવેલાં. આ પરિવારે હું હિન્દુ છું તે જાણવા છતાં યે મને આબે ઝમઝમનું પાક પાણી-આજવાની ખજૂર આપી. આપણે ત્યાં જેમ ગંગોત્રી-જમનોત્રીનું પાણી પવિત્ર ગણાય છે તેમ આબે ઝમઝમનો મહિમા યે અનેરો છે. મારે માટે, એક હિન્દુને માટે જ્યાં હું પહોંચી શકતી નથી તેવા કાબે મક્કાની ભેંટ મેળવવી એ નાની વાત ન હતી તેથી તેમણે આપેલ આ પ્રેમપૂર્વકની ભેંટને મે અતિ હર્ષપૂર્વક સ્વીકારી લીધી. નૂમાનભાઈ સાથે વાતચીત જ્યારે થતી હતી ત્યારે જાણવા મળ્યું કે અફઘાનિસ્તાનની બોર્ડર, ખૈબર પાસ અને ઘાટ પેશાવરની પાસે જ છે અને સાથે.. હિંદુકુશની એ પહાડી યે ખરી …..જ્યાં એક સમયે અનેક હિન્દુઓ રહેતાં હતાં તે પણ. નૂમાનભાઈએ કહ્યું કે આજની રાત તમે રોકાઈ જાઓ આવતીકાલે સવારે વહેલાં નીકળી જજો. આ સ્થળો જોઈ સીધા ઇસ્લામાબાદ નીકળી જજો. તેમની એ વાત સાંભળી હું પાક-અફઘાન બોર્ડર જોવાની મારી ઇચ્છાને રોકી ન શકી. પણ હવે પેશાવરથી યે વિદાય લેવાનો સમય આવી ગયો હતો.


© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.