લ્યો, આ ચીંધી આંગળી – સંબધોની માયાજાળ- એ ઉઘડે છે કેવી રીતે ?

(આજે જ્યારે લૉકડાઉનને કારણે તમામ હોટેલોને તાળાં વાગી ગયાં છે ત્યારે લગભગ એક સૈકા અગાઉ પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મુકેલી એક હોટેલની વાત આવતા સપ્તાહે, પણ એ હળવો લેખ વાંચતા પહેલા આ વખતે એની પશ્ચાદભૂ તરીકે વાંચવી ગમશે એવી આ સંબંધોની માયાજાળની સાવ સાચી વાત.)

– રજનીકુમાર પંડ્યા

ગુજરાતી ફિલ્મોના ઇતિહાસના પાનેથી લગભગ સાવ ભૂંસાઇ ગયેલું નામ તે હિરાલાલ ડોક્ટર. મૂક ફિલ્મનો જમાનો ૧૯૧૨માં શરુ થયા પછી થોડા વર્ષે, એટલે કે લગભગ ૧૯૨૫થી, સ્વ ઇંદુલાલ યાજ્ઞિકની સાથે એમણે ભાગીદારીમાં એક ફિલ્મનિર્માણ કંપની સ્થાપી અને એની અંતર્ગત તેમણે ૧૯૨૮ માં ‘પાવાગઢનું પતન’ નામની મૂક ફિલ્મના નિર્માણથી એ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. (કદાચ તેઓ એ કંપનીમાં મેનેજર પણ હોય).દેખાવડા, ઉંચા, પડછંદ. પંજાદાર હિરાલાલ બહુ ઉંચા દરજ્જાના નહીં, પણ સતત સક્રિય ફિલ્મનિર્માતા, દિગ્દર્શક, અને સિનારીયો લેખક હતા. સ્વ-પ્રચારના બહુ શોખિન હતા એટલે એ કાળના ફિલ્મી મેગેઝીનોમાં એમનું નામ સતત ઝબકાવ્યે રાખતા.

ફિલ્મસંશોધક મિત્રો શ્રી હરીશ રઘુવંશી અને શ્રી વીરચંદ ધરમશીએ આપેલી માહિતી મુજબ તેમણે મૂક ફિલ્મ ‘ભાગ્યવાન ભરવાડ’(૧૯૩૦), અને પછી બોલપટો ‘સિનેસૃષ્ટિ’(૧૯૩૧) , ‘ગોહરજાન, ધી ડેન્સર ઉર્ફે દેશસેવિકા’ (૧૯૩૧) ‘ગ્રેજ્યુએટ’ અને ‘જીવનપલટો” (૧૯૪૮) નું નિર્માણ/ દિગ્દર્શન કર્યું હતું. ‘જીવનપલટો’ માં એમણે (સ્વ) અવિનાશ વ્યાસને બ્રેક આપ્યો હતો. જો કે મારા પુસ્તક ’આપકી પરછાઇયાં’ માં સ્વ.અવિનાશ વ્યાસ વિષેના લેખમાં હિરાલાલ ડૉક્ટરે એક વધુ મૂક ફિલ્મ ‘ગ્રેજ્યુએટ’નું નિર્માણ કર્યાનો પણ ઉલ્લેખ છે. પણ એક વિશેષ વાત તે એ કે ‘ગોહરજાન, ધી ડેન્સર ઉર્ફે દેશસેવિકા’ (૧૯૩૧) ફિલ્મને બ્રીટીશ સરકારે બ્રિટીશ સામાજ્ય વિરોધી ઘોષિત કરીને હિરાલાલ ડોકટરને ફિલ્મ નિર્માણ કરવાની બંધી ફરમાવી દીધી હતી. એટલે એ કોઇને કોઇ નવા ધંધાની શોધમાં રહેતા હતા.

આવતે સપ્તાહે અહીં મૂકાનારા લેખમાં એવા જ કોઇ વ્યવસાયની તાકમાં રહેતા હિરાલાલ ડોક્ટર મુખ્ય પાત્ર છે અને સાથે એમના બે ગાઢ મિત્રો છે.–એક ઇશ્વરલાલ પટ્ટણી અને બીજા ઇશ્વરલાલ મહેતા, કે જેઓ અવિનાશ વ્યાસના મામા થતા હતા. આ ત્રણેમાંથી કોઇ હવે આ દુનિયામાં નથી, પરંતુ મારી યુવાવસ્થામાં મેં હિરાલાલ ડોક્ટરનું નામ એક ફિલ્મ-પ્રોડ્યુસર તરીકે અને તે પછી ઘણા વર્ષે તબીબી વિજ્ઞાનની એક ઓછી જાણીતી વિધા એવી બાયો-કેમિસ્ટ્રીનું વડોદરામાં શિક્ષણ આપતી કોલેજના અધિષ્ઠાતા તરીકે છાપાંઓની જાહેરખબરોમાં વાંચેલું. પછી તો એ પણ ધીરે ધીરે ઓઝલ થઇ ગયેલું. એ પછી તો વર્ષો વીતી ગયાં. એમના વિષે કોઇ જ જાણકારી મને નહોતી, પણ ફિલ્મોના એક રસીયા તરીકે મને એ જાણવાની ઇંતેજારી રહ્યા કરતી કે એ ક્યાં છે ? પણ કોઇ સૂત્રથી એ જાણકારી મળી નહિં.

પણ ૧૯૮૨-૮૩માં હું વિજયા બેંકના મેનેજર તરીકે જુનાગઢ હતો ત્યારે મારા જુના પારિવારિક સ્નેહી (સ્વ.) રસિકલાલ વ્યાસ મને ભેટી ગયા. એ ખરેખર રસિકલાલ જ હતા. વાતરસીયા પણ એવા જ હતા. એમના દ્વારા પ્રાપ્ત રસપ્રદ અધિકૃત માહિતીના આધારે મેં ‘સંદેશ’ ની મારી એ વખતે ચાલતી ‘ઝબકાર’ કટારમાં ગાયિકા-અભિનેત્રી નૂરજહાંના એક વિશિષ્ટ કિસ્સા પર આધારિત એક લેખ લખેલો, જેમાં ‘સનરાઇઝ ફિલ્મ્સ’ના ગુજરાતી માલિક નિર્માતા વી.એમ.વ્યાસ અને નૂરજહાં વચ્ચેના કાનૂની સંઘર્ષનું અધિકૃત બયાન હતું. (એ લેખ ‘નૂરજહાંની આંખમાં ચોમાસું’ મારા પુસ્તક ‘આપ કી પરછાઇયાં’ સામેલ છે). ’સંદેશ’માં મારો એ લેખ વાંચતા જ પ્રસન્ન થઇને જે વાચકનો સૌથી પહેલો પત્ર આવ્યો તે આ હિરાલાલ ડોક્ટરનો હતો ! હું ચકિત થઇ ગયો. બલકે રોમાંચિત થઇ ગયો. તેમણે મને અમદાવાદથી એ લેખની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો. મેં લખેલી હકીકતનું થોડા પાઠાંતર સાથે એક જૂના જાણકાર તરીકે સમર્થન કર્યું હતું. એ પત્ર મળ્યો ત્યારે મને રોમાંચ તો થયો જ, પણ જ્યારે તેના લિફાફા ઉપર ‘ફ્રોમ’માં ‘ કોમન રૂમ, બેડ નંબર 15, ઘરડાઘર, મણિનગર(પૂર્વ) , અમદાવાદ’ નું સરનામું જોયું ત્યારે મને જરી આંચકો લાગ્યો. દુઃખ પણ થયું. અરે, આ જાજરમાન પુરૂષ ઘરડાઘરમાં ! કેવી રીતે, ક્યા કારણે ત્યાં પહોંચી ગયા હશે? મનમાં અનેક કલ્પનાઓ ઉપજી આવી. અને સચ્ચાઇનો તાગ લેવા હું આતુર થઇ ગયો. એમને મળવાનું નક્કી કર્યું અને પછી હું જ્યારે ખરેખર અમદાવાદ આવીને તેમને મળ્યો અને તેમને આ સ્થિતિમાં જોઇને બહુ પીડા ઉપજી. એ ૮૭ વર્ષની વયે અતિશય દયાજનક હાલતમાં ઘરડાઘરના એક કોમનરૂમમાં જીવનના અંતિમ દિવસો ગુજારતા હતા ! અશક્ત હતા પણ બિમાર નહિં. ઉભા થયા ત્યારે એમની લાંબી-પહોળી કદ-કાઠીની પ્રભાવકતાનો સ્પર્શ મને અનુભવાયો. એ મને તેમનાં પત્ની લીલાબહેન, જે જુદા મહિલા વોર્ડમાં કૉમન રૂમમાં હતાં, એમના બીછાના પાસે લઇ ગયા. (એને હિરાલાલભાઇ મશ્કરીમાં મારી પત્નીનો ‘ફ્લેટ’ કહેતા હતા). લીલાબહેન તો સાવ કૃશ થઇ ગયાં હતાં. હાથ જોડવા સિવાય કંઇ કરી ના શક્યાં. કેવળ બોખું અને ક્ષીણ સ્મિત એમના હોઠ પર આવ્યું અને વિલાઇ ગયું.

એ મુલાકાત માત્ર અમારા પ્રાથમિક પરિચયની હતી, પણ એ વણપૂછ્યે ઘણા સવાલોના જવાબ બક્ષી દે તેવી હતી. ખેર, ત્યાર પછી પણ અમારી વચ્ચે અવારનવાર મુલાકાતો થતી રહી અને બહુ આત્મીય સંબંધો બંધાયા. (તેઓ નિઃસંતાન હતા એટલે વારંવારની અમારી મુલાકાતો અને અમારી તેમના પ્રત્યેની લાગણીથી આર્દ્ર થઇને મને અને મારાં પત્ની તરુલતાની ઓળખાણ બીજાને તો દિકરો અને વહુ તરીકે જ આપતા રહ્યાં.)

પણ એ આખી ઘટનામાં એક તદ્દન નવો મનોહારી વળાંક એ આવ્યો કે અમારી મુલાકાતની એ આખી કથા મેં મારી ‘સંદેશ’ની કટાર ‘ઝબકાર’માં બીજે અઠવાડીયે લખી તો એ વાંચીને મુંબઇથી જે વાચકનો પત્ર આવ્યો તે એક યુગના ધરખમ ધારાશાસ્ત્રી અને ‘મુંબઇ સમાચાર’માં કોલમ ‘ઉઘાડે છોગે’થી સુખ્યાત પ્રખર પત્રકાર (સ્વ) છેલશંકર વ્યાસનો હતો ! એક જમાનામાં તેઓ ફિલ્મ જગતના કાનૂની મામલા સુલઝાવી આપવા માટે બહુ જાણીતા અને માનીતા વકીલ હતા. આવડી મોટી હસ્તીએ મારા પર એક સામાન્ય વાચકની જેમ અહોભાવથી ભર્યો ભર્યો પત્ર લખ્યો હતો, એથી હું રાજી જ થાઉં તે સ્વાભાવિક હતું. અલબત્ત, મેં પત્ર વાંચ્યો તો સમજાયું કે મારો લેખ પસંદ પડવા ઉપરાંતનું તેમની પ્રસન્નતાનું ખરું કારણ તો એમનું બહુ અંગત-મધુર હતું. હા, એમને મારા એ લેખથી વર્ષોથી વિખુટા પડી ગયેલા પોતાના એક સમયના ગાઢ ભાઇબંધ અને સહ-સાહસી હિરાલાલ ડોક્ટરનો પત્તો એમાંથી મળ્યો હતો. (એ બેઉ વચ્ચે એ પછી ‘તને સાંભરે રે, મને કેમ વિસરે રે ‘ પ્રકારનો બહુ લાંબો પત્રવ્યવહાર પણ થયો હતો.)

મેં એમને આભારનો પત્ર લખવા ઉપરાંત એમાં મારી ટેવ મુજબ મારા વિષેની થોડી અંગત માહિતી પણ લખી દીધી.

અને એના જવાબમાં છેલશંકર વ્યાસસાહેબનો જે પત્ર આવ્યો તે મારા માટે પણ એક અંગત સુખદ લહેર બનીને આવ્યો. કારણ કે પ્રત્યુત્તરમાં મેં મારા વિષે આપેલી અંગત માહિતીને કારણે એમને છેલભાઇને પોતાની યુવાનીના સમયના બીજા એક ખોવાયેલા શિક્ષક-કમ-મિત્રની ભાળ મળી અને તે શિક્ષક કમ મિત્ર તે મારા પિતા દેવરામ જયશંકર પંડ્યા ! અદભુત સંયોગ હતો કે મારા પિતા સૌરાષ્ટ્રમાં ઉપલેટા પાસે ભાયાવદર ગામમાં 1915-16માં થોડો સમય અંગ્રેજીના શિક્ષક હતા અને ત્યારે આ છેલભાઇ એમના પ્રિય શિષ્ય હતા ! ઉંમરમાં ઝાઝો તફાવત ન હોવાના કારણે સિત્તેર વર્ષ પહેલાંના એ કાળે બન્ને વચ્ચે દોસ્તી પણ જામી હતી. મને પહેલો પત્ર લખ્યો ત્યારે એમને મન હું કેવળ એક લેખક જ હતો, પણ મારા પ્રત્યુત્તરમાં મેં મારું આખું નામ લખવાના કારણે આ સંબંધતંતુ અચાનક ઉજાગર થયો અને છેલભાઇ વ્યાસનો આ બીજા પત્રમાં એમનો મારા પરનો સ્નેહ દ્વિગુણિત થઇને આવ્યો. બસ, એ પછી તો બીજી અનેક વાતોના પટારા ખૂલ્યા. થોડા જ વખત પછી હું તેમને કાલબાદેવીના જાંબુલવાડીના એમના નિવાસ સ્થાને રૂબરુ પણ મળ્યો.અને તેઓ જેના શોખીન હતા તેવી એક ‘સોનેરી’ સાંજ એમની સાથે પસાર કરી. એ લોખંડી ધારાશાસ્ત્રી અમારી પૂરી બેઠક દરમિયાન થોડી થોડી વારે મારા પિતાને આર્દ્ર થઇને સંભારતા રહ્યા અને મારામાં એમની પ્રતિકૃતિ જોતા રહ્યા. એ સાંજે મારા તંત્રી મિત્ર (સ્વ) પ્ર.રા .નથવાણી પણ મારી સાથે હતા.

હિરાલાલ ડોક્ટર ૧૯૮૫માં ૧૪મી માર્ચે ઘરડાઘરમાં જ અવસાન પામ્યા. લીલાબહેન તો એ પહેલાં ‘રાતી ચુંદડીએ’ જ ગયાં.

એ બેઉ સાથે સંબધ બંધાયા પછી એમાંથી બીજા સંબધોની જે શૃંખલા ખૂલી અને જે જે અદભુત વાતો મળી તેની વાતો રસપ્રદ છે પણ અહિં અપ્રસ્તુત છે. કેટલીક મેં મારા પુસ્તક ‘રોમાંચરેખા’ ( પ્રકાશક આર.આર.શેઠ) માં સમાવી છે. કમનસિબે તે દિવસોમાં મારી પાસે ટેપરેકોર્ડીંગ કે સામાન્ય કેમેરાની પણ જોગવાઇ નહોતી તેથી એવી કોઇ દસ્તાવેજી સામગ્રી મારી પાસે નથી .કદાચ હિરાલાલ ડોક્ટર અને છેલશંકર વ્યાસના એક-બે જુના પત્રો મારી જૂની ફાઇલોના ઢગલામાંથી મળી આવે, પણ એ શોધવાની અત્યારે મોકળાશ નથી. માત્ર મુંબઇ જઇને મેં કરેલા છેલશંકર વ્યાસના થોડા ઇન્ટરવ્યુનું અનુલેખન મારી પાસે સચવાયું છે.

આટલી પશ્ચાદભૂ પછી આવતે સપ્તાહે પ્રસ્તુત છે પ્રમાણમાં એ હળવો લેખ ‘પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મુકેલી એક હોટેલ’

——————————————————————————————————————

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી – સંબધોની માયાજાળ- એ ઉઘડે છે કેવી રીતે ?

  1. ભૂતકાળની સુંદર ક્ષણોને બખૂબી રજૂ કરી છે. આવતા લેખની રાહ જોઉં છું.

  2. રોમાંચક માહિતી ,ફિલ્મો અને તેની ઐતિહાસિક વિગતો માં રસ હોવાથી માહિતી સભર લેખ ખૂબ ગમ્યો.આભાર

  3. ફિલ્મમા ઓછો રસ છતા આવતા લેખની ઈન્તેજારી………

  4. મૂક ફિલ્મો…”ભાગ્યવાન ભરવાડ”જેવી ફિલ્મો નું નામ શ્રી રજનીકુમાર પંડ્યા જેવા લેખક દ્વારા જાણવા મળે તે આ જમાનાની અવિસ્મરણીય વાત છે.હીરાલાલ ડોક્ટર અને છેલશંકર વ્યાસ ને લેખ થી માલી અનેરો આનંદ થયો.
    ગુજરાતી ફિલ્મો જે જૂની હતી તે વિશે આપ ઘણો પ્રકાશ પાડી શકો છો..હું વાંચવા આતુર રહીશ..પ્રણામ સાથે તમારો કિરણ કિકાણી

Leave a Reply

Your email address will not be published.