ટાઈટલ મ્યુઝીક : (૩૩) ટેન ઑ’ક્લૉક (૧૯૫૮)

બીરેન કોઠારી

રાજ કપૂર નિર્મિત સૌ પ્રથમ ફિલ્મ ‘આગ’ જોનારાના મનમાં તેનાં ગીતોનાં અદ્‍ભુત ઓરકેસ્ટ્રેશનની છાપ ન ઉપસી હોય એ બને નહીં. ‘દેખ ચાંદ કી ઓર’ સહિતના અન્ય ગીતમાં જે પ્રભાવક રીતે ફ્લૂટના પીસ વગાડવામાં આવ્યા છે એ રામલાલે વગાડ્યા હતા. પણ એ ફિલ્મના સંગીતકાર હતા રામ ગાંગુલી.

રામ ગાંગુલીએ ‘પૃથ્વી થિયેટર્સ’નાં કેટલાક નાટકોમાં સંગીત આપ્યું હતું. ૧૯૪૬ માં રજૂઆત પામેલી ‘મહારાણા પ્રતાપ’થી શરૂ કરીને ૧૯૭૪ ની ‘સુહાની રાત’ સુધીમાં થઈને તેમણે કુલ 16 ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે ૧૯૫૧માં આવેલી ‘દીપક’ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું.

તેઓ સિતારવાદક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના શિષ્ય બનેલા. આ સિવાય તેમના વિશેની કોઈ વિશેષ જાણકારી ઉપલબ્ધ નથી. કોઈ મિત્ર જણાવશે તો આનંદ થશે. એક વાત એમના સંગીત બાબતે તરત ‘કાને વળગે’ એવી છે કે તેમનાં ગીતોનું ઓરકેસ્ટ્રેશન અત્યંત પ્રભાવી રહ્યું છે. ‘ઓરકેસ્ટ્રેશન’ એટલે અનેકવિધ વાદ્યોનું સંયોજન અને સંકલન.

1954માં રજૂઆત પામેલી ‘સંગમ’નું તલત મહેમૂદ અને ગીતા દત્તે ગાયેલું ‘રાત હૈ અરમાઁ ભરી’, ‘દીપક’નું ઉમા દેવીએ ગાયેલું ‘દિલ કો ભાયા, મન કો ભાયા’, અનસેન્‍સર્ડ ફિલ્મ ‘બિધાતા’નું ઉમાદેવીએ ગાયેલું ‘હમ દર્દ લિયે બૈઠે, બેદર્દ હૈ જમાના’ (એ સાંભળતાં ‘બરસાત’નું ‘બિછડે હુએ પરદેસી’ યાદ આવે), ૧૯૪૯ની ફિલ્મ ‘અનમોલ મોતી’નું શમશાદ બેગમ અને શૈલેષે ગાયેલું ‘નૈનો સે નૈન મિલા કે’, ૧૯૫૪ની ‘ગવૈયા’નું તલત દ્વારા ગવાયેલું ‘ઐસે તૂટે તાર’ અને ‘તેરી યાદ કા દીપક જલતા હૈ’ તેમજ મુબારક બેગમે ગાયેલું ‘અપની બરબાદી મુઝે મંજૂર હૈ’ જેવાં અનેક ગીતોમાં આ બાબત ધ્યાન ખેંચે એવી બની રહે છે.

રામ ગાંગુલીનું નામ પહેલવહેલી વાર ‘આગ’ દ્વારા સાંભળ્યું અને એ ફિલ્મનાં ગીત-સંગીત દ્વારા તેમની જે છાપ કાનમાં પડી તેને સતત ચકાસતા રહેવાથી એ વધુ ને વધુ દૃઢ થતી રહી છે. આ લખતી વખતે થયું કે તેમની કોઈ (કમ સે કમ મારા માટે) ઓછી જાણીતી ફિલ્મનાં ગીત-સંગીત સાંભળીએ. એ રીતે 1958ની જુગલકિશોર નિર્દેશીત ફિલ્મ ‘ટેન ઑ’ક્લૉક’નાં ગીતો સાંભળ્યાં.

(ટેન-ઑ’ક્લૉક’નો-એક-સ્ટીલ)

ખાવર જમાઁ, શ્યામ હિન્‍દી જેવા પ્રમાણમાં અજાણ્યાં તેમજ વર્મા મલિક જેવા ગીતકારોનાં મળીને કુલ આઠ ગીતો આ ફિલ્મમાં છે, પણ ખરું આશ્ચર્ય તેનું ટાઈટલ મ્યુઝીક આપે છે. રફી અને ગીતા દત્તે ગાયેલું ગીત ‘ઓ સોણિયે, ઓ સોણિયે, જબ જીત હુઈ હૈ હમારી’ શબ્દોની રીતે ખાસ પ્રભાવક નથી, પણ તેમાં રફીસાહેબના અને ગીતા દત્તના સ્વરની મસ્તી બરાબરની ઝીલાઈ છે. (શ્યામ હિન્‍દી લિખિત આ ગીતની એક લીટી: ‘એ.બી.સી.ના જાને, દેખો બી.એ.તક પઢ કે’) આ જ ગીતની ધૂનને ટાઈટલ મ્યુઝીકમાં વાપરવામાં આવી છે. આ સિવાયનાં અન્ય ગીતો ‘યે કિસ અંદાજ સે’ (ગીતકાર: શ્યામ હિન્‍દી/ગાયિકા: આશા ભોંસલે), ‘મેરી અખિયોં કે ડોરે ગુલાબી’ (ખાવર જમાં/ગીતાદત્ત અને સાથીઓ), ‘સંભલ સંભલ કે ચલના’ (ખાવર જમાં/ગીતાદત્ત અને સાથીઓ), ‘આગાઝે મુહબ્બત દેખા હૈ’ (મુકેશ), ‘ચાંદ નિકલા સિતારે ધીમે પડે’ (શ્યામ હિન્‍દી/આશા ભોંસલે), ‘હોઠોં પે લાલી હૈ’ (વર્મા મલિક/ગીતાદત્ત), અને ‘ચિક્કી ચિક્કી’ (ખાવર જમાં/ગીતાદત્ત) છે.

બ્રાસવાદ્યોના મસ્તીભર્યા સંગીતથી ટાઈટલ ટ્રેક શરૂ થાય છે, જેમાં ખંજરીનો ઉપયોગ તરત ધ્યાન આકર્ષે છે. પણ ખરું આશ્ચર્ય 0.46 થી મળે છે, જ્યારે ગીતના શબ્દોની ધૂનમાં હાર્મોનિકા પ્રવેશે છે. આ ધૂનમાં 0.54 થી 0.58 નો પીસ કોણ જાણે કેમ પણ મને ‘ઓમ જય જગદીશ હરે’ની આરતીની ધૂનની યાદ અપાવી ગયો. ત્યાર પછી આખા ટાઈટલ મ્યુઝીકમાં મુખ્ય વાદ્ય હાર્મોનિકા જ રહે છે. આ નાનકડા વાદ્યનો ટાઈટલ મ્યુઝીકમાં આવો પ્રભાવક અને આટલો બધો ઉપયોગ ખાસ સાંભળવા નથી મળ્યો. (‘સોલવાં સાલ’ના ટાઈટલ મ્યુઝીકમાં તે છે, પણ વચ્ચે અને અંતે વગાડવામાં આવ્યું છે, આની જેમ સળંગ નહીં.)

‘ટેન ઓ’ક્લોક’ (દસ બજે) ફિલ્મની આ લીન્‍કમાં 2.17 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.