મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૧-૧૯૫૩

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) – હિંદી ફિલ્મ સંગીતનાં હીરો માટેના નિશ્ચિત પાર્શ્વ સ્વર જેવાં એકાદ બે સ્થૂળ પરિમાણો પર કદાચ સફળ ગાયક નથી ગણાતા. ૧૯૫૦ના અને ‘૬૦ના દાયકાઓમાં ફિલ્મના મુખ્ય અભિનેતા માટે જ્યારે સામાન્યતઃ મોહમ્મદ રફી કે મુકેશ, કે પછી તલત મહમૂદ, મહેન્દ્ર કપૂર કે કિશોર કુમાર વધારે સ્વીકૃત ગણાતા ત્યારે અમુક ચોક્કસ પ્રકારનાં ગીતો માટે મના ડેનો સ્વર પ્રયોજવાની એક રૂઢ પ્રણાલિકા પ્રસ્થાપિત થઈ ચુકી હતી. આ પ્રકારનાં ગીતોમાં શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોમાં મન્ના ડે અન્ય ગાયકોથી ખુબ આગળનું સ્થાન ભોગવતા હતા. તે સાથે એ પણ હકીકત છે કે વિધિની જે વક્રતાને કારણે તેમને એ પ્રકારની તથાકથિત વ્યાપારી સફળતા ભલે ન મળી ગણાતી હોય, પણ રોમેન્ટીક યુગલ ગીતો સહિતની હાસ્યરસપ્રધાન ગીતો, ભજનો, ભિક્ષુક ગીતો જેવી અનેક શ્રેણીઑમાંના તેમનાં અનેક ગીતો એ સમયે, અને આજ સુધી પણ, શ્રેષ્ઠ ગીતોની અગ્રીમ હરોળમાં સ્થાન મેળવતાં રહ્યાં છે. બંગાળી અને હિંદી ઉપરાંત ભોજપુરી, અવધી, પંજાબી, આસામી, ગુજરાતી, ઉડીયા, કોંકણી, મરાઠી, કન્નડ, મલયામલી અને સિંધી જેવી ભાષાઓમાં તેમણે જે સહજતાથી ગીતો ગાયાં છે તે તેમની સર્વતોમુખી પ્રતિભાનું એક પ્રમાણ છે.

હિંદી ફિલ્મોનાં ગીતો પૂરતી જ વાત કરીએ તો મન્ના ડેની ગાયકીનાં સ્વર અને ઉચ્ચારની સ્પષ્ટતા, ભાવ અને લાગણીઓની સ્વ્હાભાવિક રજૂઆત, સહગાયકોના સ્વર સાથે એકસૂત્રતા જેવાં ગુણવતા પરિમાણોમાં તેમનાં કેટલાંય ગીતો આદર્શ ધોરણનાં સ્થાને સ્વીકારાયાં છે. તે સાથે ગીતોની સંખ્યા, જે સંગીતકારો સાથે કે સહગાયકો સાથે તેમણે ગીતો ગયાં તેની સંખ્યા , તેમને મળેલ માનઅકરામોની સંખ્યા જેવાં આંક્ડાકીય પરિમાણોમાં પણ તેમનું સ્થાન ખુબ સન્માનીય અને આગળ પડતું રહ્યું છે.

વર્ષ ૨૦૧૮થી આપણે મન્નાડેનાં ઓછાં જાણીતાં કહી શકાય તેવાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ તેમના જન્મના મે મહિનાના આપણા આ મંચના અંકમાં કરવાનું શરૂ કરેલ છે.

                                      આપણે સાંભળી ચૂક્યાં છીએ.

તે ઉપરાંત ૨૦૧૯ના મે મહિનાથી, તેમની જન્મશાતાબ્દીની ઉજવણી સ્વરૂપે આપણે મન્ના ડેએ પ્રથમ હરોળના અભિનેતાઓ માટે ગાયેલા ગીતોના ૭ અંક, મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતોના ૪ અંક અને અન્ય અભિનેતાઓ અને કોમેડીયનો માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો ના બે અંક ને આવરી લેતી ‘ભૂલ્યા ના ભૂલાશે‘ અલગ શ્રેણી પણ માણી છે.

આમ હવે પછી આપણી આ વાર્ષિક શ્રેણીંમાં આપણે મન્નાડેનાં અત્યાર સુધી, ‘ભૂલ્યા ના ભૂલાશે‘શ્રેણીમાં ન આવરી લેવાયેલ ગીતોને સાંભળવાને પ્રાથમિકતા આપીશું. આજના અંકમાં મન્ના ડેનાં ૧૯૫૧થી ૧૯૫૩નાં ગીતોને યાદ કર્યાં છે.

૧૯૫૧

૧૯૫૧માં મના ડેની કારકીર્દીમાં ખુબ જ મહત્ત્વનું ગંણાતું ગીત તેરે બીના આગ યે ચાંદની આર કે ફિલ્મ્સની ‘આવારા’માં સાંભળવા મળ્યું. ગીતમાં મન્નાડે દ્વારા વ્યક્ત થયેલ રાજ કપૂરના પાત્રની વ્યથા લોકોનાં હૃદયને સ્પર્શી ગઈ. જોકે આ સિવાય ૧૯૫૧નાં વર્ષમાં મન્નાડેના ફાળે ધાર્મિક ફિલ્મોનાં ગીતો જ આવ્યાં.

ભોલા નાથ રે નૈયા પાર લગાનેવાલે – શ્રી ગણેશ જન્મ – ગીતા દત્ત સાથે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ / મન્ના ડે – ગીતકાર: ભરત વ્યાસ

આ ફિલ્મમાં મન્ના ડેએ ખેમચંદ પ્રકાશના સહાયક તરીકેની ભૂમિકા નીભાવી હશે? કદાચ એ જ કારણસર પ્રસ્તુત ગીતમાં બંગાળની બાઉલ લોકગીત શૈલીનો પ્રભાવ જણાય છે.

‘શ્રી ગણેશ જન્મ’ ફિલ્મમાં એક ગણેશ સ્ત્રોત્ર પણ છે, જેમાં મન્ના ડે માત્ર શરૂઆતનો શ્લોક ગાય છે, બાકીની આખી રચના સુલોચના કદમ અને સાથીઓના સ્વરમાં છે, જે જાણકાર મિત્રોના જણાવ્યા મુજબ રાગ આસાવરી સારંગમાં સ્વરબદ્ધ થયેલ છે.

જાઓ જાઓ આ ગયા બુલાવા જંગ કા – રાજપુત – મધુબાલા ઝવેરી, તલત મહમૂદ સાથે – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ

ગીતનો પહેલો ભાગ મધુબાલા ઝવેરી અને તલત મહમૂદના સ્વરમાં નવપરિણીત રાજપુત દંપતિ વચ્ચેના સંવાદ રૂપે છે. નવોઢા પોતાના પતિને યુધ્ધમાં જવા માટે સમજાવે છે જ્યારે પતિ પોતાની નવપરિણીત પત્નીને છોડી જતાં અચકાય છે. ગીતના બીજા ભાગમાં – @2.06- મન્ના ડેના સ્વરમાં તે પછીની ઘટ્નાઓનું બયાન છે.

વંદે માતરમ – આંદોલન – પારૂલ ઘોષ, સુધા મલ્હોત્રા સાથે – સંગીતકાર: પન્નાલાલ ઘોષ – ગીતકાર: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

કોર્ટમાં સત્યાગ્રહી મહિલા વંદે માતરમ ગાવા લાગે છે, જેને ત્યાં હાજર બધાં ટેકો કરે છે. સુધા મલ્હોત્રા અને મન્ના ડેના સ્વર એ સમુહ ગાનમાં જ લેવાયા જણાય છે.

સુબહકી પહેલી કિરણ તક ઝિંદગી મુશ્કિલ મેં હૈ – આંદોલન – કિશોર કુમાર સાથે – સંગીતકાર પન્નાલાલ ઘોષ – ગીતકાર નિઆઝ હૈદર

યુવાન, તરવરીયા કિશોર કુમારને જોવા / સાંભળવાનો લ્હાવો મળે છે. જેલમાં કિશોર કુમાર અને તેનાં સાથીદારો ગીત ગાતાં ગાતાં કેમ પ્રવેશતાં હશે તે તો આખી ફિલ્મ જોઈ હોય તો સમજાય. બીજી કડીમાં મન્ના ડે જેલમાં રહેલા સ્વાતંત્ર્ય લડવૈયા માટે સ્વર આપે છે. એ કલાકાર નથી ઓળખી શકાયા.

આડવાત – આ જ નામની એક ફિલ્મ ૧૯૭૮માં પણ બની હતી જેનું સંગીત જયદેવે આપ્યું હતું.

૧૯૫૨

૧૯૫૨ માટે મન્ના ડેનાં બહુ થોડાં ગીતો મળે છે.

જિયો જિયો મેરે લાલ તેરી ટેઢી ટેઢી ચાલ – મા – કિશોર કુમાર, અરૂણ કુમાર સાથે – સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ભરત વ્યાસ

બહુ હળવા ભાવનું ગીત છે. અહીં પણ બહુ જ યુવાન ભારત ભુષણ (જેના માટે ગીતમાં સ્વર કિશોર કુમારનો છે), સુદેશ કુમાર, આસિત સેન અને સાવ છોકરડા જેવો મેહમૂદ પરદા પર જોવા મળે છે. મન્ના ડેના ભાગે @ 2.30 આવેલ પંક્તો ભજનના ઢાળમાં છે !

આડવાત – ‘મા’ શીર્ષકની બીજી બે ફિલ્મો બની હતી. ૧૯૬૦માં રજૂ થયેલી ફિલ્મમાં સંગીત ચિત્રગુપ્તનું હતું, જ્યારે ૧૯૭૪માં બનેલી ફિલ્મમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલનું સંગીત હતું.

૧૯૫૩

૧૯૫૩માં મન્ના ડેની કારકીર્દીને અલગ સ્તરે લઈ જતી બે ફિલ્મો – બુટ પોલીશ અને દો બીઘા ઝમીન– રજૂ થઈ. આ બન્ને ફિલ્મોનાં મન્ના ડેનાં સ્વરમાં ગવાયેલાં ગીતો હિંદી ફિલ્મ સંગીતની તવારીખમાં શાશ્વત સ્થાન પણ પ્રાપ્ત કરી ગયાં. વિધિની વક્ર દૃષ્ટિ પણ ચાલુ જ રહી કેમકે આ જ ગીતોની અદ્‍ભૂત સફળતાને કારણે મન્ના ડેની કારકીર્દીમાં અમુક તમુક પ્રકારનાં ગીતોનાં ચોકઠામાં જકડાઈ જવાનું જાણે અમીટપણે લખાતું ગયું.

૧૯૫૩માં એક ફિલ્મ એવી પણ રજૂ થઈ જેમાં મન્ના ડેના ફાળે ફિલ્મના મુખ્ય નાયકનાં બધાં જ ગીતો ગાવાનું આવ્યું. એ ફિલ્મ હતી ‘હમદર્દ’ પણ અહીં પણ વિધિની ચાલ તો વાંકી જ ચાલતી રહી. ફિલ્મનો નાયક શેખર આગળ જતાં ‘સફળ’ ન થયો. રૂતુઓનાં આગમન અનુસાર રાગની પસંદગી પર આધારીત, લતા મંગેશકર સાથેનું બે ભાગનું યુગલ ગીત – રીતુ આયે રીતુ જાયે સખી રી અને પી બીન સુના રી – જાણીતું બન્યું, પણ તેની સફળતાને શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતનાં ચોકઠામાં જકડી બેસાડાયું. ખેર, ફિલ્મનાં બીજાં ગીતો પણ ખુબ જ કર્ણપ્રિય છે.

તેરા હાથમેં હાથ આ ગયા…કે ચિરાગ રાહમેં જલ ગયા – હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

પ્રેમિકાની યાદના ભાવને તાદૂશ કરતી મન્નાડેની ગાયકી આપણને પણ ગીતના ભાવમાં ડુબાડી દે છે. ગીતની ધુન કંઈક અંશે મુશ્કેલ છે, એટલે ગીત સાંભળ્યા પછી ગણગણવાનું મન થાય તો ગણગણી કદાચ ન શકાય !

મેરે મન કી ધડકન મેં કૉઇ નાચે – હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન

મંચ પર ગીતની સાથે નૃત્ય પણ રજૂ થતું હોય તે પ્રકારનું આ ગીત છે. ગીતની લય ખુબ સરળ છે, જો કે ગીત બહુ સહેલું તો ન જ કહેવાય, પણ ફરી ફરીને સાંભળવું જરૂર ગમે.

વો ઘાયલ કરતે હૈ ખુદ.. બદલ ગયા રંગ મહેફિલ કા – હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન

હોટેલમાં કલાકાર સંગીત પણ પીરસે તે પ્રકારની સીચ્યુએશન ગીતની છે. ગાયક ગીતના શબ્દો ગાય તે નાયિકાની દરેક ચેષ્ટા સાથે સુસંગત પણ બનતી રહે. બીજી કડીમાં હવે દૃશ્ય બદલે છે અને ગાયક અને તેનિં સહવૃંદ અન્ય શ્રોતા વર્ગ સમક્ષ પોતાની કાર્યક્રમ રજૂ કરે છે. છેલ્લી કડીમાં ફરીથી ગીતના બોલ નાયિકાને ઉદ્દેશીને કહેવાતા હોય તેમ જણાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે.

નૈના ભયે અનાથ હમારે…જબ આંખેં હી ન દી માલિકને તો દિલ ભી ન દિયા હોતા – હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન

કવ્વાલી શૈલીમાં રચાયેલ આ ગીત પણ પોતાની સંસ્થા માટે નાણાં ઊભાં કરવા માટે ગવાતા કાર્યક્રમો પૈકીનું જ છે.

દાતા તુ જગ કા પાલન હાર – મહાત્મા – સંગીતકાર: વસંત પવાર – ગીતકાર: રામ વાધવકર

કેટલાક સંદર્ભમાં આ ગીતના ગાયક તરીકે ‘અન્ય ગાયક’ એમ નોંધવામાં આવ્યું છે. અહીં રજૂ કરેલી ક્લિપની નીચેની કોમેન્ટ માં ગાયક ‘પ્રકાશ’ છે તેમ પણ જણાવાયું છે. પરંતુ http://www.mannadey.in/ અને https://mannadey.weebly.com/ માં આ ગીત મન્ના ડેના સ્વરમાં દર્શાવાયું હોવાથી આ ગીતને આપણે અહીં સમાવ્યું છે.

આસ કે કિતને દિયે જલાએ….ફિર ભી રામ નજ઼ર નહીં આયા – મેહમાન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એન રંગીન

ભજનની શૈલીમાં રચાયેલ આ ગીતના પૂર્વાલાપમાં તેમ જંતરાના વાદ્ય સંગીતમાં વાંસળીનો પ્રયોગ મુખ્ય ભૂમિકા ભજવે છે. અનિલ બિશ્વાસનાં એ સમયનાં સંગીત માટે એમ મનાતું કે જ્યારે ગીતમાં વાંસળીની ભૂમિકા અગ્રભાગે હોય ત્યારે તેઓ હંમેશાં પંડિત પન્નાલાલ ઘોષને જ આમંત્રતા.

આડવાત – ‘મેહમાન’નામની ફિલ્મ આ પહેલાં ૧૯૪૨માં બની હતી, જેનું સંગીત ખેમચંદ પ્રકાશે સંભાળ્યું હતું, ફરી એક વાર આ જ નામની ફિલ્મ ૧૯૭૪માં બની હતી જેનું સંગીત રવિએ આપ્યું હતું.

ચલી રાધે રાની…અખીયોંમેં પાની – પરિણીતા – સંગીતકાર: અરૂણ કુમાર મુખર્જી – ગીતકાર: ભરત વ્યાસ

બંગાળની બાઉલ લોકગીત ભજન શૈલી પર રચાયેલ આ ગીત પણ ખુબ જ પ્રસિધ્ધિ પામ્યું અને પ્રસિદ્ધિએ મન્ના ડે માટેની ભજન પ્રકારનાં ગીતો માટેની ‘આગવી’ છાપને વધારે ઊંડી પણ કરી. જોકે, આ ગીતમાં નોંધપાત્ર છે મન્ના ડેની ગીતના ભાવને સ્પષ્ટતાથી રજૂ કરવાની હથોટી. ગીતનાં પહેલાં સંસ્ક્રણમાં નાયિકાની નાયક સાથેની તકરાર પ્રેમની મીઠી નોંકઝોંક સ્વરૂપે છે, જેને મન્ના ડે પણ નાચતા કુદતા ભાવમાં રજૂ કરે છે. બીજાં સંસ્કરણમાં હવે જુદાઈના સંજોગો કરૂણ સ્વરૂપે અનુભવાય છે, જેને મન્ના ડે બહુ જ સુવાળપભર્યા સ્વર વડે વ્યક્ત કરે છે.

ફરી આડવાત – આ જ મૂળ વાર્તા પરથી ફરી એક વાર આ જ નામે, ૨૦૦૫માં ફિલ્મ બની હતી, જેનું સંગીત શાંતનુ મોઈત્રાએ આપ્યું હતું.

શાહી કી ઝંઝીરે તોડ કે ચલો – શહેનશાહ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

‘મશાલ’ની સફળતા બાદ ફરી ત્રણ વર્ષે એસ ડી બર્મન મન્ના ડેને યાદ કરે છે. શાસનની જોહુકમીઓની સાંકળોનાં બંધન તોડી નાખવાનું એલાન કરતાં આ લશ્કરની કુચના તાલ પર રચાયેલાં ગીત માટે મન્નાડેના સ્વરની બુલંદી જ યોગ્ય ન્યાય આપી શકે.

ક્રોધ કપટ કે અંધિયારે ને – અરમાન – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

બેકગ્રાઉન્ડમાં ગવાતાં ભજન શૈલીનાં ગીત માટે તો મન્ના ડેના સ્વરની પસંદગી થાય એ બાબતે હવે નવાઈ ન લાગે.

https://www.youtube.com/watch?v=3diLpbi8tb0

રાત કે રાહી રૂક મત જાના સુબહકી મંઝિલ દૂર નહીં – બાબલા – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી –

પ્રેરણાત્મક સંદેશ આપતાં ગીતને મન્ના ડેના સ્વરની આગવી મીઠાશની સહાયથી ખાસ્સી લોકચાહના મળતી રહી છે.

ગીતનું એક બીજું વર્ઝન લતા મંગેશકરના સ્વરમાં પણ છે.

સોનેવાલે જાગ જ઼રા, ક્યું સમય સુહાના ખોતા હૈ – સુરંગ – સંગીતકાર: શિવરામકૃષ્ણ – ગીતકાર: શેવાન રીઝ્વી

આ ફિલ્મનાં વસ્તુનાં સમય્કાળમાં અમુક નાતની વસ્તીને ગામની બહાર રહેવાની ફરજ પડાતી. આવી વસ્તીનાં લોકો મોડી સંજે પોતાની જિંદગીના ભારને હળવો કરવા પ્રેરણાત્મક ગીતોનો આશરો લેતાં હોય

ચલ દિલ-એ-મજ઼બુર, ઈસ ઝુલ્મ કી દુનિયા સે દૂર – સુરંગ – સંગીતકાર: શિવરામકૃષ્ણ – ગીતકાર: શેવાન રીઝ્વી –

ગામની બહાર રહેતી વસ્તીનો એક વૃધ્ધ આગેવાન શુધ્ધ ઉર્દુમાં જે પ્રેરણા ગીત ગાય છે (!!) તેના બોલથી ઉચ્ચ વર્ગના નાયકને પણ શાતા વળે છે. તે એ ગીતના બોલ પાછળ પાછળ વસ્તી સુધી ખેંચાઈ આવે છે.

આપણે સામાન્યતઃ યુટ્યુબ પર ક્લિપ્સ હોય એવાં ગીતોને આ પ્રકારના  લેખોમાં સમાવતાં હોઈએ છીએ. મન્નાડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોની ખોજ માટે આપણે એસ પી ચેટર્જી દ્વાર રચાયેલ વેબસાઈટ https://mannadey.weebly.com/ ની પણ મદદ લીધેલ છે. ત્યાં આપણને કેટલાંક બીજાં ગીતો ઓડીયો ક્લિપના સ્વરૂપે પણ સાંભળવા મળે છે. અહીં એવાં હજુ બીજાં ગીતોની પણ નોંધ કરવામાં આવી છે, પરંતુ તેની ઓડીયો લિંક પ્રાપ્ય નથી શક્ય બની. એવાં ગીતોનો ઉલ્લેખ આપણે આપણા આ લેખમાં નથી કર્યો.

સદા એક સાથ જૈસે દો સિતારે – દો સિતારે (૧૯૫૧) – સંગીતકાર અનિલ બિશ્વાસ – ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

જાને દે… કિસ્મત કી નાવ – ભાગ્યવાન (૧૯૫૩) – સંગીતકાર અવિનાશ વ્યાસ – ગીતકાર રમેશ ગુપ્તા

દિલરૂબ આય દિલરૂબા…. પ્યાર કર આ પ્યાર કર – સુહાગ સિંદુર (૧૯૫૩) – સંગીતકાર શૈલેશ મુખર્જી – ગીતકાર -હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીત ‘અન્ય ગાયક , અન્ય ગાયિકા’ તરીકે નોંધાયેલ છે.

મન્ના ડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોની આ સફર આગળ પણ આટલી જ આકર્ષક રહેશે તે વિશ્વાસ સાથે અહીં એક વિરામ લઈશું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.