ફિર દેખો યારોં : આપણે નાગરિકો છીએ, ચિયરલીડર નહીં!

– બીરેન કોઠારી

આફત આવતી-જતી રહે છે, ચાહે એ કુદરતી હોય કે કૃત્રિમ. આપણે તેમાંથી શો ધડો લઈએ છીએ એ અગત્યનું છે. હાલની વિશ્વવ્યાપી આફતનો ભોગ આપણો દેશ પણ બન્યો છે. જો કે, આ આફતનો મુકાબલો કરવાની આપણી રીત આગવી છે. વૈશ્વિક સ્તરે ભલે આપણા દેશના વડાપ્રધાનની કામગીરીની પ્રશંસા થઈ હોય, એ હકીકત છે કે હજી આપણે આ આફત દરમિયાન લેવાઈ રહેલાં પગલાંને સરકારતરફી કે સરકારવિરોધી તરીકે જ મૂલવીએ છીએ. ઉપાય તરીકે તે કેટલા અસરકારક છે કે અસરહીન છે તેની ભાગ્યે જ કશી ચર્ચા થાય છે. આ સંજોગો અભૂતપૂર્વ છે, અને તેનો સામનો કરવાનો અનુભવ નથી નાગરિકોને કે નથી સરકારને. આ સંજોગોમાં ભૂલ સરકારથી પણ થઈ શકે. સવાલ ભૂલ થવાનો નથી, પણ પગલાંની દિશાનો કે તેની પાછળના ઈરાદાનો છે. સરકાર વતી નાગરિકો જ તેની તરફેણ કરીને બચાવ કરતા જવાબો આપવા લાગે એ ખરેખર વક્રતા કહેવાય. કેમ કે, સરકારના કોઈ પણ કામની આલોચના કરવાનો નાગરિકોનો મૂળભૂત હક, ફરજ અને જવાબદારી છે, અને તેમની ભૂમિકા એ કક્ષાની જ હોવી જોઈએ. આના માટે ચૂંટણીટાણા સુધી રાહ જોવાની જરૂર નથી. ચૂંટણી વખતના ખેલ આપણી શિક્ષણપદ્ધતિ અંતર્ગત લેવાતી પરીક્ષા જેવા હોય છે. પરીક્ષામાં એવું હોય છે કે આખું વરસ ગમે એ કરો, પણ પરીક્ષાના ત્રણ કલાકમાં લખો એ જ ખરું. એમ બાકીના ચાર-સાડા ચાર વર્ષ રાજકીય પક્ષ ગમે એ કામ કરે, ચૂંટણીના સમયે તે જે ખેલ ખેલે એ જ આખરી ગણાય છે. એક નાગરિક તરીકે એવો ભ્રમ પાળવાનું મન થાય કે છેવટે જે તે રાજકીય પક્ષ લોકો દ્વારા ચૂંટાયેલો હોવાથી એ આખરે લોકપસંદગી ગણાય. આવો ભ્રમ સુખદ અહેસાસ કરાવે છે, પણ વાસ્તવિકતા ભાગ્યે જ બદલાય છે.

આવા ગંભીર માહોલમાં પણ કોમવાદ, ધ્રુવીકરણ કે અફવાને પગલે ટોળાં દ્વારા હત્યાના ખેલ ખેલાય, સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા થાય અને આ મુદ્દે નાગરિકો જ સામસામા બે પક્ષમાં વિભાજીત થઈ જાય એ પરિસ્થિતિ કોઈ પણ રીતે ઈચ્છનીય નથી એટલું જ નહીં, એ શરમજનક છે. આ વિભાજન માત્ર સરકારતરફી કે સરકારવિરોધી જ નહીં, એમાંય નાત, જાત, ધર્મ, આર્થિક સ્થિતિ, પ્રાંત જેવી કેટલીય બાબતો પર આધરિત પેટાવિભાજનો હોય છે. આવા માહોલમાં નાગરિકોને પોતાની મૂળભૂત ભૂમિકા શી રીતે યાદ રહી શકે? હકીકતમાં નાગરિકોએ પોતાની આલોચનાત્મક ભૂમિકા સરકાર પૂરતી જ નહીં, પ્રસારમાધ્યમ બાબતે પણ દાખવવાની છે. પરિપક્વતા અને સજાગતાના ગુણ કેળવવા અત્યંત જરૂરી છે. પણ આમ બનતું જણાતું નથી. પોતાના ઘરમાં સલામતીથી રહી શકે છે એવા અનેક નાગરિકો સરકારનાં કોઈ પણ પગલાંને આંખ મીંચીને સમર્થન આપતાં કહેતા જોવા મળે છે કે સરકાર આટલું તો કરે છે, આનાથી વધીને એ શું કરે? સરકારનાં પગલાંની ટીકા કરનારાને બીજું કોઈ નહીં, આવા બોલકા નાગરિકો જ બારોબાર પૂછે છે કે તમારી પાસે કોઈ બહેતર ઉકેલ હોય તો જણાવો. આ લક્ષણ સૂચવે છે કે આ પ્રકારના નાગરિકો સરકારની જેમ વિચારે છે, કે સરકાર વતી તેના તરફી વિચારે છે. નાગરિકોના માનસનું કઈ હદે પક્ષીયકરણ થઈ ગયું છે એનું આ સૂચક છે. આપણા દેશની લોકશાહીની વક્રતા એ રહી છે કે સત્તાધારી પક્ષ કોઈ પણ હોય, નાગરિકોના આવા માનસમાં ખાસ ફરક પડતો જણાયો નથી. પોતાના પ્રિય નેતામાં તે એ હદે વિશ્વાસ મૂકે કે છેવટે જે તે નેતાને પણ લાગે કે પોતે અવતારથી જરાય કમ નથી.

આ મહાઆફતમાં એક મુખ્ય લક્ષણ એ જોવા મળી રહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટે ભાગે બારણા પાછળ છે, અને અગ્રહરોળમાં વહીવટી અધિકારીઓ છે. અલબત્ત, વખતોવખત આ અધિકારીઓને તેમણે લીધેલા નિર્ણયોને આમૂલ બદલાવીને લોકપ્રતિનિધિઓ પોતાના સત્તાધિકારની યાદ અપાવતા રહે છે. આવા નિર્ણયોની વિસંગતિનું કારણ અણઆવડત કે અનુભવનો અભાવ નહીં, પણ રાજકારણના ખેલનો ભાગ હોવાથી એ વધુ ખતરનાક છે. આ વિસંગતિને કારણે જ નિર્ણયો અને યોજનાઓના સરકારી દાવા જાહેરખબર પૂરતા જ રહી જાય છે.

નાગરિકોએ ભલે મત આપીને પ્રતિનિધિઓ ચૂંટ્યા હોય, પણ પોતે તેમના ચિયરલીડર નથી એ યાદ રાખવું જોઈએ. પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓ પોતાને ઉત્તરદાયી રહે એ અહેસાસ પ્રતિનિધિઓને કરાવતા રહેવાની જવાબદારી આપણી છે. ફિલ્મસ્ટાર, રમતવીર કે પોપસ્ટાર અને રાષ્ટ્રના વડાપ્રધાનમાં ફરક હોય છે એ હજી ઘણા નાગરિકો તો ઠીક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સમજી શકતા નથી. લોકનિસ્બત અને લોકરંજન વચ્ચેનો ભેદ સમજી શકીએ એવી આપણી માનસિકતા હજી કદાચ કેળવાઈ નથી. આખો ખેલ જોતાં એમ લાગે કે ઘણા બધા નાગરિકો જાણે કે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, તો ઘણા બધા ગાંધારીનો પાઠ ભજવી રહ્યા છે.

આ સમય એવો છે કે તે પસાર થઈ ગયા પછી સામાજિક, આર્થિક સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવશે. અનેક સુવિધાઓ કે વ્યવસ્થાઓ ફેરવિચાર માગશે. વ્યક્તિગતથી લઈને સામૂહિક, સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય વ્યવહારો બદલાશે એમ અત્યારે લાગી રહ્યું છે. બદલાયેલી પરિસ્થિતિની અસર અનેક ક્ષેત્રે થશે એ જણાઈ રહ્યું છે. આર્થિક રીતે દેશ પાછળ જશે તો એ ગમે ત્યારે આગળ આવી શકશે, પણ નાગરિક તરીકે આગળ વધવાને બદલે આપણે પાછળ ને પાછળ ધકેલાતા જઈ રહ્યા છીએ એ વધુ ચિંતાજનક બાબત છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૪-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – અહીં રજૂ કરેલી સાંકેતિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચિયતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.