શબ્દસંગ : એક સાહિત્ય રસસ્થાન

નિરુપમ છાયા

વાચનરસ દ્વારા માનવ જીવનના ભાવપ્રવાહ માટે યોગ્ય ,સાહિત્યરસ મહત્વનો પણ છે. એને કેળવવા , પોષવા, અને સર્જકતાના બિંદુએ લઇ જવાનું ઉત્તમ માધ્યમ વાચન છે. વાચન માટે પુસ્તકોની વ્યક્તિગત વ્યવસ્થા થઇ શકે, પણ એની ઘણી મર્યાદાઓ હોય. એટલે વિવિધ વિષયનાં અનેક પુસ્તકો એક જ સ્થળે હોય અને વાચન માટે લોકો એનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા નું પણ ધીરે ધીરે એક સ્વરુપ વિકસ્યું જેને ગ્રંથાલયો , પુસ્તકાલયો કે વાચનાલયો તરીકે આપણે ઓળખીએ છીએ. આપણા જ્ઞાની, ચિંતકોએ, માનવને સાચા અર્થમાં માનવ બનાવતી કેટલીક બાબતોમાં સાહિત્યને અગ્ર સ્થાન આપ્યું છે. પ્રાચીન સમયમાં ગ્રંથાગરોમાંના હસ્તલિખિત ગ્રંથો માનવી માટે સાહિત્ય રસ પ્રેરી, જ્ઞાનની કેડીએ યાત્રા કરાવતા. આધુનિક સમયમાં પુસ્તકાલયો આ કાર્ય નું માધ્યમ બને છે, જેને ધર્મ, પૂજા અને ભક્તિ સમજીને પુસ્તકાલયો પ્રવૃત્ત રહે, તો એ સાહિત્યરસનું ઝરણું અને પછી મહા સરોવર બની શકે. ગુજરાતમાં એવાં કેટલાંક પુસ્તકાલયો છે જેણે ૧૦૦ કે ૧૫૦ વર્ષની પોતાની યાત્રા પૂરી કરી હોય. તેમાં ભુજ શહેરના હૃદયસમા હમીરસરને કિનારે, રમ્ય અને આહલાદક વાતાવરણમાં ઉભેલ મહારોશ્રી વિજયરાજજી પુસ્તકાલય પણ ગણાવી શકાય. ગુજરાતને છેક પશ્ચિમ છેડે આવેલ કચ્છના પાટનગર ભુજમાં આવેલ છે એટલે બહુ ઓછા લોકોણે એ વિષે ખ્યાલ હોય પણ આજેય સાહિત્યની અનેકવિધ પ્રવૃત્તિઓ તથા વિવિધ કલ્પનાશીલ પ્રવૃત્તિઓ અને વિકાસશીલ દૃષ્ટિ સાથે ચેતનવંતુ છે એ ગુજરાતના બહોળા વાચક, ભાવક વર્ગને ખ્યાલ આવે અને આ દૂરના પ્રદેશમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ થઇ રહી છે એની સાથે ભાવતંતુ જોડાય એ જરૂરી છે.

કળા અને સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા, કવિ પણ ખરા એવા રાવ શ્રી લખપતજીએ સ્થાપેલી કળા અને સાહિત્યની પરંપરા આગળ વધારતાં રાઓ શ્રી પ્રાગમલજી બીજા (ઈ.સ, 1861-1876) એ આલ્ફ્રેડ હાઇસ્કૂલ સ્થાપીને શિક્ષણનો વ્યાપ વધાર્યો. તેમણે દિવાન કાઝી શાહબુદ્દીન ઈબ્રાહીમ સાથે પરામર્શ કર્યો અને વિક્રમ સંવત 1924 ના આસોમાસ (ઈ.સ. 1878ના ઓકટો.-નવે.)માં પુસ્તકાલયની સ્થાપના થઇ એવું જૂના કચ્છ ગેઝેટમાં આ પુસ્તકાલયના વિકાસ માટે યોજાયેલ મિટિંગની નોંધ પરથી જાણી શકાય છે. આ પુસ્તકાલયનો હેતુ પણ એમાં દર્શાવેલ છે,”ઉત્તમ ધોરણથી ચાલતા અંગ્રેજી રાજ્યમાં કેવું સ્વતંત્રપણું , ઇન્સાફ, અને સુખ સર્વ વર્ણની વસ્તી ભોગવે છે એની માહિતી વિદ્યાર્થીઓ, પુસ્તકો તથા વર્તમાનપત્રો વાંચવાનો શોખ કેળવીને મેળવે અને રફ્તે રફ્તે કચ્છના લોકો પણ માહિતગાર થાય. અંગ્રેજ લોકોની રાજ્યનીતિના સુધારા સમજી, સ્વીકારે.” આ એક રીતે અંગ્રેજોનાં ગુણગાન હતાં, પણ ભુજ માટે તો એવી એક વ્યવસ્થા વિકસતી હતી, જે ભવિષ્યની પ્રજા માટે આશીર્વાદરૂપ સિદ્ધ થવાની હતી.

પ્રારંભમાં તો ત્યારની અંગ્રેજી સ્કૂલના એક ખંડમાં થયો પણ પછી તો સુવિધાજનક મકાનથી લઈને વિવિધ રીતે, પુસ્તકાલયને ચેતનવંતુ બનાવતી એની વિકાસયાત્રા મુંબઈ વસતા કચ્છીઓ અને સ્થાનિકોના પણ એટલા જ ઉમદા સહયોગથી વર્તમાનમાં સાર્ધ શતાબ્દીની ઉજવણી સુધી, એકધારી રહી છે. અંગ્રેજી સ્કૂલના મકાનથી નજીકમાં જ આવેલ કચ્છ મ્યુઝીયમમાં એનું સ્થાનાંતરણ થયું. સ્વાતંત્ર્ય બાદ કચ્છ રાજ્યનું વિલીનીકરણ થયું તે પછી મહારાઓ શ્રી મદનસિંહજી સાહેબે હાલની જમીન આપી અને મકાન બાંધવા સહયોગ આપ્યો એથી ભુજની જનતાને સાહિત્યનુ સુંદર અને ઉત્તમ રસસ્થાન પ્રાપ્ત થયું. સંચાલનમાં પણ સ્થાનિક અગ્રણીઓ, સાહિત્યપ્રેમીઓ અને સર્જકોએ હમેશા એના વિકાસની ચિંતા કરી છે. મૂળ મકાન ટૂંકું પડવા લાગ્યું એટલે બાજુમાં જ વાચનાલય, એ પછી વિવિધ રીતે ઉપયોગી બને અને અલગ મહિલા વાચનાલય માટે એક ખંડ 1981માં તૈયાર થયો. સહયોગ મળતાં કચ્છની સંસ્કૃતિની ઓળખ આપતી વિખ્યાત છબીકાર શ્રી એલ એમ પોમલની છબીઓ મૂકાઈ તેમજ ચિત્રકલા દીર્ઘા પણ અસ્તિત્વમાં આવી. લોકમિલાપના સહયોગથી પ્રથમવાર બે પુસ્તકમેળા એન અન્ય સાહિત્યિક કાર્યક્રમોનાં આયોજનથી તો આ પુસ્તકાલય સાહિત્યનુ ઝરણું બની રહ્યું.

સંચાલકોના મનમાં અનેક યોજનાઓ આકાર લઇ રહી હતી પણ 2001ની 26 જાન્યુઆરીના પ્રકૃતિ કોપાયમાન થઇ. વિનાશક ધરતીકંપે કચ્છ હચમચી ગયું તો પુસ્તકાલય પણ કેમ બાકી રહે? પરંતુ, કાર્યકર્તા સમા ભાવનાશીલ કર્મચારીઓ અને સંચાલકોના પુરુષાર્થથી અન્ય જગ્યાએ સ્થાનાંતરણ રોકી શકાયું. નગર પુન:રચનામાં કપાત બાદ બચેલી જગ્યામાં એક ખંડ બાંધી શકાયો. ફરી પાછો લોકોનો ઉલટભેર સહકાર મળ્યો. બીજા બે ખંડો બંધાયા. જરૂરી ફર્નીચર, સાધનો અને અન્ય નિયમિત જરૂરી ખર્ચ માટે સહયોગ મળ્યો. પુસ્તકાલયનાં મૂળ સ્વરૂપની જ જાણે કાયાપલટ થઇ. એ પુન:નિર્માણ પામ્યું એટલું જ નહીં, વિવિધ પ્રવૃત્તિઓથી ધબકી ઊઠ્યું, જાણે સાહિત્ય ચૈતન્ય પ્રગટ્યું.

પુસ્તકાલયનાં ભવનને મૂળ સ્વરૂપ મળ્યા પછી પણ, સંચાલકોની વિસ્તૃતીકરણ માટેની ખેવના હતી. એ માટે ચિંતા અને ચિંતન ચાલતાં રહ્યાં. એનું સુફળ પણ મળ્યું. મુંબઈ રહેતાં હોવા છતાં કચ્છ માટે સતત ચિંતા સેવતાં રાજવી પરિવારનાં શ્રીમતિ રાણી ક્રિશ્ના રાજલક્ષ્મી દેવી આગળ આવ્યાં. એમના સહયોગથી “મહારાજ ભૂપતસિંહજી નૂતન હોલ” નિર્માણ પામ્યો અને ૧૨મી ફેબ્રુઆરી ૨૦૧૭નાં રોજ એનું લોકાર્પણ પણ થયું . નિર્જિવ દીવાલો અને છતથી બંધાયેલ હોલ માટે તો સાહિત્ય કેન્દ્રમાં હોય ત્યારે જ એમાં પ્રાણ પ્રગટે, ચેતના ધબકી રહે.

પરિસંવાદ(SEMINARS), સર્જકકેફિયત ગોષ્ઠિ અને સમાજ વિચાર જાગૃતિ સંવાદ, એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી આ હોલ સાહિત્યના પ્રસાર, પ્રેરણા અને પોષણનું કલકલ નિનાદ ગુંજવતું ,વહેતું ઝરણું બની રહ્યો જેનાં સ્પર્શ, ચેતનાનો ધબકાર આપણે પણ અનુભવી શકીએ છીએ.

કચ્છના સર્જકો, ગૌતમ શર્મા, જટુભાઈ પનિયા, ડૉ. જયંત ખત્રી, બકુલેશ, મૂળરાજ રૂપારેલ, એલ એમ પોમલ, કૃષ્ણાબહેન મિસ્ત્રી, વગેરે વિષે વિશદ અભ્યાસ, શ્રી રમણિક સોમેશ્વર ઉપરાંત ગુજરાતના ગણમાન્ય સાહિત્યકારો ડૉ ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી કિરીટ દૂધાત, રાઘવજી માધડ, માધવ રામાનુજ, રતિલાલ બોરીસાગર, નારાયણ દેસાઈ, ઉર્વીશ કોઠારી, વગેરેએ વિવિધ વિષયો પર ભાવકો સાથે ગોષ્ઠિ કરી. સાહિત્ય રસ કેળવવા અને પોષવા માટે વિશેષ વળતરથી ઉત્તમ પુસ્તકો લોકો સુધી પહોંચાડવા ત્રણ પુસ્તક મેળાઓનું આયોજન થયું. આમાં સાર્વજનિક ગ્રંથાલયોને પણ વિશેષ યોજના હેઠળ પુસ્તકો અપાયાં. સાર્ધ શતાબ્દી દરમિયાન તો દર માસે સર્જક ગોષ્ઠિના કાર્યક્રમો થયા અને તે પછી એ ચાલુ પણ રહ્યા.

નવી પેઢીમાં વાચનરસ જગાડવા શિક્ષકો માટે વ્યાખ્યાનો નહીવત અને સહભાગીઓનાં વાચન અને અભિવ્યક્તિની દ્રષ્ટિ સાથે શિક્ષકો માટે ત્રિદિવસીય અને તે પછી લગભગ પાંચ છ દિવસ સુધી, વિવિધ વિદ્યાલયોના, દરરોજ પચાસ જેટલા વિદ્યાર્થીઓ માટે વાચન શિબિરનું આયોજન પણ એક વિશેષ પહેલ બની રહી .

જી. એસ. ટી., કચ્છ માટે સિંધુ નદીનું પાણી શક્ય છે?, નગરપાલિકા સેવા અને વ્યવસ્થાપન જેવા સમાજને સ્પર્શતા વિષયો પર પણ ચર્ચાઓનું આયોજન કરી પુસ્તકાલયે, પોતાની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવી. ચિત્રકલાની પાંચ દિવસીય કાર્યશાળા, કલા પ્રદર્શનનાં આયોજન દ્વારા પોતાની વિસ્તૃત કાર્ય ક્ષિતિજોનો પરિચય કરાવ્યો તો, પુસ્તકાલયના ભૂતપૂર્વ પદાધિકારીઓનું અભિવાદન પણ કરી ઋણસ્વીકાર કર્યો.

નવી પેઢીનાં માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લગભગ રૂ. ૧,૦૦,૦૦૦ નાં પુસ્તકો અહીં ઉપલબ્ધ છે અને આ પરીક્ષાઓની તૈયારી અને નિયમિત અભ્યાસ કરવા પણ ભાઈઓ અને બહેનો માટે પૂરી સગવડો સાથે અલગ વાચનખંડો બનાવાયા છે.

આ કાર્યોનો પ્રતિસાદ મળતો હોય તેમ, રાજ્ય સરકારશ્રીએ નગરકક્ષાનાં ગ્રંથાલયનો વિશેષ દરજ્જો આપી દર વરસે અપાતી સહાયમાં પણ વધારો કર્યો. આનંદની વાત એ પણ છે કે આધુનિકતામાં પ્રવેશતાં આ પુસ્તકાલયનું સંપૂર્ણ digitalisation આવનારા ટૂંક સમયમાં થઇ જશે. એ માટે જરૂરી સાધન સામગ્રી પણ ગોઠવાઈ ગઈ છે. data entryનો પ્રારંભ થયો પણ લોકડાઉનને કારણે સ્થગિત રાખવું પડ્યું.

આમ આ સંસ્થાએ આચરણ દ્વારા પણ પુસ્તકાલયનો સાચો ધર્મ દર્શાવ્યો છે અને કેટલીક નૂતન કેડીઓ પણ ચીંધી છે. પણ આ પુસ્તકાલયને ગુજરાતનાં જે કેટલાંક પુસ્તકાલયોની હરોળમાં મૂકી શકાય ત્યાં જે પ્રકારે કાર્ય થઇ રહ્યું છે એને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરી અપનાવવા પણ પ્રયત્નો થઇ રહ્યા છે. ઉદાહરણ તરીકે નવસારીમાં વાચન પ્રસાર માટે પ્રયનો થયા એને અનુસરી આ પુસ્તકાલયને પણ વાચનનું કેન્દ્ર બનાવી શકાય.

150 વર્ષે પણ પુસ્તકાલય નવ યૌવનનો ધબકાર પ્રગટાવી રહ્યું છે.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.