ગુજરાતી લોકોની વેપારી દષ્ટિ, મહાજન પરંપરા, કરુણા, લોકકલાઓ, ખાનપાન અને એશિયામાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતા સિંહને કારણે ગુજરાત ભારતમાં નોખું પડે છે. પરંતુ આઝાદી પછીના લગભગ ૬૦ વર્ષ સુધી ભારતમાં એક રાજ્ય તરીકે ગુજરાતની ઝાઝી નોંધ લેવાઈ નથી. વાસ્તવમાં ગુજરાત ભારતનું હંમેશા કમાઉ રાજ્ય રહ્યું છે. એ હકીકત અવગણી શકાય નહીં કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ગુજરાતને જાણીતું કરવામાં નોંધનીય કાર્ય કર્યું છે. આજનું ગુજરાત રાજ્ય જે સ્વરૂપમાં દેખાય છે તે મેળવવા ગુજરાતની જનતાએ લોહી રેડ્યું છે. મહા ગુજરાત આંદોલન તરીકે ઓળખાતા એ જનાક્રોશ થકી જ બૃહદ મુંબઈ રાજ્યમાંથી સ્વતંત્ર ગુજરાત બન્યું છે.
માવજી મહેશ્વરી
૧લી મે માત્ર ગુજરાતનો જ નહીં, મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે. કેમ કે ૧લી મે ૧૯૬૦ પહેલા ગુજરાતની જેમ મહારાષ્ટ્ર રાજ્ય પણ ન હતું. આ બન્ને રાજ્યોની રચના પાછળ રાજકીય ખેલ તો ખેલાયા જ છે, સાથે સાથે ખરા અર્થમાં લોહી રેડાયું છે. ભારતને આઝાદી મળ્યા પછી રાજ્યોની રચના કરી દેવામાં આવી અને ૧૯૫૨માં ભારતની પ્રથમ સંસદની ચૂંટણી પણ થઈ ગઈ. જોકે શરુઆતમાં રાજ્યોની રચનામાં ભાષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમ છતાં ગુજરાતને બૃહદ મુંબઈ રાજ્યમાં સામેલ કરવામાં આવ્યું. કેમકે તે વખતે મુંબઈ રાજ્ય હતું જ. પરંતુ રાજ્યોની રચના સામે અણગમાનો ગણગણાટ શરુ થયો. તેથી વર્ષ ૧૯૫૩માં ભારત સરકારે દેશમાં રાજ્યોની પુનર્રચના માટે ફઝલ અલીના પ્રમુખપદે ‘રાજ્ય પુનર્રચના પંચ’ નીમ્યું. આ પંચે દેશના વિવિધ વિસ્તારોમાં ફરીને બે વર્ષના અંતે ૧૯૫૫માં ભારત સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો. પંચે જે અહેવાલ સુપર્ત કર્યો તેમા એ વાત ખાસ કહેવાઈ હતી કે ભાષાના આધારે રાજ્યોની પુનર્રચના જરુરી છે. રાજ્યની રચનામાં ભાષાને પ્રાધાન્ય આપવાની પંચની ભલામણ હતી. પરંતુ પંચે મુંબઈ દ્વિભાષી રાજ્ય રહેવું જોઈએ એવી ભલામણ કરેલી. પંચની આ ભલામણ સામે ગુજરાત અને મુંબઈમાં જોરદાર વિરોધ થયો. ગુજરાતી લોકોએ ગુજરાત અને મરાઠી લોકોએ પોતપોતાના સ્વતંત્ર રાજ્યની માગણી કરી.
૮ મી ઓગસ્ટ ૧૯૫૬ના રોજ ફજલ પંચની ભલામણો સંદર્ભે વર્તમાનપત્રોમાં એવા સમાચાર છપાયા કે લોકસભામાં ઠરાવ થયો છે કે તેમા બૃહદ મુંબઈ દ્વિભાષી રાજ્ય રહેશે. આ ઠરાવના વિરોધમાં અમદાવાદમાં વિદ્યાર્થીઓએ હડતાલ પાડી તત્કાલિન શાસકપક્ષ કોંગ્રેસ ભવન તરફ કૂચ આદરી. કોંગ્રેસ ભવન તરફથી ગોળીબાર થયો. જેમાં આઠ જેટલા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. આમેય ગુજરાતમાં સ્વતંત્ર રાજ્યનો ચરુ ઉકળતો હતો. એ લોહિયાળ ઘટનાના આખાય ગુજરાતમાં પડઘા પડ્યા. અહીં રસપ્રદ મુદ્દો એ પણ છે કે મહા ગુજરાત ચળવળની રચના પ્રજાએ કરી જ ન હતી. ખુદ શાસક પક્ષ કોંગ્રેસે જ પ્રજામાં આશા જગાવી હતી કે સ્વતંત્ર ગુજરાત મળશે. એજ કોંગ્રેસે દ્વિભાષી રાજ્યના ઠરાવ ઉપર સહી કરી. પ્રજાને છેતરાઈ ગયા જેવું લાગ્યું. અને પ્રજામાં સ્વંભૂ આક્રોશ જાગ્યો. મહા ગુજરાતની ચળવળમાં લોહી રેડાયું તે પછી ઇંદુલાલ યાજ્ઞિકે ‘વનવાસ’ છોડીને ચળવળની આગેવાની લીધી અને મહા ગુજરાત જનતા પરિષદની રચના થઈ. જેની અસર આખાય ગુજરાતમાં પડી.

એક તરફ ગુજરાતમાં સ્વતંત્ર ગુજરાતની માગ પ્રબળ બની હતી તો બીજી તરફ મરાઠી ભાષી વિસ્તારોમાં ‘સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ’ થઈ ચૂકી હતી. પણ અહીં વિસ્તારો બાબતે નેતાઓ એક બીજા ઉપર દોષારોપણ શરુ થયા. ‘મહા ગુજરાત પરિષદ’ ના આયોજક અમૃત પંડ્યાએ મરાઠી નેતાઓ પર આરોપ લગાવ્યો કે ગુજરાતી ભાષી વિસ્તારોમાં મરાઠી નેતાઓ મરાઠીભાષી લોકો વસાવી રહ્યા છે. નવાઈ તો એ વાતની છે કે મોરારજી દેસાઈએ ડાંગને મરાઠી ભાષી વિસ્તાર જાહેર કરી દીધો. જોકે મરાઠી નેતાઓ વાંસદા, ધરમપુર વગેરે હાલના ડાંગના વિસ્તારને સંયુક્ત મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો પ્રયાસ તો કરી જ રહ્યા હતા. પરંતુ મરાઠી નેતાઓને બહુ મોટી ચિંતા મુંબઈની હતી. વળી ચિંતા બે જાતની હતી. એક તો મુંબઈ ગુજરાતમાં ન જાય તેની અને સ્વતંત્ર મુંબઈ સ્ટેટ ન બને તેની. મરાઠી નેતાઓની ચિંતા સકારણ હતી. કેમ કે તે વખતે મુંબઈમાં ૪૯ ટકા વસ્તી ગુજરાતીઓની હતી. ઉપરાંત બીન મરાઠી અને ગુજરાતી ઉદ્યોગપતિઓની એવી ઈચ્છા હતી કે મુંબઈ ગુજરાત કે મહારાષ્ટ્ર બેયમા ન જતાં તે સ્વતંત્ર સીટી સ્ટેટ બને. કેમ કે કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં આ મુદ્દો ચર્ચાયો હતો. જેવી આ મુદાની જાહેરાત થઈ કે મુંબઈમાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યા. જેમા ૩૭ લોકોના મૃત્યુ થયા. પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા. સ્વતંત્ર મહારાષ્ટ્રની માગણી સાથે મુંબઈ માટે કોઈ પણ હદે લડી લેવાનું મરાઠી નેતાઓએ નક્કી કરી લીધું. એક તરફ મુંબઈ સળગતું હતુ, તો ગુજરાતમાં પણ હિંસક તોફાનો શરુ થયા હતા. એવામાં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણે કહ્યું કે મુંબઈ સદભાવપૂર્વક મહારાષ્ટ્રને સોંપી દેવું જોઈએ. ગુજરાતના સમાજવાદી પક્ષે આ વાતનો સ્વીકાર કરી લીધો. તો ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેએ કહ્યું કે એક મહારાષ્ટ્રીયન તરીકે હું મુંબઈ પર મારો દાવો કરું છું પણ આ નિર્ણય હું ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું. બીજી તરફ નેહરુએ કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રમાં જશે તો મને આનંદ થશે. આ બધાને પરિણામે મહારાષ્ટ્રનું આંદોલન સક્રિય બન્યું અને મુંબઈના સામ્યવાદી, કોંગ્રેસીઓ તેમજ મહારાષ્ટ્રના ઉદામવાદી નેતાઓ મુંબઈ સહિત મહારાષ્ટ્રની માગણી કરવા લાગ્યા. એ સમયે મુંબઈમાં એવો કોઈ બળવાન ગુજરાતી નેતા ન હતો કે મુંબઈમાં પ્રભાવ પાડી શકે. મોરારજી દેસાઈનું વલણ બેવડું હતું. એક તો તેઓ પોતે મુંબઈથી વધુ નજીક રહેતા હતા, ઉપરાંત તેઓ સારું મરાઠી બોલી શકતા હોવાને કારણે મુંબઈ સાથે તેમનો સાંસ્કૃતિક નાતો પણ હતો. તે વખતે મુંબઈમાં રહેનારા ગુજરાતી ઉદ્યોગપતિઓ મુંબઈ ગુજરાતમાં જાય તે બાબતે ઝાઝા ઉત્સાહી ન હતા. ઉપરાંત મરાઠી નેતાઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે જો મુંબઈ મહારાષ્ટ્રમાં રહેશે તો તમારા હિતોનું ધ્યાન રાખવામાં આવશે. આ બધાને કારણે પેલી તરફ ગુજરાતનું આંદોલન કંઈક નબળું પડ્યું હતું.
એક તરફ મુંબઈ માટે મરાઠી નેતાઓ જંગે ચડ્યા હતા તો બીજી તરફ એમની નજર ડાંગ ઉપર પણ હતી. એમનો દાવો હતો કે ડાંગ વિસ્તારની ભાષા મરાઠી છે માટે તેને મહારાષ્ટ્રમાં સામેલ કરવું જોઈએ. તો બીજી તરફ ગુજરાતીઓનો દાવો હતો કે ડાંગની સંસ્કૃતિ ગુજરાતી છે માટે તે ગુજરાતમાં હોવું જોઈએ. ગુજરાત તરફથી ‘ ડાંગ કોનું ?’ એવી પુસ્તિકાઓ પણ બહાર પાડવામાં આવી. છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયક જેવા સર્વોદયના કાર્યકરોએ દિલ્હી જઈને ડાંગની ગુજરાતી સંસ્કૃતિ વિશેના પુરાવાઓ આપ્યા. એમના થકી જ ડાંગ આજે ગુજરાતમાં છે.
સાડા ત્રણ વર્ષના અંધાધૂંધી ભર્યા સમયમાં મરાઠી અને ગુજરાતી નેતાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ રચાઈ ગયું હતું. છુટીછવાઈ હિસાના ભય વચ્ચે આખરે ૬ ડીસેમ્બર ૧૯૫૯ના રોજ દિલ્હીમાં બૃહદ મુંબઈ રાજ્યના વિભાજન માટે કોંગ્રેસના હાઈ કમાન્ડની એક સમિતિ મળી. આ સમિતિએ જ જાહેર કર્યું કે મુંબઈ બાબતે સમજુતી થઈ ગઈ છે. સમજુતી પ્રમાણે મુંબઈ મહારાષ્ટ્રમાં જ રહેશે. જ્યારે ડાંગ ગુજરાતમાં જશે. સમિતિ મળી એના બીજા જ દિવસે એટલે કે ૭ ડીસેમ્બર ૧૯૫૯ના રોજ બૃહદ મુંબઈ રાજ્યના વિભાજનની દરખાસ્તને મંજુરી આપી દેવાઈ. તે પછીના વર્ષની શરુઆતે એટલે કે ૧લી મે ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ગુજરાત અને સ્વતંત્ર મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં.
ગુજરાત રાજ્ય ૧લી મે ને ગૌરવ દિવસ તરીકે ઉજવે છે ૧૯૬૦૨૪ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતું ગુજરાત હંમેશા ભારતના અર્થતંત્રને મદદ કરતું રહેલું એક ઉદ્યમી રાજ્ય રહ્યું છે. .
શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com
સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે