મંજૂષા – ૩૪. રાક્ષસી વૃત્તિનો પડછાયો હજી ખસ્યો નથી

– વીનેશ અંતાણી

કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદ દુનિયામાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા બળાત્કારના અપરાધ સામે લડત ચલાવતાં રહ્યાં છે

·

બે હજાર અઢારના વર્ષમાં શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદને સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. આ બંને વ્યક્તિ દુનિયામાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા બળાત્કારના અપરાધોની સામે લડત ચલાવી રહી છે. ડૉ. મુકવેગેએ ગાયનોકોલોજિસ્ટ છે. એમણે યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર કરવામાં આવેલા બળાત્કારોથી પીડિત એક હજારથી વધારે મહિલાઓની સારવાર કરી છે અને તેઓ આ પ્રકારના યૌનશોષણની વિરુદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવતા રહ્યા છે. નાદિયા મુરાદ ખુદ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના બળાત્કારોની ભોગ બનેલી યુવતી છે. એણે એના પર ગુજારવામાં આવેલાં જઘન્ય કૃત્યોની વિગતો હિંમતભેર દુનિયા સામે જાહેર કરી છે. આ બંને મહાનુભાવોએ માનવજાતના અત્યંત વિદ્રુપ અને કાળા ચહેરાનો પર્દાફાશ કર્યો છે. આજનું વિશ્ર્વ સભ્યતાની ગમે તેટલી વાતો કરતું હોય, રાક્ષસી વૃત્તિનો કાળો પડછાયો હજી ખસ્યો નથી.

નાદિયા મુરાદ ઇરાકના કોજો ગામની લઘુમતિ કોમ યજીદીના ખેડૂત પરિવારની દીકરી. એ ઓગણીસ વર્ષની હતી ત્યારે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ એમના સમુદાય પર હુમલો કર્યો. છસો જણને મારી નાખ્યા. એમાં નાદિયાના છ ભાઈઓનો પણ સમાવેશ થતો હતો. આતંકવાદીઓ નાદિયા જેવી છ હજાર સાતસોથી વધારે યુવતીઓને ઉપાડી ગયા, ગુલામ બનાવી અને એમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યા.

ત્યાર પછી એની સાથે બનેલી ઘટનાઓ વિશે એણે કહ્યું છે: ‘અમને બસમાં લઈ જવામાં આવી. રાતે યુવતીઓના વેચાણનું બજાર ખૂલ્યું. એ લોકો અમને ખરીદવા આવ્યા. બધી યુવતીઓ ચીસો પાડવા લાગી. ઘણી યુવતીઓ તો ઊલટી કરવા લાગી. આતંકવાદીઓ રૂમમાં ફરતા ફરતા દરેક યુવતીને ખરીદી માટે મુકાયેલી ચીજોની જેમ ‘તપાસવા’ લાગ્યા. અમારા કાલાવાલા કે રુદનની એમના પર કોઈ અસર થઈ નહીં. એમણે પહેલાં સૌથી રૂપાળી યુવતીઓને પસંદ કરી, એમનાં મોઢાં અને વાળ પર હાથ ફેરવતા એમની ઉંમર વિશે પ્રશ્ર્નો પૂછવા લાગ્યા. ગાર્ડને પૂછતા હતા: ‘આ હજી કુંવારી તો છેને?’ દુકાનદાર વેચવાના માલ વિશે જવાબ આપતો હોય એમ ગાર્ડ ગર્વભેર જવાબ આપતો હતો: ‘અલબત્ત.’ અમારી સાથે કસાઈવાડે આવેલાં પશુ જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. અમે ચીસો પાડતી હતી, એમને ધક્કા મારતી હતી, અમારી તરફ લંબાયેલા હાથને ઝાટકો મારી બચવાની કોશિશ કરતી હતી.’

દૈત્ય જેવો એક આતંકવાદી નાદિયા પાસે આવ્યો. એને ઊભી કરવા લાત મારી. એને ગુલામડી તરીકે ખરીદીને ઉપાડી ગયો. ઘરમાં કેદ રાખી, એના પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યા. એ વિરોધ કરે કે નાસી જવાનો પ્રયત્ન કરે તો ઢોરમાર મારવામાં આવતો, સિગારેટના ડામ દેવામાં આવતા. એને બીજા આતંકવાદીઓને વેચવામાં આવી. એ લોકો પણ એના પર એવા જ અત્યાચાર કરતા હતા. એક દિવસ નસીબે યારી આપી. એનો ‘માલિક’ બહાર ગયો ત્યારે ઘરને તાળું મારવાનું ભૂલી ગયો. નાદિયા ભાગી છૂટી. યજીદી સમુદાય માટે સહાનુભૂતિ ધરાવતા લોકોએ એને ઇરાકના નિરાશ્રિતોના કેમ્પમાં પહોંચાડી. એણે ફેબ્રુઆરી ૨૦૧૫માં બેલ્જિયમના એક દૈનિક અખબારના પત્રકારોને પોતાની યાતના વિશે પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો. નિરાક્ષિતોને આશ્રય આપવાના પ્રોગ્રામ હેઠળ એને જર્મનીમાં પ્રવેશ મળ્યો. ત્યારથી જર્મની એનું નવું ઘર બન્યું છે.

નાદિયા મુરાદે યુનાઈટેડ નેશન્સમાં પોતાની વાત રજૂ કરી. એ કહે છે: ‘હું પહેલી વાર એક વિશાળ ઓડિયન્સ સામે મારી વીતકકથા કહેવાની હતી. હું એમને આતંકવાદીઓએ કરેલા નરસંહાર, એમના જુલમોને લીધે માર્યાં ગયેલાં બાળકો, હજી પણ પહાડોમાં ફસાયેલાં પરિવારો, હજારો મહિલા અને બાળ કેદીઓની બધી વાત કહેવા માગતી હતી. હું તો યજીદી સમુદાયના લાખો લોકો સાથે થયેલા જઘન્ય અપરાધના શિકારની એક પ્રતિનિધિ હતી. અમારી સાથે જે બન્યું છે તેના વિશે દુનિયાએ ઘણું સાંભળવાની જરૂર હતી. મારે વિશ્ર્વના સત્તાધારીઓને કહેવાનું હતું કે એમણે શું કરવાની જરૂર છે. એમણે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના નેતાઓ અને એમના અમાનવીય, ઘાતકી, કાર્યોમાં સાથ આપનાર બધા લોકો સામે કડક હાથે પગલાં લેવાની જરૂર છે. મારા પર થયેલા જુલમો અને બળાત્કારો વિશે મારે કશું જ છુપાવ્યા વિના કહેવાનું હતું. એ વિશે પ્રામાણિકપણે બધું જ કહેવાનો નિર્ણય ઘણો કઠિન હતો, પરંતુ મારે એ કહેવું જ પડે તેમ હતું.’

અને નાદિયા મુરાદ એના પર ગુજારવામાં આવેલા અત્યાચારોની વિગતો દુનિયાને બેધડક આપતી રહી છે. એ કહે છે: ‘મેં સહન કરેલી યાતનાઓની વાતો કરવી સહેલી નથી. હું એની વાત કરું છું ત્યારે એ બધી જ યાતનાઓને ફરી વાર જીવી રહી હોઉં છું, પરંતુ તે સિવાય મારી પાસે બીજું કોઈ શસ્ત્ર પણ નથી. હું એ નરાધમોને સજા થતી જોવા માગું છું. આશા રાખું છું કે આ પ્રકારની વાત કહેવી પડે એવી હું દુનિયાની સૌથી છેલ્લી યુવતી હોઉં.’ નાદિયા મુરાદ અને ડૉ. મુકવેગેને નોબેલ પ્રાઇઝ તો મળ્યું, પણ એમની વાત દુનિયાની કાને પડી છે ખરી?


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com


સંપાદકીય નોંધ: અહીં દર્શાવેલ તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશિધાકર મૂળ રચયિતાને સ્વાધીન છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.