મત્લા-પંચક

ગઝલના પ્રથમ શેરના બંને મિસરામાં કાફિયા રદીફની યોજના પાળવામાં આવે છે. આવા પ્રથમ શેરને મત્લા કહેવામાં આવે છે. મત્લાના આ શેરથી ગઝલકારના રદીફ અને કાફિયા સ્થાપિત થાય છે. આજે અહીં બે કવિના જુદા જુદા પાંચ મત્લા, સુરતના શ્રી ઉત્તમ ગજ્જરના સૌજન્યથી, આભાર સહ પ્રસ્તૂત છે..

( દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com –   વેબગુર્જરી સંપાદન સમિતિ ,  પદ્ય સાહિત્ય સમિતિ વતી.)


સુનીલ શાહ

                             ૧.

છે સજ્જતા જરૂરી, નહિતર જવાય નહિ.
ઘર ઊંચું હોય છે કવિનું, એ ભુલાય નહિ.

                            ૨.

હો તડકો કે છાંયો કંઈ પણ, સઘળું ઉત્તમ.
જીવવાનું ફાવે તો હર ક્ષણ, સઘળું ઉત્તમ.

                            ૩.

મને હું જ્યારે મળું છું ત્યારે હમેશાં એવો વિચાર આવે,
બધાનું જીવન હર્યું ભર્યું હો, કદાચ એવી સવાર આવે.

                              ૪.

થવાનું હશે એ થવાનું જ છે,
તમારે કે મારે જવાનું જ છે.

                               ૫.

છોડ હવે.. મંદીરે શું દિવો કરવાનો,
માણસ ગબડે તો એને બેઠો કરવાનો.


સુનીલ શાહ: સંપર્કઃ +91 94268 91670

******************************************************

મનોજ જોશી

                             ૧.

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

                             ૨.

ક્યારેક થાય ભુલ તો ગુલમોર ચીતરૂં,
કાયમ તને હું યાદ કરી થોર ચીતરૂં,

                             ૩.

લગાવું શુંને હું કાનાથી આગળ?
લખી શું શકે કોઈ આનાથી આગળ!

                                ૪.

સવાલો તીર થઈ ખુંચે છે, મારો જીવ લઈ લેશે;
બધા તારા વિશે પુછે છે, મારો જીવ લઈ લેશે.

                                ૫.

ક્યાં કહું છું કે દાવ છોડી દો,
ખેલ ખેલો; તણાવ છોડી દો.


ડૉ. મનોજ જોશી ‘મન’: સંપર્કઃ +91 98242 2859૮

************************************************************************

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *