બુલો સી.રાની: શમા સે સીખા જલ જાના……

મે મહિનામાં હિંદી ફિલ્મોના એક ખુબ પ્રતિભાશાળી, પણ ઓછા સફળ ગણાયેલા, સંગીતકાર બુલો સી રાનીની જન્મ તિથિ તેમજ અવસાન તિથિનો મહિનો છે. તેમની યાદમા બીરેનભાઈ કોઠારીએ તેમના બ્લૉગ પર લગભગ છ વ્રર્ષ પહેલાં બુલો સી રાની સથેની તેમની મુલાકાતને યાદ કરતો એક લેખ લખ્યો હતો. તે લેખની સંશોધિત આવૃતિ ફરી એક વાર પ્રકાશિત કરી છીએ.

સંપાદક મંડળ – વેબ ગુર્જરી

બીરેન કોઠારી

ઘણા વખત પહેલાં મિત્ર દીપક સોલિયાએ ફેસબુક પર એક સ્ટેટસ મૂકેલું, જેમાં તેમણે બહુ વિચારપ્રદ વાત લખી હતી. એ દિવસે રાહુલ દેવ બર્મનની પુણ્યતિથિ હતી, અને એ નિમિત્તે ચોફેર જે રીતે ‘પંચમ’,‘પંચમ’ થઈ રહ્યું હતું એ જોઈને તેમણે પીડાપૂર્વક લખેલું,‘કળા ફક્ત રાજ્યાશ્રયે કે ધનાશ્રયે નથી ટકતી, એ લોકાશ્રયે ટકે છે. સારો કળાકાર, સારી કળા નિષ્ફળ સાબિત થાય ત્યારે સૌથી મોટો વાંક લોકોનો, જનતાનો, ચાહકોનો હોય છે.’ અનેક પરિબળો પૈકીનું આ એક પરિબળ પણ કલાકારનાં અંતિમ વર્ષોને દુ:ખદ બનાવવામાં કારણભૂત હોય છે, એમ તેમનું કહેવું હતું. એ બાબતે ઘણા લોકોએ પોતપોતાના મત વ્યક્ત કર્યા. પણ એ વાંચ્યું ત્યારથી મને તીવ્રપણે એક સંગીતકાર યાદ આવતા રહ્યા હતા. તેમના વિશે લખવાનું બહુ મન છે, પણ વાત એવી છે કે લખતાં હાથ ઉપડતો નથી.

imageએ સંગીતકાર એટલે બુલો ચંડીરામ રામચંદાની.( ૬ મે ૧૯૨૦ – ૨૪ મે ૧૯૯૩) આવા લાંબા નામને ટૂંકાવીને તેમણે બુલો સી. રાની કરી દીધું અને એ નામે જ ફિલ્મોમાં સંગીત આપ્યું. ટી.વી.ના નામે જ્યારે એક માત્ર દૂરદર્શન હતું ત્યારે ક્યારેક મોડી રાત્રે જૂની ફિલ્મો દેખાડાતી. એક વખત ‘જોગન’ ફિલ્મ પણ આ રીતે બતાવાઈ, જે આખી જોઈ અને બુલો સી. રાનીના નામનો પહેલવહેલો પરિચય થયો. આ વાત આશરે ૧૯૮૮-’૮૯ ની આસપાસની હોવી જોઈએ. ‘જોગન’નાં બધાં જ ગીતો, ખાસ તો તેનાં લોકપ્રિય ભજનો ઉપરાંતનાં ગીતો સાંભળીને દિલમાં એવાં ચોંટી ગયા કે એમ થયું કે આ સંગીતકારના કામ વિષે વધુ જાણકારી મેળવવી જોઈએ. એ સમયે જૂના ફિલ્મસંગીતમાં રસ પડવાની શરૂઆત થઈ ગઈ હતી, પણ જાણકારી મેળવવાનો ખાસ આરંભ થયો ન હતો. એવા સંપર્કો પણ હતા નહીં. ત્રેવીસ-ચોવીસની ઉંમરે એવી પણ ખબર નહોતી પડતી કે ફિલ્મસંગીતના વિષયમાં એક હદથી આગળ જઈ શકાય કે કેમ. એ વખતે તો ‘જોગન’નાં ગીતો ફરી સાંભળવાં હોય તો પણ ક્યાંથી મેળવવાં એ સવાલ હતો. એટલે ઉર્વીશ સાથે એની વાતો ‘શેર’ કરીને સંતોષ માનતો. નામની પાછળ ‘રાની’ આવતું હોવાને કારણે એ પણ ખબર નહોતી પડતી કે આ સંગીતકાર કોઈ મહિલા છે કે પુરુષ! જો કે, ત્યારે ઑલ ઈન્‍ડીયા રેડીયોની ઉર્દૂ સર્વિસ નિયમીત સાંભળતા હોવાથી અનેક જાણીતાં-અજાણ્યાં નામો કાને પડતાં હતાં, જે ધીમે ધીમે દિલમાં કાયમ માટે સંઘરાઈ ગયાં.

‘બિલ્વમંગલ’ (૧૯૫૪)નું સુરૈયાએ ગાયેલું ‘પરવાનોં સે પ્રીત સીખ લે’ આ રીતે જ સાંભળેલું હતું, અને અતિ પ્રિય હતું. પણ પછી ખબર પડી કે તેના સંગીતકાર બુલો સી. રાની હતા. આ ગીત સાંભળ્યા પછી બુલો સી. રાની વિષે જાણવાની તાલાવેલી ખૂબ વધી ગઈ.

‘બિલ્વમંગલ’ (૧૯૫૪)નું આ ગીત.

પછી ખબર પડી કે ‘અલ હિલાલ’ (૧૯૫૮) ની અતિ લોકપ્રિય અને જાણીતી કવ્વાલી ‘હમેં તો લૂટ લિયા મિલકે હુસ્નવાલોં ને’ પણ બુલો સી. રાનીએ સંગીતબદ્ધ કરી હતી. અલબત્ત, ઈસ્માઈલ આઝાદ એન્‍ડ પાર્ટીએ ગાયેલી આ કવ્વાલીમાં ફક્ત સંગીતકાર તરીકે જ બુલોસાહેબનું નામ હોય એવી શક્યતા પૂરેપૂરી ખરી.

આ અરસામાં અમારો સંપર્ક રજનીકુમાર પંડ્યા સાથે થયો. તેના મૂળમાં અમારો વાંચનપ્રેમ ઉપરાંત જૂના ફિલ્મસંગીત પ્રત્યેનો પ્રેમ પણ ખરો. રજનીકુમારે જૂના ફિલ્મસંગીતના સમગ્ર બ્રહ્માંડનાં દર્શન કરાવ્યા. હરમંદીરસીંઘ ‘હમરાઝ’, હરીશ રઘુવંશી જેવા સંશોધકોનો નામથી પરિચય પણ તેમના થકી જ થયો. રજનીકુમારે અમને ‘હમરાઝ’ દ્વારા પ્રકાશિત ત્રિમાસિક ‘લીસ્નર્સ બુલેટીન’ સૂચવ્યું. ગાગરમાં સાગર જેવા આ ચોપાનિયાનું લવાજમ પણ અમે ઝડપથી ભરી દીધું, અને તે ઘેર આવતું થઈ ગયું. એ પછી થોડા સમયમાં અમે રૂપિયાનો મેળ પાડીને એના તમામ જૂના અંકો પણ મંગાવી લીધા.

આ ગાળામાં ‘હમરાઝ’ પોતાના અભૂતપૂર્વ ગ્રંથો ‘હિન્‍દી ફિલ્મ ગીતકોશ’નું સંકલન કરી રહ્યા હતા, અને એ માટે તે અનેક સંગીતપ્રેમીઓના સહયોગથી પ્રવાસો ખેડી રહ્યા હતા. પોતાના પ્રવાસના અહેવાલ તે નિયમીતપણે ‘લીસ્નર્સ બુલેટીન’માં લખતા, જે અમે રસપૂર્વક વાંચતા. ‘હમરાઝ’ની ખાસિયત એ હતી કે જે પણ કલાકારને તે મળવા ગયા હોય તેનું આખું સરનામું અને ફોન નંબર પણ સાથે લખતા. આ જોઈને અમે એક અલગ ડાયરી જ બનાવી દીધી, અને ફિલ્મી હસ્તીઓના સરનામાં, ફોન નંબર એમાં ટપકાવવા માંડ્યા. આવા જ એક અહેવાલમાં તેમણે બુલો સી. રાની સાથેની પોતાની મુલાકાતની વાત લખી હતી, અને તેમનો સંપર્ક પણ આપ્યો હતો. આ વાંચીને અમને પહેલો સુખદ આંચકો એ લાગ્યો કે બુલો સી. રાની વિષે કંઈક જાણવા મળ્યું, એટલું જ નહીં તે હજી હયાત પણ છે!

**** **** ****

યોગ્ય ઉંમરે આવતી મુગ્ધાવસ્થા અમુક રીતે બહુ ઉપકારક હોય છે. જીવનની કઠિન વાસ્તવિકતાઓ સાથે હજી પનારો પડવાનો આરંભ ન થયો હોય એટલે એક પ્રકારનું ‘રોમેન્‍ટીસીઝમ’ વિચારોમાં હોય છે. આ ‘રોમેન્‍ટીસીઝમ’ને લઈને ઘણી વાર એવાં કામો થઈ જતાં હોય છે કે જે પાકટ અને ઠરેલ થયા પછી વિચારવાંય અઘરાં લાગે. અમે કંઈક એવું જ કામ વિચાર્યું હતું અને વિના વિલંબે તેને અંજામ દેવાનું નક્કી કર્યું હતું.

અમને ખ્યાલ આવતો ગયો કે જૂના ફિલ્મસંગીત સાથે સંકળાયેલા અનેક કલાકારો હજી હયાત છે અને મોટા ભાગના મુંબઈમાં જ રહે છે. અમને થયું કે બસ, મળાય એટલી વહેલી તકે આમાંના ઘણાને મળી લેવું. મળીને શું કરવાનું? એ ખબર ન હતી. ઘણા કલાકારો એવાય હતા, જેમનું અમને નામ, અથવા તો થોડુંઘણું કામ જ ખબર હતી. છતાંય તેમને મળવું તો ખરું જ. કારણ એ કે તેમના કામ વિષે જાણવા માટે ઘણો સમય હતો, પણ મળવા માટેનો સમય ઘણો ઓછો! કેમ કે, મોટા ભાગના કલાકારો ઉત્તરાવસ્થામાં હતા. તેમને મળીને શી વાત કરવી એ પણ નક્કી ન હતું કે ખબર ન હતી. તેમને અમારી ઓળખાણ શી રીતે આપવી એ પણ મૂંઝવણ હતી. તેમની મુલાકાત અને એ દરમિયાન પાડેલી તસવીરો ક્યાંય પ્રકાશિત થાય એવી કોઈ શક્યતા ન હતી, કેમ કે, લેખન કે પત્રકારત્વ સાથે દૂરનો સંબંધ પણ નહોતો અને થાય એવી કોઇ શક્યતા પણ જણાતી ન હતી. અરે, એ લોકો અમારા જેવા એમ જ પહોંચી જાય તો અમને મુલાકાત આપે કે નહીં, એ પણ સવાલ હતો. છતાં પ્રયત્ન કરવાનું અમે નક્કી કરી લીધું. મુખ્ય એજન્‍ડા એ જ કે એક સમયના એ ધુરંધર કલાકારોને મળવું, તેમની સાથે થોડી મિનીટો ગાળવી, તેમના પ્રત્યે ઋણભાવ અને આભારભાવ દર્શાવવો અને તેમની સાથેની મુલાકાતની યાદગીરી સાચવી લેવી.

હું નોકરીમાં અઠવાડિયાની રજા મૂકતો. ઉર્વીશ ત્યારે ભણતો હતો, એટલે તેને એવો સવાલ ન હતો. કોઈ ને કોઈ મિત્રનો એસ.એલ.આર. કેમેરા અમે ઉછીનો લેતા. અને મુંબઈ ઉપડતા. મુંબઈમાં અમારાં બે ઘર હતાં. એક સગા કાકા સુરેન્‍દ્ર કોઠારીનું, અને બીજા હતા પપ્પાના મસિયાઈ ભાઈ શૈલેષ પરીખનું. મુંબઈમાં રહેતા લોકોને નવી ફિલ્મોનું ઘેલું ધરાવતા પરગામ રહેતા સગાઓ આવે એની નવાઈ ન હોય. જો કે, અમારું ક્ષેત્ર જરા જુદું હતું. પણ આ બન્ને ઘરો એવાં હતાં કે અમારા ઉત્સાહ પર ઠંડુ પાણી ફેરવવાને બદલે તે અમને સહકાર આપતા. સુરેન્‍દ્રકાકાના બન્ને દીકરાઓ (હવે તો સ્વ.) કિસનભાઈ અને મયુરભાઈ અમારી સાથે આવતા. તો શૈલેષકાકા પોતાના સંપર્કોથી કોઈ ને કોઈ કલાકાર સાથે અમારી મુલાકાત ગોઠવવાનો પ્રયત્ન કરતા. નૌશાદ સાથે અમારી સૌ પ્રથમ મુલાકાત તેમણે જ પોતાના એક મિત્ર દ્વારા ગોઠવી આપેલી.

એ વખતે મારી ઉંમર ત્રેવીસ-ચોવીસની અને ઉર્વીશની સત્તર-અઢારની. આને લઈને ઘણી વાર કામ આસાન થઈ જતું, તો ક્યારેક તકલીફ પણ પડતી. તકલીફ એ રીતે પડતી કે એ કલાકારોને ક્યારેક એમ લાગે કે આવા લબરમૂછિયાઓને શી ખબર હોવાની જૂના સંગીત વિષે? તો ફાયદો એ થતો કે અમારા મોંએથી તેમની ફિલ્મોનાં અને અન્ય કલાકારોનાં નામ સાંભળીને તેમને નવાઈ લાગતી કે આવાં નામ અમને ક્યાંથી ખબર!

**** **** ****

૩૧ માર્ચ, ૧૯૯૧ના દિવસે મુંબઈમાં હિન્‍દી ફિલ્મ ગીતકોશ, ખંડ- ૫ (૧૯૭૧-૮૦) નો વિમોચન સમારંભ યોજાવાનો હતો, જેમાં તમામ સંગીતપ્રેમીઓને નિમંત્રણ હતું. આ કાર્યક્રમ વિષે બહુ વિગતે હું કે ઉર્વીશ કદીક લખીશું. કેમ કે તેણે અમારા ઘડતર પર બહુ ઊંડી અસર કરેલી છે. ઉપસ્થિત રહેનારાં કલાકારોની સંભવિત યાદી વાંચીને જ અમે નક્કી કરી લીધું કે આ કાર્યક્રમમાં કોઈ પણ ભોગે જવું. ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જ અમે મુંબઈ ઉપડ્યા.

અગાઉ ૧૯૮૪માં મુંબઈમાં જ યોજાયેલા હિન્‍દી ફિલ્મ ગીતકોશ, ખંડ- ૨ (૧૯૪૧-૫૦) ના વિમોચન સમારંભમાં બુલો સી. રાની, હંસરાજ બહલ, રાજકુમારી, જોહરાબાઈ, કમર જલાલાબાદી જેવા ધુરંધર કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તો અમને આ સંકલનની કશી જાણ ન હતી, પણ હવે એમાં હાજરી આપ્યા વિના રહેવાય એમ હતું નહીં.

બીરલા માતુશ્રી હૉલમાં એ સાંજે બહુ વિશિષ્ટ અને અનૌપચારિક માહોલ હતો. ધીમે ધીમે ચાહકો – કલાકારો આવતા જતા હતા. મુખ્ય હૉલની પડખે આવેલા એક પેસેજમાં ખુરશીઓ પડેલી હતી, તેમાં અમુક કલાકારો ગોઠવાયા હતા. કમર જલાલાબાદી કદાચ સૌથી પહેલા આવેલા. ત્યાર પછી જગમોહન સૂરસાગર આવ્યા. તે બેઠા હતા એની આસપાસ થોડા ચાહકો વીંટળાઈને ઉભા હતા. આ બન્નેની સાથે એક ત્રીજા સજ્જન પણ બેઠા હતા અને ત્રણેય જણ નિરાંતે વાતો કરતા હતા. કોણ હશે આ ત્રીજા સજ્જન? ટોળામાંથી કોઈકની ગુસપુસ કાને પડી- ‘વો બુલો સી. રાની હૈ’. આ સાંભળતાં જ રોમાંચ થઈ આવ્યો. પણ ખરેખર એ બુલો સી. રાની હતા કે કેમ? તેમની તસવીર કદી જોવા મળી નહોતી. એ કેવા દેખાતા હશે એનીય ખબર ન હતી. માહોલની અનૌપચારિકતા એવી હતી કે અમે તેમને જ પૂછી લેવાનું વિચાર્યું. એ સજ્જનની પાસે જઈને અમે હિંમતપૂર્વક પૂછ્યું,‘આપ બુલો સી. રાનીસાહબ હૈ?’ પેલા સજ્જને બહુ વિનમ્રતાપૂર્વક અમને ના પાડી. પછી અમને પડી કે એ સજ્જન પાકિસ્તાન ઈન્‍ટરનેશનલ એરલાઈન્‍સના જનરલ મેનેજર સુલતાન અર્શદ હતા, જે પોતે પ્રખર સંગીતપ્રેમી હતા. આ કાર્યક્રમમાં જ અમારી નલિન શાહ સાથે પહેલવહેલી મુલાકાત થઈ, જે આગળ જતાં ઘનિષ્ટ પારિવારિક મૈત્રીમાં પરિણમી.

ખેર! બુલો સી. રાનીનાં દર્શન આ કાર્યક્રમમાં ન થયાં. પણ કાર્યક્રમ યાદગાર રહ્યો.

એ પછી કલાકારોને ખાસ મળવા જવાના જ પહેલવહેલા આયોજનમાં અમને ઘણી સારી સફળતા મળી. આશા ભોંસલે, નૌશાદ, મજરૂહ સુલતાનપુરી, શ્યામ બેનેગલ જેવા પ્રિય કલાકારોને અમે મળી શક્યા, એટલું જ નહીં, તેમણે અમારી સાથે કરેલી વર્તણૂંકથી અમારો ઉત્સાહ બેવડાયો. ઘણા કલાકારોને ઘેર જઈને ડેલે હાથ દઈને પાછા પણ આવ્યા, છતાં જે સફળતા મળી એ ‘વકરો એટલો નફો’ જેવી હતી. આ તમામ મુલાકાતો વિષે પણ અલગથી લખવા વિચાર છે.

**** **** ****

મુંબઈની બીજી મુલાકાત પણ સફળ રહી, જે અમે મે, ૧૯૯૧માં લીધી હતી. આ મુલાકાતમાં કેદાર શર્મા, કે.એન.સીંઘ, ભગવાનદાદા, જોની વૉકર જેવા કલાકારો સાથે મુલાકાત થઈ શકી. આ ઉપરાંત સૌથી યાદગાર મુલાકાત થઈ સંગીતકાર બુલો સી. રાની સાથે.

કશી જાણ કર્યા વિના સીધા જ એક સાંજે અમે તેમના સરનામે જઈ ચડ્યા. એ દિવસ હતો ૨૫ મે, ૧૯૯૧નો. માહીમમાં એક ખખડધજ બિલ્ડીંગમાં ઉપરના માળે તે રહેતા હતા. નીચે બાળકો રમતાં હતાં. અમે એ ટોળા સામું જોઈને પૂછ્યું,‘બુલો સી. રાનીસા’બ યહીં રહતે હૈ?’ ટોળામાંની એક બાળકી આગળ આવી અને તેણે અમને ‘હાં’ કહીને યોગ્ય રસ્તો ચીંધ્યો. તદ્દન સાંકડો, વળાંકવાળો દાદર ચડીને અમે ઉપરના માળે પહોંચ્યા. બારણા પર તેમનું નામ ધરાવતી નેમપ્લેટ હતી. અમે અચકાતાં અચકાતાં ડોરબેલ દબાવ્યો. સામાન્ય રીતે બંધ બારણા પાછળથી સવાલ પૂછાતો હોય છે,‘કૌન હૈ?’ ડોકાબારી જેવું કંઈ હોય અને કોઈકનો ચહેરો દેખાય તો એની સામે જોઈને કશું કહી શકાય, પણ કોઈ ન દેખાતું હોય તો અમારો પરિચય આપવો અઘરો લાગતો. શું કહેવું? ચાહક છીએ? સંગીતપ્રેમી છીએ? છતાંય આવો સાચો પરિચય આપીએ એટલે તરત સવાલ તૈયાર જ હોય,‘ક્યા કામ હૈ?’ આ સવાલનો જવાબ એથીય અઘરો. ‘મિલના હૈ ઉનસે.’ એમ કહીએ તો જે તે વ્યક્તિ ઘરમાં હોય તો પણ તેના ઘરના સભ્ય કહી દે કે,‘કલ આના.’ આવા અનુભવો થયા હતા, થઈ રહ્યા હતા, એટલે અમે પાછા વળવાની માનસિક તૈયારી રાખીને જ બેલ મારતા.

તેને બદલે અહીં બારણું ખૂલ્યું એટલે હાશ થઈ. બારણું ખોલનાર એક મહિલા હતી, જેમણે અમારી વાત શાંતિથી સાંભળી. ત્યાર પછી ‘હાં, એક મિનટ’ કહીને તે અંદર ગયાં. જે રીતે તેમણે અમને સાંભળ્યા અને પછી અંદર ગયાં એનાથી અમે સખત રોમાંચિત હતા, કેમ કે, થોડા જ ફીટ દૂર અમારા પ્રિય સંગીતકાર કદાચ બેઠેલા હતા, અને હવે તેમની સાથે મુલાકાત નક્કી હતી. પેલાં બહેન તરત પાછાં આવ્યાં, અને અમને મીઠાશપૂર્વક આવકાર આપીને અંદર બોલાવ્યા. મારા અને ઉર્વીશ ઉપરાંત મારા પિતરાઈઓ કિસનભાઈ અને મયુરભાઈ પણ સાથે હતા.

અમે અંદર ગયા. અગાઉ કદી બુલો સી. રાનીનો ફોટો સુદ્ધાં જોવા નહોતો મળ્યો. અત્યંત પાતળા દેહવાળા, સહેજ લાંબા, લંબચોરસ મોં ધરાવતા એક વૃદ્ધ, ચશ્માધારી સજ્જન પેન્‍ટ- શર્ટ પહેરીને ખુરશીમાં બેઠા હતા. લાઈનીંગવાળું આખી બાંયનું શર્ટ તેમણે પહેર્યું હતું. કદાચ તે સ્નાન કરવા જવાની તૈયારી કરતા હશે, અને અમારું આવવાનું થયું હશે, એટલે પેન્‍ટ પર જ ટુવાલ વીંટાળીને તે બેઠા હતા. એ જ હતા બુલો સી. રાની. તેમણે હસીને અમને આવકાર્યા.

image

બુલો સી. રાની

અમે કેવળ તેમના થોડા ઘણા કામથી જ પરિચીત હતા.‘જોગન’માં ગીતાદત્તે ગાયેલાં મીરાંભજનો ‘ઘૂંઘટ કે પટ ખોલ’,‘એ રી મૈં તો પ્રેમ દીવાની’,‘મૈં તો ગિરિધર કે ઘર જાઉં’,‘મત જા મત જા જોગી’માં એક ગાયિકા તરીકે તેમની રેન્‍જનો અંદાજ મળી શકે, તેમ સંગીતકાર તરીકે બુલો સી. રાનીની ઉંચાઈનો પણ બરાબર ખ્યાલ આવે. આખી ફિલ્મમાં કુલ પંદર ગીતો, અને એ બધાં એક સાંભળો ને એક ભૂલો એવાં. આમાંથી બાર ગીતો તો ગીતાદત્તે જ ગાયેલાં.

image

અમારા જેવા ઘણાસંગીતપ્રેમીઓ હશે જેના મનમાં મીરાંભજનોની બુલો સી રાનીએ બનાવેલી ધૂન એવી ગોઠવાઇ ગઇ છે કે ત્યાર પછી બીજી કોઇ ધૂન એની જગ્યા ન લઇ શકે.

image

પત્ની સાથે બુલો સી. રાની

બુલોસાહેબની આસપાસ અમે જગા લીધી. તેમની સાથે તેમનાં પત્ની પણ બેઠેલાં હતાં. અમારા ચહેરા જોઈને તેમના મનમાં શું થયું હશે એ અમે જાણી શકીએ એમ નહોતા. પણ ધીમે ધીમે વાત ચાલુ થઈ ગઈ. પહેલાં થોડી ઔપચારિક વાતો, જેવી કે- ક્યાંના છીએ, શું કામ કરીએ છીએ, મળવા આવવાનો હેતુ શો, વગેરે..અમારી પાસે એસ.એલ.આર. કેમેરા અને ટ્રાયપોડ (બન્ને ઉછીનાં) હતાં, એ જોઈને કશી ગેરસમજ થાય એ અગાઉ અમે સ્પષ્ટતા કરી દીધી કે અમે કોઈ પત્રકાર કે મિડીયાવાળા નથી અને માત્ર ને માત્ર તમને મળવા જ આવ્યા છીએ. તેમણે એ ચોખવટ પર બહુ ધ્યાન ન આપ્યું. અમારી વાતો મુખ્યત્વે ‘જોગન’નાં ગીતોની આસપાસ ચાલતી રહી. બહુ સહજતાથી તેમણે વાતો આગળ વધારી.

લતા મંગેશકર જેવી ગાયિકા પહેલાં તેમને ઘેર ઘણી વાર આવતી હોવાનું તેમણે જણાવ્યું. એ પણ જાણવા મળ્યું કે તે વચ્ચે થોડા સમય માટે સંગીતના વર્ગો ચલાવતા હતા. વાતવાતમાં તેમણે જણાવ્યું કે આકાશવાણીના કામ સંદર્ભે તેમને અમદાવાદ આવવાનું થાય છે. આમ જણાવીને તેમણે કહ્યું, ‘આપ કા પતા દેના.’ આમ, લગભગ પોણો કલાક- કલાક સુધી તદ્દન અનૌપચારિક રીતે વાતો ચાલતી રહી. મુકેશની વાત પણ નીકળી.

મુકેશને ગાયક તરીકે બ્રેક ભલે અશોક ઘોષે ‘નિર્દોષ’ (૧૯૪૧)માં ‘દિલ હી બુઝા હુઆ હો તો’ દ્વારા આપ્યો, પણ એ પછીના શરૂઆતના અરસામાં મુકેશના સ્વરનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરનાર સંગીતકાર બે હતા. એક અનિલ બિશ્વાસ અને બીજા હતા બુલો સી. રાની. ‘મૂર્તિ’ (૧૯૪૫)માં મુકેશનાં ત્રણ ગીતો હતાં, જેમાં સૌથી લોકપ્રિય અને જાણીતું ગીત એટલે ‘બદરિયા બરસ ગઈ ઉસ પાર’. મુકેશની સાથે તેમાં હમીદા બાનો અને ખુરશીદનો પણ અવાજ હતો. આ ગીતમાં મુકેશનો કંઠ કેટલો તાજગીસભર લાગે છે!

વાત ચાલુ હતી એ દરમ્યાન ઘરમાં એક નાનકડી બાળકી પ્રવેશી. આ એ જ બાળકી હતી, જેને અમે નીચે સરનામું પૂછ્યું હતું. તે બુલોસાહેબની પૌત્રી હતી. બુલોસાહેબનાં પત્ની વચ્ચે વચ્ચે ગૃહિણીસહજ વાતો લાવી દેતાં હતાં, પણ બુલોસાહેબ એનાથી તદ્દન અલિપ્ત રહીને અમારી સાથે વાત કરી રહ્યા હતા. વચ્ચે તેમના હસમુખાં અને બોલકાં પુત્રવધૂ અમારા સૌ માટે શરબત લઈને આવ્યાં, અને અમને શરબતના પ્યાલા આપીને એક બાજુએ ઉભા રહી ગયાં. કદાચ તેમને અમારી વાતો સાંભળવાની મઝા આવતી હશે? કે પછી બુલોસાહેબને મળવા આવેલા અમારા જેવા છોકરડાઓને જોઈને નવાઈ લાગતી હશે? જે હોય તે, પોતે કશું બોલવાને બદલે તે આ આખી ઘટના આનંદપૂર્વક જોઈ રહ્યાં હતાં.

image

(ડાબેથી): બીરેન, કિસન, ઉર્વીશ, બુલોસાહેબની પૌત્રી, બુલો સી. રાની, તેમનાં પુત્રવધૂ અને (ખોળામાં) બીજી પૌત્રી

વાતો દરમિયાન અમે અમારી પાસેની ઓટોગ્રાફ બુક કાઢી અને તેમની સામે ધરી. ત્યાર પછી એક વૉકમેન કાઢ્યું, જે પણ ઉછીનું લાવેલું હતું. બુલોસાહેબ ચહેરા પર દિલગીરીના ભાવ લાવ્યા. ઓટોગ્રાફ આપવાની ના પાડી. કારણ? એમ નહોતું કે પોતે ભાવ માંગતા હતા. પણ તેમનો અંગૂઠો દુ:ખતો હતો, અને પેન પકડીને લખી શકાય એવી સ્થિતિ ન હતી. તેમણે કહ્યું,‘તીન-ચાર દિન કે બાદ આઓગે?’ ના પાડવાનો સવાલ જ ક્યાં હતો? અમે તરત જ હા પાડી દીધી અને દિવસ તેમજ સમય નક્કી કરી દીધો. ૨૯ મીએ સાંજે પાંચ વાગે અમારે ફરી આવવાનું હતું.

અમે ફોટા પાડતા રહ્યા. એ પછી અમે વધુ એક વિનંતી કરી. તેમને પોતાની કોઈ એક ફિલ્મનું ગીત ગુનગુનાવવા કહ્યું. અમારી આવી અણધારી માંગણી માટે એ તૈયાર ન હતા. તેમણે બહુ શાલીનતાપૂર્વક ના પાડી. અમારાથી તેમને દબાણ થાય એમ હતું નહીં. ખરી મઝા એ હતી કે બુલોસાહેબે આશરે એકવીસ જેટલી ફિલ્મોમાં થોડાં ગીતો પણ ગાયાં હતાં.

‘મુલાકાત’ (૧૯૪૭) નું ગીત – કલ ચલતે ચલતે ઉનસે મુલાક઼ાત ગો ગયી (ગીતકાર: ક઼મર જલાલાબાદી) – તેમણે ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ગાયું હતું.

અમને ત્યારે એ વાતની ખબર ન હતી કે તેમણે ગીતો પણ ગાયાં છે. તેમના અવાજની યાદગીરી અમારી પાસે સચવાઈ રહે એ જ અમારો હેતુ હતો. અત્યાર સુધી ઉભાં રહેલાં તેમનાં પુત્રવધૂ હવે અમારી વહારે આવ્યાં. ‘ડેડી, જબ યે લોગ ઈતના કહતે હૈ તો આપ થોડા ગા દિજીયે ન!’ આટલું કહીને તેમણે બુલોસાહેબને ‘મૂડ’માં લાવવા માટે કહ્યું,‘ઈસકે લીયે તો મૂડ હોના ચાહિયે. મૈં આપ કે લિયે એક પેગ બનાઉં?’ બુલોસાહેબથી ખરેખર ગવાય તેમ હશે નહીં, તેથી તેમણે ગાઈ શકવા માટે પોતાની અસમર્થતા દેખાડી.

આમ ને આમ કલાકેક વીત્યો. હવે અમે રજા માંગી. ચારેક દિવસ પછી અમારે હજી આવવાનું હતું- તેમના ઓટોગ્રાફ લેવા માટે. અમે નિયત દિવસે આવવાનો વાયદો કરીને વિદાય લીધી.

**** **** ****

૨૯ મેના દિવસે અમે સવારથી રોમાંચ અનુભવી રહ્યા હતા. સાંજના પાંચને બદલે સાડા ચાર-પોણા પાંચની વચ્ચે અમે બુલોસાહેબને ત્યાં પહોંચી ગયા. દાદર ચડીને ઉપર ગયા તો બારણે તાળું હતું. અમે વહેલા હતા, તેથી નિરાશ થયા વિના નીચે ઉતરી ગયા, અને એ બિલ્ડીંગની આસપાસ ટહેલવા લાગ્યા. દસેક મિનીટ પછી વળી પાછા ઉપર ગયા. હવે પાંચ વાગવા આવ્યા હતા, અને તે બહાર ગયા હોય તો આવવા જોઈએ, એમ વિચારીને અમે ત્યાં જ ઉભા રહેવાનું વિચાર્યું. અમારી ધારણા સાચી ઠરી. થોડી વારમાં જ બુલોસાહેબ દાદર ચડતા દેખાયા. તેમના હાથમાં એકાદ થેલી હતી. કદાચ કશું લેવા ગયા હશે. અમને ઉભેલા જોઈને તેમણે સ્મિત સાથે આવકાર આપ્યો. તાળું ખોલ્યું, પોતે અંદર પ્રવેશ્યા પછી અમને પણ આવકાર આપ્યો. અમે અંદર પ્રવેશ્યા એ પછી તેમણે અમને બેસવા કહ્યું. અમે ગોઠવાયા, એ દરમિયાન તે અંદર ગયા. થોડી મિનીટોમાં તે એક ખોખું હાથમાં લઈને બહાર આવ્યા.

image

(ડાબેથી): બીરેન, કિસન, ઉર્વીશ, બુલો સી. રાની

તે મિઠાઈનું બોક્સ હતું એ જણાઈ આવતું હતું. તેમણે બોક્સ ખોલ્યું. અમારી સામે બોક્સ ધરવાને બદલે તેમણે તે પોતાની તરફ જ રાખ્યું. અમે જોઈ રહ્યા હતા. અમને સમજ ન પડી કે એ શું કરી રહ્યા છે. તેમણે બોક્સમાંથી મિઠાઈનો એક ટુકડો લીધો. પોતાના હાથે અમારા સૌના મોંમાં મિઠાઈનો એક એક ટુકડો વારાફરતી મૂક્યો. અમારા જેવા અજાણ્યાઓનું આટલું બધું સન્માન! અમારા માનવામાં આવતું ન હતું!

image

બુલો સી. રાની ઓટોગ્રાફ આપી રહ્યા છે

અમારા જેવા અજાણ્યા ચાહકો માટે ખાસ મિઠાઈ લેવા માટે તે બહાર ગયા હતા! આવી ઈજ્જત અને સન્માન મળતું જોઈને ઘડીભર અમને લાગ્યું કે કશીક ગેરસમજ તો નથી થઈ ને! અમને તે કોઈક બીજી વ્યક્તિ તો નથી સમજ્યા ને! પણ ના, એમ નહોતું. અમારા જેવા તદ્દન અજાણ્યા, અને તેમની પેઢીથી કમ સે કમ બે પેઢી પછીના ચાહકોને બીરદાવીને તેમણે ખરેખર તો અમને તેમના સંગીત ઉપરાંત વર્તનથી જીતી લીધા હતા. અમે પણ એ જ બોક્સમાંથી એક ટુકડો લઈને તેમના મોંમાં મૂક્યો. શબ્દોની આપલેની કશી જરૂર નહોતી. ઘડીભર શાંતિ પથરાઈ ગઈ.

એ પછી અમે બેઠા. અમારી ઓટોગ્રાફ બુકમાં તેમણે પ્રેમથી ઓટોગ્રાફ કરી આપ્યા. તેમણે અમને ફોટા મોકલવા માટે જણાવ્યું. અમે ઉત્સાહપૂર્વક હા પાડી. થોડા સમય પછી અમે વિદાય લીધી. બુલોસાહેબનું સૌજન્ય અમારા દિલમાં ઊંડે સુધી કોતરાઈ ગયું.

image

સ્મૃતિશેષ

એ વખતે સ્થિતિ એવી હતી કે મિત્રો કેમેરા ઉછીનો આપતા, પણ પ્રિન્‍ટ્સ તો જાતે જ કઢાવવી પડતી, જેનો ખર્ચ બહુ આકરો લાગતો. પણ આ આનંદની સામે તે સરભર થઈ જતો. અમે પાછા મહેમદાવાદ આવ્યા અને પ્રિન્‍ટ્સ કાઢીને તેમને મોકલી આપી. તેમના તરફથી એ મળ્યાની પહોંચ ન આવી. અમને એવી અપેક્ષા પણ ન હતી.

**** **** ****

બે એક વરસ પછી એક દિવસ અખબારમાં એક ખૂણે બુલો સી. રાનીના અવસાનના સમાચાર વાંચ્યા. ૨૪ મે, ૧૯૯૩ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. અમારી પહેલી મુલાકાત થઈ એ પછી આશરે બે વરસે. તેમનાં ગીતોની સાથે સાથે તેમની સાથેની મુલાકાત અને તેમનો સૌજન્યશીલ વ્યવહાર યાદ રહી ગયાં હતાં. ઊંડે ઊંડે એક લાગણી એવી પણ થઈ કે અમે તેમને ‘વેળાસર’ મળી લીધું હતું. જો કે, એ પછી બુલોસાહબની પહેલી પુણ્યતિથિ નિમિત્તે નલિન શાહનો એક લેખ વાંચવા મળ્યો, જેમાં બુલોસાહેબની ઉત્તરાવસ્થા વિષે વિગતે વાત લખાઈ હતી. કેવા હતા તેમના આખરી વરસો?

૧૯૬૬માં ‘સુનહરે કદમ’ રજૂઆત પામી, એ તેમની છેલ્લી ફિલ્મ બની રહી. ૧૯૪૩થી આરંભ કર્યા પછી ૧૯૫૦ સુધીમાં તેમણે કુલ ૩૩ ફિલ્મોમાં સંગીત નિર્દેશન કર્યું હતું. ૧૯૪૫ થી ૧૯૫૦ દરમિયાન સરેરાશ પાંચ ફિલ્મો તે દર વરસે કરતા હતા. એ પછી ફિલ્મોની સંખ્યા ઘટવા લાગી, છતાં કામ મળવાનું ચાલુ રહ્યું હતું. 

પણ છેલ્લા વરસોમાં કામ મળવાનું સાવ ઘટી ગયું. તેમનું સંગીત ‘આઉટડેટેડ’ થવા લાગ્યું હતું એ કારણ માની શકાય એમ નથી. છેક ૧૯૬૫માં આવેલી ‘સન ઑફ હાતિમતાઈ’નાં ગીત સાંભળતાં આવો અહેસાસ થયા વિના રહે નહીં.

ખેર, કારણ જે હોય તે, બુલો સી. રાનીને કામ મળતું સદંતર બંધ થઈ ગયું. તેમને પોતાને પણ પોતે ‘આઉટ ઑફ પ્લેસ’ બની ગયા હોવાનો અહેસાસ તીવ્રપણે સાલતો રહ્યો. એ જમાનાના મોટા ભાગના કલાકારોની જેમ, તેમની પણ વક્રતા એ હતી કે તેમની પોતાની પાસે જ પોતાનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો ઉપલબ્ધ ન હતાં. એક વાર તેમને કામ મળવાનું બંધ થઈ જાય પછી કોણ તેમની પાસે આવે? ક્યારેક કોઈક રડ્યાખડ્યા સંગીતપ્રેમી મળવા આવતા, તો નલિન શાહ જેવા ઈતિહાસકાર તેમની મુલાકાત લેતા. સંગીતકાર તરીકેનું તેમનું અસલી વિત્ત પારખનાર ચાહકો સમક્ષ બુલોસાહેબ પોતાનાં ચાર-પાંચ ગીતોનો ખાસ ઉલ્લેખ કરતા, જેમાંનું એક હતું અમીરબાઈએ ગાયેલું ‘ગર હમકો જલાઓગે’ (પગલી દુનિયા, ૧૯૪૪).

https://www.youtube.com/watch?v=HSmvk0bexew

બીજું પણ અમીરબાઈએ ગાયેલું ‘સૂની પડી હૈ પ્યાર કી દુનિયા’ (કારવાં, ૧૯૪૪) હતું.

આ ઉપરાંત સુરૈયાએ ગાયેલું ‘પરવાનોં સે પ્રીત સીખ લે’ (બિલ્વમંગલ, ૧૯૫૪) પણ તે યાદ કરતા. લતાએ ગાયેલું ‘ફિઝા ચૂપ હૈ, હવા ચૂપ હૈ’ (મધુર મિલન, ૧૯૫૫) પણ તેમને અતિ પ્રિય હતું.

જો કે, સામાન્ય રીતે ‘જોગન’નાં ગીતોની તે વધુ વાત કરતા, કેમ કે સામાન્યપણે (અમારા જેવા સહિત) મોટા ભાગના લોકો તેનાથી પરિચીત હોય.

પોતે ભૂતકાળ બની ગયા હોવાની વેદના તેમને તીવ્રપણે સતાવતી રહી હતી. આ વેદનાને હળવી કરવાનો ઉપાય તેમણે દારૂમાં શોધ્યો. પણ તેનાથી તો એ અહેસાસ તીવ્રતર બનતો ગયો.

પચીસ- છવ્વીસ વરસ લગી ભૂતકાળનો આ ભાર તેમણે વેંઢાર્યો. છેવટે તેમણે પોતાની રીતે માર્ગ કાઢ્યો. આ પીડાનો કાયમી અંત લાવવાનું તેમણે નક્કી કરી લીધું.

આત્મહત્યાનો સૌથી ક્રૂર ગણાતો માર્ગ તેમણે અપનાવ્યો. પોતાના શરીર પર કેરોસીન છાંટીને તેમણે દીવાસળી ચાંપી દીધી. સાંભળ્યું છે કે ગમે એવા કઠણ મનોબળવાળી વ્યક્તિ પણ આત્મહત્યા માટે અગ્નિસ્નાનનો માર્ગ અપનાવે તો પોતાનું શરીર સળગ્યા પછી એ હદે અસહ્ય દઝાય છે કે તે એને જીરવી શકતી નથી, અને બહાવરી બનીને આમતેમ દોડાદોડ કરી મૂકે છે. બુલો સી. રાની જેટલા સજ્જ સંગીતકાર હતા, એટલા જ મક્કમ મનોબળ ધરાવતા માણસ હતા. પોતાના શરીરને અગનજ્વાળાઓને હવાલે કર્યા પછી તે જરાય વિચલિત ન થયા. કોઈને પોતાની નજદીક આવવા ન દીધા. અને પીડાદાયી મૃત્યુને સ્વેચ્છાએ ભેટ્યા. છેલ્લા પચીસ વરસથી તેમણે સુષુપ્તાવસ્થામાં ગાળેલા એક એક દિવસની પીડા વધુ હતી કે મૃત્યુ વહાલું કર્યું એ એક દિવસની પીડા વધુ હતી, એનો જવાબ મેળવવો મુશ્કેલ છે.

૨૪ મે, ૧૯૯૩ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની ઉંમર હતી ફક્ત ૭૩ વરસ.

તેમની છેલ્લી ફિલ્મ ‘સુનહરે કદમ’માં મહેન્‍દ્ર પ્રાણે લખેલા અને લતા દ્વારા ગવાયેલા આ અદભુત અને અવિસ્મરણીય ગીતના શબ્દો હતા: ‘માંગને સે મૌત મિલ જાતી, કૌન જીતા ઈસ જમાને મેં’.

આ શબ્દોને સાચા ગણવા કે ખોટા?

બુલો સી. રાનીના અવસાનને આજે એકવીસ વરસ વીતી ગયાં છે. ક્યારેક અમને એમ થાય છે કે અમે એમને વેળાસર મળી આવ્યા! પણ પછી થાય કે એને વેળાસર મળ્યા કહેવાય કે મોડા મળ્યા કહેવાય ?

જે ગીતો એક જમાનામાં દુર્લભ જણસ ગણાતાં હતાં, પોતાનાં સંગીતબદ્ધ કરેલાં જે ગીતો મેળવવા અને સાંભળવા તેમના માટે દુષ્કર હતાં, એમાંના મોટા ભાગનાં ગીતો આજે યૂ ટ્યૂબ પર આસાનીથી ઉપલબ્ધ છે, અને ઈચ્છીએ ત્યારે સાંભળી શકાય છે. આ સ્થિતિ તે જોઈ શક્યા હોત તો?‘ન બાઝ આયા મુકદ્દર મુઝે મિટાને સે’ જેવા પોતે સંગીતબદ્ધ કરેલા શબ્દો કમ સે કમ ખોટા પડ્યા હોવાની અનુભૂતિ તે કરી શકત !

આજે તેમનાં આ ગીતો સાંભળતી વખતે તેમણે પોતાના હાથે અમારા મોંમાં મૂકેલી મિઠાઈની મિઠાશ પણ મનમાં પ્રસરી રહે છે.

(નોંધ: આ પોસ્ટમાં બુલો સી. રાનીનાં અમુક વિશેષ અને સાંદર્ભિક ગીતોનો જ ઉલ્લેખ કર્યો છે. તેમનાં અનેક અદભુત ગીતો, ફિલ્મો, તેમજ અન્ય ચરિત્રાત્મક વિગતો ધરાવતી પોસ્ટ હવે પછી અલગથી ૨૪-૫-૨૦૨૦ના લેખમાં કરીશું.)


(માહિતીસ્રોત: હરીશ રઘુવંશી, સુરત અને નલિન શાહ, મુંબઈ


તમામ વિડીયો: યૂ ટ્યૂબ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “બુલો સી.રાની: શમા સે સીખા જલ જાના……

Leave a Reply

Your email address will not be published.