યૂં કિ સોચનેવાલી બાત : અલક મલકની વાતો

આરતી નાયર

આપણા રોજિંદા વહેવાર માં વપરાતુ એક વિશિષ્ટ વાક્ય છે, “બાકી શું ચાલે?” ફોન પર વાત કરતી વખતે જો બેમાંથી એક જણ આવું બોલે, એનો અર્થ એ કે, બધી વાતો પતી ગઈ છે. આ પ્રશ્નનો આમ તો કોઈ જવાબ નથી હોતો. અને કદાચ એટલે જ પૂછવામાં આવે છે. આ પ્રશ્ન આવે એટલે હું રાબેતા મુજબ, ‘બાકી…..કઈ નહિ…’ કહીને ફોનકોલ પતાવવાની તૈયારી કરી લઉં. પરંતુ કોણ જાણે કેમ, આજ કાલ આ પ્રશ્ન સાંભળવાની ઈચ્છા થતી હોય છે. આમ તો એક આદર્શ અંતર્મુખી વ્યક્તિની જેમ, હું પોતાની કંપની સૌથી વધારે પસંદ કરું છું. મને એકલા રહેવું ગમે છે અને હું એકલી રહેલી પણ છું. પરંતુ તે મારી પસંદગીથી હોવું જોઈએ. આ ‘લોકડાઉન’ તો પરાણે માથે આવીને પડ્યું છે. એટલે આવા સમયે લોકોની યાદ આવે.

લોકડાઉનના પેહલા થોડા દિવસમાં લોકો ઘણા ઉત્સાહી હતા. એવા જુના મિત્રો, જેમની જોડે ખાલી બર્થડે વિશ કરવાની ઔપચારિકતા વાળા જ સંબંધ હતા, તેમને પણ ભેગા કરીને ગ્રુપ-વિડિઓ-કોલ આયોજિત થઇ રહ્યા હતા. ઝૂમ, ગૂગલ ડ્યુઓ અને વોટસપ જેવી એપોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો. મારી એક ખાસ મિત્રના જન્મદિવસ પર તો હદ્દ થઇ ગઈ. મને ગણી ને, એના ૮ ફ્રેંડ્સ (જે એક બીજાને ઓળખતા નથી), એ બધા આવી જ એક એપ ઉપર ભેગા થયા અને તેના જન્મદિવસની ઉજવણી ઓનલાઇન થઇ. થોડી વાર તો કોણ વાત કરે અને કોણ સાંભળે, એની જ મૂંઝવણ ચાલી. પણ આખરે વાત કોરોના પર આવીને અટકી. અંતે આ કોલ-ઉજવણી અડધો-કલ્લાકનો કંટાળાજનક કોરોના વિશેનો વેબિનાર બની ગયો.

તે બાદના સપ્તાહોમાં લોકોને ઓનલાઇન રમતો રમવાનો ક્રેઝ ચાલ્યો. જે જુઓ તે તંબોલા અને ટ્રેઝર-હન્ટ રમવામાં પડ્યા હતાં. આના આયોજનમાં અને ચલાવવામાં ઘણો સમય લાગે એટલે ‘જે થોડા કલાક પસાર થાય તે’ એવું વિચારીને રમતોમાં જોડાઈ ગયા. તંબોલા રમવા માટે પૈસા ભરવાના હોય તો લોકો એક સેકન્ડમાં Paytm કરી દે. એક નવી એપ હાઉસપાર્ટી ખૂબ જ પ્રચલિત થઇ. તેમાં લોકો રમતો રમે અને વીડિયોમાં એક બીજાને જોઈ પણ શકે. એવું લાગે જાણે કે માણસે દુનિયાની બધી આધુનિક ટેક્નોલોજી પોતાનો એકલતા / કંટાળો દૂર કરવા માટે વાપરી નાખી.

આપણે વૈશ્વિક મહામારીનો ભોગ બન્યા છીએ કે ભોગવી રહ્યા છીએ? આપણે રોજે સવારે ઉઠીયે ત્યારે પહેલા તો સમાચાર વાંચવાની ભૂખ લાગે, એક વાર જોઈ તો લઉં કે કાલે કેટલા લોકો મરી ગયા. ઘણા લોકો સવારે ઉઠીને યોગ, ધ્યાન કે કોઈ કસરત કરે, તો પણ તેની પેહલા કે પછી મોબાઈલમાં સમાચાર તો જોઈ જ લેવા પડે. કઈ નહિ તો વૉટ્સઅપ તો જોઈ જ લેવું પડે. કોણ જાણે એમાંથી કોરોનાથી બચવા માટેનો કોઈ રામબાણ ઇલાજ મળી આવવાનો હોય. હવે વડીલો જાણે બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરતા હોય એમ, ‘કઈ ચૂકી ના જવાય’ એવી રીતે બધે નજર રાખે છે. મોટા ભાગની વેબસાઇટોમાં હવે ‘ખાસ કોરોના સમાચાર’ માટેના નોટિફિકેશન હોય છે. આશ્ચર્યજનક વાત એ છે કે આટલા બધા સમાચાર વાંચ્યા/જોયા પછી પણ લોકોને બેફામ અસંવેદનશીલ વાતો કરતાં જોયા. ગરીબ વિરોધી વાતો કરવી હવે ટ્રેન્ડિંગ / ફેશન છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગ માટે ‘તેઓ’ પોતાનું કરિયાણું આપવા બહાર નીકળે તો વાજબી છે. પરંતુ પોતાના માટે રસ્તા પર નીકળે તો પ્રલય આવી જવાનો હોય એવી ભારે ટીકા થાય.

એકંદરે આ નોટિફિકેશન્સ, આ ‘સમાચારો’ આપણને ચિંતાગ્રસ્ત બનાવી અને તણાવ આપી રહ્યા છે. જેની સીધી અસર થાય છે ઉંઘ પર. જો તમને ઊંઘ આવવામાં તકલીફ થાય, દિવસમાં સુસ્તી અને ઘેન ચડે, તો તેનું મુખ્ય કારણ આ ચિંતા-તણાવ હોઈ શકે છે. અને આવા અનુભવોમાં તમે એકલા નથી. ભારતમાં આપણે માનીએ છીએ કે આ ‘ચિંતા-તણાવ’ તો કામ-વ્યવસાયનું ભારણ કે વધુ પડતા કામથી થતાં હોય છે. તો પછી આ નવરા બેઠા વળી તણાવ કેવો?

અહીંયા જ આપણે ખોટા પાડીએ છીએ. ઘરમાં લોકકડાઉન રહીને પણ આપણે ચિંતા-તણાવથી ઘેરાઈ શકીએ. ભલેને ઘરેથી કામ કરતા હોઈએ કે ઑફિસેથી રજા મળી ગઈ હોય, પણ આપણે ‘હાઈ-એલર્ટ’ છીએ. કાલે શું થશે એની કોઈ જ ખબર નથી. જેમના પાસે નોકરી છે, તેમને ડર છે કે લોકકડાઉન પછી નોકરી છૂટી જશે તો?

જે બેરોજગાર છે, તેમણે તો એક લાંબી મજલ કાપવાની જ છે. ‘ફ્રીલાન્સ’ કામ કરતા લોકો, ભવિષ્યમાં પૈસા મળશે એવું વિચારીને અત્યારે ઉધારીમાં પોતાનું કામ આપી રહ્યા છે.

આખો દિવસ આપણે બસ કોરોના વિષે જ વાત કરી છીએ. અબજો લોકોના દેશમાં, જ્યાં જુઓ ત્યાં એક્ષપર્ટ મળી આવે છે. ‘કેટલા લોકો મરશે’ થી લઈને ‘લોકડાઉન’ ક્યારે પતશે’ એવા બધા સવાલોના મનઘડંત જવાબો હાજર જ હોય છે. કાલે શું થવાનું છે તે કોઈને ખબર નથી તો પછી ખોટી ચિંતા અને ગેરવ્યાજબી/અવૈજ્ઞાનિક ‘ફોર્વર્ડસ’ શું કામ કરવા? મને તો નાની નાની જાણકારીઓમાં ઘણો રસ. એટલે તમે મને પૂછો, બાકી શું ચાલે? તો હું આવું કૈક કહું:

  • ખબર છે? આ વર્ષે લાખો સુંદર ફ્લેમિંગો પક્ષી છેક નવી મુંબઈ સુધી આવી ગયા છે. માણસના કકળાટ વિના પક્ષીઓ પણ ખુશ લાગે છે.
  • મારા લેખક મિત્રો જોડે વાત કરું ત્યારે એમાંથી કોઇ કહે જ, “યાર આજ કાલ બિલકુલ લખાતું નથી.” ચિંતા કરવા જેવું કઈ જ નથી. આ લોકડાઉનના કારણે હોઈ શકે. એનો એક કામચલાઉ ઉકેલ છે: ‘મોર્નિંગ પેજીસ’. મેં થોડા સમય પહેલા જ લેખન વિશેની એક ક્લાસિક  ચોપડીમાં વાંચ્યું હતું અને દુનિયાના મોટા લેખકોએ આ નુસખો વાપર્યો છે. ખુબ સહેલું છે: દરોજ સવારે ઉઠીને ૩ પાનાં લખવાના. કોઈ ટોપિક પર જ લખવું જરૂરી નથી. આનંદ, દુખ, મુંઝવણ, મગજમાં જે પણ ચાલી રહ્યું છે તે લખી કાઢો. ઘણી વાર આવી નાની ગુંચવણો, આપણને લેખનથી દૂર રાખે છે.

મને ખબર છે કે ઉપર લખેલી વાતો તમને એકદમ રેન્ડમ લાગી હશે. પરંતુ તે કોરોના વિષેની વાતો કરતા વધારે પ્રેરણાદાયક અને તાજી છે. હું નસીબદાર છું કે મારી પાસે એક ઘર છે અને સમયસર સારું ખાવાનું મળી રહે છે. જો તમે પણ આવા નસીબદાર હોવ તો આજથી એક નવું પ્રણ લેશો? કોશિશ કરો કે કોરોના વિષે લાંબી ચર્ચાઓમાં ના પડો.

અને જો આજુ બાજુ ના લોકો ના માને તો તેમને પ્રેમથી કહો: બાકી શું ચાલે છે, કોરોના સિવાય? 


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે

Author: admin

Leave a Reply

Your email address will not be published.