લ્યો, આ ચીંધી આંગળી : લુપ્ત એવી બહુરૂપી કળાનો અંતિમ અવશેષ

-રજનીકુમાર પંડ્યા

ગજરાબહેને મને કહ્યું કે એ તો અમલસાડના તાલુકા મથકે પેન્શન લેવા યા પેન્શન અંગેના કોઈ કાગળોમાં મામલતદારની સહી લેવા ગયા છે. તમે બેસો, હવે ઘડી-બે ઘડીમાં આવવા જ જોઈએ.

‘હવે આ ઉમરે એમને મોકલવા કરતાં દિકરાને મોકલતા હો તો ?’

અપાયા વગરનો જવાબ એમના ચહેરા ઉપરથી વંચાઇ ગયો. એટલે મને થયું કે ન પૂછવું જોઇએ.

દિકરો હોત તો તો….

એટલે ફરી મેં સુધારીને પૂછ્યું કે આ સિત્તેરની ઉંમરે પણ એમને ખુદને જ તાલુકે જવું પડે? આવું કંઈ કામ હોય તો ગામના કોઈ જુવાનિયાને તાલુકે મોકલી દેતા હોય તો ?

રામજી મંદિરમાં કોઈ દર્શને આવ્યું હશે તે ઘંટનો રણકાર સંભળાયો. ગજરાબહેન અંદર ગયાં, પંજરી-પ્રસાદ આપીને પાછા આવ્યાં એટલામાં તો એ પણ હાંફી ગયેલાં. અંતે બોલ્યાં : ‘અમારે ક્યાં છોકરો છે ? છોકરી છે જશુ, એને તો એને કોઠગાંગડ પરણાવી છે. અહીં અમે જીવતાં છીએ એમ ખાતરી સરકારને કરાવવા માટે વરસે એક વાર તાલુકે રૂબરૂ જવું જોઈએ ને ?’

હા, એમનો પત્તો મેળવતાં મારે છેક અમલસાડના ગામે કાયા તળાવમાં ભગત ફળિયામાં, રામજી મંદિરે આવવું પડ્યું કે નહીં ? શોધવું પડ્યું. વલસાડ જિલ્લાના અમલસાડનું નામ ચીકુ માટે માણસો લીધા કરે છે. કોઈ એમ નથી બોલતું કે અમલસાડના બહુરૂપી કલાકાર નાનુભાઈ ભુરાભાઈ વખણાય છે. એક જમાનામાં રાજસ્થાનના પ્રતાપગઢ સ્ટેટે જેમના વેશ ઉપર ખુશ થઈને એમની પોસ્ટેજ ટિકિટો બહાર પાડી હતી, એવી નામશેષ થઈ ગયેલી બહુરૂપી કલાના મહર્ષિ નાનુભાઇ પાંત્રીસ વર્ષ પહેલાં આ મુલાકાત લેવાઇ ત્યારે વલસાડના અમલસાડ ગામે કેવા કપરા સંજોગોમાં જીવતા હતા એ તો જર્જરિત ઓરડી જ બોલી દેતી હતી.

ત્યાં તો નાનુભાઇ બહારથી આવ્યા. શ્વાસ ચડી ગયો હતો. ડોકી ઢાળીને ઓસરીમાં બાંકડે બેસી પડ્યા. હાથ લંબાવીને બચકી ગજરાબહેન તરફ લંબાવી. એમાં સરકારી કાગળિયાંનો બસ્તો દેખાતો હતો. ચહેરા પર અસંખ્ય કરચલીઓ, ભૂલભુલામણી જેવી. લાડુ પર સફેદ ખસખસ લગાડી હોય એવી વધેલી દાઢી. પાંખીપાંખી ચોટલી ને નજરમાં નકરો થાક !

પૂછ્યું એટલે કહ્યું, ‘બહુરૂપી કલા તો હવે ખતમ થવા ઉપર છે ભાઈ,….પાયમાલ થઈ ગયા સૌ કલાકારો. નહીં તો અમારી તો માગણી પણ ક્યાં લાંબી હોય છે ? એક ગામ જઈએ, એકાદ મહિનો કાઢી નાખીએ… રોજ રોજ નવા નવા વેશ કાઢીને બજારમાં નીકળીએ. કોઈ પાઈ પૈસો આપે તો ઠીક, નહીંતર છેલ્લે દિવસે ખરડો (ઉઘરાણું) કરીએ – મળી મળીને ત્રણસો-ચારસો મળે. અમે રાજી રાજી. ઉચાળા ભરીને બીજે ગામ – ત્યાં ધરમશાળામાં ધામા અને આને આ જ કામા. પણ ટી.વી., ફિલ્મ, નાટક અને સ્ટેજ કાર્યક્રમોએ અમને મનોરંજનના જગતમાંથી હાંકી કાઢ્યા. હદપાર થઈ ગયા અમે.

(નાનુભાઈ બહુરૂપી)

‘નાટક-બાટકમાં કદી કામ કર્યું કે નહીં ?’

‘કદી નહીં, કરાય પણ નહીં.’ એ બોલ્યા: ‘બહુરૂપી કલાકાર ખુદ પોતાનામાં જ એક નાટક લઈને ફરતો હોય છે. નાટકમાં તો ગોખેલા સંવાદો બોલવાના હોય, જ્યારે બહુરૂપીએ તો કેવળ બાહ્ય વેશ જ નહીં, પણ જેનો વેશ લીધો હોય એની પૂરી રીતભાત, મેનેરીઝમ, લઢણ, લહેકા બધું જ ઉપસાવી આપવાનું હોય. તકિયા-કલમ જેવાં બે-ચાર વાકયો સિવાય બાકીના સંવાદ કાયમી પણ હોય નહીં. બધા જે તે વખતે ઉપજાવી લેવા પડે. અમે બહુરૂપીવાળા એટલે નાટકના દરિયાનું જ એક અણમોલ મોતી.’

‘વતન પણ આ અમલસાડ ?’

જવાબમાં એ બોલ્યા: ‘બાકી હું તો રાજસ્થાનના અલ્વર પાસેના સલોલી ગામનો રહીશ. અજગૌડ બ્રાહ્મણ. અમારી જ્ઞાતિમાં આમ તો આ કળા જાતધંધો ગણાય. મને રાત-દિવસ નવા નવા વેશ શીખવાની જ તાલાવેલી. બાવન વેશ શીખ્યો. ગોરખનાથ, ચૌબેજી, હિંગવાળા પઠાણ, ઈરાની બાઈ, રંગરેજ, પંજાબી ફકીર, કાલાદેવ, સબ્જપરી, મહારાષ્ટ્રના વકીલ, લાલા મનસુખા, કાઠિયાવાડનો રબારી, ગોસાંઈબાબા અને..! અમે છપ્પનની સાલમાં અહીં આવીને રહ્યા ત્યારે હું ક્યારેક વહેલી સવારે કબીરજી થઈને નીકળતો. 1947ની સાલમાં આઝાદીની ઉજવણીના ગણદેવીમાં નીકળેલા સરઘસમાં આગળ ચાલતો સલામી ભરતો સુભાષબાબુ બનેલો.’

(એક બહુરૂપીએ લીધેલો ભગવાન શંકરનો વેશ) *

બોલીને એમણે ગજરાબહેન તરફ નજર નાખી, ‘લાવ તો, પેલાં આલ્બમ, જરા લાવ તો !’

ગજરાબહેન જે થેલો ઓરડીમાંથી લઈ આવ્યા તેમાંથી રાજસ્થાનનાં પાંચ વરસ ટપોટપ નીકળી પડ્યાં. ઓગણીસો પાંત્રીસથી બેંતાલીસની સાલ સુધી ગુજરાતમાં રહ્યા હતા. ને પછી બેંતાલીસની સાલમાં ઉદેપુરનરેશ પાસે ગયા. પણ ‘સ્વ’- રૂપમાં જાય એ બહુરૂપી નહીં. પોસ્ટમેનના રૂપમાં ગયા અને કવરમાં કોરો કાગળ આપીને મહારાણાને છેતર્યા. બીજી વાર ચપરાશીના રૂપમાં ગયા ને ‘પ્રતાપગઢથી આવું છું’ કહીને ગરીબડું મોં કર્યું. મહારાણા બીજી વાર બની ગયા. ત્રીજી વાર વળી અયોધ્યાથી આવતા તપસ્વીબાબાનું રૂપ લીધું અને મહારાણાને ‘મેરે બચ્ચે’ કહીને અસલ પૂરબી બોલીમાં ‘પક્કા સીધા’ની ટહેલ નાખી. બધી ભાષા પાકેપાકી, એના લહેકા-લઢણ અને ગામઠી ઉચ્ચારણ સહિત આવડે. મારવાડી, પૂરબી, મરાઠી, ગુજરાતી, કાઠિયાવાડી, સુરતી. ઉદેપુરના મહારાજા આફરીન થઈ ગયા. કેવળ ‘ક્યા બાત હૈ, બહોત ખૂબ’ બોલી લીધાથી એમને સંતોષ ન થયો. પૂછ્યું : ‘મેરા ભેષ લે સકતે હો ?’

(એક બહુરૂપીએ લીધેલો દશાનનનો વેશ) *

‘બહોત મુશ્કિલ હૈ.’ નાનુભાઈ બોલ્યા. અને એ માટે મુદત માગી, કપડાં – લત્તાં, ઘરેણાંની સગવડ માગી. મળી. ને એક દિવસ મોટર પણ માગી. મહારાજા તે કંઈ ચાલતા દરબારમાં આવે ? મોટર મળી તે મોટરમાં અસલી મહારાજ કરતાં પાંચ મિનિટ વહેલા આવી ગયા. દરબાર આખો ખડેપગે ને કારભારી તો ‘જી હજુર’ ‘જી હજુર’ કર્યા કરે. સિગારેટ પીવાની એ જ છટા. પીને મહારાજ ખુદ થુલી ન ખંખેરે. બાજુના હજૂરિયાને આપે, એ ખંખેરી આપે. લેમન પીવાની છટા પણ એ જ,

ત્યાં તો અસલી મહારાજા પાંચ મિનિટ પછી આવ્યા, ને જોઈને હેરતમંદ થઈને રીઝી ગયા. વર્ષાસન બાંધી આપ્યું. ને ‘પક્કા પેટિયા’ એટલે પાકા સીધાની રોજની વ્યવસ્થા કરી આપી. બહુરૂપી રહી પડ્યા પાંચ વરસ. ‘એવો જ વેશ એક વાર પ્રતાપગઢના મહારાજાનો પણ ભજવેલો. એ તો એટલા ત્રુઠી ગયા કે માન-અકરામ અને ચંદ્રક ઉપરાંત મારા એમના વેશમાં ચિત્રની 1943માં પાવ આના એટલે કે એક પૈસાની પોસ્ટેજ ટિકિટો બહાર પાડી. જુઓ આ રહી.’

ટિકિટ જોવા જતાં કાગળ પછવાડેથી કોઈ જાડા કાગળમાં સરદાર બહાદુર રચપાલસિંગ (આઈ.પી.) નું સર્ટિફિકેટ નીકળી પડ્યું. અલ્વર સ્ટેટના ખ્યાતનામ આઈ.જી.પી. ! છેતાલીસની સાલમાં પોલીસમેનોને વેશપલટાની તાલીમ નાનુભાઈએ આપી હતી તેનું રાજીપાસ ર્ટિફિકેટ હતું. ક્યાં ક્યાં પહોંચ્યા હતા આ બહુરૂપી ? ચિતોડ, મેવાડ, અલ્વર, ઉદેપુર… સંખ્યાબંધ સુવર્ણચંદ્રકો મળ્યા હતા. પણ અત્યારે એ ચંદ્રકો ક્યાં ?

માત્ર એના ફોટા જોવા મળ્યા. ક્યાં ગયા ? ‘વખાના માર્યા વેચી ખાધા ?’

‘ના, જુઓ, આ એક બચ્યો છે.’ એમણે કહ્યું: ‘બાકી એક રાત્રિએ એકસામટા ચોરાઈ ગયાં.!’

ચંદ્રકો સરી ગયા. સ્મૃતિઓ રહી ગઈ. તસવીરો રહી ગઈ. વર્ષો પહેલાં પાંત્રીસની સાલમાં બીલીમોરા-કોસંબાના શેઠશ્રી વિઠ્ઠલભાઈ શિવાભાઈએ આવકાર્યા હતા. એ વખતે આખું દક્ષિણ ગુજરાત ખુંદી વળ્યા. વચ્ચે ફિલ્મલાઈનની ઠેક લગાવી. ‘ફૅશનેબલ વાઇફ’(1938) ,‘રૉયલ કમાન્ડર’(1938) અને ‘પયામે-હક’(1939)માં ચમકી આવ્યા. પણ કાદવમાં રહેવું ગમ્યું નહીં. પાછા આવીને પાંચ વરસ રાજસ્થાનમાં ! વળી સુડતાળીસમાં ધરમપુર મહારાજની વર્ષગાંઠના પ્રસંગે ગુજરાતમાં આવ્યા, દક્ષિણ ગુજરાતમાં ફરતા હતા ત્યાં રાજકપુર-વૈજયંતીમાલા સાથે કામ કરવા માટે ઓગણસાઠની સાલમાં સરદાર ચંદુલાલ શાહનું ફિલ્મ ‘બહુરૂપિયા’ માટે તેડું આવ્યું. પણ ત્યાં તો ફિલ્મ જ તડકે મુકાઈ ગઈ. ત્યાં અમલસાડના રામજી મંદિરના ટ્રસ્ટીઓનો ઓગણસિત્તેરમાં કાગળ આવ્યો : ‘બાકીની જિંદગી આરામથી કાઢવી હોય તો અહીં અમારા મંદિરની પૂજા સંભાળો. પચીસ રૂપિયા પગાર !’

સિત્તેર વરસના બહુરૂપી નાનુભાઈ ભુરાભાઈ હું મળ્યો ત્યારે પૂજારીના સ્વરૂપે પેન્શન અંગે ક્યારેક તાલુકા મથકે ધક્કા ખાતા હતા અને બાકીની જિંદગી અભાવગ્રસ્ત ‘આરામ’માં ગુજારતા હતા.

(વિશેષ નોંધ:

1.આ મારો મૂળ લેખ ‘સંદેશ’ની મારી ‘ઝબકાર’ કોલમમાં 1984 ના ફેબ્રુઆરીની 5 અને 12 મી એ એમ બે હપ્તે પ્રગટ થયો હતો, જેના પ્રભાવથી ગુજરાત સરકારે નાનુભાઇ જોશી (બહુરુપી)નું માસિક પેન્શન બમણું કરી આપ્યું હતું.

2. આ લેખ 11 મા ધોરણના પાઠયપુસ્તકમાં એક લેખ પાઠરૂપે કેટલોક સમય ભણાવવામાં આવતો હતો.

3.લેખ પ્રગટ થયા પછી લોકસાહિત્ય અને લોકકલા સંશોધક શ્રી હરેન્દ્ર ભટ્ટે બહુરુપી નાનુભાઇ જોશીની મુલાકાતના આધારે એક સરસ પરિચય પુસ્તિકા તેમના ઉપર લખી છે. તેની પ્રસ્તાવનાના પાનાં આ સાથે લેખમાં મુકવામાં આવ્યા છે. પુસ્તક નિઃશુલ્ક મેળવવા માટે તેમનો સંપર્ક સાધી શકાય.

હરેન્દ્ર ભટ્ટનું સરનામું- 469, હરિ ઓમ નગર, વલ્લભવિદ્યાનગર- 381 120

       ફોન નંબર 94268 37008, ઇ મેલ: bhattharendrakumarp@gmail.com )

(હરેન્દ્ર ભટ્ટના પુસ્તકનું ટાઈટલ)
હરેન્દ્ર ભટ્ટના પુસ્તકની પ્રસ્તાવના

4.જૂનાગઢના એક વેપારી શિવલાલ તન્ના અને અભિનતા સ્વ ઉમાકાંત દેસાઇ દ્વારા 1969 માં નિર્માણ પામેલી અને 1970 માં રજુ થયેલી ગુજરાતી ફિલ્મ ‘બહુરૂપી’માં વિસનગરના બહુરુપીકળા અને ભવાઇકળાના અસલ અસાઇત કલાકારો પાસેથી સુંદર કામ લેવામાં આવ્યું હતું. હિંદી પર્દાના કેટલાક નામી કલાકારોના અભિનય અને આગળ જતા ખ્યાતનામ થનારા ગાયક જગજિતસિંગે એમાં એક ગુજરાતી ભજન ગાયું હતું.ફિલ્મને ગુજરાત રાજયના અનેક એવોર્ડ પ્રાપ્ત થયા હતા.


(* નિશાનીવાળી તસવીરો નેટ પરથી લીધી છે. એ નાનુભાઈની નથી, પણ બહુરૂપીના વેશનો કંઈક અંદાજ મળી શકે એટલા માટે અહીં મૂકી છે.)


લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580  +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- 91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: admin

4 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : લુપ્ત એવી બહુરૂપી કળાનો અંતિમ અવશેષ

  1. બહુરૂપી,ભવાઈ, મલ નાં ખેલ આ બધી કલા વિલુપ્ત થઈ ગઈ છે.બાળપણ માં ભવાઈ બહુરૂપી જેવી કલા ઓ ગામડામાં માણી છે.
    કેતન મહેતા ની” ભવ ની ભવાઈ”અને ઉપેન્દ્ર ત્રિવેદી ની માનવી ની ભવાઈ માં જોઈ બાળપણ યાદ આવ્યું હતું.

  2. બહું જ સરસ હ્રદયસ્પર્શી સત્યઘટના.રજનીભાઈએ વિશે ષ સામર્થ્યથી આ પ્રકારને સાહિત્ય સ્તરે પહોચાડ્યો સાહિત્ય અનૈ જનસામાન્યના સંબંધ અનુબંધ વચ્ચે જે મોટી ખાઈ પડેલી તે દૂર કરી.ફિલ્ડ વર્ક ઈન્ટરવ્યુસંલગ્ન સંશોધિત લેખન ખાસ વિશિષ્ટ વ્યક્તિ ત્વ ગુણ ભાગે છે એ રજનીભાઈમા એમના સર્જકત્વ સાથે સંયોજાયુ એથી જીવનલકક્ષી સાહિત્ય મા વિશેષ સફળ થયા અદ્વિતીય રહ્યા.

  3. ઘણોજ હૃદય સ્પર્શી લેખ આપે લખેલ છે અને નાનુભાઈ ના જીવન અને કલા તેમજ સંઘર્ષ વિષે વાંચી ને અચરજ સાથે દુઃખ પણ થયું કે આવા સારા અને સાચા કલાકારો ની આવી જ દશા ના થવી જોઈએ..હવે તો નાનુભાઈ હયાત છે કે તેમને મળી શકાય????

  4. આતો લગભગ અધૂરું છે પાઠ્યપુસ્તક માં તો ઘણું આવતું હતું તો પણ લેખ ખૂબ ગમ્યો આભાર

Leave a Reply

Your email address will not be published.