બાળવાર્તાઓ : ૧૬ – જાપ અને ઉંદરડી

પુષ્પા અંતાણી

જાપને આજે બાલમંદિરમાં રજા હતી. એ તો એની રોજની આદત મુજબ વહેલો ઊઠી ગયો. નહાઈ-ધોઈ, તૈયાર થઈ, દૂધ પણ પી લીધું. એનાં ભાઈ-બહેન બંને સ્કૂલ ગયાં હતાં. એ એકલો એકલો કંટાળવા લાગ્યો હતો. એણે રમકડાનો કબાટ ખોલ્યો. તે સાથે જ અંદરથી એક નાનકડી ઉંદરડી કૂદીને બહાર આવી અને ઝડપથી ક્યાંય દોડી ગઈ. જાપ એને જોતો જ રહ્યો. એણે આ પહેલાં મોટા ઉંદર જોયા હતા, પણ આવી ઉંદરડી પહેલી વાર જોઈ. એને ઉંદર જરા પણ ગમતા નહીં. ઉંદરને જોઈને એને થોડો ડર પણ લાગતો હતો, પણ આજે આ બચુકડી ઉંદરડી જોવાની એને બહુ મજા આવી. એ એની પાછળ દોડ્યો, પણ ઉંદરડી તો ક્યાંય રફુચક્કર થઈ ગઈ હતી.

જાપ પાછો રમકડાના કબાટ પાસે આવ્યો. જોવા લાગ્યો કે અંદર બીજી ઉંદરડી તો નથીને. એણે રમવા માટે પોતાની ગન કબાટમાંથી કાઢી. કબાટ બંધ કર્યો. ત્યાં તો ઉંદરડી પાછી દેખાઈ. એ દોડતી જાપ સુધી આવી અને ઝડપથી પાછી ભાગી ગઈ. જાપ એ ગઈ એ બાજુ એકધ્યાને જોઈ રહ્યો. ઉંદરડી ફરી આવી. આ વખતે એ પાછી ભાગી નહીં, પણ જાપ સામે રોકાઈ. એ એવી રીતે ઊભી હતી, જાણે હમણાં જ પાછી ભાગી જશે.

જાપ થોડોક એની નજીક ખસ્યો. ઉંદરડી પણ કાન ઊંચા કરી જાપ સામે જોવા લાગી. જાપ કહે: “ઉંદરડી, તું ભાગજે નહીં, મારી વાત સાંભળ.” ઉંદરડી મોઢું ઊંચું કરીને જાપની વાત ધ્યાનથી સાંભળવા લાગી.

જાપ કહે, “હું આજે સાવ એકલો થઈ ગયો છું. તું મારી સાથે રમશે?”

ઉંદરડી કહે, “મને તારી સાથે રમવાનું બહુ ગમે, પણ તેં તારી મમ્મીને પૂછ્યું છે? એ તો મને તારા ઘરમાં ફરતી જોશે એ સાથે જ લાકડી લઈને મારી પાછળ દોડશે.”

જાપ કહે: “ઊભી રહે, હું દરવાજો બંધ કરી આવું, પછી આપણે નિરાંતે વાતો કરીએ.”

જાપે રૂમનો દરવાજો વાસ્યો, પછી ઉંદરડી પાસે આવ્યો. એણે ઉંદરડીને પૂછ્યું: “તારું ઘર ક્યાં છે?”

ઉંદરડી બોલી: “તારા ઘરની પાછળ પેલું મોટું ઝાડ નથી? એ ઝાડની નીચે એક મોટા દરમાં અમે રહીએ છીએ.”

જાપ કહે: “અમે એટલે?”

ઉંદરડીએ જવાબ આપ્યો: “તું જેમ તારાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન સાથે રહે છે એમ હું પણ મારાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી, નાના, નાની, કાકા, કાકી, મામા, મામી સાથે રહું છું. અમે બધાં સાથે રહીએ છીએ.”

જાપ બોલ્યો: “પણ મેં તો તને આજે જ જોઈ.”

ઉંદરડી કહે: “હા, હું બહુ નાની છુંને એટલે દરમાં જ રહું. મને કોઈ બહાર નીકળવા દે નહીં. તને પણ કોઈ એકલો બહાર જવા ન દેને?”

જાપ કહે: “તો પછી તું આજે કેવી રીતે આવી?”

ઉંદરડી બોલી: “આજે છેને, મારા દરમાંથી જેવાં બધાં બહાર ગયાં એ સાથે જ હું પણ લપાતીછુપાતી બહાર નીકળી અને દોડતી અહીં આવી. અહીં તું મને મળ્યો. તને જોઈને પહેલાં તો હું ડરીને ભાગી ગઈ, પણ પછી મને થયું, તું તો બહુ સરસ છે. એટલે મેં ફરી તારી પાસે આવવાની હિંમત કરી. તું મને બહુ ગમે છે.”

જાપ બોલ્યો: “તો પછી પહેલાં તું મારાથી ડરી કેમ ગઈ?”

ઉંદરડી કહે: “અમને બચ્ચાંઓને રોજ શીખવવામાં આવે કે જુઓ, બહાર જવા લાગો ત્યારે સંભાળીને જવું. કૂતરાં-બિલાડાં જેવાં પ્રાણીઓ અને માણસોથી ચેતતા રહેવું. એમાંય કોઈના ઘરમાં જાઓ અને કોઈ મમ્મીને જુઓ તો ઊભી પૂંછડીએ ભાગવાનું, નહીંતર એ વેલણ, લાકડી, સાવરણી કે જે કંઈ હાથમાં આવશે તે લઈને તમારી પાછળ દોડશે. લાગ મળે તો છૂટો ઘા પણ કરશે.”

ઉંદરડીની વાત સાંભળીને જાપને હસવું આવી ગયું. ઉંદરડી પણ હસવા લાગી. જાપ કહે: “ચાલ, હવે આપણે રમીએ.”

ઉંદરડી કહે: “સારું, આપણે પકડદાવ રમીએ? હું દોડું છું, તું મને પકડવા આવ.”

જાપે કહ્યું: “ના, પહેલાં હું દોડીશ, તું મને પકડવા આવ.”

ઉંદરડી કહે: “સારું, એમ કરીએ.”

જાપ રૂમના બીજા છેડે પહોંચીને બોલ્યો: “ હવે તું પકડવા આવ.”

ઉંદરડી દોડતી જાપ તરફ ધસી. જાપ દોડીને થોડો દૂર ગયો ત્યાં તો ઉંદરડી કૂદીને એના ખભા પર ચઢી બેઠી અને બોલવા લાગી, “પકડાઈ ગયો! જાપ પકડાઈ ગયો!” જાપ હસવા લાગ્યો અને બોલ્યો, “હવે તું દોડ, હું પણ તને હમણાં જ પકડી પાડીશ.”

હવે ઉંદરડી દોડવા લાગી અને જાપ એને પકડવા દોડ્યો. ઉંદરડી એક સેકન્ડમાં અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં – એમ રૂમમાં ચારે બાજુ ફરી વળી. એ એટલી ઝડપથી ભાગતી હતી કે જાપ એના સુધી પહોંચી જ શકતો નહોતો. એક વાર જાપ એને સાવ પકડી શકે એટલો એની નજીક પહોંચી ગયો ત્યાં તો એ સડસડાટ કબાટ ઉપર ચઢી ગઈ. જાપ તો એને ઉપર ચઢતી જોઈ જ રહ્યો.

એ ઉંદરડીને નીચે ઉતારવા પોતાની નાની હથેળી કબાટ પર પછાડવા લાગ્યો. ઉંદરડી કૂદકો મારીને નીચે ઊતરી અને બીજી બાજુ દોડી ગઈ. જાપ એની પાછળ દોડી દોડીને હાંફી ગયો, પણ એને પકડી શક્યો નહીં.

જાપને ઉંદરડી સાથે રમવાની બહુ મજા આવી. જાપે એને પૂછ્યું: “તું આખો દિવસ આમ દોડ્યા કરે તો થાકી ન જાય?”

ઉંદરડી કહે: “ના રે ના ! આપણે જેટલાં દોડીએ અને ફરતાં રહીએ એટલું આપણું શરીર સારું રહે.”

જાપ કહે: “હું તો ચાલવાનો ચોર છું. મારી મમ્મી મને એની સાથે ક્યાંય બહાર લઈ જ ન જાય. જેવા બહાર નીકળીએ ને ચાલવાનું આવે, હું તેડાવાના કજિયા કરું… પણ તારી વાત સાચી છે, ચાલવાથી આપણને કસરત મળે અને શરીર સારું રહે. હવેથી હું પણ જાતે ચાલીશ અને તારી જેમ દોડીશ.”

ઉંદરડી બોલી: “હા, પછી આપણે દોડવાની હરીફાઈ કરીશું!”

જાપ કહે: “ના, બાબા, ના! દોડવામાં હું તને ક્યારેય પહોંચી ન શકું!”

બંને હસી પડ્યાં. એટલામાં બહારથી જાપની મમ્મીનો અવાજ સંભળાયો. ઉંદરડી ગભરાઈ ગઈ. એ હાંફળીફાંફળી થઈ રૂમમાં આમતેમ દોડવા લાગી. એને ભાગવાનો કોઈ રસ્તો દેખાયો નહીં. જાપે રમકડાના કબાટનો દરવાજો ખોલીને કહ્યું; “તું જલદી આમાં ઘૂસી જા.”

ઉંદરડી કબાટમાં સંતાઈ ગઈ. એ જ વખતે મમ્મી અંદર આવી. જાપને પૂછ્યું: “આમ દરવાજો અડકાવીને રૂમમાં શું કરે છે?”

જાપે કહ્યું: “મારી વાર્તાની ચોપડીનાં પાનાં હવામાં ઊડી જતાં હતાં એટલે દરવાજો આડો કર્યો હતો. મમ્મી જાપને બિસ્કિટ આપીને પાછી રસોડામાં ચાલી ગઈ. જાપે ઉંદરડીને બહાર બોલાવી. એણે બિસ્કિટનો એક ટુકડો ઉંદરડીને આપ્યો. ઉંદરડી પાછલા બે પગે ઊભી રહીને આગલા હાથથી બિસ્કિટ પકડીને ખાવા લાગી. જાપને એ જોવાની બહુ મજા આવી.

ઉંદરડી બોલી: “હવે હું જાઉં? કોઈને કહ્યા વગર પહેલી વાર બહાર નીકળી છું. કોઈ પાછું આવશે અને મને દરમાં જોશે નહીં તો શોધવા માટે દોડાદોડી કરી નાખશે.”

જાપ કહે: “આજે જા, પણ હવેથી રોજ મારી સાથે રમવા આવજે.”

ઉંદરડી કહે: “હા, મને પણ બહુ મજા આવી. હું ચોક્કસ રમવા આવીશ. હવે હું જાઉં. બાય!”

જાપ કહે: “બાય!”

Author: admin

Leave a Reply

Your email address will not be published.