ટાઈટલ મ્યુઝિક (૩૨) – આખરી સજ઼દા (૧૯૭૭)

બીરેન કોઠારી

પ્રતિભાને પ્રસિદ્ધિ સાથે કે વ્યવસાયિકતા સાથે લેણું હોય એવું દરેક કિસ્સામાં બનતું નથી. અને આમ હોય કે ન હોય તો એના માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. આ ફિલ્મના સંગીતકાર પોતાના મુઠ્ઠીભર ગીતોની જેમ જ તેમના મુઠ્ઠીભર કિસ્સાઓ માટે સંગીતપ્રેમીઓમાં કાયમ ચર્ચાતા રહ્યા છે. તેમના કિસ્સાઓની વાત અહીં લખતો નથી. સજ્જાદ હુસેનનું આયુષ્ય 78 વર્ષનું- દીર્ઘ કહી શકાય એવું, અને તેમની કારકિર્દીનો આરંભ છેક 1944માં ‘દોસ્ત’ ફિલ્મ દ્વારા પોતાની 27 વર્ષની ઉંમરે થયો હોવા છતાં તેમણે કરેલી ફિલ્મોની સંખ્યા માત્ર 17 છે. અને તેમાં પણ સૌથી જાણીતાં ગીતો ‘દોસ્ત’, ‘ખેલ’, ‘1857’, ‘હલચલ’, ‘સૈયાં’, ‘સંગદિલ’ કે ‘રુસ્તમ સોહરાબ’નાં જ. ‘ધર્મ’, ‘ગાલી’, ‘કસમ’, ‘તિલસ્મી દુનિયા’, ‘રૂપલેખા’, ‘મેરે ભગવાન’, ‘રુખસાના’, ‘મેરા શિકાર’ જેવી ફિલ્મોનાં ગીતો જાણનારા સાવ ઓછા.

વીસમી સદીના શ્રેષ્ઠ મેન્ડોલીનવાદક તરીકે જેમનો એકમતે સ્વીકાર કરવામાં આવે છે, એવા આ સંગીતકારને સી.રામચંદ્ર જેવા ધુરંધર સંગીતકાર ‘કમ્પોઝર્સ કમ્પોઝર’ (સંગીતકારોના સંગીતકાર) કહેતા. સલીલ ચૌધરી જેવા જિનીયસ સંગીતકાર ખુદ તેમને ‘જિનીયસ’ કહેતા, તો ઓ.પી.નય્યર તેમને ‘વલી (સંત) સંગીતકાર’ કહેતા. (નય્યરસાહેબે સજ્જાદની પ્રકૃતિ વિશે નહીં, સંગીત વિશે આમ કહ્યું હશે.) સજ્જાદસાહેબની પ્રતિભા વિષે, એમ તેમના સ્વભાવની વિચિત્રતા બાબતે પણ ભાગ્યે જ ભિન્નમત છે. (તેમની અનેક દુર્લભ તસવીરો અને તેમના વિશે વિશિષ્ટ માહિતી  સ્ક્રૉલ.ઈન પર પ્રકાશિત થયેલ એક લેખમાં વાંચી શકાશે.)

image

(સજ્જાદ હુસેન)

એ બધી વાતો વિગતે કરવાનો અહીં ઉપક્રમ નથી, પણ તેમના વિષે વાત નીકળે ત્યારે બે બાબતો મનમાં આવ્યા વિના રહેતી નથી. એક તો એ કે આવા જિનીયસ સંગીતકારના મુઠ્ઠીભર ગીતોથી સંગીતપ્રેમીઓએ સંતોષ માનવો પડ્યો. બીજી બાબત જરા વિચિત્ર કહી શકાય એવી છે. આટલી ઓછી ફિલ્મોમાં આવાં અમર ગીતો આપવાં, અને સંખ્યાબંધ ફિલ્મોમાં સાતત્ય જાળવીને સુંદર રચનાઓ કરવી, એ બન્નેમાં ફરક છે. સજ્જાદસાહેબને અતિ ‘પ્રિય’ એવા બે સંગીતકારો નૌશાદ અને મદનમોહન, જેમને ભાંડી ભાંડીને જ સજ્જાદસાહેબ વધુ જાણીતા બની રહ્યા, જ્યારે એ સંગીતકારોએ આ હકીકત સિદ્ધ કરી બતાવી છે, એનો ઈન્કાર થઈ શકે એમ નથી. ખેર! એ બહુ જુદી ચર્ચા છે, એટલે અહીં તેનો ઉલ્લેખ માત્ર.

સજ્જાદના સંગીતવાળું ‘રુસ્તમ સોહરાબ’ 1963માં આવ્યું, જેનાં એક એક ગીતો આજે પણ કાનમાં ગૂંજી રહ્યા છે. પણ ત્યાર પછી શું? સજ્જાદસાહેબે ત્યાર પછી માત્ર બે જ ફિલ્મો કરી. 1973માં આવેલી ‘મેરા શિકાર’ અને 1977માં આવેલી ‘આખરી સજદા’. આ ફિલ્મ સજ્જાદસાહેબની આખરી ફિલ્મ હતી.

‘આખરી સજદા’ મુસ્લિમ પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ હોય એવું તેના નામ અને ટાઈટલ્સ પરથી જણાય છે. તેનાં કુલ પાંચ ગીતો હતાં, જે જાંનીસાર અખ્તરે લખેલાં હતાં. મુખ્ય ગાયિકા ઉષા મંગેશકર હતાં અને ગાયક મહંમદ રફી. ‘કિસી સે મિલી હૈ નજર‘ સીત્તેરના દાયકાની ફિલ્મોમાં જોવા મળતું એવું મુજરા પ્રકારનું ગીત છે. ‘નજર મિલાઓ, પતા ચલેગા‘માં સજ્જાદ ટચ જોવા એટલે કે સાંભળવા મળે છે, પણ તે સજ્જાદસાહેબની પ્રતિભાના અશ્મિ જેવો જણાય. ‘બુલા લો દર પે હબીબે ખુદા‘ કવ્વાલી છે. ‘લાઈલાહા ઇલલિલ્લા’ના શબ્દો નવા નથી, પણ તેની ધૂનમાં સજ્જાદ ટચ જણાઈ આવે છે. ‘કિસકો પુકારું તેરે સિવા‘ની ધૂન પણ વિશિષ્ટ લાગે, છતાં સજ્જાદસાહેબની અગાઉ સાંભળેલી જાણીતી ધૂનોની છાયા (‘એ દિલરુબા…’ પ્રકારનાં ગીતોની) તેમાં જણાય છે.

image

આમ છતાં, નવાઈ લાગે એવી વાત એ છે કે આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં તેમણે સંપૂર્ણ પાશ્ચાત્ય પ્રકારનું સંગીત આપ્યું છે. અલબત્ત, આ ટ્રેકમાં એકોર્ડિયન કેન્દ્રસ્થાને છે. પણ ટ્રેકના આરંભે સજ્જાદસાહેબનું પ્રિય મેન્ડોલીન સાંભળી શકાય છે. આખી ટ્રેકમાં રીધમ- ખાસ કરીને ડ્રમનો ઉપયોગ ધ્યાન ખેંચે છે.

અહીં આપેલી ‘આખરી સજદા’ ફિલ્મની લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 2.02 સુધીનું છે.


(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

3 thoughts on “ટાઈટલ મ્યુઝિક (૩૨) – આખરી સજ઼દા (૧૯૭૭)

 1. સજ્જાદ હુસૈનનાં ગીતો ઇન્ટરનેટના સ્મયમાં શોધી શોધીને સાંભળયાં છે. પણ આ ‘આખરી સજ઼્દા’ તો ક્યાંય જોવા નહોતું મળ્યું.

  બીરેનભાઈએ સજ્જાદ હુસૈન વિશેની સમજણને તો વિસ્તારી આપી જ , પણ તે સાથે ‘૭૦ના દાયકાનું હિંદી ફિલ્મો માટેનું સામાન્ય જ્ઞાન પણ વધારવાનું મહત્ત્વનું કામ કર્યું છે.

  ટાઈટલ ટ્રેકમાં વાદ્યો પાશ્ચાત્ય શૈલીનાં છે, પણ તેની ધુન તો મધ્ય-પુર્વનાં એરેબીક નૂત્ય શૈલી પર આધારીત જણાય છે. મધ્ય-પૂર્વનાં સંગીતને પસંદ કરવાનું કારણ કદાચ ફિલ્મના વિષયને અનુરૂપ રહેવાનું હોઈ શકે છે.

  પણ આ બધાંથી વધારે મહત્ત્વનું તો એ જણાય છે કે ૧૯૪૪માં પહેલવહેલી ફિલ્મમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે સંંગીત આપ્યા બાદ ૩૩ વર્ષ પછી પણ તેઓ એટલા જ સ્ફુર્તીલા અને પ્રસ્તુત જણાય છે.

  એક આડવાત – ‘રુસ્તમ સોહરાબ’ (૧૯૬૩)નાં વસ્તુનું મૂળ તો મધ્ય-પૂર્વની પૃષ્થભૂમિ જ છે. એટલે સજ્જાદ હુસૈનની મધ્ય-પૂર્વના સંગીત વિષેની હથોટી તેમને મદદરૂપ થઈ હશે. !

  બીજી આડવાત – સજ્જાદ હુસૈન દ્વારા મેન્ડોલીન પર (સોલો) સજાવાયેલ ફિલ્મ Mutyala Mugguમાં પાર્શ્વ સંગીતનો અદ્‍ભૂત ટુકડો. (ફિલ્મનાં ટાઈટ્લ્સમાં પણ સજ્જા હુસ્સૈનના નામની ખાસ નોંધ પણ લેવાઈ હોવાનું નોંધાયું છે.)

  https://www.youtube.com/watch?v=Et4Y6RqhUa8

  1. આભાર, અશોકભાઈ.
   આ તમે બહુ સરસ લીન્‍ક આપી.

 2. અશોકભાઈ, આ પ્લેટફોર્મ ઉપર બીરેનભાઈ તો એક પછી એક ખજાના ખુલ્લા મૂકતા જાય છે. સાથે તમે ભલે આને ‘આડવાત’ કહી, પણ સજ્જાદ હુસેનના કર્તૃત્વની એક વધુ ચીજ મૂકી, તમે ખરા અર્થમાં મૂલ્યવર્ધન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.