મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો (૧)

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મન્ના ડેમી કારકીર્દીમાં હાસ્યરસપ્રધાન ગીતોની સફરની અદિ હટો કાહેકો બનાઓ બતીયાં (મંઝીલ, ૧૯૬૦)થી શરૂ થયેલી ગણી શકાય આ સીમાચિહ્ન ગીતને પર્દા પર મેહમૂદે અભિનિત કર્યું હતું. એ ગીતની અપ્રતિમ સફળતાને કારણે મન્નાડેના સ્વરમાં મેહમૂદ માટે ગીત ગવડાવવાની એક પ્રથા તો સ્થપાય એ તો સ્વાભાવિક જ હતું. તે સાથે મન્નાડેના સ્વરમાં અન્ય હાસ્ય કળાકારો માટે પણ ગીત ગવડાવવાનું બીજા સંગીતકારોને પણ પસંદ પડવા ન લાગે તો જ નવાઈ કહેવાય. મન્ના ડેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ આ ખાસ શ્રેણીના આખરી પડાવમાં આપણે મન્નાડેનાં અન્ય કળાકારોમાટેનાં હાસ્યરસપ્રધાન ગીતોને યાદ કરીશું.

Manna Dey RK SK JW

જોકે એ વિષય પર આગળ વધતાં પહેલાં મન્ના ડે એ ફિલ્મ જગતમાં ‘હીરો’ તરીકે ઓળખાતા, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા, કળાકારો માટે પણ જે પ્રસંગોપાત હાસ્યરસપ્રધાન ગીતો ગાયાં છે તેવાં ગીતોને યાદ કરી લઈએ.

પ્રથમ હરોળના કળાકારો માટે ગાયેલાં મન્નાડેનાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડે એ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવતા કળાકરો માટે ઘણાં નોંધપાત્ર ગીતો ગાયાં છે, જે આપણે સાત અલગ અલગ અંકોમાં આપણે બહુ વિગતે યાદ કર્યાં હતાં.એ અંકોમાં આપણે અમુક કળાકારો માટે મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતોની નોંધ લીધી પણ હતી. આજે એ ઉપરાંતનાં કૅટલાંક ગીતો અહીં યાદ કરીશું.

કપુર ભાઈઓની ત્રિપુટીમાટે મન્નાડેનાં કૉમેડી ગીતો

‘૪૦ના દાયકાના અંતમાં હિંદી ફિલ્મ જગતના સુવર્ણ યુગના પાર્શ્વગાયકોનાં પદાર્પણ થયાં તે પછીના ‘૫૦ના અને ‘૬૦ના દાયકામાં મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર કે મન્ના ડે જેવા ગાયકો વચ્ચે જ બધા અભિનેતાઓએ પર્દા પર લગભગ દરેક ભાવનાં ગાયેલાં ગીતોનો સમાવેશ થઈ જાય. એમાં એક મન્ના ડે કદચ એક જ એવા અપવાદ ગણી શકાય જેમણે રાજ, શમ્મી અને શશી એમ ત્રણેય કપૂર ભાઈઓ માટે કૉમેડી ગીતો પણ ગાયાં હોય.

મન્ના ડે અને રાજ કપૂર

રાજ કપૂરના મુખ્ય પાર્શ્વ ગાયક તરીકેનું સ્થાન ભલે મુકેશનું હતું, પણ મન્નાડે એ પણ રાજ કપૂર માટેના મુકેશ પછીની પસંદના પાર્શ્વ ગાયક તરીકે સ્થાન અંકે કર્યૂં હતું. ‘આવારા’ (૧૯૫૧) માં બન્નેના સંગાથની શરૂઆતથી જ મન્ના ડે એ રાજ કપૂર માટે લગભ્ગ દરેક ભાવનાં ગીતો ગાયાં છે. તેરે બીના આગ યે ચાંદનીમાં (આવારા, ૧૯૫૧) કરૂણ ભાવ કે પ્રેમના ભાવમાં લથબથ પ્યાર હુઆ ઈકરાર હુઆ ની સાથે હળવા મિજાજનું નૃત્ય ગીત મુડ મુડ કે ન દેખ કે હળવાશથી ગંભીર વાત કહેતું દિલકા હાલ સુને દિલવાલા (બધાં, શ્રી ૪૨૦, ૧૯૫૫) સુધી હજૂ માત્ર અને માત્ર કૉમેડી ગીત કહી શકાય એવું ગીત મન્નાડેના ફાળે નહોતું આવ્યું.

મામા ઓ મામા ઓ પ્યારે મામા – પરવરિશ (૧૯૫૮) – મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: હસરત જયપુરી

‘પરવરિશ’માં આંસુ ભરી હૈ સિવાય રાજ કપૂરનાં બધાં જ ગીતો મન્ના ડેએ ગાયાં હતાં. એટલે પ્રસ્તુત ગીતમાં મેહમૂદ માટે મોહમ્મદ રફીનો અવાજ જાય તે તો સ્વાભાવિક જણાય.

એ પછી રાજ કપૂર માટે કૉમેડી ગીત ‘દિલ હી તો હૈ (૧૯૬૩)માં મન્નાડે એ ગાયું.

લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે – દિલ હી તો હૈ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

આ ફિલ્મમાં રોશને રાજ કપૂર માટેનાં બધાં જ ગીતો મુકેશના સ્વરમાં જ રેકોર્ડ કર્યાં. એ બધાં જ ગીતો હતાં પણ ખુબ ઊંચી કક્ષાનાં. પરંતુ શાસ્ત્રીય રાગ પર આધારિત કૉમેડી ગીત ગાવાની વાત આવી હશે એટલે રોશન મન્ના ડે તરફ ઢળ્યા હશે. તેમાં પાછૂં ગીત રાજ કપૂરે છદ્મવેશમાં ગાયું છે એટલે બીજા સ્વરનો ઉપયોગ કરવો વધારે સ્વાભાવિક પણ ગણાયું હશે.

મન્ના ડે અને શમ્મી કપૂર

મન્નાડે શમ્મી કપૂર માટે અબ કહાં જાયેં હમ કે ‘ઉજાલા’નાં અન્ય ત્રણ ગીતો સિવાય ‘ક્વચિત’ પસંદગીના જ પાર્શ્વગાયક રહ્યા. મન્ના ડે અને શમ્મી કપૂરનાં એ બધાં ગીતો આપણે અલગથી સાંભળી ચૂક્યાં છીએ.

મેરી ભૈંસ કો ડંડા ક્યું મારા – પગલા કહીં કા (૧૯૬૯) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

અહીં પણ શમ્મી કપૂર માટે મુખ્ય પાર્શ્વ ગાયક તો મોહમ્મદ રફી જ હતા. પરંતુ ગીતની ખાસ સીચ્યુએશન માટે શંકર જયકિશને ફરી એક વાર શમ્મી કપૂરના પાર્શ્વ સ્વર માટે મન્નાડેનો પ્રયોગ કર્યો છે.

મન્ના ડે અને શશી કપૂર

મન્ના ડેએ શશી કપૂર માટે ક્વચિત જ ગીત ગાયાં છે.

સુન લે પ્યાર દુશ્મન દુનિયા – પ્યાર કિયે જા (૧૯૬૬) – કિશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીત સાવે સાવ કૉમેડી ગીતની કક્ષામાં તો ન મુકાય, પણ બે પ્રેમી યુગલો પોતાના પ્રેમની ‘જાલિમ દુનિયાની જોહુકમી’ સમક્ષ જાહેરાત હળવાશથી જરૂર કરે છે.

પ્રથમ હરોળના અન્ય કળાકારો માટે મન્ના ડેનાં કૉમેડી ગીતો

મન્ના ડેએ અશોક કુમાર માટે ગાયેલાં ગીતોની વાત કરતાં આપણે મન્ના ડે એ તેમના માટે ગાયેલાં બે સાવ અલગ જ પ્રકારનાં કૉમેડી ગીતોની વાત કરી હતી. તેમાંથી બાબુ સમજો ઈશારે (ચલતી કા નામ ગાડી, સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી) જેટલું સફળ બન્યું તેટલું સફળ જા રે બેઈમાન તુઝે જાન લિયા જાન લિયા (પ્રાઈવેટ સેક્રેટરી, ૧૯૬૨ – સંગીતકાર: દિલીપ ધોળકિયા ગીતકાર: પ્રેમ ધવન) ન ગણાય

મન્ના ડે અને વિજય આનંદ

મન્ના ડે અને વિજય આનાંદ કોંમેડી પ્રકારનાં ગીતમાં સાથે હોય એવાં ગીતનું અકસ્માત ‘મળી” આવવું એ આખી શ્રેણી દરમ્યાન બહુ ઓછાં સાંભળવા મળેતાં ગીતોને સાંભળવાની જે કોઈ તકો મળી તેમાં સૌથી વધારે મજા પડી ગઈ હોય એવી તક છે.

મિસ્ટર ઓ મિસ્ટર સુનો એક બાત – આગ્રા રોડ (૧૯૫૭) – ગીતા દત્ત સાથે – સંગીતકાર રોશન – ગીતકાર પ્રેમ ધવન

ફિલ્મ્ના સિધ્ધ્હસ્ત દિગ્દર્શકોમાં નામના ધરાવતા વિજય આનંદ ગીતોનાં ફિલ્મીકરણના તો જાદુગર મનાતા હતા. પોતે દિગ્દર્શિત કરેલ ફિલ્મનાં કોઈક ગીતમાં તે આલ્ફ્રેડ હિચકોકની જેમ દેખાઈ પણ દેતા. ફિલ્મમાં કેમેરાની આગળ ‘હીરો’ તરીકે તેમના પ્રયાસ બહુ સફળ નથી ગણાયા. અહીં તેઓએ થ્રિલર ફિલ્મોના ખાસ કસબી ગણાતા (નગીના, ૧૯૫૧ થી પ્રકાશમાં આવેલા) રવિન્દ્ર દવેનાં દિગ્દર્શન હેઠળ કેમેરા સામે કામ કર્યું છે.

મન્ના ડે અને ગીતા દત્તનાં યુગલ ગીતો પણ સંખ્યામાં બહુ થોડાં જ છે. આમ અહીં એ બન્નેને પણ સાથે સાંભળવાનો લ્હાવો પણ મળે છે.

અન્ય કૉમેડી કલાકારો માટે મન્ના ડેએ ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો

મેહમૂદ માટે મન્નાડેના સ્વરમાં રેકોર્ડ થયેલ સીમાચિહ્ન ગીત હટો કાહે કો બનાઓ જૂઠી બતિયાં (મંઝિલ, ૧૯૬૦) પછી મન્ના ડેએ જે કોમેડીઅન માટે ગીત ગાયું એ હતા એ સમયના ટોચના કોમેડીઅન જોહ્ની વૉકર.

મન્ના ડેનાં જોહ્ની વૉકર માટેનાં કૉમેડી ગીતો

જોહ્ની વૉકરમાટે પર્દા પાછળના સ્વર માટે મોહમ્મદ રફી જ છવાયેલા હતા. મોહમ્મદ રફીએ તેમની ગાયકીની શૈલીમાં જોહ્ની વૉકરની અદાઓને એટલી હદે આત્મસાત કરી હતી કે માત્ર તેમનું ગીત સાંભળતાં જ ખયાલ આવી જાય કે આ તો જોહ્ની વૉકરનું ગીત છે.

અર્રે કિસને ચીલમન સે મારા = બાત એક રાત કી (૧૯૬૨) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાન્પુરી

એને યોગાનુયોગ કહેવો કે મન્ના ડેનાં નસીબનો ચમકારો કહેવો, પણ એસ ડી બર્મનને ફરી એક વાર એક કૉમેડી ગીત માટે તળ શાસ્ત્રીય રચના પર અભિનવ પ્રયોગ કરવાનું સુઝ્યું. ‘બાત એક રાત કી’માં જોહ્ની વીકરનાં બીજાં ગીતો – આજ કા દિન હૈ ફિક઼ા ફિક઼ા – મોહમ્મદ રફીએ તેમની આગવી શૈલીમાં ગાયાં જ હતાં. ઠુમરીની શૈલીમાં ગવાતાં આ મુજ઼રા નૃત્યનાં ગીત માટે એસ ડી બર્મનની પસંદ મન્ના ડે હતા. જોહ્ની વૉકરને આ વાત કેમ ગળે ઉતરી હશે તે કલ્પવું મણ મુશકેલ છે. પણ સો વાતની એક વાત, આપણને ફરી એક વાર મન્ના ડેનું સર્વાકાલીન સીમાચિહ્ન કૉમેડી ગીત સાંભળવા મળ્યું.

અહીં પણ જોહ્ની વૉકરની અદાઓ માટે ખાસ જગ્યા બનાવાઈ જ છે અને મન્ના ડે તેને અદલોદલ ન્યાય પણ કરી રહે છે.

જ્હોની વૉકર માટે મન્ના ડે એ હવે પછી જે કંઈ ગીતો ગાયાં તે કલ્યાણજી આણંદજી દ્વારા જ સ્વરબધ્ધ કરાયેલાં છે.

મેરે મહેબૂબ મુઝકો  – હસીના માન જાયેગી (૧૯૬૮) – આશા ભોસલે સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી

‘રૂઠેલી’ પ્રેમિકાને મનાવવાનો ઈજારો એકલા હીરોલોગનો જ નથી હોતો, કૉમેડીઅન પણ એ મસાલામાં પોતાની કૉમેડીનો એકાદ નવો સ્વાદ ઉમેરવાની કોશીશ કેમ ન કરી લે !

એક અનાર દો બીમાર – બાઝી (૧૯૬૮) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શકીલ બદાયુની

ફિલ્મોમાં અમુક ઢાંચા એવી જબરી ઘરેડમાં બેસી ગયા હોય કે સંગીતકાર સાથે સાવ નવા જ ગીતકારની જોડી બને તો પણ એ ‘મસાલા’ના પ્રયોગથી જે વાનગી મળે તેના સ્વાદમાં બહુ મોટો ફરક ન હોય !

હાયે રે રામા રામ ક઼સમ આયા રે કૈસા જ઼માના – એક હસીના દો દીવાને ((૧૯૭૨) – સંગીતકાર: કલ્યાણજી આણ્ંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી

જોહ્ની વીકરની કક્ષાના કૉમેડીઅનને ફિલ્મમાં લીધા હોય એટલે તેમને પણ એક ગીત તો તો ફાળવવું જ પડે ! આ પ્રકારનાં ગીતો માટે હવે તો અનેક તૈયાર ઢાંચા પણ મળી રહેવા લાગ્યા હતા. બ્સ, એમાંથી એક ઢાંચો ઊઠાવ્યો, શબ્દો લખ્યા અને સંગીત સજાવ્યું એટલે એક વધારે ગીત કૉમેડી ગીત એસેમ્બ્લી લાઈન પરથી બહાર પડી જાય.


મના ડેનાં નસીબની આડી ચાલ દરેક વખતે આપણને પર્વતની ટોચ પરનાં કૉમેડી ગીતથી શરૂ કરીને દરેક અંકના અંત સુધીમાં તો ઊંડી ખાઈમાં ધકેલી દેતી હોય એવો જ અનુભવ થયા કરે છે.

જોકે આજે આપણને આ નિરાશામાંથી બહાર લાવે એવું એક ગીત છે જે મન્ના ડે એ ‘જોહ્ની વૉકર’માટે ગાયું પંણ છે અને નથી પણ ગાયું.

મુઃહ સે મત લગા કે યે ચીઝ હૈ બૂરી – જોહ્ની વૉકર (૧૯૫૭) – મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: હસરત જયપુરી

‘જોહ્ની વૉકર ફિલ્મ માટેનાં આ ગીતમાં જોહ્ની વૉકર માટે તો સ્વર મોહમ્મદ રફીનો જ છે પણ પર્દા પર જૉહ્ની વૉકરના કેટલાક મિત્રો પણ સાથ પુરાવે છે જે મન્ના ડેના સ્વરમાં છે. રફી તો જોહ્ની વૉકર માટે પૂરેપૂરા ખીલ્યા જ છે, પરંતુ મન્ના ડે પણ એકે એક સુરમાં તાલ મેળવવામાં પાછળ નથી રહેતા.

હવે પછીના અંકમાં આપણે મન્ના ડેની જન્મ શતાબ્દીની યાદમાં શરૂ કરેલી આ લેખશ્રેણી પૂરી કરીશું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.