સાયન્સ ફેર – વેસ્ટ ટુ બેસ્ટ : આખરે શર્માજી કે લડકેને કર દિખાયા!

જ્વલંત નાયક

તમને સાદી ખાંસી-શરદી થઇ જાય તો ય ઝડપથી સાજા નથી થઇ શકાતું. એક જમાનામાં શરદી સાત દિવસનો રોગ ગણાતી. દવા ન કરો તો ય વધુમાં વધુ એકાદ અઠવાડિયામાં શરદી પોતાની મેળે જ સારી થઇ જતી. પણ સાંપ્રત સમયમાં જો તમે આસપાસના લોકોનો અનુભવ જાણશો તો ખ્યાલ આવશે કે એવરેજ વ્યક્તિને શરદી ઉધરસ સંપૂર્ણ સારા થવામાં પંદર-વીસ દિવસનો સમય લાગી જાય છે! આની પાછળ હવાના પ્રદૂષણનો ફાળો કંઈ નાનોસૂનો નથી! જો મહાનગરમાં રહેતા હોવ તો સાંજે ઓફિસેથી ઘરે જતી વખતે રસ્તા ઉપર લાગેલી હેલોજન લાઈટ્સની આસપાસ દેખાતા ધુમાડાની નોંધ લેજો. જુદા જુદા કારણોસર થતા હવાના પ્રદૂષણને પ્રતાપે પેદા થયેલો આ ધુમાડો આખરે આપણા ફેફસામાં જ જાય છે ને! આવી હવા અને એમાં તરતા દૂષિત રજકણો શ્વાસમાં ગયા બાદ માત્ર શરદી-ઉધરસ જ નહિ, પણ હૃદયને લગતી તકલીફો, શ્વાસોચ્છવાસને લગતી સમસ્યાઓ, સ્ટ્રોક અને કેન્સર સુધીના દુષ્પરિણામો જોવા મળે છે! એક અનુમાન મુજબ હવાના પ્રદૂષણને કારણે સાંપ્રત સમયમાં મનુષ્યની ‘ક્વોલિટી ઓફ લાઈફ’ પર વિપરીત અસર પડી રહી છે! બીજી તરફ, વાહનો અને ઔદ્યોગિક વિકાસને ક્ષેત્રે આપણે એટલા આગળ નીકળી ગયા છીએ કે હવાના પ્રદૂષણને પેદા થતું અટકાવવું દુષ્કર જણાય છે.

હવે જરા વિચારો, હવાનું પ્રદૂષણ સંપૂર્ણ અટકાવી ન શકાય તો કંઈ નહિ, પણ એ શ્વાસમાં જઈને નુકસાન કરે એના બદલે એનો ‘ક્રિએટીવ સદુપયોગ’ થઇ શકે તો કેવું? યાદ કરો, જાન્યુઆરીના એક લેખમાં આપણે લંડનના અન્ડર ગ્રાઉન્ડ ટ્યુબ સ્ટેશન્સમાં પેદા થતી ગરમીનો સદુપયોગ કરીને લંડન શહેરના અમુક મકાનોને હુંફાળા રાખતા પ્રોજેક્ટની વાત કરેલી. વેસ્ટમાંથી બેસ્ટ મેળવવા માટેનું એ ઉત્તમ ઉદાહરણ હતું. હવે હવાના પ્રદૂષણમાંથી કશુંક નીપજાવવાનો આવો જ કીમિયો એક ભારતીય યુવાને શોધી કાઢ્યો છે.

અનિરુદ્ધ શર્મા એનું નામ. મૂળ ભારતીય, પણ ગ્રેવીકી લેબ્સ નામની વિદેશી કંપનીમાં મહત્વના સ્થાન પર કાર્યરત એવો આ યુવાન સામાન્ય સ્નાતકો કરતા જરા જુદી રીતે – આઉટ ઓફ ધી બોક્સ વિચારવા ટેવાયેલો છે. ઇસ ૨૦૧૨ દરમિયાન એ રજાઓ ગાળવા માટે ભારત આવેલો. એ સમયે એણે ડીઝલ એન્જીન ધરાવતા વાહનને કારણે પાર્કિંગ એરિયાની દીવાલ ઉપર ચોક્કસ જગ્યાએ ત્રિકોણાકારે કાળા ધબ્બા પડેલા જોયા. આપણા બધા માટે આવું દ્રશ્ય સામાન્ય હોય છે. આપણે એને બહુ મહત્વ નથી આપતા. પણ આ દ્રશ્ય જોયા બાદ અનિરુદ્ધને એકદમ જુદો જ વિચાર ઝબકી ગયો. જો ડીઝલ એન્જીનમાંથી નીકળતો ધુમાડો આટલી સ્ટ્રોંગ ઈમ્પ્રેશન છોડે, કે જેનાથી દીવાલ પર કાળા રંગનો કાયમી ધબ્બો પડી જાય, તો આપણે એ ધુમાડાને જ છાપકામની શાહી તરીકે શા માટે ન વાપરીએ ! બંદાની વાતમાં દમ તો ખરો જ. હવામાં પોલ્યુશન ફેલાવતા કાર્બન કણોનું ઇન્કમાં રૂપાંતર કરવામાં આવે તો પ્રદૂષણ ઓછું ફેલાય, અને બાય-પ્રોડક્ટ તરીકે પ્રિન્ટીંગ ઇન્ક મળે! વાહનોમાંથી ધુમાડા સ્વરૂપે નીકળતા કાર્બન કણો પ્રદૂષણ ફેલાવવાને બદલે સુંદર વોલ આર્ટમાં પરિણમે તો એનાથી રૂડું બીજું શું હોય?!

અશ્મિભૂત બળતણ (fossile fuel) વાપરતા મશીનોમાંથી જે ધુમાડો નીકળે, એમાં particulate matter તરીકે ઓળખાતા સૂક્ષ્મ કણો હોય છે. આ કાર્બન કણો PM2.5 તરીકે ઓળખાય છે. આ કણોનો જથ્થો જ્યારે હવામાં ભળે ત્યારે એ સૂટ (Soot) તરીકે પણ ઓળખાય છે. અનિરુદ્ધ અને એના સહકર્મી મિત્રોએ આ સૂટનો ઉપયોગ કરીને ઇન્ક બનાવી છે. આમે ય ઇન્કના ઉત્પાદન માટે કાર્બન જ વપરાય છે, તો ઇન્ક બનાવવા માટે નવો કાર્બન શા માટે પેદા કરવો? એના બદલે બીજી મશીનરીઝમાંથી નીકળીને હવાને પ્રદુષિત કરતા કાર્બન પાર્ટીકલ્સનો જ સદઉપયોગ કરી નખાય ને! કઈ રીતે શક્ય બન્યો ‘વેસ્ટમાંથી બેસ્ટ’ જેવો આ ચમત્કાર?

અનિરુદ્ધ શર્માની ટીમે ઇસ ૨૦૧૩માં સૌપ્રથમ વાર બહુ નાના પાયે, મીણબત્તીના ધુમાડામાંથી શાહી પેદા કરવાનો પ્રયોગ કર્યો. એમાં સફળતા મળી પછી ઇસ ૨૦૧૫માં એમણે ભારતમાં રહેતા એક ટીમ ‘કાલીંક’ (Kaalink)મેમ્બરના ઘરમાં જ નાનકડી લેબ સ્થાપી. અહીં એમણે કેટલીક ફોર વ્હીલર ગાડીઓના ધુમાડાને ઝીલવા માટેની સિસ્ટમ વિકસાવી. આ સિસ્ટમને ‘કાલીંક’ (Kaalink) નામ આપવામાં આવ્યું. કાલીન્ક દ્વારા કારમાંથી નીકળતા ધુમાડામાં રહેલું PM2.5 બહુ મોટા પ્રમાણમાં (આશરે ૯૫%) શોષાઈ જતું હતું. આ રીતે મેળવાયેલ PM2.5 ઉપર ચોક્કસ પ્રોસેસ કરીને ઘાટું કાળું પ્રવાહી મેળવાતું હતું. આ કાળું પ્રવાહી એટલે જ ઇન્ક. એક અંદાજ મુજબ, સામાન્ય ડીઝલ એન્જીન ધરાવતું વાહન ૪૫ મિનીટ્સમાં જેટલું PM2.5 હવામાં છોડે, એમાંથી ૩૦ મિલીલીટર ઇન્ક બનાવી શકાય છે. હવે જરા વિચારો, કે એકલા ભારતના જ હેવી લોડેડ કોમર્શીયલ વિહીક્લ્સમાં કાલીન્ક જોડીને બધું PM2.5 શોષી લેવામાં આવે તો હવાના પ્રદૂષણમાં કેવડી મોટી રાહત રહે. વળી સાવ મફતના ભાવે હજારો લીટર બ્લેક ઇન્કનું પ્રોડક્શન થાય એ તો નફામાં! સાચા અર્થમાં આને જ કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું!

માનવ જે ઝડપે પ્રગતિ કરી રહ્યો છે, એ જોતા ભવિષ્યમાં ઉર્જાનો વપરાશ ઘટાડવાનું અને એ રીતે ઉત્ક્રાંતિના પથ પર પાછા ફરવાનું અશક્ય જણાય છે. આ પરિસ્થિતિમાં પ્રદૂષણને સંપૂર્ણ રીતે નાથવું લગભગ અશક્ય છે, પણ આ રીતે પ્રદૂષણનું સ્વરૂપ બદલીને કોઈક ક્રિએટીવ/ઉપયોગી પ્રોડક્ટ મેળવવામાં આવે તો પ્રદૂષણમાં ચમત્કારિક ઘટાડો કરી શકાય. હાલ પૂરતું તો આ બાબતે આપણે ભારતીયો ગર્વ સાથે કહી શકીએ કે હમારે શર્માજી કે લડકેને કર દિખાયા !


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.