ફિર દેખો યારોં : સંધ્યા કરવી છે? તો ‘શિખા બંધનમ્’!

– બીરેન કોઠારી

ઘણી બાળકથાઓ કે બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ તેનું કારણ પૂછે છે. દીવાન હોઠે ચડ્યું એ કારણ જણાવતાં કહે છે, ‘સંધ્યા કરવા રોકાયો એટલે આવતાં મોડું થઈ ગયું.’ બાદશાહ વિધર્મી હોવાથી તેને માટે આ શબ્દ નવો હોય છે. એટલે તે પૂછે છે, ‘સંધ્યા કરવી એટલે શું?’ દીવાન માંડ આખી વિધિ બાદશાહને સમજાવે છે. એ સાંભળીને બાદશાહને ધૂન ઉપડે છે, ‘મારેય સંધ્યા કરતાં શીખવું છે.’ દીવાનની સ્થિતિ કફોડી બની જાય છે. વિધર્મી બાદશાહથી કંઈ સનાતન ધર્મની વિધિ થાય? સાથે એ પણ મૂંઝવણ કે બાદશાહને સીધી ના શી રીતે પડાય? થોડું વિચારીને તે બાદશાહને બીજા દિવસે નદીએ આવવા જણાવે છે. નિયત સમયે બાદશાહ નદીએ પહોંચે છે. દીવાન અને બાદશાહ નદીના પાણીમાં ઊતરે છે. દીવાન સંધ્યાની શરૂઆત કરતાં પોતાના વાળની ચોટલી બાંધે છે અને બોલે છે: ‘શિખા બંધનમ.’ બાદશાહ આશ્ચર્યથી પૂછે છે, ‘આ શું?’ દીવાન કહે, ‘શિખા બાંધો.’ મૂંઝાયેલો બાદશાહ કહે છે, ‘પણ મારે માથે શિખા નથી.’ દીવાન કહે છે, ‘તો કરાવો. માથાના વાળ ઉતારાવડાવો.’ બસ, પછી શું! માથું બોડાવવાના ખ્યાલે બાદશાહ ભડકી ઉઠે છે, અને કહી દે છે, ‘નથી શીખવી મારે સંધ્યા.’ બાદશાહને સંધ્યા કરતાં શિખવવાનો મામલો સીધેસીધી ના પાડવાને બદલે દીવાન સિફતપૂર્વક ટાળી દે છે.

કોવિડ-19ને કારણે ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ. અલબત્ત, આવા અભૂતપૂર્વ સંજોગો અગાઉ કદી સર્જાયા નથી, એટલે કેટલીક મુસીબતો અનપેક્ષિત હોય એ સમજી શકાય એવું છે. આમ છતાં, આવા રાષ્ટ્રીય કટોકટીકાળમાં પણ ધ્રુવીકરણ, જૂઠાણાં, વરવું રાજકારણ અને નફરતના ખેલ ખેલાવાનું ચાલુ છે. ધ્રુવીકરણ કોમનું થાય એથી વધુ આભાસી અને વાસ્તવિક જગતમાં રહેતા લોકોનું થઈ ગયું છે એ વર્તમાન યુગની વાસ્તવિકતા છે. એક તરફ ઈન્‍ટરનેટને કારણે સુલભ બનેલાં સામાજિક નેટવર્કિંગનાં અનેક માધ્યમો અને કિલ્લા ફરતે ઘેરો ઘાલીને પડ્યાપાથર્યા રહેતા કોઈ સૈન્યના સૈનિકો જેવા તેના ઉપભોક્તાઓ છે. બીજી તરફ આ માધ્યમના અસ્તિત્ત્વ વિશે જાણ સુદ્ધાં ન હોય એવા લોકો છે. આભાસી માધ્યમના સૈનિકો જેવા લોકો પોતાની અંગતમાં અંગત બાબતો આ માધ્યમ પર જાહેર કરે છે, અને સમસુખિયાઓ સાથે તે વહેંચે છે. આવા કપરા સમયમાં તેમને પોતાને ઘેર રહેવાનો વૈભવ પ્રાપ્ત થયો છે. પરિણામે આ સમય કંટાળ્યા વિના, બને એટલો આનંદદાયક રીતે કેમ પસાર કરવો તેના નુસખા તેઓ આ માધ્યમે વહેંચતા રહે છે. તેમની આર્થિક-સામાજિક સ્થિતિ જોતાં એમાં કશું ખોટું નથી.

બીજી તરફ એવો મોટો વર્ગ છે કે જેની સ્થિતિ આ વાતાવરણમાં કફોડી બની છે. ગયા સપ્તાહે સુરતમાં અસંખ્ય શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા, અને તમામ પ્રતિબંધ અને સાવચેતીને અવગણીને પોતાને વતન મોકલી દેવાની માગણી સાથે અશાંતિ પણ સર્જી. આ ઘટના એકલદોકલ છે, પણ તેને અવગણવાને બદલે સંકેત તરીકે જોવી જોઈએ.

દિલ્હીસ્થિત બિનસરકારી સંગઠન ‘જનસાહસ’ દ્વારા માર્ચની 27 અને 29ની વચ્ચે એક સર્વેક્ષણ હાથ ધરાયું. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને ‘બિલ્ડીંગ એન્‍ડ અધર કન્‍સ્ટ્રક્શન વર્કર્સ (બી.ઓ.સી.ડબલ્યુ.) વેલ્ફેર બૉર્ડ’ દ્વારા એકત્ર કરાયેલા ઉપકરનાં નાણાં સીધા શ્રમિકોના ખાતામાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે 94 ટકા, એટલે કે મોટા ભાગના શ્રમિકો બી.ઓ.સી.ડબલ્યુ. કાર્ડ ધરાવતા નથી. પરિણામે નાણાં મેળવવા માટે તેઓ ગેરલાયક ઠરે છે. આ સર્વેક્ષણમાં ઉત્તર અને મધ્ય ભારતના બાંધકામ ક્ષેત્રના 3,196 સ્થળાંતરિત શ્રમિકો પાસેથી આ વિગત મેળવાયેલી હતી. સર્વેક્ષણના આ પ્રમાણને સમગ્ર દેશ માટે લાગુ પાડવામાં આવે તો કહી શકાય કે બાંધકામ ક્ષેત્રે દેશભરમાં સાડા પાંચ કરોડ જેટલા શ્રમિકો છે, તેમાંથી પાંચ કરોડ અને દસ લાખ શ્રમિકો સુધી આ નાણાં પહોંચશે નહીં.

લેખના આરંભે જણાવેલી વાર્તામાં આવે છે એમ, દીવાને બાદશાહને સંધ્યા શિખવવાની તૈયારી બતાવી, પણ એમ કરવા માટે ‘શિખા બંધનમ’ની શરત પૂરી થવી અનિવાર્ય હતી. શાસન કોઈ પણ હોય, મોટા ભાગની સરકારી યોજનાઓ અને તેની વાસ્તવિકતા મોટે ભાગે ‘શિખા બંધનમ’ના સ્તરે જ અટવાયેલી રહે છે.

વધુમાં 14 ટકા શ્રમિકો પાસે રેશન કાર્ડ નથી અને 17 ટકા પાસે બૅન્‍કનું ખાતું નથી. ઉલ્લેખનીય છે કે બાંધકામ ક્ષેત્રનું દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જી.ડી.પી.)માં તેનું આશરે 9 ટકા જેટલું પ્રદાન છે. આ ક્ષેત્રે સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતરીત શ્રમિકો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. આમાંના 51 ટકા શ્રમિકોને માથે દેવું હતું, જે રોજગાર વિના ભરપાઈ થાય એમ નહોતું. વણનોંધાયેલા શ્રમિકોની સંખ્યા અલગ.

માત્ર બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની આ સ્થિતિ છે. તેની પરથી અન્ય અનેક ક્ષેત્રોના શ્રમિકોની સ્થિતિની કલ્પના કરવી રહી. આવી અભૂતપૂર્વ કટોકટીની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનાં પગલાં લેવામાં વિલંબ થઈ શકે એ સમજી શકાય. પણ આટલા દિવસોમાં એમ કરવા માટેનો ઈરાદો અને એ દિશામાં લેવાતા નિર્ણય કંઈક સંકેત આપે એ જરૂરી છે. ખાસ તો, ગતકડાં જેવા નિરર્થક, છતાં યુદ્ધમાં વિજેતા બની ગયા હોવાનું સૂચવતા આદેશો નિયમીત ધોરણે અપાતા હોય અને તેનું પાલન પણ ભારે ઉત્સાહભેર થતું જોવા મળતું હોય ત્યારે આ દિશામાં કંઈક નક્કર કામ થાય એવી અપેક્ષા કેમ ન રખાય !


‘’ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬ -૪-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.