વાલ્મીકિના ખલનાયકોનું ચરિત્રીકરણ

દર્શના ધોળકિયા.

‘જોવું’ અને ‘દર્શન’ એ બે સંજ્ઞાઓ વચ્ચે રહેલો ભેદ વાલ્મીકિકૃત રામાયણ વાંચતાં તરત પામી જવાય છે. વાલ્મીકિ આપણા આદિકવિ છે; શોકને શ્ર્લોકત્વ આપી શકે તેવા સમૃદ્ધ છે. અનુભવમાંથી અનુભૂતિ પામી શકે એટલું જ નહીં પણ તેનું સાહિત્યમાં રૂપાંતર કરી શકે તેવા સશક્ત છે. તેમની સ્તુતિ કરતાં આપણે થાકીએ નહિ એટલું બધું તેમની કવિતા આપણને આપે છે.

સામાન્યત: કોઈ પણ કૃતિમાં નાયકની સ્તુતિ ને ખલનાયકની ઉપેક્ષા જ જોવા મળતી હોય છે. ખલનાયકોનું એક વરવું ચિત્ર આપણી સમક્ષ દોરાયેલું હોય છે. દા.ત. મહાભારતના દુર્યોધન ને દુઃશાસન, રામાયણના રાવણ ને કુંભકર્ણ. આ મનુષ્યોની વિચારશક્તિ કે ચાહવાની શક્તિ વિશે આપણે સાશંક હોઈએ છીએ. પણ ખલનાયકોમાં પણ એક વૈચારિક સ્તર તેમને નાયકની લગોલગ મૂકી દે એ પ્રકારનો સ્તર – પણ રહેલો હોય છે તેનો ખયાલ વાલ્મીકિ ભારે સૂક્ષ્મતાપૂર્વક રજૂ કરે છે. વાલ્મીકિ રામાયણ ખલનાયકોનું પણ વિધિવત્ ‘દર્શન’ કરાવે છે ને મનુષ્યમાં રહેલા બેવડા વ્યક્તિત્વનો નિર્દેશ કરીને ભાવકમાં વિસ્મય જગવે છે.

રામાયણના ખલનાયકોની વાત આવે એટલે આટલી વ્યક્તિઓ ભાવકની નજર સમક્ષ તરી રહે; રાવણ, કુંભકર્ણ ને મારીચ. આ ત્રણ કૃતિના મુખ્ય ખલનાયકો અને રામમાતા કૈકેયી, વાલી જેવા ગૌણ ખલનાયકો. આ પાત્રોનું આપણા માનસમાં રામાયણ પર રચાયેલી અન્ય કૃતિઓએ ને અન્ય રામાયણોએ આંકેલું પાત્રાલેખન આ ખલનાયકોને અન્યાય કર્તા છે એવું વાલ્મીકિએ સ્પષ્ટ કર્યું છે. વાલ્મીકિની નજરે આ પાત્રો જોવા જેવાં છે.

રામમાતા કૈકેયી એક રીતે ગૌણ ખલનાયિકા છે, પણ રામાયણમાં બનતા પ્રસંગોનાં મૂળમાં કૈકેયી છે. તેણી ભરતની માતા હોવા છતાં ભાવકને તેના પ્રત્યે આ કારણે નફરતનો ભાવ છે. પણ વાલ્મીકિ તેનું ચિત્રણ કેવું કરે છે તે જોઈએ:

મંથરાએ રામ-રાજ્યાભિષેકની કરેલી વાત સાંભળી સુંદર મુખવાળી કૈકેયી સહસા શય્યામાંથી બેઠી થઈ ગઈ. તેનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. એ શરદપૂર્ણિમાના ચંદ્રમંડળની જે ઉદ્દીપ્ત થઈ. તેણે અત્યંત સંતુષ્ટ થઈને મંથરાને પુરસ્કારમાં એક બહુમૂલ્ય આભૂષણનું પ્રદાન કરતાં કહ્યું: “તેં મને અત્યંત પ્રિય સમાચાર સંભળાવ્યા છે. એ માટે હું તારા ઉપર શો ઉપકાર કરું? હું રામ અને ભરતમાં ભેદ સમજતી નથી. તેં મને જે સંવાદ સંભળાવ્યો છે તે માટે તું માગીશ તે હું આપીશ.” મંથરા તેને રામ અને કૌશલ્યા વિરુદ્ધ ભંભેરે છે ત્યારે કૈકેયી તેને ઉત્તર આપતાં કહે છે: “રામ ધર્મના જ્ઞાતા, જિતેન્દ્રિય, કૃતજ્ઞ, સત્યવાદી અને પવિત્ર હોવાની સાથે મહારાજના જયેષ્ઠ પુત્ર હોઈ, યુવરાજ થવા યોગ્ય છે…મારા માટે ભરત જેટલો આદરપાત્ર છે એટલો જ બલકે એનાથી પણ વધારે રામ છે, કેમકે કૌશલ્યાથી પણ મારી વધારે સેવા કરે છે. રામને મળેલ રાજ્યને બહ્રતને મળેલું સમજ, કેમકે રામ પોતાના ભાઈઓને પોતા સમાન સમજે છે.” કૈકેયીના આટલા સંવાદ ઉપરથી તેનું પાત્ર સામાન્ય ખલનાયિકાનું બનતું અટકી જાય છે.”

રામાયણનો બીજો ગૌણ ખલનાયક વાલી છે. એક દ્રષ્ટિએ જોતાં વાલી રામનો સીધો શત્રુ નથી. પણ રામ સુગ્રીવના મિત્ર હોઈ, એ નાતે રામનો દુશ્મન બન્યો છે. રામ સુગ્રીવને લઈને તેની સામે લડવા જાય છે અને વાલી સુગ્રીવ સામે લડવા તૈયાર થાય છે ત્યારે વાલીની પત્ની તારા પતિને વારે છે. જવાબમાં વાલી પત્નીને કહે છે, “રામચંદ્ર વિશે વિચારીને તારે મારા માટે વિષાદ ન કરવો જોઈએ, કેમકે તેઓ ધર્મના જ્ઞાતા અને કર્તવ્યાકર્તવ્યને સમજવાવાળા છે. તેથી એ પાપ કેમ કરે? હું સુગ્રીવના ઘમંડના ચૂરેચૂરા કરીશ પણ તેમને મારીશ નહીં. ”

રામ વાલીને છુપાઈને બાણ મારે છે ત્યારે વાલી જે કહે છે તે ઘણી વજૂદવાળી વાત છે: “ભૂતળનાં પ્રાણીઓ તમારા યશનું વર્ણન કરે છે. હું તમારા સદગુણોને ભરોસે તારાની મનાઈ છતાં સુગ્રીવ સાથે લડવા આવ્યો હતુ. મારા મૃત્યુ પછી સુગ્રીવ આ રાજ્ય પ્રાપ્ત કરશે એ ઉચિત જ છે. અનુચિત એટલું જ છે કે આપે મને રણમા અધર્મપૂર્વક માર્યો છે.” રામે ઉત્તર વાળ્યા પછી રામને વાત સમજતો વાલી રામને ક્ષમા માગતાં જણાવે છે: “તમારા હાથે વધ ઇચ્છતો હોવાથી તારાની મનાઈ છતાં સુગ્રીવ સાથ દ્વંદ્વયુદ્ધ કરવા હું આવ્યો.” રામ સાથેની લાંબી વાતચીતમાં વાલીએ રામની ભારે ઉપેક્ષા કરી છે, પણ એ ઉપેક્ષામાં ભાષાની જે સફાઈ છે, જે ઔચિત્ય છે તે વાલીને ખલનાયક કહેતાં રોકે છે. નાયકને – રામ જેવા ધિરોદાત્ત નાયકને પડકારવાની આવડત વાલ્મીકિના ખલનાયકમાં જ હોઈ શકે તેવું ભાવક અનુભવે છે.

મારીચ રામાયણનો એક નાનો પણ મહત્વનો ખલનાયક છે. તેનું ચિત્રણ પણ ભારે આકર્ષક રીતે થયું છે. અરણ્યકાંડમાં મારીચ પોતા પાસે આવેલા રાવણની સીતાના અપહરણની યોજના સાંભળી તેને સલાહ આપતાં કહે છે: ‘મિત્રના રૂપમાં તમારો કોણ એવો શત્રુ છે જે તમારાથી સુખાદર પામ્યા છતાં તમારી બૂરાઈ ચાહે છે?…તમે સકુશળ પાછા ફરો અને તમારી સ્ત્રીઓ સાથે રહો.” નોંધવાનું તો એ છે કે રાવણને આ વાત ગળે ઊતરી ગઈ છે. પરંતુ શૂપર્ણખાની ચડામણીથી રાવણ પાછો મારીચ પાસે આવે છે ત્યારે ફરી મારીચ કહે છે: “જન નંદિની તમારા અંત માટે તો ઉત્પન્ન નથી થઈને? જે રાજા તમારા સમાન દ્રુષ્ટ હોય છે તે રાષ્ટ્રનો નાશ કરે છે…હું તમને આ કાર્યમાં સાથ આપી શકીશ નહીં.” છેવટે મારીચ પર રાવણ દબાણ કરે છે ત્યારે ગુસ્સે થઈને મારીચ કહે છે: “મારું મૃત્યુ નિશ્ચિત જ છે તો રામના હાથે મળેલા, મૃત્યુથી હું કૃતકૃત્ય થઈશ…” આ ખલનાયકની સૂક્ષ્મ વિવેક્બુદ્ધિ દાદ માગી લે તેવી છે.

આ પછી નોંધપાત્ર ખલનાયક છે કુંભકર્ણ. યુદ્ધ સમયે રાવણ તેને જગાડીને આખી પરિસ્થિતિ સમજાવે છે ત્યારે અત્યાર સુધી મોટાભાઈનો અત્યંત આદર કરતો કુંભકર્ણ મજાકપૂર્વક રાવણને કહે છે: “પહેલાં વિચાર કરતી વખતે અમને લોકોને જે દોષ દેખાયો હતો તે તમને આ સમયે દેખાઈ રહ્યો છે, કારણ કે તમે હિતૈષી પુરુષો અને તેની વાતો પર વિશ્વાસ કર્યો નહોતો. તમને શીઘ્ર તમારાં પાપકર્મોનું ફળ મળી ગયું. જેમ કુકર્મી પુરુષોનું નરકમાં પડવું નિશ્ચિત હોય છે એમ તમે તમારાં દુષ્કર્મોનું ફળ મળવું જરૂરી હતું.” આટલું કહ્યા પછી કુંભકર્ણ નીતિજ્ઞ રાજાનાં લક્ષણોનું વિગતે વર્ણન કરે છે જેથી રાવણ ગુસ્સે થાય છે. અનુજ તરીકે ત્યારે તેને કુંભકર્ણ મનાવે પણ છે અને વિનયપૂર્ણ ગૌરવથી કહે છે: “મારા જીવતાં તમારે મનમાં ઓછપ ;આવવી જોઈએ નહીં. તમને જે કારણે સંતપ્ત થવું પડે છે તેને હું નષ્ટ કરી દઈશ.” વાલ્મીકિની દ્રષ્ટિએ જ્યાં સુધી કુંભકર્ણને જોઈએ નહીં ત્યાં સુધી કલ્પના પણ ન આવે કે કુંભકર્ણ પાસે નીતિમત્તાનું આવું આદર્શ ધોરણ રહેલું હોય!

છેલ્લે, ખલનાયક તરીકે અત્યંત મહત્વનું પાત્ર રાવણનું છે. ભારે ધિક્કાર મેળવ્યો છે આ પાત્રે. તેટ્લો જ સમાદર તેણે આદિકવિ પાસેથી મેળવ્યો છે. હનુમાનની આંખે વાલ્મીકિ રાવણનું પહેલું દર્શન કરાવે છે આ રીતે: “સૂતેલો રાવણ એવો લગતો હતો જાણે વૃક્ષ, વન અને લતાઓથી સંપન્ન મંદરચળ સૂઈ રહ્યો હોય!”

આગળ આદિ કવિ નોંધે છે: “રાવણના મહેલમાં અવી કોઈ સ્ત્રી ન હતી જેને બળ-પરાક્રમથી સંપન્ન હોવા છતાં પણ રાવણ એમની ઇચ્છા વિરુદ્ધ હરી લાવ્યો હોય. એ બધી રાવણને પોતાના અલૌકિક ગુણથી પ્રાપ્ત થઈ હતી. સીતા સિવાય બીજી કોઈ સ્ત્રી એવી નહોતી જે રાવણ સિવાય બીજાની ઇચ્છાવાળી હોય કે તેને પહેલાં કોઈ પતિ હોય.”

અશોકવાટિકામાં હનુમાનની અદ્રશ્ય હાજરીમાં રાવણ સીતામે સંબોધીને કહે છે: “પરાયી સ્ત્રીનું હરણ કરવું એ રાક્ષસોનો ધર્મ છે પણ જ્યાં સુધી તું મને ઇચ્છીશ નહીં ત્યાં સુધી હું તારો સ્પર્શ પણ નહીં કરું, ભલે કામદેવ મારા શરીર પર ઇચ્છાનુસાર અત્યાચાર કરે.”

રાવણ રામ સામે યુદ્ધ કરવા જાય છે ત્યારે રામ તેને જોઈને વિભીષણે કહે છે: “રાવણ પોતાની પ્રભાથી એવી શોભી પામી રહ્યો છે કે તેના સામે જોવું કઠણ થઈ પડે છે. તેના જેવું સુશોભિત શરીર દેવતા કે દાનવીરોનું પણ નહીં હોય.”

લક્ષ્મણ રાવણ સામે યુદ્ધ કરવાની રામ પાસે રજા લે છે ત્યારે રામ તેને ચેતવણી આપતાં કહે છે: “રાવણ જો વધારે ક્રોધથી લડવા લાગશે તો ત્રણે લોકને માટે એના વેગને સહન કરવો મુશ્કેલ પડશે. તું યુદ્ધમાં એનાં છિદ્રો જોજે; એની કમજોરીઓનો લાભ ઉઠાવજે.”

આવા રાવણનું મૃત્યુ થતાં વિભીષણ વિલાપ કરતાં કહે છે: “ તમારા જવાથી શરીરધારી ધર્મનો નાશ થઈ ગયો; બળનો સંગ્રહ નષ્ટ થયો; વીરોની ગતિ ચાલી ગઈ. ધૈર્યરૂપી પાંદડાં, સહનશીલતરૂપી ફૂલો, તપસ્યારૂપી ફળો અને શૂરવીરતારૂપી દ્રઢમૂળવાળા રાવણરૂપી વૃક્ષને રામચંદ્રરૂપી પવને ઉખાડીને ફેંકી દીધું.”

રાવણપત્ની મંદોદરી પણ વિલાપ કરતાં કહે છે: “રામ તમેન મારી શક્યા એથી સ્પષ્ટ છે કે રામ નિશ્ચય પ્રાણીઓની રક્ષાની ચિંતા કરવાવાળા, સમસ્ત જીવોમાં ઉત્સ્કૃષ્ટ, સનાતન અને મહાનથી પણ મહાન છે.” અર્થાત રાવણનો વધ કરનારમાં આટલી તાકાત આવશ્યક છે, અન્યથા રાવણનું મૃત્યુ શક્ય નથી.

ઉપરનાં ઉદાહરણો પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે વાલ્મીકિ રામાયણમાં જેટલા પ્રભાવક તેના નાયકો – રામ, લક્ષ્મણ, ભરત, દશરથ છે, તેટલા જ પ્રભાવક તેના ખલનાયકો છે. જગત સાહિત્યની આ વિરલ ઘટના છે. આ ‘પાત્રો’ને આદિકવિએ ‘ચરિત્રો’ તરીકે પ્રમાણિત કર્યાં છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાવણમાં આટલી બધી સૂક્ષ્મ સૂઝ વગેરે ગુણો હોવા છતાં શા માટે તે ઘોર પરાજયનો, લોકોની નિર્ભર્ત્સનાનો ભોગ બન્યો? તે ‘tkukfe Ìe¡ u p es ço`fr, tkukfe Ìe¡ u p es fuo`fr’ કહેતા દુર્યોધન જેટલો ધૃષ્ટ નથી કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરતા દુઃશાસન જેવો ક્રૂર પણ નથી; છતાં આવું કેમ બન્યું? રામાયણના દરેક ખલનાયક માટે આ પ્રશ્ન છે જ. એ પ્રશ્નનો જવાબ કદાચ વાલ્મીકિને મતે એ છે કે વિધિની વક્રતા કહો, યા તો માત્ર સમજનો અભાવ કહો, પણ ક્યાંક, કોઈક નાનકડી જગાએ આ ખલનાયકો કશુંક ચૂકી ગયા છે, ડગી ગયા છે. આથી જ, નાયક ન બનતાં ખલનાયકનું પાત્ર તેમને ભાગે આવી ગયું છે. પણ તેથી તેઓની પ્રભાવકતામાં અંશમાત્ર ફરક પડતો નથી.

આમ, વાલ્મીકિના ખલનાયકોનું દર્શન કરતાં સૌપ્રથમ જણાય છ આદિ કવિની માણસની સમગ્રતાને માપવાની વ્યાપક દ્રષ્ટિ, સરખામણીની કલા, સત્વ અને તમસનો ભેદ બતાવીને પણ ‘તમસમાં રહેલા સત્વને આંગળી મૂકીને ભાવકને બતાવવાની અને તે બહાને મનુષ્યમાં રહેલી અનેક પ્રકારની સંકુલતાને ચીંધતી એક મનોવૈજ્ઞાનિકની સૂક્ષ્મ દ્રષ્ટિ જે તત્વના પ્રભાવથી પોતે લૂંટારામાંથી ઋષિકવિ બની શક્યા ને રાવણ વગેરે બનતા બનતા રહી ગયા એ રહસ્યનો તાગ જે આગવી સૂઝથી વાલ્મીકિએ રજૂ કર્યો છે તે સૂચવે છે કે સંપૂર્ણત: ઋષિ, વનવાસી, સંન્યાસી હોવા છતાં વાલ્મીકિને સાંસારિક માનસનો ગાઢ પરિચય છે. આથી જ, આદિકવિ ભાવક તરફથી અનન્ય આદરના અધિકારી બન્યા છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.