સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો

કિશોરચંદ્ર ઠાકર

અનાદિકાળથી માણસને પોતાને કોઇ સારો લાગતો વિચાર આવે તો તે બીજા સુધી પહોંચાડવા તત્પર રહ્યો છે. આવા વિચારો સમાજનાં સુખ માટેના હોય તો કોઈ આગળ વધીને તેના પ્રચાર અને પ્રસાર માટે સંસ્થા પણ બનાવે છે. આ સંસ્થાઓ સમાજોપયોગી કાર્યો કરે છે અને સમાજને તેના લાભ પણ થાય છે. યાદ કરીએ કવિ નર્મદનો નિબંધ “મંડળી બનાવવાથી લાભો”.

પરંતુ ઘણી વાર એવું બને છે કે જે વિચાર માટે સંસ્થા બનાવવામાં આવી હોય તે વિચાર બાજુ પર રહી જાય છે અને સંસ્થા જ મહત્વની બની જાય છે. સંસ્થાના વહીવટકારો સંસ્થાના ધારણ, પોષણ અને સંવર્ધન માટે જ પ્રવૃત રહેતા હોય છે. ધર્મ કે સંપ્રદાયો માટે ઊભી કરવામાં આવેલી સંસ્થાઓ બાબતે તો બહુધા આવું જ બનતું આવ્યું છે. તેથી અહીં આપણે તે અંગે જ વિચારીશું.

પ્રચલિત અર્થના ધર્મની વિભાવના સૌ પ્રથમ ક્યારે શરૂ થઈ તેનો જવાબ નિષણાતો પર છોડી દઈએ. પરંતુ આદિમ જાતિઓ કે સુસંસ્કૃત માનવસમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમો કે નીતિ અંગેના ખ્યાલો ધર્મ પહેલા પણ પ્રવર્તતા હતા એમ માનવાને કારણો છે જ. આમ છતાં નૈતિકતા કરતા પ્રચલિત અર્થના ધર્મનું આકર્ષણ દુનિયા આખીમાં વિશેષ જોવા મળ્યું છે.

કોઈપણ ધર્મ જે તે વખતે સમાજમાં પ્રવર્તતા દુષણોને નિવારવા અને નાગરિક જીવનને જવાબદાર બનાવવાના હેતુથી વ્યક્તિગત જીવનમાં સુધારો કરવા નિયમો ઊભા કરે છે. મોટાભાગના ધર્મોમાં આ નિયમોને ઈશ્વરને નામે ગ્રંથબદ્ધ કરવામાં આવ્યા છે. ઈશ્વરને સકળ વિશ્વની શાશ્વત સર્વોપરી સત્તા તરીકે માન્ય કરવામાં આવે છે. જે ધર્મ કે સંપ્રદાયમાં ઈશ્વરનો ખ્યાલ નથી તેમાં તેના આદિ પ્રવર્તકને નામે ગ્રંથો રચાય છે.

ધર્મના મૂળ તત્વને જાળવવા અને પ્રસારવા માટે સંસ્થા બનાવવામાં આવે છે. આદર્શની દૃષ્ટિએ આ સંસ્થાઓ પરનો કાબૂ જે તે ધર્મના સિદ્ધાંતો જેણે આત્મસાત કરેલા હોય તેવી વ્યક્તિનો જ હોવો જોઈએ. શરૂઆતમાં આ આદર્શ કદાચ જળવાતો હશે, પરંતુ જેમ અન્ય સંસ્થાઓમાં બને છે તેમ ધાર્મિક સંસ્થાનો વિકાસ થતા અહીં પણ વર્ચસ્વની હરીફાઇ થાય છે અને ધર્મના મૂળ તત્વો કરતા અનુયાયીઓ ઉપરનો કાબૂ ધરાવવાની તથા વ્યવસ્થાપનની ક્ષમતા જ લાયકાત બની જાય છે. ગુજરાતમાં કેટલાક સંપ્રદાયોના વ્યવસ્થાપનથી જ અંજાઈને લોકો અનુયાયી બનવા પ્રેરાતા જોવામાં આવ્યા છે! આગળ જતા વધુ ને વધુ અનુયાયીઓ ઊભા કરવાની હોડ જામે છે. આખરે બને છે એવું કે અનુયાયીઓની વફાદારી જે તે ધર્મના મૂળ તત્વો કરતા તે ધર્મના વડા પ્રત્યે ઊભી કરવાના પ્રયાસો થાય છે. જો બારીકાઈથી અવલોકન કરીશું તો રાજકીય નેતાના ઉદય પામવાના જેવી જ પ્રક્રિયા ધાર્મિક નેતાના ઉદય જેવી જ છે. આખરે તો માણસ સામાજિક પ્રાણી હોવાથી રાજકીય પ્રાણી પણ છે.

અનુયાયીઓની સંખ્યા વધતા ધાર્મિક વડાની સત્તામાં પણ વધારો થાય છે. આથી અનુયાયીઓ વધારવાના પ્રયત્નો થાય છે, ભલે ને પછી એ અનુયાયીઓ ધર્મ કે સંપ્રદાયના તત્વથી વાકેફ ના હોય. ખરેખર તો આવા અનુયાયીઓ જ દરેક ધર્મસંસ્થાને માફક આવે છે. કેટલીક વખત બુદ્ધિશાળી લાગતા અનુયાયીઓ પણ જોવા મળે છે, પરંતુ તેમાંના કેટલાક પોતાના સ્થાપિત હિતને કારણે સંગઠનનો લાભ લેવા માટે જોડાતા હોય છે, તો બાકીના બુદ્ધિ હોવા છતાં પોતપોતાનાં કારણોસર તર્ક કરવાની અનિચ્છા ધરાવતા હોય છે. લગભગ દરેક ધર્મમાં સીધી કે આડકતરી રીતે તર્ક કરવા પર પ્રતિબંધ હોય છે. આમ છતાં સંસ્થાના સૂત્રધારોને બેચેન બનાવતા સવાલો કરાય તો સવાલ કરનાર મુશ્કેલીમાં મૂકાય છે. ઇસ્લામમાં આ અંગેના ફતવાઓ જગજાહેર છે. હિંદુ ધર્મમાં દાભોળકર, ગોવિંદ પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશને સંપ્રદાયની બહારના ગણીએ તો પણ ક્યારેક ધાર્મિક સંગઠનના અનુયાયીએ સવાલ કરતા તેની હત્યા કરવામાં જ સંગઠને યોગેશ્વરનો જય જોયાની ચર્ચા થઈ જ છે.

દરેક ધર્મમાં લક્ષ્મીનો મોહ છોડવાની વાત પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ ધાર્મિક સંસ્થાઓની મુખ્ય પ્રવૃતિ ધન એક્ઠું કરવાની જ હોય છે. કેટલાક સંપ્રદાયોમાં વારેવારે ઉત્સવો કરવા પર ભાર મૂકવામાં આવે છે. આનાથી ઉત્સવને નામે નાણાં તો ઉઘરાવી શકાય છે, ઉપરાંત અનુયાયીઓ ઉત્સવમાં પ્રવૃત થતા તેમને તર્ક કે સાવાલો કરવાનો સમય જ મળતો નથી. ગુજરાતમાં એક સંપ્રદાયના સ્થાપકે તો વારેવારે સમૈયા કરવા માટે આજ્ઞા પણ કરેલી છે.

ધાર્મિક સંસ્થાઓ માત્ર નાણું ઉઘરાવીને અટકી જતી નથી, પરંતુ સ્થાવર મિલ્કતો પણ ઊભી કર્યા કરે છે. જે સંપ્રદાયમાં અપરિગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તે સંપ્રદાયની સંસ્થાઓ તીર્થના નામે પર્વતોને પણ કબજે કરવા માટે પ્રયાસો કરે છે.

વારેવારે કહેવામાં આવે છે કે બધા જ ધર્મોમાં રાગ, દ્વેષ વગેરેને તજવાનો અને અહિંસા કરુણા, પ્રેમ અને મૈત્રીભાવને ધારણ કરવાનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે. પરંતુ સંપ્રદાયો સંસ્થાગત બનતા આ બધી જ બાબતોનો છેદ ઊડાડવામાં આવે છે. એક ઈશ્વર અને એક જ ધર્મગ્રંથ છે એવા ઇસ્લામમાં પણ એક ધર્મમાંથી છુટી પડીને જ્યારે અનેક સંસ્થાઓ બને છે ત્યારે તેમની વચ્ચે કૌરવ-પાંડવ જેવા પિતરાઇઓના વેર બંધાતા અનેક વાર હિંસક કલહો થયા છે. હિંદુ ધર્મમાં પણ એક મોટા સંપ્રદાયમાંથી બે સંપ્રદાયો બનતા એટલા મોટા સંઘર્ષો થયા છે કે તેને કારણે પોલીસે કરફ્યુના અમલ પણ કરાવવા પડ્યા છે!

આ બધી બાબતો એવા નિર્ણય તરફ દોરી જાય છે કે ધર્મસંસ્થા વિકસતા તેમાંથી સૌ પ્રથમ દેશવટો ધર્મને જ આપવામાં આવે છે. આથી બાકી માત્ર સંગઠન જ રહે છે. એક રીતે ધાર્મિક સંગઠનો એ અન્યથી અલગ થવાનો પ્રયાસ જ છે. દુનિયાના મુખ્યધર્મો પણ અનૌપચારિક સંસ્થા કે સંગઠન સ્વરૂપે જ પ્રવર્તે છે. જો આ સંગઠનોમાં તેમના મૂળ ઉપદેશનું તત્વ હોત તો ઇસ્લામ અને ખ્રિસ્તી વચ્ચે સૈકાઓ સુધી લોહિયળ જંગો ના થયા હોત. આજની તારીખે પણ કેટલાક વિદ્વાનો ભવિષ્યમાં ઇસ્લામ અને ખ્રિસ્તી વચ્ચે સંભવિત સંઘર્ષથી દુનિયાને પાયમાલ થવાના ભયથી ચિંતિત છે.

કોઈપણ માણસ હિંદુ છે કે મુસ્લિમ છે તેનો અર્થ એવો હોવો જોઈએ કે તે અનુક્રમે ગીતા કે કુરાનના ઉપદેશથી જીવન જીવે છે, પરંતુ વાસ્તવમાં તો તેઓ હિંદુ કે મુસ્લિમ નામનાં ઔપચારિક કે અનૌપચારિક સંગઠનનો સભ્ય માત્ર જ છે. તેને પોતાના ધર્મશાસ્ત્રનું પ્રાથમિક જ્ઞાન પણ નથી હોતું, શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે જીવન જીવવાનો તો સાવાલ જ ઊભો થતો નથી.

જેમ જેમ માણસ સહજવૃતિથી ઉપર ઊઠીને બુદ્ધિનો ઉપયોગ કરવા લાગ્યો તેમ તેમ તેનું આદિમ જાતિઓમાંથી સભ્ય સમાજમાં પરિવર્તન થતું ગયું. પરંતુ આ સહજવૃતિથી તે સંપૂર્ણપણે મુક્ત થઈ શક્યો નહિ, અને એ ઈચ્છવા યોગ્ય પણ નથી. પરંતુ ધાર્મિક સંગઠનો તો આદિ માનવ જેમાં રહેતો હતો તેવી પરંતુ તદ્દન અકુદરતી ટોળીઓ બનીને જ રહ્યા છે. લક્ષણો તો તેમનામાં આવી ટોળીઓના જ દેખાય છે. આદિ માનવ સહજવૃતિથી પોતાની ટોળી અને તેના નેતા પ્રત્યે વફાદારી, પરંતુ અન્ય ટોળીના લોકો તરફ ભય અને શંકાથી વેરભાવ રાખતો. એ જ રીતે ધાર્મિક સંગઠનનો સભ્ય પણ પોતાનાં સંગઠન પ્રત્યે વફાદારી અને અન્ય પ્રત્યે વેરભાવ રાખે છે. આથી જ વખતોવખત બે ધાર્મિક સંગઠનો વચ્ચે સંઘર્ષો થયા કરે છે.

આપણા દેશમાં અને અન્યત્ર પણ સમાજમાં બહોળો વર્ગ પોતાના ધર્મના મૂળ ઉપદેશથી ચલિત થવાને કારણે સાંપ્રદાયિક(કોમી) વૈમ‌નસ્ય જોવા મળે છે. હિત ધરાવતા રાજકીય તત્વોને આ પ્રકારનું વાતવરણ માફક આવે છે. તેથી તેઓ પણ આડકતરી રીતે કોમી વૈમનસ્ય ફેલાવવામાં પોતાનો ફાળો આપે છે. પરિણામ એ આવ્યું છે કે આપણા દેશના બે મોટા ધર્મના લોકોમાં પરસ્પર સખત નફરત પ્રવર્તે છે. દેશની અને ખાસ કરીને સમાજની એક્તા અને સુખાકારી માટે આ બાબત ખૂબ જ જોખમી બની છે.

શું આપણે હિંદુ, મુસ્લિમ, કે અન્ય કોઈ ધર્મની વ્યક્તિ તરીકેની ઓળખનો ભાર અનુભવ્યા વિના પોતાના ધર્મના ઉપદેશનું પાલન ના કરી શકીએ? જો આપણે સભ્ય સમાજના વ્યક્તિ બનવા માગતા હોઈએ તો આદિમ સમાજની ટોળીના સભ્ય બનવાનું છોડી દેવું રહ્યું. દેશનો સામાન્ય માનવી તો પોતાનો જીવનવ્યવહાર ચલાવવા પોતાની આ ઓળખ શિથિલ કરી દેતો જ હોય છે. પરંતુ જેને આપણે ભણેલોગણેલો, આર્થિક બાબતે આસ્વસ્ત અને સામાજિક રીતે ઉચ્ચ વર્ગ કે વર્ણનો માણસ ગણીએ છીએ તે પોતાની આ ઓળખ વધુને વધુ મજબૂત બનાવતો જાય છે. કોમી વૈમનસ્ય ફેલાવવમાં ક્યારેક તેને પોતાનું હિત કે સલામતી દેખાતી હશે તો ક્યારેક એ માત્ર ટાઇમપાસ હોય છે. સોશિયલ મિડિયામાં કે સામાન્ય વાતચીતમાં આ વર્ગના લોકો જ ઝેર ફેલાવતા હોય છે. આ ઝેર ફેલાતા જેને આ બાબતે કાંઈ નિસ્બત નથી એવા સામાન્ય ગરીબ માણસો કોમી હુલ્લડોના ભોગ બને છે. જાનમાલ ગુમાવવાનું વધારે તો તેમને ભાગે જ આવે છે. કોઈએ યોગ્ય રીતે જ કહ્યું છે કે,

સૂરજ હિંદુ, ચંદા મુસ્લિમ, તારોંકી ક્યા જાત?

કિસકી સાજિસ વે બિચારે તૂટે આધી રાત!

આથી જો આપણે સંસ્થાગત ધર્મથી મુક્ત થઈને ઉપાસનાને આપણી અંગત બાબત જ ગણીશું તો ધર્મનાં નામે નફરત ફેલાવનારનું કામ મુશ્કેલ થશે. સોશિયલ મિડિયામાં કોઈ હિત ધરાવતા તત્વ તરફથી આવા મેસેજ મળશે તો તેને હળવાશથી ન લેતા તેવા મેસેજ મોકલનારને પડકારીશું, આગળ મોકલવાના તો હોય જ નહિ. આ આપણું માત્ર નાગરિક તરીકેનું કર્તવ્ય નથી, પરંતુ માનવધર્મ પણ છે. આમ છતાં આપણે કોઈ ધર્મ વિશેષના લોકો પ્રત્યે નફરત રાખતા હોઈશું, તો સમજી લઈએ કે ભલે સબંધના સ્વાર્થને કારણે દેખાતી ન હોય પરંતુ આપણા નજીકના સગા સબંધીઓ પ્રત્યે પણ આંતરમનમાં નફરત હશે. નફરત એ કોઈ ધર્મ કે સંપ્રદાયની ઓશિયાળી નથી.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: admin

4 thoughts on “સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો

  1. કિશોરભાઇ , સાચી વાત છે વર્તમાન સમાજમાં ધર્મના નામે ધતિંગ જ ચાલે છે ધર્મના મૂળ ઉપદેશની તો જાણે હિંસા જ થતી હોય છે દેખાય છે માત્ર ચડસાચડસી અને દેખાદેખી . પોતાનું હિત ધરાવતા તત્ત્વોનો દંભ એમની સ્વાર્થી આવડત અને દંભી મિઠાશ પાછળ છુપાય જાય છે

    1. રેખાબેન, આપણે એ અત્યારના સમયમાં જોઈ રહ્યા છીએ, પરંતુ દરેક યુગમાં આવી જ પરિસ્થિતિ હતી,

  2. કિશોરભાઈ, સાચી વાત છે. ધર્મ ના વાડા એ લોકોને વિભાજીત કર્યા છે. ઇન્સાનિયત થી મોટો કોઈ ધર્મ નથી.

Leave a Reply

Your email address will not be published.