મારું વાર્તાઘર : રાસ્કલ

રજનીકુમાર પંડ્યા

ના, હજુ પણ દિલ ડઠ્ઠર નથી થયું. અને થાય એમ પણ નથી. જેટલા નવા કેસ વિલાસબહેન સાંભળે છે એટલામાં, દરેકમાં વાત સાંભળીને દિલ હલી જ જાય છે. ક્યારેક તો આંખમાં સાચેસાચ આંસુ ધસી આવે છે. સામી પાર્ટી જોઈ રહે છે. ના,ના,આ બેન ખાલી કંઈ વાત સાંભળવા ખાતર જ વાત સાંભળે છે એવું નથી. ભલે પરણ્યાં નથી, પણ પરણ્યાની પીડા જાણે છે. કોક કોકને એવાં વરદાન હોય છે. પરકાયા પ્રવેશ માટે કોઈ મંતર ભણવા નથી પડતા. એને માટે સામેનાને માટે નીકળતો આંસુનો એક રેલો જોઈએ. એ રેલો જ તમને સામી પાર્ટીના ભીતર લગી લઈ જાય.

‘કહે, કહે.’ એમણે સામી પાર્ટીને કહ્યું : “હું તારી મુશ્કેલી સમજું છું. પણ એવું છે ને કે તું મને આખી વાત ન કહે ત્યાં લગી મને એમાં શું કરવું એની સળ ન સૂઝે.”

“બસ, આટલી જ વાત ! મેં તમને કીધી એટલી જ.”

“પણ એ રાસ્કલ છે કોણ ?”

“એ કહેવાય એમ નથી મારાથી.”

“એ તો કાંઈ ચાલે ?”

“પ્લીઝ…” પાયલ બોલી : “નામ ન દેવા પાછળ કારણ છે, આન્ટી.”

“કયું કારણ ?”

“એ પણ નથી કહેવાય એવું.”

વિચાર્યું : ‘કાયદામાં લખ્યું છે કે કોઈ સ્ત્રીને એને આ દશામાં મૂકનાર પુરુષનું નામ આપવાની ફરજ ન પાડી શકાય. એ એનો અંગત અધિકાર છે – આ સ્ત્રી આપણી સંસ્થામાં જ કામ કરે છે, ને સંસ્થાના જ કોઈ પુરુષે એને આ હાલતમાં મુકી છે. નામ જાણવાથી શો ફેર પડે ? ને એ બિચારી ન કહે તેનું કારણ પણ સમજાય એવું છે. એને બીક છે કે એ જણની નોકરી જશે. હા, જાયેય ખરી. ચારિત્ર્ય વગરનાને આપણે નોકરીમાં રાખતા જ નથી, ને રહી ગયા હોય, ને ખબર પડે કે આ આવું છે કે આવી છે તો માથામાંથી ટોલો વીણીને બહાર ફેંકી દઈએ એમ જ વળી.

‘સારૂં’ વિલાસબહેને કહ્યું: “નામ ન કહેતી – પણ સંજોગની અને તારા પ્રોબ્લેમની વાત તો કરીશને ! કદાચ….’

એ આગલા શબ્દો હોઠ પર લાવ્યાં નહીં એટલે પાયલ એમની સામે જોઈ રહી. આન્ટીના ચહેરા પર પ્રસરી ગયેલો સવાલ પૂરો થાય તો જવાબ આપવો ને ?

“કદાચ…” વિલાસબહેને સહેજ ભવાં સંકોચ્યા, ને ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યાં – “કદાચ…તને એ માણસ માટે લાગણી થઈ ગઈ હોય.” બોલતાં બોલતાં એ જરા ઉત્તેજીત થઈ ગયાં.

પટ્ટ દઈને પાયલ ના પાડશે એની વિલાસબહેનને ખાતરી હતી. પણ પાયલે ન હા પાડી,ન ના – પાર્ટી ચાલાક. ઠાવકું હસી. મભમ મભમ.

“કેમ કાંઈ ન બોલી ?”

પાયલ ઉધરસ ખાવા માંડી. એણે એની ગુલાબી ગુલાબી હથેળીમાં સજ્જડ પકડી રાખેલો રૂમાલ ટેબલ પર મૂકીને, ગ્લાસ લઈને પાણી પીધું. વિલાસબહેને આ પહેલી જ વાર જોયું. ઓહો, આટલી સુંદર ! પાણી ગળા હેઠે ઉતરતું દેખાતું હતું. નીચલી કોમમાં પણ સુંદરતા કોઈક ઉપલી કોમમાંથી ઉતરી આવતી હશે ? એક તો આવું, ને પાછી જુવાની ! કુદરત પણ કરે છે ને કાંઈ !

“હું તમને સંજોગની વાત કરૂં.” પાયલ બોલી: “પ્લીઝ, સાંભળો.” પાયલને વાતે વાતે ‘પ્લીઝ’ બોલવાની ટેવ હતી. બીજું કંઈ અંગ્રેજી નથી આવડતું. આમ થોડા રૂપ સિવાય તો બીજી કોઈ લાયકાત બી નથી. પુરુષો પણ મુવાવ આવી સ્ત્રીઓમાં…. હશે કોઈ અલેલટપ્પુ વરણાગીયો….

“એવું થયું કે આપની સંસ્થામાં હું કામ કરૂં છું, પણ એ માણસ સંસ્થામાં મને કદાપિ મળે તો મારી સામે જુએ પણ નહીં. અરે ઉલટાનો કતરાઈને ચાલે, તરીને ચાલે – મને તો એમ પણ શંકા છે કે પ્લીઝ, ગેરસમજ ન કરતાં, આન્ટી, પણ એક બે વાર તો હું વર્ગમાં સીવણકામ શિખવતી હતી ત્યારે એમનું ત્યાંથી નીકળવું, ને મારે રીલ લેવા બહાર જવું –ઉંબરામાં જ અથડાઈ પડ્યા, મારો શું વાંક ? પણ મને બધાના દેખતાં જ ધધડાવી નાખી… આ દરિયા જેવડી સંસ્થામાં તમારા લગી તો વાત પહોંચે જ નહીં, પણ અમારા વિભાગના તો આન્ટી, સૌ હેબતાઈ જ ગયેલાં. બસ એ જ સાંજે…..’

વિલાસબહેન એકીટશે એની સામે જોઈ રહ્યા. એકબીજાને પોતાના પટમાં ખેંચી લેવાના પેંતરા છે આ બધા – આ હૈયાફૂટીઓ પાછી એમાં આવીય જાય, સાંજે એ માણસ એના ક્વાર્ટર પર ગયો હશે અને પછી….’

“એમ જ ને ?” એમણે આવું પૂછ્યું.

“તમે અંતર્યામી છો, આન્ટી.” એ બોલી : “એમ જ. ક્વાર્ટર પર આવ્યા. મારી માફી માગી – ગાંધીજીનું નામ લેતા જાય ને આ દોષ બદલ પોતે ત્રણ દહાડાના અપવાસ કરશે એમ ઘડીએ ઘડીએ કહેતા જાય. માનશો? પુરુષ માણસની આંખમાં આંસુના ટીપાં આપણે સ્ત્રીજાત જોઈ શકતી નથી,સાચું ને ?” પછી પાછું “હેં ?” કહીને આંખમાં લોહીનો દોરો દેખાડ્યો.

વિલાસબહેનથી આમાં ના પડાય એવું નથી. યાદ આવ્યું કે ઘરમાં બા તો વારંવાર રડતી એ તો જાણે કે રોજેરોજ ચૂલો સળગે એવું સ્વાભાવિક જ. પણ વખત છે ને, ભલે ને વરસને વચલે દહાડે પણ જો બાપુજીની આંખ જરાક જ ભીની જોઈ ત્યાં તો ખુદને રૂંગું આવી જતું. બા એક વાર નહીં અનેક વાર કહેતી કે એ તો તારા બાપના તો મગરના આંસુ છે, વિલુડી, મગરના. મારી મારીને મારો બઈડો ફાડી નાખે છે એ તને દેખાતું નથી, ને આ મૂછાળો વરલી મટકે હારીને ઘરે આવીને નિહાકો નાખે છે ત્યારે એના ઝપાટામાં તું તરત આવી જા છો.’

“બા…” એ કેટલીયે વાર જવાબ દેતી : “નદીમાં તો પૂર રોજનું થયું, પણ ક્યારેક રણમાં પણ જો જરાક જ રેતી ભીની થાય ત્યારે સૌ જોવા દોડ્યા આવે.”

આ પાયલની વાત આટલા પૂરતી સાચી–પુરુષની આંખમાં આંસુ! સ્ત્રીથી જોઇ નથી શકાતું.

“પછી ?” એમણે કાંડા ઘડિયાળ સામે જોયું : “ ચાલ, મુદ્દાની વાત કર જલ્દી.”

“પ્લીઝ..” પાયલ બોલી : “થોડુંક હું કહું છું–બાકી થોડુંક તમે આન્ટી, સમજી જાઓ તો સારૂં.”

સમજાયું – વિલાસબહેને હાથમાં પેપરવેઈટ લઈને રમાડવા માંડ્યું : “એવાઓને ક્વાર્ટર પર તારે આવવા જ દેવા શું કરવા જોઈએ ?”

“કોઈ માણસનું અપમાન તો ન જ કરાય ને ?”

સિવણવર્ગની શિક્ષિકાને મન તો એના આચાર્યથી માંડીને સૌ મોટા ! મોટો એટલે શું કંઈ રાજો-મહારાજો હતો ? ના ન પાડી દઈએ ? આપણા ઘરમાં આપણાથી મોટું કોઈ નહીં. એકલી રહેતી સ્ત્રીઓએ એટલી લક્ષ્મણરેખા તો ઘરની આજુબાજુ દોરી દેવી જોઈએ.

એકાએક મગજમાં એક સટાકો બોલી ગયો. એમની નજર સામેથી પાયલ ઘડીભર હટી ગઈ. પોતાની લક્ષ્મણરેખાની સામે પાર એક ઉંચો, પડછંદ જુવાન માણસ ઉભો હતો. હસતો હતો –એકદમ એકદમ મીઠું અને મોહક.

“ના, હું અંદર નહીં આવું, વિલાસબહેન.“ એ જુવાને સામેથી જ કહ્યું હતું એ યાદ આવ્યું.–એ વાતને બે ચાર વરસ જ થયાં હશે–પણ એના શબ્દો ભીની ધરતી પરનાં પગલાંની છાપ જેવા લીલાં હતાં – કહેતો હતો : “કારણ કે દરેક એકલી રહેતી સ્ત્રીનો ઉંબરો મારે મન લક્ષ્મણરેખા છે.’

એ વખતે દેહમાંથી એક કંપન, એક ઉકરાટો પસાર થઈ ગયો હતો. એ માણસનો અવાજ કોઈ ગજબનો મર્દાના હતો. અદમ્ય, લગભગ ટેમ્પરેચર ચડ્યું હોય એવો તપારો એ અવાજથી અનુભવાયો હતો. તીર છોડવા માગતી પણછની જેમ તંગ થઈ જવાયું હતું. અરે, છાતીઓ હતી કે મણ મણના પથરા ? શ્વાસ ચડી ગયો ધમણની જેમ.

એકદમ વિલાસથી બોલી જવાયું હતું : “લક્ષ્મણરેખા તો રાવણને માટે. તમે તો રામ જેવા રૂપાળા છો.”

કેવું આવું સાવ ચોખ્ખું નોતરૂં ! છતાં એ માણસ – હરદીપ ભાટીયા – ધીમું ધીમું મરકતો જ રહ્યો. અને એનું એ મરકવાનું પણ ભારે અકળ હતું – એ હજુ વધારે નફ્ફટ નિમંત્રણ માગતો હશે? ડરતો હશે કે આવડી મોટી સંસ્થાની સંચાલિકા સાથે આમ આગળ વધીશ તો કેવો ભવાડો થશે ! કે એની મંત્રી તરીકેની નોકરી જશે ? કે પછી…પછી એ ખરેખર ચોખ્ખી ના પાડતો હતો ?એમ જ હશે. એ આ પાયલને ભટકાયો એવો હવસખોર નહોતો…

“હું તો તમને, મેડમ…” એ ઝાંપા ભણી વળ્યો અને બોલ્યો : “…મિટીંગનું પૂછવા આવ્યો હતો. ચોથીએ ફીક્સ કરી દઉં ? બધાને સર્ક્યુલર મોકલી દઉં ?”

ચોથીએ શો વાંધો હતો ? કંઈ જ નહીં. પણ ના, એમ સંમત ન થવાય. એ કેમ વળ ખાતો હતો ! તો આપણે પણ…”

‘તમે મને રાતે દસ વાગે હું સુઈ જાઉં એ પહેલાં ફોન કરજો. આમ ઉંબરે ઉભીને… “ વિલાસબહેને ચીપી ચીપીને શબ્દો ઉચ્ચાર્યા હતા. “મારાથી કન્ફરમેશન ના અપાય.” પછી અવાજમાં એક ફેણ આવી ગઈ : “યુ સી ?”

એ રાત ઉંઘ નહોતી આવી શકી. દસ વાગે હરદીપનો ફોન આવ્યો – ટુ બી વેરી પ્રીસાઈઝ, દસમાં આઠ મિનિટે ! ફરી એ જ ઘેરો, મર્દાના કાનની આરપાર થઈને ચિત્તના તળીયે જઈને બધું જ ડહોળી નાખે એવો અવાજ : “મેડમ, ચોથી કન્ફર્મ ગણું કે, પછી…”

“પહેલી રાખો.”

“અરે!” એને જાણે કે આંચકો લાગ્યો : “આટલી શોર્ટ નોટિસથી કઈ રીતે બને, મેડમ ?”

“એ તમારે જોવાનું છે. તમે સંસ્થાના મંત્રી છો. ઈટ્સ યોર બોધરેશન,નોટ માઈન! ” કડકાઈથી વિલાસ બોલી હતી. બોલતી વખતનો આવેશ, ઝનૂન, અને એને સતાવવાની થોડી તીખી મઝા યાદ અત્યારે પણ આવી ગઈ. – મોં મલકી ગયું કારણ કે, એ પણ યાદ આવ્યું કે એ કરગરી પડ્યો હતો. “પ્લીઝ મેડમ, ફરી વિચારો, પચ્ચીસમી તો આજે થઈ – માત્ર છ જ દિવસ રહ્યા.”

બસ, પછી એણે મહેરબાની કરી : “ઓ કે. તો પછી પંદરમી રાખો.”

“એટલું બધું દુર?”

“તમે આર્ગ્યુ બહુ કરો છો, મિસ્ટર ભાટીયા, તમારે જ નક્કી કરવાનું હોય તો મને પૂછવાની શી જરૂર છે ?”

સીધો ચાલ્યો હરદીપ એ પછી. આજે ચાર વરસ થયા. એણે મોહક મોહક હસવાનું છોડી દીધું છે. ઘેરા ઈમ્પ્રેસીવ સ્વરે હળવેકથી વાત કરવાનું છોડી દીધું. ઉંબરા લગી ચૂંબકની જેમ આવીને ઉભા રહેવાનું છોડી દીધું – સીધો કરવાને લાયક જ હતો એ. પુરુષો, પુરુષો, પુરુષો શું સમજતા હશે એમના મનમાં ? ડગલુંય આગળ ન વધાય પુરુષથી ?

“આન્ટી…” અચાનક પાયલે પૂછ્યું : “માથું દુઃખે છે ?” પછી એક પળ થંભીને પૂછ્યું : “પછી આવું ?”

“ના!” એમણે કહ્યું ને પાયલની સામે નિરખીને જોયું. સુંદર તો હતી જ, પણ પેટમાં ઉછરતા સત્વે એને વધુ સુંદર બનાવી મૂકી છે. એની સામે જોયા પછી આપણને પોતાને અરિસામાં જોવાનું મન ન થાય – શું કરીએ? સુંદરતા કંઈ થોડી કમાઈ શકાય છે ? ભણીને મેળવી શકાય છે ?

વારંવાર, આ ચાર વર્ષો દરમ્યાન, કેમ, એ વિચાર નહોતો સતાવ્યા કરતો? કે હરદીપ ભાટીયા આપણા શામળા વર્ણને કારણે તો અળગો અળગો નહીં રહેતો હોય ને ! શું કામ એ આપણી આંખની ભાષા સમજતો નહોતો ?આપણો વર્ણ ભલે જરા ભીનો, પણ કદરૂપાઇ ક્યાં હતી ? ઘરમાં સૌ નમણી નમણી તો કરતા હતા, જો કે, રૂપાળી કદિ કોઈ કહેતું નહોતું – ડોક્ટરેટની ડીગ્રી મળી ત્યારે બાપુજી સાંજે જ બોલ્યા હતા : “એક તો રૂપ ન મળે, ને પાછી ભણેશરી થઈ ! હવે કોણ સ્વર્ગમાંથી મૂરતીયા ઉતરી આવવાના હતા! “

બા સામું બોલવા જાય તો ધણીના હાથની અડબોત પડે એટલે એ ધારત તો પતિનો ક્રોધ પારખીને મૂંગી રહી શકત. પણ તો ય એ બોલી. “પઈણીને બાયું શું સુખી થાય છે ? જોતા નથી મારા જ દાખલા ઉપરથી ! ઈ કરતાં ધણી વગર જન્મારો કાઢવામાં જ મઝા છે. અરે, છોકરી ભણી ગણીને બાજંદો થઈ ગઇ. હવે એક શું સત્તર ભાયડાવ એને સલામું ભરશે. ને આવડી આ પણ સૌને તીરના ઘાએ રાખે એવી છે. એવા એક કહેતાં એકવીસને લાત મારી દેશે–અરે, હવે તો કુંવારી રહેશે તો ય કાંઈ ભૂખે નહીં મરે, હા, ભણત નહિં તો જરૂર ભૂખે મરત.”

ભૂખ ! આજે પણ વિલાસના હોઠ આ શબ્દ સાંભળીને સુકાઈ ગયા. ભૂખના માર્યા પેટ બેવડ વળી જાય એમ જ. મનમાં એક ઝબકારો થયો. ભલે માર ખાતી તો માર ખાતી,પણ સુખી તો બા હતી કે હું ? ભૂખ કોને સતાવતી હતી ?

“આન્ટી…” પાયલના આ શબ્દ સાથે જ વિલાસ ફરી ધરતી પર આવી ગઈ. ગરદન ટટ્ટાર કરીને પૂછ્યું : “તું વાત જ આગળ કરતી નથી ને !”

“તમે બીજી કોર જોઈને વિચારે ચડી જાઓ છો. આન્ટી, પ્લીઝ પછી શું વાત કરૂં?”

“એ તો મિટીંગના વિચાર કરતી હતી.” એ બોલ્યાં :”મારે કંઈ તારી એકલીની જ રામાયણ થોડી છે ?’

“મારો પ્રોબ્લેમ, પ્લીઝ તમે હલ કરો ને, આન્ટી.” એનો હાથ બોલતાં બોલતાં પેટ પર ગયો કે તરત જ ભડકીને એણે ખસેડી લીધો : “પહેલી વાત તો એ કે તમે મને વઢતા નહીં, મેમો ન આપતા.”

“આપણાથી સંસ્થામાં ચારિત્ર્ય એ પહેલી શરત છે. તું મેમાની વાત કરે છે ? હું તો સીધી ડિસમીસની વાત જ કરૂં છું. આ તને ભડકાવતી નથી, સંસ્થાના રૂલ્સની તને જાણ કરૂં છું.”

પાયલના ચહેરા ઉપરથી લોહી ઉડી ગયું.

“અને એ રાસ્કલ…” એમણે એ શબ્દ ઉપર ભારે ખીજથી ભાર દીધો : “તને તો ખરું જ, પણ એ રાસ્ક્લને પણ પાણીચું આપી દઉં-“

પાયલની આંખમાં આંસુ તગતગી ગયાં. એ હોઠ બીડી ગઈ. કોમળ, ધ્રુજતા, ગળામાંથી માંડ નીકળતા અવાજે એ બોલી : “પ્લીઝ આન્ટી, આવું ન બોલોને ! હું તો તમારી પાસે બીજી જ આશાએ આવી છું.”

અચાનક “રાસ્કલ” શબ્દ કોઈ ઉડતા લેબલની જેમ બીજી જ વ્યક્તિના કપાળે જઈને ચોંટી ગયો. હા, એવાને પણ રાસ્કલ જ કહેવાય. બીજી રીતના રાસ્ક્લ. હરદીપ ભાટિયો. હજુ કાલે જ મિટિંગમાં બાજુમાં ખુરશી ખાલી હતી છતાં બીજે ખુરશી ખેંચીને બેઠો રાસ્કલ. આવું થાય છે ત્યારે ઘા પર ગરમ ફુંક જેવું લાગે છે. રાસ્કલ!

“આન્ટી…” ફરી પાયલે બોલવાની હિંમત કરી : “એ એવો નથી –તમે કહ્યું એવો રાસ્કલ. ના, જરી પણ…” એણે એ શબ્દને મનમાંથી ઝટકાવી નાખવો હોય એમ માથું ધૂણાવ્યું : “જરી પણ નહીં.’

“તો પછી ફરિયાદ શું લઈને આવી છો ?”

“ફરિયાદ ક્યાં છે આન્ટી ? પ્લીઝ, પ્લીઝ! માંગણી છે, અરજ છે.”

“શેની અરજ ?”

“કહું?” પાયલે એની પંખા જેવી વારંવાર પટપટતી પાંપણોને ઘડીભર સ્થિર કરી દીધી :

“તમારાથી જ થાય એવું છે.”

“એબોર્શનનું મને કહીશ મા, મારૂં એ કામ નથી, ને મારી મંજૂરીની એમાં જરૂર નથી.”

“એ વાત નથી.”

“તો શું નોકરી જાળવી રાખવાની વાત છે ? એવું હોય તો અરજી આપી દે. અંદર ચાલચલગતના બે જામીન ભરજે. તું સ્ત્રીજાત છો. તારો આમાં દોષ ન હોય એમ દલીલ કરીને હજુય હું મારા ટ્રસ્ટીમંડળને સમજાવવા પ્રયત્ન કરીશ. પણ પેલા રાસ્કલ…” ફરી કોઈને જોરથી તમાચો જડી દીધાનો આનંદ થયો. “એ જે હોય તે. તારી નોકરી તને વહાલી હોય તો તારે એનું નામ તો દેવું જ પડશે – એને તો અમે કાચી સેકંડ પણ સંસ્થામાં નહીં રહેવા દઈએ. ને તારે બીવું પણ નહીં. સંસ્થા તને પુરૂં રક્ષણ આપશે – એ હરામખોર તારો વાળ પણ વાંકો નહીં કરી શકે.

“મારી નોકરી બચાવવા આન્ટી,નામ તો આપી દઉં, પણ પ્લીઝ એની નોકરીને કાંઈ ન કરતાં !”

“કેમ ?” એ સાચી પડેલી આગાહીવાળા જ્યોતિષી જેવું હસ્યાં : “હું તો કહેતી હતી કે તને એને માટે લાગણી થઈ ગઈ હોય. કહેતી હતી ને ! બોલ, તારા જેવી ઘેલસાગરીઓ પુરુષોને માથે પડતી જાય એવી હોય છે.”

“હા પણ….” એ બોલી : “આમાં એવું નથી.”

વિલાસબહેનને મનોમન હસવું આવ્યું. આ ઉંમરમાં વિજાતીય આકર્ષણ કેવું પ્રબળ હોય છે ! અરે, કોઈ પણ ઉંમરે ! અને એમ માથે પડતા જાઓ તો કોઈપણ રાસ્કલ ગેરલાભ લઈ લે. એને પ્રેમનું નામ ન અપાય. વિચાર કરતાં કરતાં ઓહો, કેટલા બધાં કસ્તર આવતા હતા. પરકાયા પ્રવેશ આપણે નથી કર્યો. પણ કોઈએ જાણે કે આપણી કાયામાં પ્રવેશ કર્યો. બધું નેચરલ છે. પાયલ જેવી ધોળી ચામડી હોત આપણે તો શું હરદીપ ભાટીયાની તાકાત છે કે ઝાંપેથી પાછો વળી જાય !

“એ જ મારો ઉંબરો ટોચતા હતા. મેં કહ્યું ને?” પાયલ બોલી, બોલતી ગઈ : “પહેલે દિવસે સાંજે મારે ઘેર આવીને મને સવારે જેમ તેમ સંભળાવવા બદલ માફી માગી ગયા, ત્રણ દિવસના અપવાસ કર્યા ગાંધીજીના નામે, ને પછી કોઈને કોઈ બહાને, કાંઈ આપવા, કાં કાંઈ લેવા આવે અને….’

“અરરર…..” વિલાસબહેન બોલ્યા : “આવું આવું થાય, કોઈ ભાઈમાણસ, એકલી બાઈમાણસને ત્યાં વારેઘડીએ આંટાફેરા કરે ને છતાંય મને ખબર ન પડી ? કોણ છે એ બદમાસ, મને કહીશ ?”

એક સામટી અનેક અનેક કલ્પનાઓ એમનેઆવી ગઈ. પાયલના સિવણવર્ગમાં જ વરણાગીયા જુવાનીયા કેટલા બધા ? અરે, એની બાજુનો શેતરંજી વિભાગ, એમાં તો યુ.પી.ના લાલચોળ ભૈયા અને પંજાબના રાતી ચણોઠી જેવા મોઢાવાળા, અઢાર જણા. વચ્ચે રસોડું આવે, પછી….

કોણ હશે ? આવી આ મામૂલી પગારવાળી, નીચલા વર્ણની, મેલાઘેલા લુગડાંવાળીને બીજું તો કોણ હોય ? અરે,આવીઓને તો સ્વીપર જેવા સાથેય આંખ લડી જાય. ઉંહ-એમના મનમાં મગરૂરીનો એક તાર ઝણઝણ્યો. આવડી આ સંસ્થાની કોલેજમાં અધ્યાપિકા હોત તો ય કોક સારા, લાયક જુવાન પર વહેમ જાત…

“સારૂં, ચાલ.” એ બોલ્યા :”એ તારો ઉંબરો ટોચતો હોય કે પછી તું બાવરી બની ગઈ હો , હાં… એ બધું એકનું એક. ખેર, પણ તારે કરવું છે શું હવે, એ બોલ ને !’

પાયલ એકદમ બોલી ગઇ : “મેરેજ !”

એકાએક વિલાસબહેનના લમણામાં જાણે કે પત્થર વાગ્યો. તમ્મર ચડી ગઈ. ‘મેરેજ’ શબ્દ સાથે જ કંઈ કેટકેટલું ઉમટી આવ્યું. દિમાગના અનેક ખાનાઓમાં –કીડીઓ ઉભરાઈ ચાલી.

“અરે…” એમણે માત્ર દાંત ભીંસવા જ બાકી રાખ્યા : “ભમરા તે કદી ફુલ સાથે મેરેજ કરતા હશે, હૈયાફૂટી? ને તું એમાં મારી મદદ માગવા આવી છો ? શું તને ફસાવનારો એ માણસ, ખાલી મારા કહેવાથી તારી સાથે ફેરા ફરવા તૈયાર થશે ? અરે, એ તો મઝા લૂટીને ભાગી જવાવાળી જમાત…પુરુષ, પુરુષ…લગ્ન કરવાવાળો હોય તો એ તારા કેરેક્ટર સાથે કોઇ દિવસ આવી રમત ન કરે, સમજી ?”

પાયલના સ્વરમાં એકદમ નરમી આવી ગઈ – એણે કાચના ટેબલટૉપ પર બે હાથની કોણીઓ વાળી, કહ્યું : “અરે, પણ એ તો તૈયાર જ છે. એ જ તો વાત છે ને!” એણે લહેકાથી કહ્યું : ”અમારે તો બચ્ચુંય ઉછેરવું છે, આન્ટી, પ્લીઝ. તમારે ખાલી મારા કાકા-કાકીને સમજાવવાના છે. કાકીને પોતાની બહેનના છોકરા સાથે મારૂં ગોઠવવું છે – ને ધોળે ધરમેય મારે ત્યાં અગાડી કરવું નથી. મારે તો આ માણસ સાથે જ કરવું છે. એય મક્કમ છે. તમારે ખાલી બે કામ કરવાના, મારી ભેળા એક વાર અમારા વાસમાં આવીને મારા કાકા-કાકીને સમજાવવાના ને બીજું અમારો ગૂન્હો માફ કરી અમારી નોકરી ચાલુ રહે એવું કરી આપવાનું.”

માય ગોડ ! વિલાસબહેને વિચાર્યું – કેવા કેવા તકદીર લઈને આ બાઈ જન્મી છે – ઓહ, એના સુખની આડે માત્ર એક નાનકડો જ પડદો છે – આપણે દૂર કરી આપવાનો છે. ઓ.કે. ! થશે –હજુ આપણી, આપણા ચારિત્ર્યની ધાક છે ગામમાં –થશે. આટલું જરૂર થઈ શકશે.

“બેફિકર રહે.” એમ એમણે આટલી વાતચીતમાં પહેલી જ વાર મોં મરકાવ્યું :”મને વિશ્વાસ છે કે બેઉ કામ હું તારા માટે કરી શકીશ. કારણ કે તું મને વહાલી છો… પણ…” એમણે જરા વાર રહીને એની હથેળીઓ પોતાની હથેળીઓમાં લીધી. થોડી વાર એને પંપાળી. પૂછ્યું : “હવે તો મને નામ કહે તારા પર લટ્ટુ થઈ જનાર એ માણસનું !”

“હરદીપ ભાટીયા!!” બોલીને પાયલ નીચું જોઇ ગઇ. એના મોં પર લજ્જાની ઝાંય ફરી વળી. એ નીચું જોઈ ગઈ. પણ એને એ ન સમજાયું કે આન્ટીની હથેળીઓમાં હળવો કંપ કેમ વરતાવા માંડ્યો ? એ ગરમ કેમ થઈ ગઈ આમ એકાએક ? થયું શું ?


આ વાર્તાની સર્જનપ્રક્રિયા

દરેક વાર્તાની પાછળ કોઇ સત્યઘટના સુંઘવાની વૃત્તિ એ વાંચનારાની વાચક તરીકેની પ્રાથમિક અવસ્થાની સૂચક છે. પણ જો એમાં એને ઘટનાને બદલે કોઇ ઝીણા સત્યની બૂ આવે તો એ એની એટલી ઉંચી સમજ કહેવાય અને વાર્તાકારની સફળતા કહેવાય.

આ વાર્તા ‘રાસ્ક્લ’માં આવે છે એવા સ્થૂળ–બાહ્ય કિસ્સા મેં મારી આ લાંબી જિંદગીમાં અનેક જોયાં છે. પણ આમાં અંતે જેવો ઝટકો આવે છે તેવો ઝટકો આપનારો મામલો ક્યાંય જોયો નથી. એ તો નર્યું મારું જ સર્જન છે. મોહનથાળના ચોસલાં પાડવાનાં હોય તો એના અર્ધપ્રવાહી ‘માલ’ને થાળીમાં ઢાળવો પડે. અને પછી એને ઠરવા દઇને એના ચોસલાં પાડવા પડે. (કાઠીયાવાડમાં કાચા મલિદાને ‘માલ’ કહેવાય છે). એમ આ વાર્તા એ કોઇ એવા ‘માલ’નું માત્ર એક ચોસલું છે. પણ એમાં જો આખા ‘માલ’નો સ્વાદ અનુભવાતો હોય તો એ આ વાર્તા પૂરતું મારા માટે સંતોષનું કારણ છે.

આ વાર્તાના પાત્રની બાહ્ય રેખાઓ (ફર્મો-ઢાળો) મને જીવનમાંથી જ જડ્યો છે. મારી 15-16 ની વયે હું મારી મોટી બહેનને જેતપુરથી ભાવનગરના શ્રી તાપીબાઇ કન્યા છાત્રાલયમાં મુકવા જતો ત્યારે એનાં ગૃહમાતા ગૌરીબહેન બહુ સાવધાનીથી મારા રાતવાસાની વ્યવસ્થા રસોઇયા હરિભાઇ સાથે કરી આપતા.રસોડાની ગાર કરેલી ફર્શ પર પાથરેલી ગોદડી ઉપર એક ચાદર ઓઢીને મારે સુઇ જવાનું રહેતું. આ જડબેસલાક આયોજન એમની જાત-દેખરેખ નીચે થતું ને એ હું કોઇ ખેલ જોતો હોઉં એમ જોઇ રહેતો. મારા મનમાં અનેક વાનરવિચાર પણ ઉપજતા અને એ બહેનની અંગત જિંદગી વિષે જિજ્ઞાસા પણ જાગતી. પણ એ દિવસોની વાત કે એ પાત્રની સાથે આ વાર્તાની સંસ્થાનાં સંચાલિકાના પાત્રને કોઇ સંબંધ નથી. એ પછી તો અનેક અનેક સંસ્થાઓની અનેક અનેક સંચાલિકાઓના પરિચયમાં આવ્યો. મારી નવલકથા ‘કુંતી’ના આલેખન વેળા અમદાવાદ-રાયપુરના મહિપતરામ રૂપરામ આશ્રમના કઠોર મુખાકૃતિવાળાં અધિષ્ઠાત્રિ સરોજબહેન સાથે પણ અનેક બેઠકો થઇ, પણ એ બધીમાંની કોઇ પણ સંચાલિકા બહેનની જિંદગી સાથે આ વાર્તાના કેન્દ્રસ્થ એવા વિલાસબહેનના ચરિત્રને કોઇ સંબંધ નથી. ફરી વાર કહું કે એ બહેનોએ મને સંચાલિકાઓના વાણી-વર્તન-સત્તાવાહીતા અને વિશેષ તો પુરુષો સાથે વાત કરતી વખતની સાવધાનીનો પૂરો નકશો આપી દીધો અને સાથોસાથ મને એમની અંગત જિંદગી વિષે કલ્પનાઓ કરતો કરી દીધો એટલું જ. પણ એથી વિશેષ કશું નહિં. આ વાર્તામાં પણ આ પાત્ર વિષે આવી જ એક કલ્પના છે. બાકી આવી બહેનો વિષેની સાયકોલોજીની મારી સમજમાં જે બેઠું તે મેં અંત દ્વારા કહી દીધું છે.

આથી વધુ આ વાર્તા વિષે કહેવાનું નથી.


લેખક સંપર્ક :

રજનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91


79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: admin

3 thoughts on “મારું વાર્તાઘર : રાસ્કલ

  1. અત્યંત રોચક શૈલીમાં કહેવાયેલું આ અનોખું કથાવસ્તુ વાચકના મન ઉપર ઊંડી છાપ મૂકી જવા સમર્થ છે.

Leave a Reply

Your email address will not be published.