ફિલ્મસંગીતના નકશીકારો : ‘કોણે કીધું ગીતનું સર્જન’

પીયૂષ મ. પંડ્યા

ગઈ કડીમાં આપણે હિન્દી ફિલ્મી સંગીત સાથે સંકળાયેલા કેટલાક વાદ્યવૃંદ સંયોજકોનાં અને વિવિધ વાજીંત્રોના વાદકોનાં નામોની યાદી ઉપર નજર નાખી. આ યાદી બનાવવા બેસીએ ત્યારે એક હદ પછી યાદદાસ્તને ખાસ્સી કસવી પડે છે. આમ શાથી થાય છે એનું કારણ સમજવું જરાય મુશ્કેલ નથી. ભાવકને તરત જ ખ્યાલ આવી જાય છે કે એ કલાકારોનો ઉલ્લેખ ભાગ્યે જ ફિલ્મી ગીતોને લગતા કોઈ આધારભૂત દસ્તાવેજમાં મળી આવે છે. હા, ફિલ્મોની શ્રેયનામાવલીમાં કાયમી ધોરણે વાદ્યવૃંદ સંયોજકનો ઉલ્લેખ થતો રહે છે. પણ રેડીઓ ઉપરથી જ્યારે ગીત પ્રસારીત થાય ત્યારે પણ ગીતકાર, સંગીતકાર અને ગાયકના નામથી વધુ માહિતી આપવામાં નથી આવતી. ત્યાંના અધીક્ષકો એને વ્યાજબી ઠરાવતાં કહેતા હોય છે કે મોટા ભાગના લોકોને ગીત સાંભળવામાં રસ હોય છે, કસબીઓની વિગતો જાણવામાં નહીં. એ વાત પણ સાચી છે. જો એક એક ગીત સાથે સંકળાયેલા બધા જ કલાકારોની યાદી રજૂ થાય તો ત્રણ મીનિટના ગીત માટેની ઉદઘોષણા પાંચ મીનિટ જેટલી ચાલ્યા કરે !

જો કે હવે તો પરિસ્થિતિ સાવેસાવ બદલાઈ ગઈ છે. છેલ્લા દોઢેક દાયકામાં રેડીઓની લોકપ્રિયતાને પુન:જીવિત કરનારી અલગ અલગ F M ચેનલના ઉદઘોષકો — રેડીઓ જૉકીઝ (‘R J’) — તો મોટે ભાગે જે તે ગીતની ફિલ્મનું કે એના ગાયકોનું નામ પણ નથી બોલતા. એમના અધિષ્ઠાતાઓના મતે એ જરૂરી નથી! આશ્વાસનરૂપે રેડીઓ વિવિધ ભારતી અને શ્રીલંકા બ્રોડકાસ્ટીન્ગ કોર્પોરેશન( અસલી ચાહકોનું રેડીઓ સીલોન!) ઉપરથી હજી જે તે ગીતની પ્રાથમિક માહીતિ મળી રહે છે. હવે આવા સંજોગોમાં અન્ય F M ચેનલોના કોઈ ‘R J’ને પણ ગીત સાથે સંકળાયેલા કસબીઓ બાબતે પૃચ્છા કરીએ તો કદાચ ‘કસબી એટલે શું?” એવા પ્રશ્નનો સામનો કરવો પડે એવા સમયમાં આપણે પહોંચી ગયા છીએ !

જો કે થોડાં ખાંખાંખોળાં કરનારાઓ સાવ હતાશ થાય એવી હાલત નથી. જેમ અન્ય ક્ષેત્રોમાં હોય એમ આ ક્ષેત્રમાં પણ જ્યાં ત્યાંથી ખોતરીને માહિતી ખોળી કાઢનારાઓ છે જ. ભલે ઓછા પ્રમાણમાં પણ જૂદી જૂદી ભાષાઓમાં સીનેસંગીત સાથે સંકળાયેલા નામી-અનામી કલાકારો વિશે લેખો અને પુસ્તકો લખાયાં છે. આ પ્રકારના દસ્તાવેજો થકી કેટલાક કલાકારો પ્રકાશમાં આવ્યા છે. અમુક મહારથી વાદકોએ એમના વાદ્ય ઉપર વગાડેલાં લોકપ્રિય ફિલ્મી ગીતોના વાદનની રેકોર્ડ્સ પણ બની અને એમાંની કેટલીક તો મૂળ ગીતોની રેકોર્ડ્સ કરતાં પણ વધારે માત્રામાં લોકપ્રિય બની. ઉદાહરણ તરીકે એનૉક ડેનિયલ્સના એકોર્ડીયનવાદનની, વૉન શીપ્લે અને હજારાસિન્હના ગિટારવાદનની કે મિલન ગુપ્તાના હાર્મોનિકાવાદનની રેકોર્ડ્સ કેટલી લોકપ્રિય હતી એ શોખીનોને ચોક્કસ યાદ હશે જ. રેડીઓ વિવિધ ભારતી અને રેડીઓ સીલોન ઉપર નિયમીત ધોરણે એવા કાર્યક્રમો પ્રસારીત થતા જેમાં આવાં વાદ્યો ઉપર વગાડાયેલાં ફિલ્મી ગીતો રજૂ થતાં રહેતાં. એનો એક ચોક્કસ ચાહક વર્ગ પણ ઉભો થયેલો. પરિણામે ઉપર ઉલ્લેખ થયો એ ઉપરાંત સુમીત મીત્રા, સુનિલ ગાંગુલી, જસબન્તસિન્હ, ગોરખનાથ અને વીપિન રેશમીયા જેવા સમર્થ વાદ્યકારોનાં નામ ભલે જનસામાન્ય સુધી નહીં, પણ શોખીનો સુધી તો ચોક્કસ પહોંચી રહેલાં. આ ઉપરાંત વિવિધ વાદ્યો ઉપર શાસ્ત્રીય સંગીત છેડનારા કેટલાક મહારથીઓએ અલગઅલગ કારણોસર ફિલ્મી ગીતો સાથે સંગત કરવાનું વ્યવસાયિક ધોરણે સ્વીકાર્યું. સિતારવાદક રઈસખાન, વાંસળીવાદક હરીપ્રસાદ ચૌરસીયા, સંતૂરવાદક શિવકુમાર શર્મા ( આ બન્ને કલાકારોએ તો સાથે મળીને અમુક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું એ સર્વવિદિત છે.), સારંગીવાદક રામનારાયણ અને તબલાવાદક સામતાપ્રસાદ જેવાં નામો ઉદાહરણ તરીકે ગણાવી શકાય.

વાદ્યવૃંદ સહાયકો (કે જે ‘એરેન્જર’ અથવા ‘આસીસ્ટન્ટ’ તરીકે ઓળખાતા) બાબતે જોઈએ તો એમનાં નામ ફિલ્મોની શ્રેયનામાવલીમાં અચૂક જોવા મળી જતાં. એ પૈકીના કેટલાકે તો આગળ જતાં સ્વતંત્ર સંગીત નિર્દેશક તરીકેની કારકિર્દી અપનાવી. લક્ષ્મીકાંત-પ્યારેલાલ, દત્તારામ, જયદેવ, રવિ, ઉત્તમસિન્હ અને બાસુ-મનોહરી જેવાઓ ઉજ્જવળથી લઈને વત્તી ઓછી સફળતાને વર્યા. સેબેસ્ટીયન ડી’સોઝા, એન્થની ગોન્સાલ્વીસ, ફ્રેન્ક ફરનાન્ડ, મારુતીરાવ, કાવસ, બરજી અને કેરસી લોર્ડ વગેરે ઉત્તમ વાદકો હોવા ઉપરાંત એરેન્જર તરીકે પણ બહુ જ યશસ્વી પ્રદાન કરી ગયા છે. આગળ વધતાં પહેલાં ફરી એક વાર સ્પષ્ટ કરવા રજા માંગું છું કે આ સમગ્ર લેખશ્રેણીમાં આપણે ફિલ્મી સંગીતના સુવર્ણકાળ દરમિયાન વાદન અને વાદ્યવૃંદસંચાલન સાથે સંકળાયેલા હૂન્નરબાજો વિશે વાત કરવાના છીએ. સને ૧૯૭૦ પછી ઈલેક્ટ્રોનીક વાદ્યોના પગપેસારા થકી મૂળભૂત વાદ્યોના અસ્તની અને પરિણામે એવાં વાદ્યોના વાદકોની પડતીની શરૂઆત થઈ ગઈ. ફિલ્મી ગીતોનું સર્જન થતું એની જગ્યાએ એના ઘાણ ઉતરવા શરૂ થઈ ગયા. ખેર, આપણી વાતનું વિષયવસ્તુ એ નથી એટલે મૂળ બાબતે આગળ વધીએ.

આપણે શક્ય ટૂંકાણમાં ગીતનાં વિવિધ અંગો અને એના સર્જનની પ્રક્રિયા બાબતે વાત કરીએ. અલબાત, એ ખ્યાલ રાખીને કે વધુ પડતી વિગતે વાત માંડવામાં સમગ્ર વાંચન ક્લિષ્ટ ન બની જાય. એક લાંબા અરસા સુધી ફિલ્મોની સફળતા મહદઅંશે એનાં ગીતો અને સંગીત ઉપર આધારિત રહેતી. ફિલ્મની પટકથા લખાય ત્યારે ચોક્કસ મુકામો ઉપર ગીત માટે ખાસ પ્રસંગો ઉભા કરવામાં આવતા. એ સમયે નિર્માતા, દિગ્દર્શક, પટકથાલેખક અને ગીતકારની ઉપસ્થિતિ અનિવાર્ય ગણાતી. એક વાર ‘સીચ્યુએશન’ નક્કી થઈ જાય એટલે સંગીતનિર્દેશકની હાજરીમાં ગીતના શબ્દો લખાતા. એ તો રસપ્રદ અને ખાસ્સી જાણીતી વાત છે કે કેટલાંય ગીતોના શબ્દો અગાઉથી તૈયાર થયેલી ધૂનને અનુરૂપ લખાતા. દિનાનાથ (ડી. એન.) મધોક નામના ગીતકાર તો ચોક્કસ ધૂન સહિતના શબ્દો લખી આપતા એવી કિંવદંતીઓ એક કરતાં વધારે વાર સાંભળી છે. આમ થતાં સંગીતનિર્દેશકે તો તૈયાર માળખામાં રંગો જ પૂરવાના રહેતા. જો કે આવા અપવાદ તો જૂજ હતા. સામાન્ય રીતે ધૂન સંપૂર્ણપણે સંગીતકાર તૈયાર કરતા અને એમાં રંગપૂરણીનું કાર્ય મહદઅંશે સહાયક સંગીતકાર સંભાળી લેતા.

જે તે ગીત માટે ઉપયોગે લેવાનાર વાદ્યવૃંદના કદ અને વૈવિધ્યનો આધાર એ ગીતની ધૂન ઉપરાંત ફિલ્મમાં એ ગીત કેવા પરિપ્રેક્ષ્યમાં રજૂ થવાનું હશે એના ઉપર અને નિર્માતા તરફથી એને માટે થતી દ્રવ્યફાળવણી ઉપર રહેતો. એકવાર સંગીતનિર્દેશક, નિર્માતા અને દિગ્દર્શક તરફથી આ બાબતે સ્પષ્ટતા થઈ જાય તે પછી આસીસ્ટન્ટ સંગીતનિર્દેશકનું કામ શરૂ થતું. ચોક્કસ ધૂન સાથે કયા મુકામ પર કેવાં કેવાં ઉમેરણ કરવાં એ બાબતે આ કલાકારો ખાસ્સી સૂઝબૂઝ ધરાવતા હતા એવો જાણકારોનો અભિપ્રાય છે.

આ તબક્કે આપણે ફિલ્મી ગીતોનાં વિવિધ અંગો વિશે થોડી જાણકારી મેળવી લઈએ એ આવશ્યક છે. ગીતની શરૂઆત જ્યાંથી થાય એ મુખડો કહેવાય છે. કાવ્યશાસ્ત્રીઓ એને ધ્રુવપંક્તિ તરીકે પણ ઓળખાવે છે. એ પછી જે પંક્તિઓ આવે એ પૈકીની દરેકને અંતરો કહેવાય છે. સર્વમાન્ય ભાષામાં એને કડી પણ કહે છે. આ કાવ્યપ્રકારની વાત થઈ. ફિલ્મમાં રજૂઆત કરવા માટે ગીતને ગેય બનાવવું જરૂરી બની રહે છે. આ માટે તેને સંગીતબધ્ધ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ આ સાંગીતિક માળખું સંગીતનિર્દેશકે તૈયાર કરેલું હોય છે.

મોટા ભાગે ગીત શરૂ થાય તે પહેલાં વાદ્યસંગીતનો એક ટૂકડો વાગે છે. આ વાદ્યસંગીતને પ્રિલ્યુડ/પૂર્વરાગના નામે ઓળખવામાં આવે છે. ત્યાર બાદ ગાયકી શરૂ થાય છે, જ્યાં મુખડો રજૂ થાય છે. મુખડાની ગાયકી પછી ફરી એકવાર સંગીતનો ટૂકડો વાગે છે, જેને ઈન્ટરલ્યુડ/મધ્યરાગ કહેવામાં આવે છે. એ પછી ગાયકીનો બીજો દોર કાને પડે છે, જે અંતરા તરીકે પ્રચલિત છે. એક અંતરો ગવાઈ રહે એટલે ફરી વાર વાદ્યવૃંદ દ્વારા રજૂ થતો ઈન્ટરલ્યુડ વાગે છે. એ પછી બીજા અંતરાની ગાયકી સાંભળવા મળે છે. લાક્ષણિક ફિલ્મી ગીતમાં બે અંતરા પછી સમાપનનો તબક્કો આવી જાય છે. એ વખતે ગાયન અથવા તો વાદન લયમાં અને /અથવા અવાજની માત્રામાં ધીમું પડે છે. ‘ફેડ આઉટ’ તરીકે જાણીતી આ પધ્ધતિ ગીત સમાપ્તિના આરે આવ્યું હોવાનું સૂચન કરે છે. સામાન્ય રીતે ગીતનું સમાપન ત્રણેક મિનીટમાં થાય એવો આપણો અનુભવ છે. આની પાછળનું કારણ સમજાય એવું છે. આપણે વાત કરીએ છીએ એ સમયગાળામાં ગીતોનું ધ્વનિમુદ્રણ ગ્રામોફોન રેકોર્ડ્સ ઉપર કરવામાં આવતું હતું. આ યાંત્રીકી એવી કાર્યપધ્ધતિ વડે સજ્જ હતી, જ્યાં લાખની બનેલી એક તકતીની એક બાજુ ઉપર ત્રણ મિનીટથી વધુ સમયનું ધ્વનિમુદ્રણ શક્ય ન બનતું. આ મર્યાદાને લીધે મૂળ રેકોર્ડીંગ ઉપર કાળજીપૂર્વક કાપકૂપ કરી, એની અવધિ ત્રણ મિનિટ સુધીની કરી દેવામાં આવતી. આ કાર્ય અત્યંત કુશળ એવા ધ્વનિમુદ્રક/સાઉન્ડ રેકોર્ડીસ્ટ દ્વારા હાથે ધરવામાં આવતું. આ પ્રક્રિયા દરમિયાન સંગીતનિર્દેશકો અને સહનિર્દેશકોની ઉપસ્થિતી અલબત્ત, અનિવાર્ય રહેતી.

અત્યાર સુધી આપણે ગીતોનાં જે અંગો વિશે ચર્ચા કરી એ અંગો મોટા ભાગના ચાહકોની નોંધે ચડતાં જ રહેતાં હોય છે. આગળ વધીને વાત કરીએ બારીકીઓની. આપણે ગીત સાથે વાગી રહેલા વાદ્યવૃદની માત્ર પ્રિલ્યુડ અને ઈન્ટરલ્યુડમાં વાગતાં વાદ્યોના સંદર્ભે જ નોંધ લઈએ છીએ. મોટા ભાગે એક હકીકત આપણા ધ્યાન બહાર જતી હોય છે કે ગીતની ગાયકી તેમ જ સંગીતના તબક્કા દરમિયાન પશ્ચાદભૂમાં કોઈ ને કોઈ વાદ્યો સતત વાગતાં રહેતાં હોય છે. એ વાદન કેટલીક વાર જે તે ધૂનની સમાંતરે ચાલતું રહે છે. જો કે મહદઅંશે એ ગાયકીની અને વચ્ચેના સંગીત કરતાં અલગ સ્તરનું વાદન હોય છે. ‘ઓબ્લિગેટો’ અથવા ‘કાઉન્ટર મેલોડી’ અથવા માત્ર ‘કાઉન્ટર્સ’ તરીકે ઓળખાતા આ વાદ્યસંગીત વડે જે તે ગીત ભર્યું ભર્યું લાગતું હોય છે. ઓબ્લિગેટોનું એક ઝળહળતું ઉદાહરણ યાદ કરીએ. ફિલ્મ ‘માય લવ’ના ગીત ‘વોહ તેરે પ્યારકા ગમ’ગાયકી જેટલી જ પ્રભાવશાળી અસર ગીતની પશ્ચાદભૂમાં સતત વાગતા રહેતા સેક્સોફોન વડે ઉભી થાય છે. આવાં તો અગણિત ઉદાહરણો ટાંકી શકાય. હીન્દી ફિલ્મી ગીતોમાં ઓબ્લિગેટોના પ્રયોગ શરૂ કરવાનું શ્રેય ગોવાનીઝ સહનિર્દેશકોના ફાળે જાય છે. અનિલ બિશ્વાસ, ખેમચંદ પ્રકાશ અને સી. રામચંદ્ર જેવા પ્રયોગશીલ સંગીતકારોની સાથે મળીને સંગીતના આ બરકંદાઓએ હીન્દી ફિલ્મસંગીતની દુનિયામાં એક ક્રાંતિ સર્જી દીધી. કેટલીક વાર ગીતના ભાગરૂપે અનેક ગાયકોના સમુહના સહગાન એટલે કે કોરસ – વૃંદગાન – નો ઉપયોગ પણ ગાયકી અને વાદ્યસંગીતની ઉપરાંત કરવામાં આવતો રહ્યો છે. ફિલ્મ ‘બંબઈ કા બાબુ’નું ગીત ‘ચલ રી સજની અબ ક્યા સોચે’ પછી ફિલ્મ ‘માયા’નું ગીત ‘અય દિલ કહાં તેરી મંઝીલ’ () યાદ કરતાં જ કોરસ શું ચીજ છે અને ગીતના ઉઠાવ ઉપર એની શી અસર પડે છે એનો ખ્યાલ આવી શકશે.

ગાયકી તેમ જ વાદ્યસંગીતની રજૂઆત દરમિયાન કયા મુકામ ઉપર કયું વાદ્ય ઉપયોગે લેવું એ પણ આગવી સૂઝબૂઝ માંગી લેતી બાબત ગણાવી શકાય. વળી તે સમયની રેકોર્ડીંગ માટેની સગવડો એ પ્રકારની હતી કે એક કરતાં વધારે સાજીંદાઓ વચ્ચે એક જ માઈક્રોફોન ઉપલબ્ધ હોય. એવે વખતે ગીતના ચોક્કસ તબક્કે જે તે વાજીંત્રના વાદનને પ્રાધાન્ય આપવાનું હોય એને માઈક્રોફોનથી કેટલા અંતરે રાખીને વગાડાવવું એ પણ ખાસ્સી કાળજી માંગી લેતી બાબત હતી. આટલી નાની નાની પણ એટલી જ મહત્વની બાબતો ધ્યાને રાખવા માટે સંગીતકારે અને સહનિર્દેશકે ખુબ જ બારીક તૈયારી કરવી જરૂરી બની રહેતી. આ માટે ગોવાથી આવેલા જાણકારો સજ્જ હતા. આ કલાકારો સંગીતની વ્યવસ્થિત તાલીમ તો ધરાવતા જ હતા, તે ઉપરાંત એ બધા કુશળતાથી સ્વરલિપિ લખી શકતા હતા. એ બાબત કેટલી મહત્વની હતી એ સમજીએ. એ બધા કોઈ પણ ગીતની પૂરેપૂરી ધૂનની સ્વરલિપિ લખી શકતા હતા. તે ઉપરાંત દરેકે દરેક બજવૈયા માટે પણ ગીત દરમિયાન કયા ચોક્કસ મુકામે તેણે પોતાના ભાગે આવતો ટૂકડો વગાડવાનો છે, એ માટેની સૂચના સહિતની સ્વરલિપિ તેને આપવામાં આવતી. ‘સ્ટાફ નોટેશન્સ’ તરીકે ઓળખાતી આ લીપી તૈયાર કરવાની જવાબદારી પણ સહનિર્દેશક નિભાવતા હતા. આ કારણથી એ લોકો માટે ‘એરેન્જર’ શબ્દપ્રયોગ પણ કરવામાં આવતો રહ્યો છે.

આમ જોઈએ તો સમજાય છે કે એક ચોક્કસ ગીત તૈયાર થઈને આપણા કાને પડે એ પહેલાં એણે કેટલા સંસ્કારમાંથી પસાર થવું પડતું હતું. વળી હવે પછી કોઈ અતિશય ગમતા ગીતના સર્જનનો સમગ્ર યશ એના સંગીતનિર્દેશકને ખાતે ફાળવી દેતી વેળા આપણે એ સાથે ખંતપૂર્વક જોડાયેલા અનામી કલાકારોને પણ યાદ કરી લેશું. આપણે ગઈ કડીમાં સમાપન વેળાએ કિસ્મત કુરેશીની એક ગઝલ – ત્યાં તો મહેફીલ જામી જામી – ની પંક્તિઓ ટાંકી હતી. એ જ ગઝલમાં આગળ વધતાં આવે છે એ પંક્તિઓ સાથે આજે સમાપન કરીએ.

કોણે કીધું ગીતનું સર્જન, કોણે કીધું સ્વરસંયોજન,
નામી કંઈયે નામ છૂપાવી, આજે બન્યા અનામી’

બસ, આમ જ મહેફીલો જામતી આવી છે.

આવતી કડીથી કેટલાક વાદકો અને સ્વરનિયોજકોનો  પરિચયનો આરંભ કરીશું. 


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

6 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો : ‘કોણે કીધું ગીતનું સર્જન’

  1. લેખનમાળા ખુબ રસપ્રદ થતી જાય છે.
    ખુબ ખુબ આભાર ,પીયુશભાઇ !

  2. It is too bad that except for few, enough notoriety did not was not accorded to these behind the scene group
    of very talented artists. Thanks Piyushbhai for writing about them,
    Vijay joshi

  3. ખૂબજ મૂલ્યવાન. ..મનભાવન લખાણ. ..રેડિયો સિલોન અને વિવિધભારતીના વર્ષો જૂના શ્રોતા તરીકે માણવાની મજા આવી…માસ્ટર ઇબ્રાહીમ જેવા સજ્જ કલેરોનેટ વાદકની ધૂનો પણ સંભારવી ગમે….અભિનંદન

Leave a Reply

Your email address will not be published.