વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : લોકડાઉનને પગલે થયેલ સ્થળાંતરિત કામદારોની હાલત

જગદીશ પટેલ

આ લખાય છે ત્યારે સમાચાર છે કે ગઇકાલે મોડી સાંજે સુરતમાં લસકાણા વિસ્તારમાં પરપ્રાંતીય કામદારો લોકડાઉનનો ભંગ કરી તોફાને ચડયા અને રસ્તા પર ઉતરી આવી શાકની લારીઓ ઉંધી વાળી અને આગચંપી પણ કરી. પોલીસે ૬૦—૭૦ લોકોની અટકાયત કરી, ૧૩૦૦ સામે ગુનો દાખલ કર્યો. આ બધા બિહારી મજુરો હતા તેવા માધ્યમોના અહેવાલ છે. તોફાને ચડેલાઓનું કહેવું હતું કે તેમની પાસે હવે પૈસા નથી અને તેમને ખાવાનું મળતું નથી. બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવી ટવીટર પર દાવો કરે છે કે સુરત રોજ ૫ લાખને જમાડે છે. એનો અર્થ થયો કે કામદારો સાચા છે. સુરતની હાલ ૬૦ લાખ જેટલી વસ્તી છે તેમાં ૫ લાખ કરતાં વધુ તો માત્ર ઓડીશાના ગંજમ જીલ્લાના છે. ઓડીશાના બાકીના જીલ્લા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, પ.બંગાળ, મધ્યપ્રદેશ અને દક્ષિણના રાજયોના કામદારો પણ સુરતમાં છે. કુલ ૧૫—૨૦ લાખ જેટલા તો હશે જ અને તેમાંથી માત્ર ૫ લાખને આપો તો બાકીનાનું શું એ સવાલ ઉભો રહે છે.  સ્થાનિક કાર્યકર સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ કામદારોને રોજ સવાર સાંજ માત્ર ખીચડી પીરસવામાં આવે છે અને સતત આટલા દિવસથી ખીચડી ખાઇને કંટાળી ગયા છે. એમની પાસે પૈસા છે જ નહી તેથી જાતે કશું ખરીદી શકતા નથી. જેમને રેશનની કીટ અપાય છે તે કીટમાં તેમને બે ત્રણ દિવસ ચાલે તેટલી સામગ્રી હોય છે અને ફરીવાર તો તેમનો વારો આવે ત્યારે કીટ મળે. હવે ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન લંબાય તેવી ખબરો આવે છે ત્યારે આ શ્રમજીવીઓનું આત્મસન્માન જળવાઇ રહે અને તેઓ ભુખ્યા ન સુએ તે માટે પાકી વ્યવસ્થા કરવી જોઇએ.

બીજા એક હ્રદયદ્રાવક સમાચાર ૧૧—૦૪—૨૦ના રાજસ્થાન પત્રિકા નામના દૈનિકમાં પ્રગટ થયા છે જેમાં સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના ગોરખપુર જીલ્લાના સાહવતરાવ ગામના ૨૮ વર્ષના વશિષ્ઠ હીરાલાલ નીષાદ રંગોરોગાનનું કામ કરી પેટ ભરે છે. તેમને પરિવારમાં ગર્ભવતી પત્ની રીંકુ, પાંચ દીકરા અને બે દીકરીઓ છે. લોકડાઉન થતાં કામ મળતું બંધ થયું અને થોડા દિવસમાં બચતો પુરી થઇ અને ઘરમાં ખાવાનું ખુટયું. બાળકોને ભુખે મરતા જોઇ ન શકતાં તેમણે ૫ એપ્રિલે ઝેર પી લીધું. તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કર્યા જયાં પોલીસે ગુનો દાખલ કર્યો. ઘણા કલાકો પછી પણ પોલીશે ન તો એની પત્નીની ન એમના પાડોશીઓની પુછપરછ કરી. પોલીસે જણાવ્યું કે એને દૂધ, શાક અને રેશન લાવવાનું પત્નીએ કહ્યું પણ તે લાવ્યો નહી તે અંગે બંને વચ્ચે ઝગડો થયો અને તેણે ઝેર પી લીધું. નીષાદ હાલ ઘનિષ્ઠ સારવાર વિભાગમાં સારવાર હેઠળ છે.

મધ્યપદેશના મોરેનાના ૩૯ વર્ષના રણવીર સિંઘ દિલ્હીમાં કામ કરે. લોકડાઉન થતાં મોરેના જવા ચાલી નીકળ્યા. ૨૦૦ કિ.મી ચાલીને આગ્રા પહોંચ્યા અને ત્યાં હ્રદયરોગનો હુમલો થતાં ઢળી પડયા. આ દુ:ખદ સમાચાર અખબારોમાં પ્રગટ થયા. મેં એ સમાચારની લિંક મારા ફેસબુક પેજ પર મુકી. એક “મિત્ર”એ લાગલી જ કોમેન્ટ મુકી  “એને જવાનું કોણે કહ્યું હતું?” આટલા અસંવેદનશીલ હોય છે કેટલાક લોકો.

૧૧ એપ્રિલે ટીવીમાં સમાચારો પ્રસારિત થયા કે દિલ્હીમાં કશ્મીરી ગેટ પાસેની શરણાર્થી શિબિરમાં આગ લાગી. પછી એવા ખબર આવ્યા કે આગળના દિવસે ખાવા બાબતે શિબિરાર્થીઓમાં ઝગડો થયો હતો. હવે એ બે શિબિરાર્થી જુથો વચ્ચે થયો હતો કે શિબિરાર્થીઓ અને સંચાલકો વચ્ચે થયો હતો તેની કોઇ માહિતી નથી. ઝગડાના કારણ વિષે પણ કોઇ ખબર નથી. ઝગડા પછી પોલીસે કેટલાક શિબિરાર્થીઓને ફટકાર્યા એટલે હતાશામાં કે ગુસ્સામાં કેટલાક શિબિરાર્થીઓએ યમુના નદીમાં છલાંગ મારી. તેમાંથી કેટલાકને બચાવી લેવાયા પણ એક ન મળ્યો. તેનો મૃતદેહ બીજા દિવસે મળ્યો. એ પછી આ આગની ઘટના બની. હવે ઝગડો, યમુનામાં કૂદી પડવું અને આગ લાગવાની ઘટનાઓ વચ્ચે પરસ્પર કેટલો અને કેવો સંબંધ છે તે આપણે જાણતા નથી પણ એ હશે તેવું અનુમાન થઇ શકે. લોકડાઉનને કારણે મજુર વર્ગ પર પડી રહેલી માનસિક તાણ અને હતાશાને આ પ્રસંગ ઉજાગર કરે છે.

સુરતની એક ઘટના પણ સામે આવી છે જેમાં કામદારોનું એક જુથ બે દિવસથી ભૂખ્યું હતું અને ત્યાંથી પસાર થતા એક ભાઇના પગ પકડી એમને રૂ.૨૦૦/-ની નોટ ધરી પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરવા કરગર્યા.
૨૪ માર્ચને દિવસે રાત્રે વડાપ્રધાને જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉનને પગલે લાખો સ્થળાંતરિત મજુરોએ પોતાના વતનની વાટ પકડી. વાહનો બંધ હોવાને કારણે મોટાભાગનાને ચાલતા જવાની ફરજ પડી. દિલ્હીની સંસ્થા “જનસાહસ”એ આ કામદારોનો એક ઝડપી અભ્યાસ કર્યો અને તેના તારણો એક અહેવાલમાં મુકયા. ઉત્તર અને મધ્ય ભારતના ૩,૧૯૬/- બાંધકામ કામદારો સાથે ફોન પર થયેલી વાતને આધારે અભ્યાસ કરવામાં આવ્યો. આ અહેવાલ અને અન્ય દસ્તાવેજોને આધારે આ લેખ તૈયાર કરાયો છે.

ભારતમાં બાંધકામ ઉદ્યોગ સકળ ઘરેલુ ઉત્પાદનના ૯% જેટલો ફાળો આપે છે. ૫.૫ કરોડ સ્થળાંતરિત દહાડિયા મજૂરોને એ રોજગારી આપે છે. દર વર્ષે લગભગ ૯૦ લાખ જેટલા ગ્રામિણ ક્ષેત્રના મજૂરો શહેરી વિસ્તારોમાં બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રમાં મજૂરી કરવા આવે છે.

આ પૈકીના ૫૫% કામદારો રોજના રૂ.૨૦૦—૪૦૦ જેટલું વેતન કમાતા હતા. ૪૨% પાસે એક દિવસ ચાલે એટલો પણ રેશનનો જથ્થો ન હતો. ૩૩% જેટલા અધવચ્ચે ફસાયા હતા અને તેમની પાસે પૈસા, પાણી કે ખાવાનું ન હતું. ૯૪% કામદારો બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા ન હતા. રસ્તામાં ભુખ લાગશે, તરસ લાગશે અને દંડા પણ પડશે તેવી ભીતિ હોવા છતાં એ લોકો ચાલી નીકળ્યા એ શું બતાવે છે?

આ ૩૧૯૬માંથી ૧૪% પાસે રેશન કાર્ડ ન હતા. ૧૭% ને બેન્ક એકાઉન્ટ ન હતા. ૩૧%ને માથે લોન હતી જે હવે તેઓ ભરપાઇ કરી શકશે કે કેમ તે વિષે એમને પોતાને શંકા છે. ૯૦%એ તરત જ પોતાની નોકરી ગુમાવી તેથી માલિકોને સરકાર કહે કે પગાર આપજો તેનો કોઇ મતલબ રહેતો નથી. ૩૨૮ કામદારોએ જણાવ્યું કે તેમના ઘરના કે નજીકના સભ્ય સગર્ભા છે. તેમની કાળજીનું શું? ૬૨%ને સરકારી કલ્યાણ યોજનાઓ વિષે માહિતી ન હતી. ૩૭%ને એ ખબર ન હતી કે યોજનાઓનો લાભ શી રીતે મેળવી શકાય. પુરુષ જ ઘરનો મોભી ગણાય તેવી સામાજીક પરંપરા છે. તે કારણે મહિલા કામદારો દ્દશ્યમાન થતા નથી અને મજૂરોને મળવાપાત્ર લાભોથી તેઓ વંચિત રહેવા પામે છે.

આ અભ્યાસમાં સામેલ કામદારોમાં ૫૪.૭% કામદારો ૧૮થી ૩૦વર્ષની વયના હતા અને ૪૪.૭% ૩૧થી ૬૦ની ઉંમરના હતા. ૯૫% પુરુષ હતા. ૬૨% મધ્યપ્રદેશના હતા અને ૩૭% ઉત્તર પ્રદેશના હતા.

“જનસાહસ”ની હેલ્પલાઇન પર ૨૧થી ૩૦ માર્ચ દરમિયાન મદદ માટે ૧૨૦૦૦ ફોન આ કામદારોના આવ્યા તે તેમની લાચારી, નિરાશા અને આક્રોશ દર્શાવે છે. તેમને ઘરે વતનમાં બેઠેલા તેમના પરિવાર માતા—પિતા,બાળકો, સગર્ભા મહિલાઓ, વૃધ્ધો અને અપંગોની ચિંતા હતી. બુંદેલખંડના અમુક ગામોમાંથી તેમને ઘણા ફોન રેશન ન મળતું હોવાની ફરિયાદ માટે આવ્યા.

સૌરભની આગેવાની હેઠળ ૫ મહિલા અને ૬ બાળકો સહિતના ૧૬ કામદારોનું જૂથ ગુરૂગ્રામથી ૧૫ કિ.મી દુર બાદશાહપુરમાં અટવાઇ ગયું હતું. તેમને દર અઠવાડિયે પગાર ચૂકવાતો. છેલ્લા અઠવાડિયાનો ચૂકવાયો ન હતો. સંસ્થાની મદદથી તેમને થોડું રેશન તો મળ્યું પણ સૌરભનો સવાલ એ હતો કે આ સ્વયંસેવકો અને સખાવતી સંસ્થાઓ અમને કેટલા સમય સુધી જીવતા રાખી શકશે?

દિલ્હીમાં કુશળ કામદાર માટે લઘુતમ વેતનના દર રૂ.૬૯૨/- છે, અર્ધકુશળના રૂ.૬૨૯/- છે અને અકુશળના રૂ.૫૭૧/- છે. પરંતુ ૫૫%એ જણાવ્યું કે તેમને મળે છે રૂ.૨૦૦થી રૂ.૪૦૦/-, ૩૯%ને રૂં.૪૦૦થી રૂ.૬૦૦/- મળે છે અને ૪%ને રૂ.૬૦૦થી વધુ મળે છે. ૯૮૪ (૩૧%) કામદારોએ જણાવ્યું કે તેમને માથે દેવું છે. તેઓ બેન્ક, શરાફો કે કોન્ટ્રાકટર પાસેથી લોન મેળવે છે. ૮૪ કામદારોએ તો જણાવ્યું કે તેઓએ એક કરતાં વધુ પાસેથી લોન લીધી છે. ૭૯%ને લાગ્યું કે તેઓ નજીકના ભવિષ્યમાં દેવું પરત ચૂકવી શકશે નહીં. તેમાંથી ૫૦%ને લાગે છે કે દેવું ચૂકવી નહીં શકાય તો તેઓ હિંસાનો ભોગ બનશે. ગામડે ગયા પછી જો તેમને નરેગા કાયદા હેઠળ કામ મેળવવું હોય તો જોબ કાર્ડ કાઢેલું હોવું જોઇએ પણ માત્ર ૩૦% પાસે જ જોબ કાર્ડ હતા.

૮૭.૬૬% પાસે પાન કાર્ડ ન હતા પણ ૯૯.૪૩% પાસે આધાર કાર્ડ હતા, ૮૩.૪૩% પાસે બેન્કમાં ખાતું હતું, ૯૪.૪૨% બાંધકામ મજૂરકલ્યાણ બોર્ડમાં નોંધાયેલા ન હતા. સરકારી દાવા મુજબ ૩.૫ કરોડ બાંધકામ મજૂરો નોંધાયેલા છે એટલે કે બીજા ૨ કરોડ હજી નોંધાયા વગરના છે. કેન્દ્ર સરકારે રાજય સરકારોને ભલામણ કરી છે કે કામદારોના બેન્ક ખાતામાં રકમ જમા કરાવવી. રાજયો પાસે ૫૨ હજાર કરોડ જમા પડયા છે પરંતુ તેમાંથી ૩૧ હજાર કરોડ તો અન્ય કામો માટે જુદા રાખેલા છે એટલે આ આફતમાં મદદ કરવા તેમની પાસે ૨૧ હજાર કરોડ છે. ગુજરાત, ઉ.પ્ર. અને મધ્યપ્રદેશની સરકારોએ નોંધાયેલા બાંધકામ મજૂરોને રૂ.૧૦૦૦/- આપવાની જાહેરાત કરી છે અને દિલ્હી સરકારે રૂં.૫૦૦૦/- આપવાની જાહેરાત કરી છે. ઉ.પ્ર.માં તેમના દાવા મુજબ હાલ ૨૦.૩૭ લાખ મજૂરો નોંધાયેલા છે પણ તે પૈકી માત્ર ૨૯% ( ૫.૯૭ લાખ)ના જ બેન્ક ખાતાની માહિતી બોર્ડ પાસે છે. સરકાર ધારે તો પણ ૭૧%ને ચુકવણી કરી શકશે નહી. ગુજરાતમાં પણ બાંધકામ મજૂરકલ્યાણ બોર્ડ પાસે નોંધાયેલા કામદારોના બેન્ક ખાતાની વિગતો નથી અને બોર્ડ પાસે બહુ ઓછો સ્ટાફ છે. એ સ્ટાફ હાલ વિગતો મેળવી રહ્યો છે અને તે પછી તેમના ખાતામાં રકમ જમા કારાવાશે. બાંધકામ મજદુર સંગઠનના મહામંત્રી વિપુલ પંડયાએ કામદારોને આ રકમ ઝડપથી આપવા પત્ર લખવો પડયો છે. આમ તો આ રૂ.૧૦૦૦/-નું શું ગજું? કેટલા દિવસ ચાલે? એટલી રાહત પણ સમયસર ન મળે તો શા કામનું?

૪૨%એ કહ્યું કે તેમની પાસે એક દિવસ ચાલે તેટલું રેશન પણ નથી. ૧૪% પાસે રેશનકાર્ડ ન હતા અને બીજા ૧૨%એ જણાવ્યું કે હાલ તેઓ જયાં છે ત્યાંથી તેમને પોતાના કાર્ડ પર રેશન મળે તેમ નથી.

અહેવાલમાં મોહનદાસ નામના કામદારની વાત જણાવી છે. મોહનદાસે સંસ્થાની હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે થોડા પાણી અને ખોરાક સાથે ૧૦ કામદારોના જૂથ સાથે એ ઝાંસી જવા દિલ્હીથી ચાલી નીકળ્યો. ૩ દિવસ અને રાત ચાલતા રહ્યા પછી આગ્રામાં રસ્તો ભુલી ગયા પણ બીજા દિવસે સલામતપણે ઝાંસી પહોંચી ગયા. સુરતમાં કામ કરતી ગીતા રાજસ્થાનના બાંસવાડાની છે પણ એટલે લાંબે સુધી ચાલીને જઇ નહી શકાય એમ એને લાગ્યું. દુકાનો બંધ અને આવક પણ બંધ. પણ એને સરકારે કરેલી વ્યવસ્થા મુજબ આશરો મળી ગયો. ચાલીને જનારા કામદારોએ પોલીસની હેરાનગતિની પણ ફરિયાદ કરી છે. માઇલો ચાલીને પોતાને ગામ પહોંચેલા સેંકડો કામદારોનું ગામડાઓમાં ઉષ્માભર્યું સ્વાગત તો બાજુએ રહ્યું, તેમને પ્રવેશની મનાઇ ફરમાવાઇ રહી છે. ગામડાંઓને ડર છે કે આ “બહારના” કે “શહેરી” કામદારો આપણા ગામમાં કયાંક કોરોના ફેલાવી ન દે. તે બહાને તેમને ગામમાં પ્રવેશવા ન દેવા, હેરાન કરવા, પોલીસને જાણ કરવી જેવા અહેવાલો પણ આવ્યા છે.

આ લોકો જયાં છે ત્યાં તેમને રોકી દેવામાં આવ્યા છે અને ત્યાં તેમને બધી સેવા પુરી પાડવામાં આવશે અને આવી રહી છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે પણ તેમાં કેટલી સચ્ચાઇ છે, કેવી ગુણવત્તાની સેવા અપાય છે તે મોટો સવાલ છે. ચાલવા દરમિયાન હ્રદયરોગથી, રોડ અકસ્માતથી અને બીજા કારણોસર ૩૦ કામદારોના મોત નિપજયા હોવાના અખબારી અહેવાલો છે. રાજસ્થાનના અમદાવાદમાં મજુરી કરતા એક કામદારની તસ્વીર પ્રગટ થઇ હતી જેમાં એ પોતાની પત્નીને ખભા પર બેસાડીને ચાલી રહ્યો હતો કારણ એની પત્નીને પગે હાડકું ભાંગેલું હતું. બીજા એક ટીવી ચેનલ દ્દશ્યમાં એક કામદારને પગે પ્લાસ્ટર કરેલું હતું. એ ચાલતો જતો હતો અને પોતાના પગ પર બાંધેલું પ્લાસ્ટર કાઢી રહ્યો હતો. ફેસબુક પર એક મિત્રએ પોતાની દિવાલ પર લખેલું કે એક કામદાર પોતાની સાયકલ પર અપંગ પત્ની અને બાળકને લઇને અમદાવાદથી રાજસ્થાન જઇ રહ્યો હતો અને એને અમુક અંતર સુધી પોતાની બાઇક પર મુકી આવ્યા.

“જનસાહસ”ના અહેવાલ મુજબ ગુરૂગ્રામમાં મજુરી કરતી માયાની નાની બહેન સાવિત્રી સગર્ભા હતી અને તેની પ્રસુતિને માત્ર ૨૦ દિવસ જ બાકી હતા ત્યારે લોકડાઉનની જાહેરાત થઇ. તેની સાથેના બધા નીકળી ગયા પણ આ બે બહેનો રોકાઇ ગઇ. હવે તેમને ચિંતા છે કે અહીં અમારૂં કોઇ નથી જે અમારી જરૂર પડયે મદદ કરે. સંસ્થાને તેમણે વિનંતી કરી કે અમને અમારે ગામ પન્ના સુધી પહોંચવા વાહનની વ્યવસ્થા કરી આપો.

clip_image002

સવાલ એ છે કે કોરોનાએ હાલત બગાડી એમ કહેવું તો બરાબર નથી. જુદા જુદા રોગોનો રોગચાળો તો થોડા થોડા સમયે ફેલાતો જ રહેતો હોય છે. એની સામે ઝીંક ઝીલવાની આપણી તૈયારી કેટલી? વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિને કારણે રોગચાળાને સમયસર અટકાવવામાં અને તે કારણે પડતી અસરોને રોકાય તેવી અપેક્ષા આજનો નાગરિક પોતે ચૂંટેલી સરકાર પાસે રાખે તે વાજબી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ કેટલા સજાગ અને સક્રિય છે, એ લોકો જે નિર્ણય લે તે બાબત જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો અને અન્ય લાગતાવળગતાને વિશ્વાસમાં લઇને કરે છે તે મહત્ત્વનું છે. લોકડાઉનનો આ નિર્ણય બહુ ઉતાવળે લીધો હોય કાં મોડેથી જાહેર કરાયો હોય તેમ બને. નિર્ણય જાહેર કર્યા બાદ લોકોને તેની તૈયારી માટે પુરતો સમય અપાયો નહી. અહીં રજુ થયેલી હકીકતો તો માત્ર પ્રાતિનિધિક અને ઇશારો કરનારી કહેવાય. આયોજનના અભાવને કારણે લોકોએ પારાવાર યાતનાઓ ભોગવવી પડી છે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: admin

8 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : લોકડાઉનને પગલે થયેલ સ્થળાંતરિત કામદારોની હાલત

  1. Exhaustive report. Read every sentence of the report. Felt sad. What to do under these circumstances ? Wether administration is hiding it’s responsibility or there is no net work of the Govt. But your report is alarming. Hope there is some outcome from this present situation.

  2. જ્યારે જ્યારે મહામારી અથવા કુદરતી આપત્તિ કાળે સત્તામાં ની સરકાર ની સંપૂર્ણ જવાબદારી દરેક નાગરિક તરફ હોય છે તેમાં સવિશેષ ગરીબ અને unorganised sector તરફ હોવી અત્યંત જરૂરી છે. કોરોના મહામારીમાં અભણ અને ગરીબ પ્રજા દિશાહીન જોવામાં આવી અને તે પ્રત્યે દરેક સમાજે જાગૃતિ બતાવીને મદદ કરવાની પહેલ કરી તે પ્રસંશનીય હતી. આ એક ના જોયેલી અને જાણેલી ઘટનામાં સરકારી અધિકારીઓ, સ્વાસ્થ્ય સ્વયંસેવક અને સફાઈ કામદારો પોતાની રીતે મદદ કરી રહયા છે પરંતુ આવા પ્રસંગે આપણી આટલી બધી political parties ના જૂજ નેતાઓનેજ આપણે આવી તકલીફગ્રસ્ત માણસો વચ્ચે જોઈ રહ્યા છીએ જે ખેદજનક છે. દુનિયાની કોઈ પણ સરકાર આવી પરિસ્થિતિઓમાં એકલા હાથે ઝઝૂમી ના શકે. આપણાં દેશમાં ગરીબોની પ્રત્યે સંવેદનાની પ્રસિદ્ધિ કરવાવાળા અસંખ્ય છે પરંતુ જમીનપર આવીને તેઓની સાથે રહીને તેમને મદદ કરવવાળા શોધવા પડે છે. જ્યારે પણ કોઈ મોટા ઉદેશ્ય ને પાર પાડવાનું હોય ત્યારે બધા એકજૂથ થવું રહ્યું. એક સામાજિક વ્યક્તિ તરીકે આજે lock down માં આવી અભણ ગરીબ મજૂર પ્રજાની અણધારી તકલીફો માં હું કોઈ રીતે મદદરૂપ થઇ નથી શક્યો તેનો મને રંજ હોવો જોઈએ.

    1. આપની વાત બીલકુલ સાચી છે. આપણી સરકારો આવો પડકાર ઝીલવા બીલકુલ સક્ષમ નથી. આજે જે કરે છે તે પણ કેવી ગુણવત્તાનું થાય છે તે જાણતા નથી. પારાવાર ગરીબી છતાં શીક્ષણ અને આરોગ્ય સેવાઓમાં બહુ ઓછું રોકાણ સરકારો કરે છે. સામાન્ય રીતે સરાકારી આરોગ્ય સેવાઓ માત્ર ગરીબો માટે સુરક્ષીત છે એટલે ગરીબો માટેની ગરીબ વ્યવસ્થા છે. આવી વ્યવસ્થા આવા સમયે નડે. ઇ.એસ. આઇ પાસે પુષ્કળ ભંડોળ છે છ્તાં એ હોસ્પીટલોમાં વેંટીલેટરો વસાવાતા નથી. કારણ એવી જવાબદારી એ તંત્ર લેવા માગતું નથી.વળી, સત્તાધીશો નો જુદા જુદા વર્ગો સાથે અસમાન વ્યવહાર છે. કોટાથી વીધ્યાર્થીઓને યુપી લૈ આવ્યા પણ મજુરોને માટે કોઇ વ્યવસ્થા ન કરી આ કેમ ચાલે? ખેર, આપે વાંચીને આપના મંતવ્ય રજુ કર્યા તે માટે આભાર

  3. લોકડાઉન પાર્ટ – 2 ને લઈ ને પરપ્રાંતીય ગરીબ અને ખાસ કરીને અસંગઠિત કામદારો ની હાલત વધુ કફોડી થતા તેમની ધીરજ ખૂટી અને લગભગ દરેક પ્રદેશો માં લોકો બહાર નીકળી આવ્યા, એ સ્વાભાવિક છે. ત્યારે સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓ એ આયોજનબદ્ધ રીતે આવા સમૂહો ને ઇડેન્ટિફાય કરી ને સઘન રાહતસમગ્રી નિયમિત પણે પહોંચાડવી જોઈએ. અન્યથા આ લોકો હાલ તો ખૂબ જ બેહાલ છે.
    સૌ નાગરિકો એ પણ જાગરૂકતા બતાવી આપણી આજુબાજુ આવા ગરીબ પરિવારો ની સંભાળ રાખવી જોઈએ.

    1. ઈશ્વરભાઈ, આપની વાત સાચી છે. સ્થળાંતરિત કામદારોના હાલ બેહાલ છે. આજના ઇન્ડીયન એક્સપ્રેસ માં અમદાવાદમાં ઝારખંડ નાં ૧૯ વર્ષ નાં કામદારની વાત છે જેમાં એ ટીબી ને કારણે સાવ નખાઇ ગયેલો. ઘરે જી શક્યો નહી,પૈસા નહિ અને સાથે કોઈ નહિ .કુટુંબીજનોએ તેને કહ્યું કે તું વિડીઓ બનાવી મોકલ. તેણે બનાવ્યો. એ માંડ બોલી શકતો હતો. એના કુટુંબીજનો એ ઝારખંડ નાં અધિકારીને એ ફોરવર્ડ કર્યો અને એ અધિકારીએ ગુજરાતના અધિકારીઓનો સંપર્ક કરી મદદની વિનંતી કરી પછી એને ઘરે પોલીસ ગઈ અને એને દાખલ કર્યો

  4. નોટબંધી રાતોરાત થઈ એમ આ લોકડાઉન પણ રાતો રાત થયેલ છે એમ સમજવું. દુર દુર ગામડાથી શહેરમાં પેટીયું રળવા આવનાર ને ઘરની યાદ આવે ત્યારે લુખ્ખા રાજકરણીઓ અને એમના સલાહકારોના હાથમાં ચાબુક આવી જાય છે. http://www.vkvora.in

Leave a Reply

Your email address will not be published.