ચોંકશો નહીં, કંપ્યુટર વિજ્ઞાન અને જેનેટિક એન્જીનિયરીંગ કેવા ચમત્કારો સર્જશે !

હીરજી ભીંગરાડિયા

તમે જૂઓ ! વનસ્પતિ અન્ય જીવો જેટલી જ જીજિવિષા, સંવેદના અને પોતાના ગમા-અણગમા પ્રદર્શિત કરે છે, અને પોતાની જરૂરિયાતોને વ્યક્ત કરવા ખાસ પ્રકૃતિદત સંજ્ઞાઓ પ્રગટ કરે છે. પણ આપણ સામાન્ય માણસોમાં આ સંજ્ઞાઓ સમજવાની ક્ષમતાના અભાવે એ શું ઇચ્છે છે કે કહી શું રહી છે તે સમજી શકતા નથી.

પણ આધુનિક જૈવશાસ્ત્રના વિકાસ અને કંપ્યુટર વિજ્ઞાન તથા જેનેટિક એન્જીનિયરીંગના સમન્વયથી વનસ્પતિની ગૂઢ ભાષાને ઉકેલી શકાશે મિત્રો ! અરે, અત્યારે કલ્પનામાંયે ન આવે તેવી બાબતોને પરસ્પરનું સંવાદી રૂપ ઊભું થશે. એવાં પ્રમાણો મળી રહ્યાં છે.

સ્વરક્ષણના હેતુ સર : લજામણીના છોડવાને તો સૌને પરિચય છે જ ! પ્રકૃતિએ એને એવી યાંત્રિક સગવડ આપી છે કે કોઇ પણ કીટક-જીવડું-કીડી-મંકોડી તેને અડકે, કે તેના પર ચડે કે તરત જ છોડવાની ડાંડલી એટલી ઝડપથી નમી પડે અને પાંદડાં એટલી ઝડપથી નીચે ઢળી પડે કે હુમલાખોર “ઓચિંતાનું આ શું બન્યું ?” વિચારી, ગભરાઇ જઈ, નુકશાન કરવાની વાત પડતી કરી-પોતાનો જીવ બચાવવા ભડકીને ભાગવા માંડે !

કેટલીક વનસ્પતિઓ એવી પણ હોય છે કે જે દુશ્મનથી પોતાના રક્ષણ કાજે થડ પર ચીકણો સ્ત્રાવ છોડવા માંડે ! જેથી દુશ્મન થડ પર ચડવા જાય ત્યાં લપસી પડે ! પ્રકૃતિએ વનસ્પતિને ‘સ્વબચાવ’ માટે આપેલો કેવો ગજબનાક નુસ્ખો !

1999 ની સાલ પહેલાં ખેતીપાક કપાસમાં લીલી અને અન્ય ઇયળોનો એવો ત્રાસ શરૂ થઈ ગયેલો કે એને કાબુમાં કેમ લેવો તે બાબતે કૃષિ વિજ્ઞાનીઓ બહુ ચિંતાતુર બની ગયા હતા. પણ “મુંઝવણ” ને “સંશોધનની જન્મદાત્રી” કહી છે ને ! વિચારતાં….વિચારતાં, શોધતાં….શોધતાં વિજ્ઞાનીઓની નજરે જમીન માહ્યલું એક એવું જીવડું નજરે ચડી ગયું કે જેના શરીરમાંથી છૂટતા રસના હિસાબે અન્ય જીવડાંઓ એનાથી દૂર રહેતાં હતાં. વિજ્ઞાનીઓએ જેનેટિક એન્જીનિયરીંગનો લીધો સાથ, અને ‘સ્વરક્ષણ’ના સિદ્ધાંતને કેંદ્રમાં રાખી એ જીવડાંના રંગસૂત્રો {ડી.એન.એ] ને કપાસબીજના રંગસૂત્રો સાથે એવી રીતે જોડી દીધા, કે એમાંથી તૈયાર થયેલ બીજમાંથી ઉગાડેલ કપાસના છોડમાં પણ એવો જ ઝેરી જીવનરસ તૈયાર કરવાનો ગુણ દાખલ થઈ ગયો ! અને ખેડૂતોને કપાસની ખેતીમાં માથાના દુ:ખાવા સમાન લીલી, કાબરી, ગુલાબી અને લશ્કરી-ચારે પ્રકારની ઇયળોના ત્રાસમાંથી પાકને ઉગારી લે, તેવી નવી જાત “બી.ટી કપાસ” મળી ગયો ! કપાસના પ્લોટમાં ઇયળોને ડોકાવાપણું નરહ્યું મિત્રો !

વાતો થકી રજૂઆત : જૈવશાસ્ત્રના અભ્યાસુઓએ એ વાત જાણી કે વનસ્પતિ પાસે “ અવાજ ” કરવાની તાકાત તો છે જ ! તમે જૂઓ ! કેનરી ટાપુઓ પર થતું “લાગલા” વૃક્ષ રાત્રિ દરમ્યાન એવો અવાજ કરતું સંભળાય છે-જાણે દુ:ખમાં ભેળાઇ ગયેલું કોઇ માણહ દર્દભર્યું રૂદન કરી રહ્યું હોય ! ત્યાંના આદિવાસીઓ પણ ઘણી વખત ભ્રમમાં પડી જાય છે કે ખરેખર, આ કોઇ માણસના જ રડવાનો અવાજ છે !

આપણે ભલે સમજી ન શકીએ, પણ સાંભળી શકીએ એવી અગડં બગડં વાતો વર્ષોથી આફ્રિકાના બાર્બાડોરની પહાડીઓમાં ઊગતાં ‘વાતોડિયાં વૃક્ષો’ કરતા હોય છે. એના પાન અને શીંગનો ઘાટ એવા પ્રકારનો હોય છે કે અંદરથી જ્યારે પવન પસાર થાય, ત્યારે જેવી પવનની વધુ-ઓછી ગતિ, તેવો સંગીતની સુરાવલીમાં ફેરફાર થયા કરે ! ક્યારેક તો ટોળાબંધ લોકો વાતોએ વળગ્યાં હોય, એવો કોલાહલ થતો લાગે, તો ક્યારેક આપણે ડરી જઈએ એવા બિહામણા અવાજ નીકળતા હોય ! પણ એ શું કહે છે, એવું સ્પષ્ટ આપણે સમજી શકતા નથી.

પણ જેનેટિકલ વિજ્ઞાનના સહારે વિજ્ઞાનીઓએ આ ‘અવાજ પાછળની સંવેદના” વિષયક ઊંડા અભ્યાસ પછી એવું સાબિત કરી દેખાડ્યું છે કે, આપણે બગીચામાં ફરવા જઈએ, ત્યારે ગુલાબ સાથે વાતો કરવાનું મન થાય તો આપણે કરી શકશું. જાપાનના વિજ્ઞાનીઓના માર્ગદર્શન નીચે રમકડાં બનાવતી એક કંપનીએ, વનસ્પતિની સંવેદનાનો અભ્યાસ કરી, ફૂલની ભાષા ઉકેલનારું “હાનાકોટોબા” નામનું ફૂલો સાથે વાતો કરતું એક સાધન-કહોને રમકડું વિકસાવ્યું છે.એક નાનકડી ઢીંગલીવાળા આ સાધનને ફૂલનાં કુંડાંમાં મૂકી, તેને વાયર દ્વારા ફૂલછોડના થડ સાથે જોડી દીધા પછી, જ્યારે છોડનાં પાંદડાં કે ફૂલને અડકીએ ત્યારે છોડમાં ઉત્પન્ન થતી સંવેદનાઓ સુક્ષ્મ વિદ્યુત તરંગો દ્વારા આ ઢીંગલીમાં પ્રવેશીને ફૂલને જે કહેવાનું છે તે પોતે અંગ્રેજીમાં બોલવા લાગે છે. ઢીંગલી જરૂર હોય તો પાણી પણ માગે છે અને એવું લાગેતો ગુસ્સો પણ વ્યક્ત કરે છે. કહો, છે ને નવાઇ પમાડે એવી શોધ !

પ્રદુષણ પરિમાણ : હા, વનસ્પતિની અદભૂત દુનિયામાં મલાયામાં જોવા મળતાં એવાંય ઝાડવાં છે, જેની બધી ડાળીઓ દક્ષિણધ્રૂવ તરફ નમેલી હોય, જાણે ઉલટું હોકાયંત્ર ! જાણે ભૂલા પડેલા મુસાફરને રસ્તો ચીંધી રહ્યા હોય !

પણ કોઇ વનસ્પતિ પાણીમાં પ્રસરી રહેલાં પ્રદુષણનું માપ કાઢી બતાવે એવું સાંભળ્યું છે કોઇએ ? તેમાં ક્યા ક્યા સારા-નરસાં તત્વો ભળેલાં છે, તેની તપાસ કરાવવી હોય તો લેબોરેટરીમાં તેનું પૃથ્થકરણ કરાવવું પડે ને ? પણ કોઇ વનસ્પતિ પોતે જ પાણીમાં કેટલું પ્રદુષણ છે, તે આપણને કહી સંભળાવે તો ? તો તો આપણને આશ્ચર્ય જ થાય ને !

તો સાંભળો ! પાણીમાં થતી લીલ આ કામ આપણને કરી આપે, એવી ટેક્નીક ઇઝરાયેલના વિજ્ઞાનીઓએ વિકસાવી છે. જેમાં છોડવો પોતે જ અવાજ કરી આપણી સાથે વાતો કરે છે, બોલો ! વિજ્ઞાનીઓનું કહેવાનું છે કે પાણીમાં થતી લીલ પર લેસર કીરણો નાખવાથી, લીલમાંથી એક પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે, અને પોતે જે પાણીમાં ઉછરી રહી છે તે પાણીમાં કેટલું પ્રદુષણ છે તે કહી સંભળાવે છે.

પોતાના જાત ભાઇ-ભાંડુને ઓળખવા : તમને આગળ વાત કરું કે વનસ્પતિ શાસ્ત્રીઓ પણ એવું માનવા માંડ્યા છે કે પ્રકૃતિએ વનસ્પતિને બક્ષેલી તાકાત ખરેખર બેનમૂન છે ! તમે માનશો ? વનસ્પતિનો છોડ પોતાની બાજુમાં ઉગેલો બીજો છોડ પોતાના જાતભાઇનો છે કે અજાણ્યો છે તે સારી રીતે ઓળખી શકે છે બોલો ! કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ ઉત્તર અમેરિકાના રાઇ-વર્ગના સી રોકેટ છોડ પર પ્રયોગો કરી જાણ્યું છે કે એક જ કુંડા કે ક્યારામાં ઉગેલા છોડની બાજુમાં બીજો અજાણ્યો છોડ ઊગાડવામાં આવે, ત્યારે એકબીજા અવળી હરિફાઇએ ચડી જઈ, એકબીજાના વિકાસમાં અવરોધ ઊભો કરવા લાગે છે, જ્યારે બે એક જ જાતના છોડ અંદરોઅંદર સહકાર સાધીને વિકસતા હોય છે. એક જ કુંડામાં વાવેલા અનેક છોડ જ્યારે એક જ માવતરના સંતાનો હોય, ત્યારે તે બધાના મૂળ એક બીજાને કેમ વધુ પોષણ મળે તે રીતે ગોઠવાયેલાં હોય છે. લેટર્સ સામયિકમાં પ્રસિધ્ધ થયેલ આ સંશોધન અહેવાલમાં વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ખેતીના શોખીન ખેડૂતોએ વનસ્પતિની આ લાક્ષણિકતા જાણી અને એ પ્રમાણે વનસ્પતિનું વાવેતર કરવું હિતાવહ છે.

તત્વોની પૂર્તિ અર્થે માંસાહાર ; ‘સંદેશ’ ની પૂર્તિમાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકાના જંગલોમાં એવાં માંસાહારી વૃક્ષો જોવા મળે છે કે જેની ડાળીઓ પર ઢાલ જેવા ઘાટના અને ઉપર બે બે ફૂટની લંબાઇ ધરાવતા કાંટાવાળાં ફૂલો આવે છે. કોઇ પણ મનુષ્ય કે પ્રાણી તેની પાસેથી ભૂલથી પણ પસાર થાય, એટલે આ વૃક્ષ પોતાની કાંટાદાર ડાળીઓ ફેલાવી, ચારે તરફથી ઘેરાવ કરી લઈ, એવા સંકજામાં લઈ લે છે કે કાંટા દ્વારા એના શરીરનું બધું જ લોહી ન પી જાય ત્યાં સુધી છૂટું કરતા નથી.

અરે, આર્જેન્ટિનાના જંગલોમાં “દગાબાજ” વૃક્ષો જોવા મળે છે. જે બસ, દગાથી જ આસપાસ ફરતા હરતા પ્રાણી કે મનુષ્યને પોતાની તરફ આકર્ષિત કરે છે. અરે, જ્યારે કોઇ પ્રાણી કે મનુષ્ય તેને છાંયડે આરામ કરવા આવે ત્યારે વૃક્ષ કોમળ અને મધુર અવાજ-જાણેકે લોરી [હાલરડું] જેવું સંગીત સંભળાવી, ઊંડી નિંદરમાં ગરકાવ કરાવી દઈ, પછી પોતાની અણીદાર શાખાઓ પ્રાણીના શરીરમાં પ્રવેશ કરાવી સંપૂર્ણ લોહી ચૂસી જાય છે. વિજ્ઞાનીઓનુ માનવું છે કે આવાં માંસાહારી ઝાડ મોટા ભાગે સમૂહમાં વધુ જોવા મળતા હોય છે. તેનું કારણ તેઓએ એવું શોધી કાઢ્યું છે કે આ પ્રકારની જમીનોમાં નાઇટ્રોજન તત્વની ઊણપ હોય છે.તેથી અહીં ઉગનારાં ઝાડ નાઇટ્રોજનની ઉણપ-પૂર્તિ માટે કીટાણું, પતંગિયાં કે જે મળ્યું તે સજીવનું ભક્ષણ કરતા હોય છે.

વનસ્પતિ વિજ્ઞાનીઓએ આવી બધી- દુશ્મનોથી પોતાનું રક્ષણ કરી શકે તેવી તાકાત મેળવવામાં, એની જરૂરિયાતોની માગણી કે ગુસ્સો-નારાજગીની વાતો કરવામાં, અરે ! પોતે જ્યાં વસવાટ કરતી હોય તે પાણીની ચકાસણી કરી, પ્રદુષણનો આંક કહી દેખાડવામાં અને પોતે પોતાના કુટુંબ-પરિવાર સાથે સુમેળ સાધી વર્તતી હોવા અંગેના પોતાના સંશોધનો અને પૂરાવા રજુ કર્યા તે જાણ્યા. પણ આ જ અભિગમને આગળ હંકારી, આવતા સમયમાં વનસ્પતિ પાસે શું શું અને કેવું કેવું કરાવી શકાશે એ વાત સાંભળવી છે ?

વનસ્પતિ જૈવશાસ્ત્રીઓની આગાહી : આપણે ક્યારેય જોયું તો ન જ હોય, પણ સાંભળ્યુંયે ન હોય, અરે ! કદિ વિચાર્યું પણ ન હોય તેવી-કહોને માન્યામાં જ ન આવે તેવી વાતો કૃષિના જીવવિજ્ઞાનીઓ બહુ જ આશાવાદી બનીને કહેવા માંડ્યા છે. સાંભળો ! “આગામી સદીમાં વનસ્પતિના છોડવાને ચાલતા ભાળો તો અચંબો ન પામશો !” અમેરિકી વિજ્ઞાની ચાલ્સ આર કેન્ટરે 13 મી આંતરરાષ્ટ્રીય બાયો ફિઝિક્સ કોંગ્રેસની આખરી બેઠકમાં જણાવ્યું હતું કે “આધુનિક જૈવિકશાસ્ત્રના વિકાસ સાથે અને કોમ્પ્યુટર વિજ્ઞાન તથા જેનેટિક એંજીનિયરીંગ સાથેના તેના સમન્વયથી આવી શક્યતા-વાસ્તવિકતા બને તેવા સંયોગો પ્રતિદિન વધતા જાય છે.”

મિ.કેંટર માનવ-જનીનનો નકશો સર્જવાવાળા વિશ્વવ્યાપી અગ્રગામીઓ પૈકીના એક છે. અત્યારે તેઓ અમેરિકામાં કેલિફોર્નિયા સેક્વેનોમ ઇંકોર્પોરેટેડના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી છે. એમણે તો એમ પણ જણાવ્યું છે કે “ આવા વનસ્પતિના છોડ પોતે જીવતા ટકી રહેવા-ક્ષારયુક્ત જમીનો કે રણ વિસ્તારમાં જ્યાં તેને ખોરાક બાબતે ખૂબ મુશ્કેલી પડતી હોય તેવા સંજોગોમાં પોતે ચાલીને એ વિસ્તાર છોડી બહાર જતાં રહેશે.” કહો ! અરે, એમણે તો એમ પણ જણાવ્યું હતું કે “ કોંપ્યુટર અને જીવંત પ્રાણીઓ વચ્ચેની ભેદરેખા ખૂબ જ ઝાંખી અને પાતળી થઈ જશે. કંપ્યુટર પદ્ધત્તિ એટલે સુધી વિકાસ પામશે કે ભવિષ્ય માટેની ક્ષતિરહિત આગાહી સામાન્ય બાબત બની જશે. ઉત્ક્રાંતિવાદી પદ્ધત્તિઓનો વ્યાપ લંબાવીને “ચાલતા વનસ્પતિના છોડ” કે પછી “સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક સર્જવા શક્તિમાન પ્રાણી” નું સર્જન પણ થઈ શકે તેમ છે.”

કુદરતમાં આપણે સૂર્યમૂખીના છોડવાઓને જ્યાં સુધી એની ડાંડલી કૂણી હોય અને ફૂલ હજુ પૂરબહારમાં ખિલ્યું ન હોય, એટલે કે અધખૂલી કળીઓ સ્વરૂપે હોય, તેવી વિકાસશીલ અવસ્થામાં સૂર્ય સામે મીટ માંડી રહી, સૂર્યની દિશા પ્રમાણે ફરતા નિહાળીએ છીએ. બસ, આ જ ઉત્ક્રાંતિવાદી સિદ્ધાંતના વિસ્તરણ સમા હાલતા-ચાલતા વનસ્પતિના છોડવા બની રહેશે.

અને આ વિધાનને જોરદાર ટેકો આપ્યો છે આપણા ભારતના હૈદ્રાબાદ ખાતેના ‘સેંટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી’ ના ભૂતપૂર્વ નિયામક ડી-બાલા સુબ્રહ્મણ્યમે. એમણે જણાવ્યું હતું કે “ચાલતી વનસ્પતિના છોડ અને પોતાના ખોરાકના નિર્માણ અર્થે ફોટોસિંથેસિસ પ્રક્રિયા ધરાવતા પ્રાણીઓ એ કાલ્પનિક નહીં પણ બહુ જ વાસ્તવિક વિચાર છે.”

કંપ્યુટર વિજ્ઞાન અને જેનેટિક એન્જીનિયરીંગના સાથ-સહકાર દ્વારા વિજ્ઞાનીઓ જૈવિક્શાસ્ત્રના અભ્યાસને ક્યાં પહોંચાડશે, અને કેવા કેવા પરિણામો જોઇ શકશું એ આપણી તો કલ્પના બહારનું છે મિત્રો !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.