વલદાની વાસરિકા : (૮૦) પંચમ શુક્લની એક ગ઼ઝલ ઉપર ભાવ-પ્રતિભાવ

વલીભાઈ મુસા

આજે કવિ શ્રી પંચમ શુક્લની નીચે દર્શાવેલી ગ઼ઝલ ઉપર કોમેન્ટ બોક્ષમાં તેમની અને મારી વચ્ચે તેમજ અન્યો દ્વારા ભાવ-પ્રતિભાવ અને ઉત્તર-પ્રત્યુત્તરરૂપે જે વિચારવિનિમય થયો છે, તેને યથાસ્વરૂપે અહીં પુન: રજૂ કરતાં હું આનંદ અનુભવું છું. તો ચાલો ત્યારે, આપણે સર્વપ્રથમ કવિની એ કાવ્ય રચનાને માણીએ.

             એ એજ રીતે હીંચી છે!

આડી-અવળી ને ઊંચી-નીચી છે,
હાથમાં એ એ જ રીતે હીંચી છે!

એમ અમથું બદામ ફૂટે કંઈ?
થોડી ટોચી છે, થોડી ટીચી છે!

જાગૃતિના ઓછાયા છટકો લ્યો,
શ્વાનની જેમ આંખ મીંચી છે!

કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!

કયાંક લથડી પડાય, ટપકી પણ,
હા, ‘ગઝલ’ હદ વગરની ઢીંચી છે!

                  – પંચમ શુક્લ (પ્રત્યાયન)

* * *

વલીભાઈ મુસાનો પ્રતિભાવ છે, આ શબ્દોમાં….

“કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!”

વાહ! ‘કાન વાવરવા – મજાનો શબ્દપ્રયોગ! કબૂતર અને ચકલીના અવાજોમાંથી કાનમાં કોને પ્રવેશવા દેવા અર્થાત્ કાન ક્યાં વાપરવા તેની મીઠી મૂંઝવણ!

હું પણ ‘ટહુકા’ શબ્દ અંગે થોડીક મૂંઝવણ અનુભવું છું. ’ટહુકા’ના વિકલ્પે કોઈ શબ્દ હોય તો!

છેલ્લે કૃતિના સમાપન કે પરાકાષ્ઠામાંની સુંદરતમ પંક્તિઓ ભાવુકને પણ ગ઼ઝલના નશામાં ચકચૂર બનાવી દે છે:

“કયાંક લથડી પડાય, ટપકી પણ,
હા, ‘ગઝલ’ હદ વગરની ઢીંચી છે!”

પંચમભાઈ, અભિનંદન.

* * *

તો વળી આ રહ્યો, પંચમ શુક્લનો ઉપરોક્ત પ્રતિભાવે પ્રત્યુત્તર….

પ્રિય વલીભાઈ,

‘ટહુકા’ અહીં વ્યંજનારૂપે અભિપ્રેત છે. શાળામાં ભણાવાય એવી રીતે કહીએ તો કવિને ટહુકો સાંભળવો છે; પણ આસપાસ- કાં તો ઠસ્સાદાર કબૂતરોના ઘૂઘવાટા છે, કાં અતિરેકભર્યું ચટરપટરશું ચીં ચીં છે. અવાજ અને રવની હકીકત તો હકીકત જ છે; પણ ઈપ્સાની નજીકનો રવ કયો, ક્યાં શોધવો, કેમ પામવો- શ્રવણેન્દ્રિય(નો/સાથેનો) સંઘર્ષ?

કવિતા આમે હાથ અવળો કરી કાન પકડવાની વસ્તુ જ છે ને! આશા છે કે આ ટિપ્પણથી આપને કદાચ કશો સંતોષ થશે.

આ શેરનો તમને અભિપ્રેત અર્થ અને ટહુકાને બદલે વાપરી શકાય એવો શબ્દ જણાવશો તો ગમશે.

આભાર,

પંચમ

* * *

વચ્ચે પ્રજ્ઞાબેન વ્યાસનો આ રીતે મનનીય પ્રતિભાવ સાંપડે છે.

કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!

કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!

ખૂબ સુંદર!

યાદ આવે છે,
કવિ શ્રી નાથાલાલ દવે ની રચના,

કબૂતરોનું ઘૂ..ઘૂ..ઘૂ..,
ઉંદર-ચકલા ચૂ…ચૂ…ચૂ…,

છછૂંદરોનું છૂ…છૂ…છૂ…,
ભમરા ગૂંજે ગૂ…ગૂ…ગૂ…,

આ કૂંજનમાં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,

ઘુવડ સમો ઘૂઘવાટ કરતો ,
માનવ ગરજે હું…હું…હું…!

આ ‘હું’ એટલે ‘હું’ જ! માનવનો આ ‘હું’ જો ઓગળી જાય, તો જગતના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય!

કયાંક લથડી પડાય, ટપકી પણ,
હા, ‘ગઝલ’ હદ વગરની ઢીંચી છે!

વાહ!

વેણીભાઈ પુરોહિત યાદ આવે,

આપણામાંથી કોક તો જાગે– કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી.
હાઅ જમાને ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી

* * *

વલીભાઈ મુસા શ્રી પંચમ શુક્લના પ્રત્યુત્તરમાં વળી જણાવે છે….

પંચમભાઈ,

આપ કહો છો તેમ ‘ઘૂ’ ‘ઘૂ’ અને ‘ચીં’ ‘ચીં’ પેલા અપેક્ષિત ટહુકા (કોયલ કે મોરના હોઈ શકે!) સામે બાધક કે અવરોધક હોવાના અર્થમાં હોઈ ‘ટહુકો’ યથાયોગ્ય જ છે.

પક્ષીઓ કે અન્ય જીવોના અવાજોનું મનભાવન દૃષ્ટિકોણે ત્રણ વિભાગે વર્ગીકરણ થઈ શકે; મધુર, મધ્યમ અને કર્કશ. નમૂના દાખલ ‘કોયલ-મોર’ ના ટહુકા મધુર, ‘કાગ-દેડકા’ ના અવાજો કર્કશ અને અન્યોના મધ્યમ.

હવે, ફરીથી શેર જોઈ લઈએ :

“કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!”

આમ જો ‘ટહુકા’ વ્યંજનારૂપે અભિપ્રેત ન હોય અને કાનોએ પેલા ‘ઘૂ’ ‘ઘૂ’ અને ‘ચીં’ ‘ચીં’ પૈકી કોઈ એકના અવાજને સાંભળવાનો કે પસંદ કરવાનો હોય તો ‘ટહુકા’ શબ્દને બદલે કોઈ એવો શબ્દ પસંદ કરી શકાય કે જે મોર-કોયલ પૂરતો સીમિત ન રહેતાં વ્યાપક અર્થમાં સઘળાં કબૂતર-ચકલી જેવાં વન્ય કે ઘરાઉ-ઘરેલુ (Domestic) પક્ષીઓને લાગુ પડે.

‘ટહુકા’ શબ્દ પૂરતો જ વૈકલ્પિક શબ્દ વિચારીએ તો શેરમાં ધરમૂળમાંથી કોઈ ફેરફાર ન કરવો પડે એમ મારા મતે શબ્દ (અવાજ) એક શબ્દ છે, જેને કાવ્યમય લઢણમાં ‘શબદ’ તરીકે પ્રયોજી શકાય.

તમામ પક્ષીઓના અવાજને લાગુ પડતો શબ્દ ‘કલરવ’ પણ છે. ‘ટહુકા’માં ચાર માત્રા અને ‘કલરવ’માં પણ ચાર માત્રા હોઈ લયમાં કોઈ બાધા નહિ નડે; અને આમ મારા મતે ‘કલરવ’ પણ એક શબ્દ છે.

આ તો આપે “આ શેરનો તમને અભિપ્રેત અર્થ અને ટહુકાને બદલે વાપરી શકાય એવો શબ્દ જણાવશો, તો ગમશે.” લખ્યું એટલે થોડીક માનસિક કવાયત (Brain Exercise) કરી. બાકી, કવિની કવિતાનો એક એક શબ્દ તેના માનસરૂપી ગર્ભાશયમાં જન્મ કે આકાર લેતો હોય છે. ગર્ભાધાનની પ્રક્રિયા સાવ એકાંતમાં થતી હોય છે અને અન્ય કોઈ પણ ત્રાહિતની હાજરી તેને સ્વીકાર્ય નથી હોતી. સંતતિનિયમન માટે ગર્ભાશયમાં આંકડી આ સિદ્ધાંત ઉપર જ મુકાય છે. મૂળ વાતે આવું તો તમારો ‘ટહુકા’ શબ્દ તો જન્મ ધારણ કરી ચૂક્યો હોઈ તેને બદલવાનો કોઈ પ્રશ્ન ઉદભવતો જ નથી, જો અને માત્ર જો તમારા માટે ‘ટહુકા’ અહીં વ્યંજનારૂપે અભિપ્રેત હોય તો.

* * *

પંચમ શુક્લનો જવાબ, સંક્ષિપ્તમાં

વલીભાઈ, આપનો ખૂબ ખૂબ અભાર. સૂચન પર વિચાર કરીશ.

વચ્ચે વલીભાઈ મુસા ચર્ચામાં નિમંત્રે છે, સુરેશભાઈ જાનીને

સુરદા,

સરસ જામ્યું છે!
જામ્યું લઈને હાલ્યા આવો,
ખૂબ જામ્યું છે!

ગ઼ઝલની સુરાઈઓ છલકે છે!
મહેફિલ સુરા-શૂર ઝંખે છે!
સુરદા, તમે સીધા વહ્યા આવો ને !

-વલદા

નોંધ:-

ભાણાભાઈ (પંચમભાઈ)એ તો સુરાની પરબ માંડી છે. અમને ખપે નહિ, એટલે તમને યાદ કર્યા છે. તમને ન ખપે ત્યાં અમે બદલી ભરી આપીશું!

* * *

સુરેશભાઈનો ‘હાઈકુ’માં જવાબ :

મહેફિલમાં
શું કરશે સુરદા?
અજ્ઞાની બાળ!

* * *

છેલ્લે પંચમ શુક્લનો પ્રતિભાવ

છેલ્લો શેર ધ્યાનથી વાંચીએ તો ….. સુરાની નહીં ગઝલની પરબ કહો. ગ઼ઝલમાં સુરા/સાકીનાં પ્રતીકો માત્ર શબ્દાર્થે જ ન લેવાય. એ સૂફી મરમ સામાન્ય વાચકોને કેમ સમજાવવો?

વલીભાઈ મુસાનો પ્રત્યુત્તર

વાત સાચી છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજીનો ભેદ પરખાય તો જ સૂફીસાહિત્યને સમજી શકાય.

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: admin

Leave a Reply

Your email address will not be published.