
પૂર્વી મોદી મલકાણ
કનિષ્ક વિહારનું ખોદકામ જોતાં એક વાત મને સમજમાં આવી ગઈ કે, આ સંસારમાં કેવળ માનવો છે કે તે પોતે પણ ચૂપ રહેતા નથી અને તેની આજુબાજુના વાતાવરણને પણ ચૂપ રહેવા દેતા નથી. માનવના પોતાના આ સ્વભાવને કારણે કાળના સંક્રમણમાં ખોવાયેલ અનેક સંસ્કૃતિઓ શોધી કાઢે છે અને તેમાંથી જીવન જીવવાની કલા શીખવા પ્રયત્ન કરતો રહે છે.
જૂના પેશાવરની ઐતિહાસિક ગલીઓમાં ને સ્થળોમાં ફરતાં ફરતાં અંતે અમે થાકી ગયાં હતાં ને, ગોર ખત્રીનાં આ વિસ્તારમાં આજુબાજુના લોકલ લોકોનો ધસારો આ સ્થળ પર વધી રહ્યો હતો ઉપરાંત અમે પણ આ સ્થળમાં સારો એવો સમય વિતાવી ચૂક્યાં હતાં તેથી અમે ઇસ્લામાબાદ તરફ પાછા ફરવાનું વિચારી રહ્યાં હતાં, ત્યાં ઉસ્માનભાઈએ પોતાને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું, જે અમે સ્વીકારી લીધું. અમે ઉસ્માનભાઈ સાથે વાત કરી રહ્યાં હતાં ત્યારે તેમણે પોતાની વાતમાં બાલાહિસ્સાર ફોર્ટનો ઉલ્લેખ કર્યો. આ ઉલ્લેખને કારણે થોડી ચર્ચાઓ થઈ અંતે એ નિર્ણય લેવાયો કે, આ ફોર્ટ જોઈ ઉસ્માનભાઈનાં ઘર તરફ નીકળવું. આ નિર્ણય પછી અમે ગોર ખત્રીમાં રહેલા હિન્દુયુગને બાય બાય કરતાં જ્યાં મુઘલ, શીખ, અફઘાન અને અંગ્રેજ સૈનિકોની અનેક યાદો વસેલી છે તે બાલા હિસ્સાર ફોર્ટ તરફ અમે નીકળી પડ્યાં.
જ્હોન બુર્કે -બાલા હિસ્સાર ફોર્ટ -૧૮૪૩ થી ૧૯૦૦ -બ્રિટિશ લાઈબ્રેરી ફોટો
વિજય, પરાજય, યોધ્ધાઓ, કાયરો, વિનાશ, નિર્માણ, આનંદ, પીડા, રૂદન, ઉત્સાહ, શોર, શાંતિ અને સત્તા એમ જીવનના અનેક રૂપ જોનાર આ કિલ્લાનું આ નામ પશ્તૂન-અફઘાની રાજા તૈમૂર શાહઅલી દૂરાનીએ રાખેલું. જેની આ કિલ્લા પર સત્તાનો સમય ૧૭૭૩ -૧૭૯૩ સુધી હતો. એ ૧૭ મી સદી થી છેક ૧૯ મી સદીના પૂર્વાર્ધ સુધી આ કિલ્લા પર અફઘાનો, ઇરાનીઓ અને મોગલ -અફઘાનના મિક્ષ્ડ બ્લડ એવા મુઘલોની જ સત્તા મોટેભાગે રહી. અનેક સમ્રાટોના જય, પરાજય અને વિધ્વંશ વચ્ચે ઝૂલતા આ કિલ્લાનો જીર્ણોધ્ધાર શેરશાહ સૂરી અને મુગલ બાદશાહ હુમાયુએ કરેલો હતો. ૧૫૨૬ પહેલાં આ ફોર્ટની આસપાસના મેદાની ઇલાકામાં મહમ્મદ ગઝની અને રાજા જયપાલ ચાર-ચાર વાર સામસામે ટકરાયાં હતાં જેમાંથી ચોથી લડાઈમાં રાજા જયપાલની અને તેની રાણી કર્માબાઈની હાર થઈ. ૧૮૨૩ માં અહીં અફઘાનોનો કબ્જો હતો એ દરમ્યાન હરિસિંઘ નાલ્વાની લીડરશીપ નીચે આ કિલ્લા ઉપર હુમલો કરવામાં આવ્યો. અફઘાનો સાથે ઘણાં વર્ષો સુધી લડ્યા પછી આખરે ૧૮૩૪ માં શીખોએ ફતેહ મેળવી ત્યાર પછી તેઓએ આ કિલ્લાની મરમ્મત કરાવી નવું નામ આપ્યું સમિર ગઢ…. પણ આ નામ કેવળ ૬ વર્ષ માટે જ રહ્યું હોય આ નામ એટલું પ્રચલિત થયું નહીં. અંતે અંગ્રેજોની જ્યારે હકૂમત ફરી આ પ્રાંતમાં આવી ત્યારે તેમણે આ ફોર્ટને મૂળ નામ પરત આપ્યું.
અંગ્રેજોએ ભલે મૂળ નામ આપ્યું હોય, પણ આ જગ્યાને માટે સતત લડાઇઓ થતી રહી. ૧૯ મી સદીના પૂર્વાર્ધમાં ફરી અહીં અંગ્રેજોએ અને અફઘાનો વચ્ચે ફરી લડાઈ થઈ જેમાં અફઘાનોનો વિજય થયો હોઈ અફઘાન રાજાઓનું શાસન આવ્યું. આજે ૧૫ એકરમાં ફેલાયેલ આ આખા કિલ્લાને જોતાં લગભગ ૪ કલાક થાય પણ અમારી પાસે એટલો સમય ન હતો અમારે તો બને તેટલી વહેલી તકે પાક અફઘાન બોર્ડર જોઈ ઈસ્લામાબાદ તરફ નીકળવાનું હતું. તેથી અમે ફોર્ટનો એવો ભાગ જોવાનું નક્કી કર્યું જ્યાંથી પેશાવર સિટીનો નઝારો અદ્ભુત દેખાય. ફોર્ટનાં આ ભાગની દિશા અગાઉ અફઘાનિસ્તાન તરફની ગણાતી કારણ કે અફઘાનભૂમિ પર રહેલાં સૂકા ડુંગરા આ સ્થળેથી જોવા મળતાં. એટલું જ નહીં જો અફઘાનિસ્તાન તરફથી કોઈ આક્રમણખોરો આવતાં હોય તો તેમના દોડતાં ઘોડાઓને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી પેશાવરના આ કિલ્લામાં ખબર પડી જતી. પછી એ ઉડતી ડમરીઓની આકૃતિઓ પરથી એ આક્રમણકારીઓ કેટલાં દૂર છે તેની ખબર પડી જતી અને દુશ્મન નજીક આવે તે પહેલા તે રાજાઓને લડાઇની તૈયારી કરવામાં ઘણો સમય મળી જતો હતો.
© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ.યુ.એસ.એ | purvimalkan@yahoo.com