મંજૂ ષા – 33 : કોરોના અને કામુની નવલકથા ‘ધ પ્લેગ’

-વીનેશ અંતાણી

કોરોના સમયમાં અલ્જેરિયામાં જન્મેલા મહાન સાહિત્યકાર આલ્બેર કામૂની નવલકથા ‘ધ પ્લેગ’ સૌથી પહેલી સ્મૃતિમાં આવે. કોરોનાના ફેલાવા પછી આ નવલકથાનું વેચાણ વિશ્ર્વભરમાં અનેકગણું વધ્યું છે. પ્રકાશકે ધડાધડ રિપ્રિન્ટ કરવી પડી. વાંચકો વર્તમાન પરિસ્થિતિ અને ‘ધ પ્લેગ’ નવલકથાના કથાનક વચ્ચે સામ્ય જુએ છે. અત્યારે વિશ્ર્વભરનાં ગામો, શહેરો, રાજ્યો, દેશો એકબીજાથી કપાઈ ગયાં છે. લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી. હજારોની સંખ્યામાં લોકો વાઇરસથી સંક્રમિત થયા છે. મૃત્યુના આંકડા ઊંઘ હરામ કરી નાખે છે. રોજિંદું જીવન ડહોળાઈ ગયું છે. શિક્ષણસંસ્થાઓ બંધ છે. હૉસ્પિટલોમાં બીમારોનો ધસારો છે. સામાજિક મુલાકાતો બંધ છે, રમત અને મનોરંજનનાં સ્થળો પર પ્રતિબંધ છે. ઉત્સવોની ઉજવણી અને પ્રવાસ પર ચોકડી મુકાઈ છે.

clip_image002

એવી જ પરિસ્થિતિ કામૂએ તોંતેર વર્ષ પહેલાં પ્રકાશિત નવલકથા ‘ધ પ્લેગ’માં નિરૂપી છે. ફ્રાંસના તાબા હેઠળના અલ્જેરિયા દેશના ઓરાન શહેરમાં પ્લેગ ફાટી નીકળે છે. શરૂઆતમાં ઉંદરો વિચિત્ર રીતે મરવાની ઘટનાઓ બને છે. હજારોની સંખ્યામાં ઉંદરો મર્યા પછી તે પ્રક્રિયા બંધ થઈ જાય છે, પરંતુ ત્યાર પછી લોકો પણ ઉંદરોની જેમ મરવા લાગે છે. નગરના ફિઝિશિયન ડૉ. રિયુક્સ અને એના સાથીદાર ડૉ. કેસ્ટેલને આ લક્ષણો પ્લેગનાં લાગે છે. તેઓ અધિકારીઓને મહામારીની સંભાવનાથી ચેતવે છે, પરંતુ તેઓ એમની ચેતવણીને ગંભીરતાથી લેતા નથી. લોકોના મૃત્યુનો આંક વધે છે પછી જ અધિકારીઓ પગલાં લેવાનું શરૂ કરે છે.

નગરના દરવાજા બંધ કરવામાં આવે છે. શહેરમાંથી બહાર જવા પર અને અંદર પ્રવેશવા પર કડક પ્રતિબંધ મુકાય છે. વાહનવ્યવહારનાં સાધનો પર રોક લાગે છે. બધા જ પ્રકારની મેઇલ સર્વિસ બંધ કરવામાં આવે છે. ટેલિફોનના ઉપયોગ પર કડક કાપ મુકાય છે. નગરના લોકો બીજા શહેરોમાં વસતાં પરિવારજનો અને મિત્રો સાથે સંપર્ક કરી શકતા નથી. ક્વોરન્ટાઇનને લીધે રોજિંદી જીવનપ્રવૃત્તિ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જાય છે. મૃતદેહોની અંતિમવિધિ ઉતાવળથી ધાર્મિક વિધિ વિના કરવી પડે છે. એથી લોકોમાં વિરોધ, હતાશા અને ફ્રસ્ટ્રેશન જન્મે છે. કેટલાક લોકો કાયદાનો ભંગ કરી શહેરમાંથી નાસવાનો પ્રયત્ન કરે છે. તેઓ લાંચરુશવત આપતાં કે ગુનાહિત તત્ત્વોની મદદ લેતાં ખચકાતા નથી. હિંસા અને લૂટફાટના છૂટાછવાયા બનાવો બનવા લાગે છે. પરિસ્થિતિ વધારે વકરતી રોકવા અધિકારીઓ માર્શલ લો લાગુ પાડે છે અને કરફ્યૂ લાદે છે.

આવા સંજોગોમાં લોકોમાં રહેલી સદ્ અને અસદ્ બેઉ પ્રકારની વૃત્તિ બહાર આવે તે સ્વાભાવિક છે. ડૉ. રિયુક્સ અને ડૉ. કેસ્ટેલ જેવા ડૉક્ટર અને તબીબી ક્ષેત્રના લોકો નિ:સ્વાર્થભાવે, સેવાવૃત્તિથી પ્રેરાઈને જાનના જોખમે પ્લેગ સામે ઝઝૂમે છે. ડૉ. રિયુક્સની બીમાર પત્ની બીજા શહેરમાં છે, છતાં એ એની પાસે જતા નથી. પત્ની એમની ગેરહાજરીમાં જ મૃત્યુ પામે છે. એવાં દૃષ્ટાંતોની સાથે કેટલાક લોકો પ્લેગના સાર્વત્રિક અને સાર્વજનિક ભયની સામે એમની અંગત સમસ્યાઓને પ્રાધાન્ય આપી નગરની કિલ્લેબંધીથી નારાજ રહે છે. તેઓ સ્વાર્થપ્રેરિત પ્રવૃત્તિઓ કરતાં ખચકાતા નથી. નગરજનો અકલ્પ્ય પરિસ્થિતિનો શિસ્તબદ્ધ સ્વીકાર કરવા તૈયાર નથી. પ્લેગની મહામારીનાં ભયાનક પરિણામો સામે આવે છે ત્યાર પછી એમાંના ઘણા નકારાત્મક અભિગમ છોડી સેવાપ્રવૃત્તિમાં જોડાય છે. પેનેલોક્ષ નામના પાદરી પ્લેગની મહામારી સાથે ધર્મને જોડે છે. એ કહે છે કે નગરના લોકોમાં વધેલા પાપાચારને કારણે ઇશ્ર્વરે પ્લેગની સજા આપી છે. ખૂબ ઝડપથી ફેલાયેલો પ્લેગ બહુ જ ધીમી ગતિએ કાબૂમાં આવવાની શરૂઆત થાય છે. સબસલામત જેવી સ્થિતિ ઊભી થાય છે પછી નગરના દરવાજા ખોલવામાં આવે છે. લોકો રાહત અનુભવે છે અને ઉજવણી કરે છે.

આ નવલકથામાં પ્લેગ મહામારીના સમયે લોકોના ચારિત્ર્ય અને માનવવલણનાં સામૂહિક અને વ્યક્તિગત લક્ષણો પ્રગટ થયાં છે. સમૂહના દુ:ખમાં વ્યક્તિની અંગત પીડાનું મહત્ત્વ નથી તે વાત પણ સમજાય છે. અભ્યાસીઓએ મહામારીની ભયાનક પરિસ્થિતિના સીધા આલેખન સિવાય બીજા દૃષ્ટિકોણથી પણ ‘પ્લેગ’ નવલકથાનું અર્થઘટન કર્યું છે. આ નવલકથાને તે સમયે પ્રચલિત અસ્તિત્વવાદી વિચારધારા સાથે જોડવામાં આવી, પરંતુ તેના સર્જક આલ્બર કામૂ એની સાથે સંમત નહોતા. ‘ધ પ્લેગ’ નવલકથા મહામારીના સમયે કેટલાક લોકોની સાહસિકતા, નિ:સ્વાર્થ વલણ અને સેવાભાવનાની પડછે પ્રજાની સ્વાર્થવૃત્તિ અને બાયલાપણાને સપાટી પર લાવે છે. અત્યારના વાંચકો એ બધું જ કોરોનાની વાસ્તવિકતા સાથે જોડી રહ્યા છે. નવલકથાના અંતે લાંબી લડત પછી પ્લેગ કાબૂમાં આવ્યો તે બાબત વર્તમાનમાં આપણને આશ્ર્વાસન આપે છે કે દુનિયા કોરોનાના સકંજામાંથી પણ મુક્ત થશે. આ સમય આશા ગુમાવવાનો નથી, સાથે મળી વિકટ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરવાનો છે.

***

દિવ્યભાસકર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં ૫-૪-૨૦૨૦ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com


સંપાદકીય નોંધ: અહીં દર્શાવેલ તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશિધાકર મૂળ રચયિતાને સ્વાધીન છે.

Author: admin

1 thought on “મંજૂ ષા – 33 : કોરોના અને કામુની નવલકથા ‘ધ પ્લેગ’

  1. સામ્પ્રત સમસ્યાને આનુષંગિક સરસ ફ્લેશ બેક
    ૧૮૯૭ માં War of the worlds – H G Wells માં પણ જુદી રીતે આની કલ્પના હતી.
    ૧૯૯૫ માં બનેલ આ વિડિયો કાલે જોયો – જાણે કે, કોરોનાની જ વાત !

    https://en.wikipedia.org/wiki/Outbreak_(film)

Leave a Reply

Your email address will not be published.