પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૩૮

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,

કુશળ હશે, છે ને?

આજે કો-ઈન્સિડન્ટની વાત કરું તે પહેલા હમણા જે ગીત સાંભળું છું તેની વાત કરું.

ફરીદા ખાનૂમનું ‘આજ જાને કી ઝીદ ના કરો…

એ સાંભળ્યા પછી મન તરબતર થઈ જાય. અંતરને તળીયેથી ગાવાની કળા દ્વારા અંદરથી ઉઠતી વેદનાને જે રીતે ઠાલવી છે…કોઈ શબ્દો નથી મારી પાસે!…જાન જાતી હૈ જબ ઉઠકે જાતે હો તુમ….એ જ ગીત અરીજીત સીંગે પણ ગાયું છે. ખૂબ સરસ રીતે ગાયું હોવા છતાં વેદના શ્રોતાનાં દિલમાં પહોંચતી નથી.

મારે આજે આ પત્ર લખવો જ હતો એટલે થયું કોઈ મૂડ પહેલા બનાવું પછી લખું, અને આ ગીત સાંભળ્યું. ચાલ હવે કો-ઈન્સીડન્ટની વાત કરું. ટેલીપથીનો તાર કેવો અદ્ભૂત છે?!!  તારો પત્ર આવ્યો તે જ દિવસે સવારથી મનમાં એક વાત ઘૂમરાતી હતી અને તે એ કે મારી નવલકથા ‘કેડી ઝંખે ચરણ’નું એક એક પ્રકરણ મારા બ્લોગ ઉપર મૂકતી જાઉં તો દરેક ચેપ્ટર પછી ચર્ચા કરવાનો અવકાશ રહે. કારણ આખી નવલકથાની પાર્શ્વભૂમિ યુ.કે.ની છે અને પરદેશમાં રહેતાં લોકો એની સાથે ‘રીલેટ’ કરી શકે અને ભારતમાં રહેતાં લોકોને અહીંની જીવન પધ્ધતિ, ‘સોશ્યલ સિસ્ટમ’ વિગેરેની જાણકારી મળે. અને…ત્યાં તો એનો ઉલ્લેખ તારા પત્રમાં !! વાહ.. ‘ટેલીપથી’ થાય છે’ ની વાતને ટેકો મળ્યો.

ગુલઝારજીની જેમ ગણ્યાગાંઠ્યા એવા કવિઓ, લેખકો, ગાયકો અને અભિનેતાઓ છે; જે તેં કહ્યું તેમ મનને ઝંકૃત કરી જાય, મનને એટલું તો સભર કરી જાય કે સાંભળ્યા પછી, કે વાંચ્યા પછી અથવા જોયા પછી બીજું કંઈજ બોલવા, જોવા કે સાંભળવાનું મન ન થાય. મનમાં એના પડઘા  પડયા કરે. એવું જ મને કાલે રાત્રે એક ફિલ્મ જોઈને થયું. મારા એક મિત્ર છે. પોતે વૉરા છે, ફાતિમા એમનું નામ. આંખે લગભગ ૮૦ ટકા દેખાતું નથી છતાં વેદો, ઉપનિષદોથી લઈને અંગ્રેજીનું ઉમદા સાહિત્ય તો વાંચ્યું જ છે પરંતુ સાથે સાથે શ્રેષ્ઠ સાંભળવાનો પણ શોખ છે. અમે વચ્ચેના ગાળામાં જે આર્ટ ફિલ્મો આવી ગઈ તેની વાત કરતાં હતાં અને તેમણે મને ‘સ્પર્શ’ ફિલ્મ વિષે પૂછ્યું. એ જોયાને વર્ષો થઈ ગયા હતાં એટલે કાલે રાત્રે એ ફિલ્મ ‘યુટ્યુબ’ ઉપર જોઈ….અને દેવી… વાર્તામાં અંધ વ્યક્તિની વેદના અને એક સ્ત્રીનો પ્રેમ તો ખૂબ જ સ-રસ બતાવ્યો જ છે પરંતુ નાસિરુદ્દીન શાહ અને ઓમપુરીનો અંધ તરીકેનો અભિનય-સ્પીચલેસ કરી નાંખે છે. અંધશાળામાં જ ફિલ્મ ઉતારી અને સાચે જ અંધ બાળકો પાસે જે કામ લીધું છે અને તેમાં પણ સોને પે સુહાગા-શબાના આઝમી…..વાહ વાહ શબ્દ પણ નાનો લાગે! ઉદાસ કરી નાંખે એવી ફિલ્મ છે પરંતુ worth watching it!  જોકે બધી જ આર્ટ ફિલ્મો-ચક્ર, આક્રોશ, ગીધ, સારાંશ, મંડી, ભૂમિકા….કેટલાના નામ ગણાવું? દુઃખની વાત એ છે કે એ જમાનો હતો જ્યારે વાસ્તવિકતાને પડદા પર જોઈને લોકો છળી મરતાં હતાં એટલે પછી આવ્યો ફેન્ટસી વર્ડનો જમાનો. જો કે આર્ટ ફિલ્મનો દર્શક વર્ગ ખૂબ સીમિત હતો અને એટલે જ એવી ફિલ્મો ધીમે ધીમે બનતી અટકી ગઈ. બાકી નાસિરુદ્દીન, ઓમપુરી, કુલભૂષણ ખરબંદા, સ્મિતા પાટિલ, શબાના આઝમીની ટોળી ઉમદા અભિનય આપી ગઈ.

તેં કહ્યું તેમ મોટાભાગની ફિલ્મોના ભારેલા અગ્નિ જેવાં સંદેશાઓ સમાજ ઉપાડતો નથી. કારણ એ silent- બોલ્યા વગર અપાઈ છે. બધીર અને અંધ હોવાનો ચાળો કરતાં સમાજને સમજવું જ નથી કારણ ઢાળ ઉતરવો સહેલો છે, દેવી, ઢાળ ચઢવાની મહેનત કોણ કરે? અનુકરણ, આછકલાઈ અને ઘોઘાંટના ત્રિવેણી સંગમમાં સ્નાન કરતો સમાજ રોકાય તો સારું. પણ કઈ રીતે અને ક્યારે ખબર નથી. આગળ મેં જણાવ્યં હતું તેમ કેટલાય એવા લોકો છે જેઓએ અપરંપાર મહેનત કરી છે, આજે ય કરે છે અને દરેક જમાને એવા લોકો ઉભા થતાં જ રહેશે જે જહેમત કરતાં રહેશે. સૂતા લોકોમાં જાગૃતિ લાવવી સહેલી છે પરંતુ જાગતાં (આંખો જેમની ખુલ્લી માત્ર છે) તેમને જગાડવા મુશ્કેલ છે-પરંતુ અશક્ય તો નથી જ.

ચાલ હવે ફિલ્મોની ‘રામાયણ’ પૂરી કરું!

આવતે અઠવાડિયે અમારે ત્યાં લેસ્ટરમાં યુ.એસ.થી પ્રિતીબેન સેનગુપ્તા આવે છે એમના થોડા કાર્યક્રમો ગોઠવ્યા છે એટલે એમની સાથે થોડી બિઝી થઈ જઈશ. વિશ્વભરમાં એકલા ઘૂમવા માટે જીજ્ઞાસા, હિંમત અને આત્મવિશ્વાસ જોઈએ. બાકી એકલા એકલા રેસ્ટોરંટમાં કૉફી પીવાનો ય જેને સંકોચ થતો હોય તેમને માટે સાચે જ પ્રીતિબેન પ્રેરણારૂપ બની રહેશે.

તેં જે વાત પુનરાવર્તિત કરી છે તેની ચર્ચા જરુરી છે જ. ભાષા વિષે ફાધર વાલેસે કે જે પરદેશી છે તેમણે પણ કહ્યું છે કે ભાષાની સાથે સંસ્કૃતિ પણ અલોપ થશે. માત્ર ગુજરાતીમાં જ બોલવું કે અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલવું કે અંગ્રેજીને પ્રાધાન્ય આપવું એ બધું સમય, સ્થળ અને વાતાવરણને ધ્યાનમાં લઈને થવું જોઈએ. ગુજરાતમાં જ ગુજરાતી સાથે ગુજરાતીમાં જ બોલાવું જોઈએ પરંતુ તેમાં અંગ્રેજી શબ્દો આવે તેનો વાંધો ન હોવો જોઈએ, તે જ રીતે ભારત બહાર જે દેશમાં રહેતા હોઈએ ત્યાં કોની સાથે વાત કરીએ છીએ તેની ઉપર આધાર છે. દુબાઈમાં રહેતા માણસે સ્થાનિક ભાષા શીખવી જ જોઈએ એ જ રીતે અમેરિકા, ઈંગ્લેંડ અને બધે જ લાગુ પડે છે. મૂળવાત એ છે દેવી, કે વિવેકબુધ્ધિ વગર જીવતા સમાજે પોતે આ વિષે વિચારવાની જરુર છે.હું મારી દીકરીઓને હંમેશા કહેતી કે ક્યાં કયા પ્રકારનો પોષાક પહેરવો તેનો વિવેક શીખવો પડે. એ વિવેક આવ્યા પછી ક્યારેય એમને ટોકવા પડે નહીં.

પત્ર રસ ખોઈ બેસે તે પહેલાં હવે વિરમું, વિરમુંને?

નીનાની સ્નેહયાદ


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Author: admin

1 thought on “પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૩૮

  1. ગુજરાતી ભાષા સંરક્ષણ માટે ગુજરાત રાજ્યની અને દરેક સ્કૂલની વેબસાઈટ પર તથા દરેક ગુજરાતીના કમ્પ્યુટર પર આ ત્રણ સાધનો ઉપલબ્ધ હોવા જરૂરી છે.
    1-Google translate to translate all languages in Gujarati and English
    2-http://readmylanguage.com/readmylanguage/regional_reader.php / to read all Indian languages mainly Hindi in Gujarati script
    3-https://keyman.com/keyboards?q=itrans&x=0&y=0 / To type anywhere on the web in Gujarati
    આ ત્રણ સાધનો દ્વારા યુટ્યુબ પરના કોઈપણ વિડિઓ ટાઇટલ્સ અને કોમેન્ટો ગુજરાતી અને અંગ્રેજીમાં વાંચીને પ્રતિભાવો પણ આપી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.