સાયન્સ ફેર : ભવિષ્યના સ્કાયસ્ક્રેપર્સ લાકડામાંથી બનેલા હશે!

જ્વલંત નાયક

શહેરની પ્રાથમિક ઓળખ એના મકાનોથી હોય છે. તમે જ્યારે કોઈ નવા શહેરનું મુલાકાત લો ત્યારે શહેરમાં પ્રવેશ કર્યાના એકાદ કલાકમાં જ એ શહેર વિષે તમારા મનમાં એક ધારણા બંધાઈ જતી હોય છે. લોકો, પહેરવેશ, સંસ્કૃતિ જેવી બાબતો પછીથી આવે, પણ શહેરની જે પ્રથમ છાપ તમારા સબ-કોન્શિયસ માઈન્ડમાં ઝીલાઈ જાય, એના માટે એ શહેરના બિલ્ડીંગ્સ જવાબદાર હોય છે. દાખલા તરીકે તમે મુંબઈ જેવા મહાનગરમાં પ્રવેશો ત્યારે લોકોના ચહેરા કે પહેરવેશ પરથી તમને ખ્યાલ ન આવે, પરંતુ ગગનચુમ્બી ઈમારતો જોઈને શહેર પરખાઈ જાય! સો મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, જે શહેરની બિલ્ડીંગ્સ વધુ આકર્ષક દેખાતી હોય, એ શહેરની સુંદર છાપ તમારા મગજમાં અંકિત થઇ જતી હોય છે. આજે દરેક મહાનગરોમાં ઠેર ઠેર તમને જુદા જુદા અનેક એલીવેશન્સ અને આકાર વૈવિધ્ય ધરાવતા બિલ્ડીંગ્સ જોવા મળે છે. કોઈ પણ મહાનગરની સ્કાયલાઈન નિહાળીએ તો એમાં અનેક આકાર-પ્રકારની ગગનચુંબી ઈમારતો અચૂક દેખાશે. આજથી સાત-આઠ દાયકાઓ પહેલા એક હદ કરતાં ઊંચા મકાનો ભાગ્યે જ બનતા. પણ આજે રીયલ એસ્ટેટમાં જે બદલાવ જોવા મળે છે, એ ‘કોન્ક્રીટ’ને આભારી છે.

સાદી ભાષામાં કહીએ તો સિમેન્ટ, પાણી, રેતી અને કપચીને પ્રમાણસર ભેગા કરીને જે મટીરિયલ બનાવવામાં આવે એ કોન્ક્રીટ. કોન્ક્રીટ બિલ્ડીંગને મજબૂતી આપે છે. કોન્ક્રીટના ગુણધર્મોને કારણે બિલ્ડીંગ ડિઝાઈનર્સ માટે કોન્ક્રીટ પ્રથમ પસંદગી બની રહ્યું છે. પરંતુ જેમ જેમ પર્યાવરણ વિષે જાગૃતિ આવતી જાય છે તેમ તેમ કોન્ક્રીટ સામે પ્રશ્નો ઉભા થતા જાય છે. વૈજ્ઞાનિકો દ્રઢપણે માને છે કે ખાસ કરીને શહેરી વિસ્તારોની હવામાં જે પ્રદૂષણ છે, એમાં રાક્ષસી કદના કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સનો ફાળો બહુ મોટો છે! પણ તો પછી કરવું શું? વધતી વસ્તીને પ્રતાપે ઊંચા બિલ્ડીંગ્સ બાંધ્યા વિના તો છૂટકો જ નથી ને! પહેલા આપણે પથ્થર અને લાકડાના મકાનોમાં રહેતા. પણ એ પ્રકારની બાંધણીની મર્યાદા એ હતી કે એમાં ગગનચુમ્બી મકાનો – સ્કાયસ્ક્રેપર્સ બાંધવા લગભગ અશક્ય હતા. જો કે હાલમાં બિલ્ડીંગ ડિઝાઈન ક્ષેત્રે જે પવન ધીમે ધીમે ફૂંકાવા માંડ્યો છે, એ જોતા લાગે છે કે નજીકના ભવિષ્યમાં આપણે ફરી લાકડાના મકાનો અપનાવી લઈશું. અને હા, ટેકનોલોજીની મદદ વડે વુડન સ્કાયસ્ક્રેપર્સ પણ બાંધી શકાશે.

પર્યાવરણ વિષે સભાન હોય એવા આર્કિટેક્ટસ્ હવે Lumber – એટલે સાદી ભાષામાં જેને ‘લાટી’ કહીએ છીએ એ – નો ઉપયોગ કરવા તરફ વળ્યા છે. આ એક ખાસ પ્રોસેસ દ્વારા તૈયાર થતું ‘એન્જીનીયર્ડ વુડ’ હોય છે, જેનો ઉપયોગ ગંજાવર સ્ટ્રક્ચર્સ બનાવવા માટે કરી શકાય છે. કેનેડાના વાનકુંવર શહેરની પ્રખ્યાત બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સીટી પોતાના વિદ્યાર્થીઓને રહેવા માટે અઢાર માળનું મકાન બનાવવા માંગતી હતી. ઇસ ૨૦૧૫માં આ બિલ્ડીંગનું બાંધકામ શરુ થયું અને આયોજન મુજબ ૨૦૧૭ સુધીમાં કામ પૂરું કરવાનું હતું. આ બિલ્ડીંગની ખાસિયત એ હતી કે એમાં કોન્ક્રીટને બદલે માસ વુડ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરાયો. પરિણામ એ આવ્યું કે ૫૩ મીટર (૧૭૪ ફીટ) ઊંચું આ બિલ્ડીંગ ધારણા કરતા ચારેક મહિના વહેલું પૂરું થયું. હા, આ મકાનનો પાયો બનાવવા માટે કોન્ક્રીટ બેઇઝ વપરાતો છે, પણ સ્ટ્રકચરલ મેમ્બર્સ તરીકે લાકડાનો જ ઉપયોગ કરાયો છે. વાનકુંવરમાં બનેલા આ વુડન ટાવરનો ચેપ હવે ઝડપથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સીટીના આર્કિટેક્ચર ડીપાર્ટમેન્ટ દ્વારા પણ અધધ કહેવાય એટલા એંસી માળના વુડન સ્કાયસ્ક્રેપરની ડિઝાઈન રજૂ કરવામાં આવી છે! રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલ મલ્ટીનેશનલ કંપનીઝ અને મોટા ગજાના આર્કિટેક્ટસ્ પણ હવે ધીમે ધીમે વુડન સ્ટ્રક્ચર તરફ આકર્ષાઈ રહ્યા છે. દાખલા તરીકે, શિકાગોનો પ્રખ્યાત સીઅર્સ ટાવર બાંધનાર મલ્ટીનેશનલ કંપની હવે બેતાલીસ માળનો વુડન ટાવર બનાવવા જઈ રહી છે.

clip_image002

વાનકુંવર શહેર તરફ પાછા ફરીએ તો અહીના આર્કિટેક્ટ માઈકલ ગ્રીન બિલ્ડીંગ કંસ્ટ્રક્શનમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવાના હિમાયતી છે. ગ્રીને પેરીસ શહેરમાં ૩૫ માલનું વુડન સ્કાયસ્ક્રેપર બનાવવા માટે દરખાસ્ત મૂકી છે. વુડન સ્ટ્રક્ચર વિશેના પોતાના વિચારો રજૂ કરવા માટે ગ્રીન વિખ્યાત શો ‘ટેડ ટોક્સ’માં પણ જઈ આવ્યા છે. માઈકલ ગ્રીન કહે છે કે સ્ટીલ અને કોન્ક્રીટ સ્ટ્રક્ચરની સરખામણીએ લાકડું બહુ ઓછું પ્રદુષણ ફેલાવે છે. કોન્ક્રીટ સ્ટ્રક્ચર કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુઓને વાતાવરણમાં તરતા રાખે છે, પરિણામે હવા મોટે પાયે પ્રદૂષિત થાય છે. જ્યારે લાકડાની બિલ્ડીંગ્સમાં આવું થતું નથી. કારણકે એક ક્યુબિક મીટર જેટલું લાકડું આશરે એકાદ ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવાની ક્ષમતા ધરાવે છે! ઉપરાંત બિલ્ડીંગ સ્ટ્રક્ચરમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે તો વજનના પ્રમાણમાં મળતી સ્ટ્રેન્થનો રેશિયો બહુ ઉંચો રહે છે. અર્થાત, ચોક્કસ માત્રામાં સ્ટ્રેન્થ મેળવવા માટે જેટલું કોન્ક્રીટ વાપરવું પડે, એટલી જ સ્ટ્રેન્થ ઓછા પ્રમાણમાં લાકડું વાપરીને ય મેળવી શકાય છે. વળી લાકડાનું ઉત્પાદન કોઈ રો-મટીરિયલમાંથી નથી થતું, બલકે એ સંપૂર્ણપણે સૂર્યપ્રકાશ આધારિત પ્રોડક્ટ છે. માત્ર લાકડાની હેર-ફેર કરવા માટે જ ઉર્જા-ઈંધણનો વપરાશ કરવો પડે, એ સિવાય બીજું કોઈ પ્રદૂષણ નહિ! વળી લાકડાના ઉપયોગને કારણે કંસ્ટ્રક્શન પ્રોજેક્ટની ડેડલાઈન ટૂંકાવી શકાય છે. ઉપરાંત, કોન્ક્રીટની સરખામણીએ લાકડાનું કટિંગ વધુ ચીવટાઈથી થઇ શકે છે. આથી ડિઝાઈનમાં ચોકસાઈનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. વળી, લાકડાના બિલ્ડીંગનું વજન (સેલ્ફ લોડ) કોન્ક્રીટની સરખામણીએ માત્ર છઠ્ઠા ભાગ જેટલું જ હશે! અને સ્પેશિયલ ટ્રીટમેન્ટ દ્વારા લાકડાને ફાયરપ્રૂફ પણ બનાવી શકાશે!

આ બધું જોતા લાગે છે કે ભવિષ્યના સ્કાયસ્ક્રેપર્સ ચોક્કસપણે લાકડામાંથી બનેલા હશે! ધ્યાન માત્ર એક જ બાબતે રાખવાનું છે, કે જંગલો કાપવાનું બંધ કરીએ અને વધુમાં વધુ વૃક્ષો ઉગાડીએ !


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરો નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.

Author: admin

1 thought on “સાયન્સ ફેર : ભવિષ્યના સ્કાયસ્ક્રેપર્સ લાકડામાંથી બનેલા હશે!

Leave a Reply

Your email address will not be published.