ચેલેન્‍જ.edu : વર્ગખંડના કેમેરા આર્શીવાદ કે અભિશાપ?

રણછોડ શાહ

આધુનિક યુગ સુવિધાઓસભર છે. ભૌતિક સંપત્તિએ ભૌતિક સાધનોમાં અનહદ વધારો કર્યો છે. છેલ્લાં બસો વર્ષમાં ઔદ્યોગિક ક્રાંતિની હરણફાળે માનવજીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આદિમાનવ આજે અતિ સમૃદ્ધ બન્યો છે. ખાસ કરીને સુખ અને સમૃદ્ધિના ક્ષેત્રે કાળા માથાના માનવીએ અદ્‌ભુત પ્રગતિ કરી છે. અકલ્પ્ય સાધનોથી માનવીની જિંદગી સુવિધાસભર બની છે. રેડિયો, ટેપરેકોર્ડર, ટી.વી., મોબાઈલ, કોમ્પ્યૂટર, કેમેરા વગેરેની યાદી લાંબી જ બનતી જાય છે. આજથી લગભગ ૬૦ વર્ષ પહેલા વાલ્વવાળો રેડિયો આવ્યો ત્યારે સૌ ખુશખુશાલ બનેલ અને તે જૂનો બને તે પહેલાં તો ટેપરેકોર્ડર આપણા જીવનમાં પ્રવેશી ચૂકયું હતું. આ ક્રાંતિ એટલી ઝડપી છે કે આપણે શું પકડીએ અને શું છોડીએ તે સમજાતું નથી ! આજે જે મોબાઈલ ખરીદીએ છીએ તે માત્ર ત્રણ માસમાં જૂનો થઈ જાય છે. નવી નવી એપ્લિકેશન સાથેનો સસ્તો મોબાઈલ અનેક હાથોમાં આપણને નજરે પડે છે.

આવી જ એક શોધ સી.સી.ટી.વી. કેમેરાની થઈ છે. પ્રત્યેક શોધ નવી હોય ત્યારે ખૂબ ગમે. સૌ તેને હૃદયપૂર્વક આવકારે પછી તેના ઉપર સંવાદ અને વિસંવાદ થાય. મોબાઈલ વિદ્યાર્થીઓએ વાપરવો યોગ્ય છે કે કેમ? તેની ચર્ચા લગભગ ચાર પાંચ વર્ષ ચાલી. કોઈકે કહ્યું કે તે ઉપયોગી શૈક્ષણિક સાધન છે, તો કોઈકને વર્ગખંડમાં અને સંસ્થાની શિસ્તને ખલેલ પહોંચાડતું લાગ્યું. તેની તરફેણમાં અને વિરૂદ્ધમાં અનેક દલીલો થઈ. શિક્ષણ સાથે જોડાયેલા અને નહીં જોડાયેલા સૌએ તેના ગુણદોષની વિગતે ચર્ચા કરી. પરંતુ છેવટે આજે કોલેજના પ્રત્યેક વિદ્યાર્થી પાસે મોબાઈલ છે તે હકીકત બની ગઈ છે. મોબાઈલ આવશ્યક છે તેમ સમજી પોતાના સંતાનો મોબાઈલ વિનાના રહી ન જાય તેની દરેક વાલીએ કાળજી લીધી છે. બહુ જ ઓછી વ્યકિતઓ પ્રગતિ અને અધોગતિ વચ્ચેનો તફાવત સમજી શકે છે.

clip_image002

સી.સી.ટી.વી. કેમેરાની શોધે ઘણા નવા પરિણામો વિકસાવ્યા છે. કેમેરાની મદદથી પ્રથમ દર્શનીય પૂરાવો એકત્રિત કરી શકાય છે. ખાસ કરીને ગુનાઓની દુનિયામાં આ શોધખોળને કારણે ક્રાંતિ આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુનાખોરીનું પ્રમાણ હદ વટાવી ગયું છે ત્યારે આ શોધ ગુના શોધવામાં આશીર્વાદરૂપ બની છે. આતંકવાદીઓને પકડવામાં સી.સી.ટી.વી. કેમેરા એક અનન્ય સાધન પૂરવાર બની ચૂકયા છે. સી.આઈ.ડી. અને પોલીસ વિભાગમાં તો આ સાધન નવી ક્રાંતિ લાવી ચૂકયું છે.

પરંતુ જેમ પ્રત્યેક સાધનોનો ઉપયોગ તેમ દુરુપયોગ પણ હોય જ. છેલ્લા થોડાક વર્ષોથી શાળાઓમાં કેમેરા પ્રવેશી ચૂકયા છે. શાળાઓમાં આ સાધન કેટલું ઉપયોગી છે? તેની ચર્ચા વિના કેટલીક શાળાઓએ પોતાના વર્ગખંડોમાં તે ગોઠવી દીધા છે. ખાસ કરીને વિક્રેતાઓ જેમ સમજાવે તેમ કેટલાક શાળા સંચાલકો સમજે છે. કેટલાક લોકોની વિચારસરણી જ નકારાત્મક હોય છે. ‘શિક્ષક કામચોર છે. વર્ગખંડમાં નિયમિત જતા નથી અને બરાબર ભણાવતા નથી’ની મનોદશા સાથે શિક્ષકો સાથે કામ લે છે. તેમને માટે આ એક પૂરાવારૂપ બની જાય છે. કેમેરાની મદદથી ઉતારેલી કડીઓ શિક્ષકને બતાવીને તેને ગભરાવવામાં અને બીવડાવવામાં આવે છે.

એક શાળામાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ. શિક્ષક વર્ગખંડમાં વિજ્ઞાનનો વિષય શીખવતા હતા. તેમનો વિષય હતો પ્રજનન તંત્ર. શાળામાં સહશિક્ષણ હતું. આમ પણ આપણે ત્યાં જાતીય શિક્ષણને એક પ્રકારના ‘ટેબુ’થી જોવામાં આવે છે. આપણા દંભી સમાજમાં આ જીવનનો એક ભાગ છે તેમ સમજાવવાને બદલે આ ‘ખાનગી’ હોવાની છાપ સર્વત્ર છે. વર્ગમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હોવાથી શિક્ષક સ્પષ્ટપણે બોલી શકવા જોઈએ તેટલા છૂટથી બોલી શકતા નથી. વિષયને સમજાવતાં કયારેક વિદ્યાર્થીઓ તરફ તો કયારેક વિદ્યાર્થીનીઓ તરફ જોઈને બોલતા અને વિષયને અનુરૂપ ઉદાહરણો આપતા, આકૃતિઓ દોરતા અને રંગીન ચોકથી આકૃતિ ઉપસાવી વિષયને વધારે રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. તાસ પૂર્ણ થયો. પ્રત્યેક શાળાનો સ્ટાફરૂમ વિવિધતાથી ભરેલો હોય છે. વિજ્ઞાનશિક્ષકના તાસ બાદ એક ડંખીલા શિક્ષક વર્ગમાં ગયા. વિદ્યાર્થીનીઓને ઉશ્કેરીને આચાર્યશ્રી પાસે મોકલી ‘આ વિષય શીખવતી વખતે સાહેબ વારંવાર અમારી સામે જ જોતા હતા, અયોગ્ય ઈશારા કરતા હતા’ જેવી વાતો મીઠું મરચું ભભરાવીને કરી. આચાર્યશ્રી સમજુ અને અનુભવી હતા. તેમણે વિદ્યાર્થીનીઓને જણાવ્યું કે તેઓ યોગ્ય તપાસ કરીને યોગ્ય નિર્ણય લેશે. આચાર્યશ્રીએ કેમેરાની મદદથી શિક્ષકે વર્ગખંડમાં જે શીખવ્યું હતું તે રીપ્લે કરીને ધ્યાનપૂર્વક જોયું. પોતે વિનયનના અનુસ્નાતક હતા તેથી વરિષ્ઠ વિજ્ઞાનશિક્ષકને સાથે બેસાડી વિગતે ચર્ચા કરી. સમગ્ર તાસ દરમિયાન આવું કાંઈ બન્યું હતું કે કેમ તેની ઝીણવટપૂર્વક ચર્ચા કરી. પરંતુ તેમને કાંઈ અયોગ્ય લાગ્યું નહીં.

વિદ્યાર્થીનીઓને બોલવી તેમને શું અજુગતું લાગ્યું હતું તેમ પૂછતાં વિદ્યાર્થીનીઓ ગૂંચવાઈ. આચાર્યશ્રીએ વિવેકબુદ્ધિ વાપરી તેમની પાસેથી જે વાત કઢાવવાની હતી તે જાણી લીધી. જે શિક્ષકે આ ઉશ્કેરણી કરી હતી તેનું નામ જાણી લીધું. થોડા દિવસ બાદ જે તે શિક્ષક સાથે ચર્ચા કરી શાળાનું વાતાવરણ ન બગડે તે માટે સૂચના આપી. સાધનનો યોગ્ય ઉપયોગ કર્યાનો સંતોષ પ્રાપ્ત કર્યો.

પરંતુ બધા આચાર્યો અને સંચાલકો આવો જ અભિગમ ધરાવતા હોઈ શકે નહીં. આ સંજોગોમાં વર્ગખંડના કેમેરા શિક્ષકોના સ્વાતંત્ર્ય ઉપર તરાપ સમા છે. ‘વર્ગ જ સ્વર્ગ’ માનનાર શિક્ષકો માટે આ શ્રાપરૂપ બનશે. A teacher is the king of his/her class. આ રાજાની સત્તા અને ફરજને એક કેમેરામાં કેદ કરવી કેટલે અંશે યોગ્ય છે તે વિશદ ચર્ચાનો વિષય છે. વર્ગખંડનો કેમેરો શિક્ષકની મૌલિક વિચારશકિતમાં નડતરરૂપ છે.

એક સમાજવિદ્યાના શિક્ષકશ્રી વર્ગમાં નાગરિકશાસ્ત્ર શીખવી રહ્યા હતા. વિધાનસભા અને લોકસભાની વિગતે ચર્ચા કરી રહ્યા હતા. તેઓ વર્તમાનને વર્ગમાં લાવવામાં માનતા હતા. એ સમયે જન લોકપાલ બીલ અંગે શ્રી અન્ના હજારે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા. શિક્ષકને વિચાર આવ્યો કે ટી.વી. ઉપરથી અન્નાની થોડીક કિલપિંગ પેન ડ્રાઈવમાં લઈ જઈ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને બતાવું. વિષયની તલસ્પર્શી માહિતી આપવાની ઈચ્છાથી ઉત્સાહી શિક્ષકે આ કાર્ય કર્યુ. કિલપિંગમાં શ્રી અન્ના રાજ્યસભાના અને લોકસભાના સભ્યોના ઘર પાસે ધરણાં કરવાનું ભાષણ આપી રહ્યા હતા. જન લોકપાલ બીલના સમર્થનમાં યુવાનોને ઉદ્દેશીને સભ્યોના ઘર પાસે જઈને દેખાવો કરવાનું જણાવતા હતા.

clip_image004

શાળાના ચેરમેનશ્રી આવું જ એક સભ્યપદ શોભાવી રહ્યા હતા. જોગાનુજોગ શહેરના વિદ્યાર્થીઓએ રાજ્યસભાના સભ્યશ્રીના ઘર પાસે જઈ દેખાવો કર્યો. આ શાળાના ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ ગણવેશમાં હોવાથી ચેરમેનશ્રીના ધ્યાન ઉપર સમાચાર જોતાંજોતાં આવી ગયા. તેમણે આચાર્યશ્રીને ફોન ઉપર પૂછયું. ગભરુ આચાર્યએ જણાવ્યું કે તેમણે વિદ્યાર્થીઓને આ પ્રમાણે કરવા કહ્યું નથી. વિદ્યાર્થી પાસેથી જાણવા મળ્યું કે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે આજે કોમ્પ્યુટર મારફત અન્નાનું પ્રવચન સંભળાવ્યું હતું. બસ, આ શિક્ષકનું આવી બન્યું. ‘શાળામાં રાજકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો છો’ તેવો બીજા દિવસે શિક્ષકને મેમો મળી ગયો. સી.સી.ટી.વી. કેમેરાનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે આચાર્યશ્રીએ સંચાલક મંડળ સાથે મળીને એક ઉત્સાહી શિક્ષકના ઉત્સાહ ઉપર પાણી ફેરવી દીધું. આ રીતે કોઈ પણ સાધનનો યોગ્ય ઉપયોગ થાય કે નહીં તે સાધન ઉપર નહીં, પરંતુ સાધનનો ઉપયોગ કરનાર વ્યકિત ઉપર છે. જો કેમેરાનો ઉપયોગ આતંકવાદીને શોધવાની જેમ જ વર્ગખંડમાં થવાનો હોય તો વર્ગખંડો જીવંત બનવાને બદલે ‘સ્વર્ગસ્થ’ બની જશે. શિક્ષક કેમેરાને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરશે તો શિક્ષણને ભયંકર નુકશાન થશે. શાળા સંચાલકો અને શિક્ષકોએ સાથે બેસીને આ વિષય ઉપર મનન અને ચિંતન કરવાની તાતી આવશ્યકતા છે.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે અને પ્રતીકાત્મક છે)

Author: admin

1 thought on “ચેલેન્‍જ.edu : વર્ગખંડના કેમેરા આર્શીવાદ કે અભિશાપ?

  1. ગુજરાતી ભાષા સંરક્ષણ માટે ગુજરાત રાજ્યની અને દરેક સ્કૂલની વેબસાઈટ પર તથા દરેક ગુજરાતીના કમ્પ્યુટર પર આ ત્રણ સાધનો ઉપલબ્ધ હોવા જરૂરી છે.
    1-Google translate to translate all languages in Gujarati and English
    2-http://readmylanguage.com/readmylanguage/regional_reader.php / to read all Indian languages mainly Hindi in Gujarati script
    3-https://keyman.com/keyboards?q=itrans&x=0&y=0 / To type anywhere on the web in Gujarati
    આ ત્રણ સાધનો દ્વારા યુટ્યુબ પરના કોઈપણ વિડિઓ ટાઇટલ્સ અને કોમેન્ટો ગુજરાતી અને અંગ્રેજીમાં વાંચીને પ્રતિભાવો પણ આપી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.